સમરાંગણ
ઝવેરચંદ મેઘાણી
‘જોરારનો’ →





સમરાંગણ




ઝવેરચંદ મેઘાણી





ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળ નાકા સામે • ગાંધી માર્ગ અમદાવાદ-૩૮૦૦૦૧



Samarāngan

a novel by Jhaverchand Meghāni
Amadavad : Gurjar Grantharatna Karyalay
Ed. 3: 1953, reprinted 2003
Price Rs. 95


: આવૃત્તિઓ :
પહેલી 1938, બીજી 1946, ત્રીજી 1953
પુનર્મુદ્રણ : 1978, 2003
પ્રત: 1250

પાનાં: 14 +246 =260


કિંમત રૂ. 95


: પ્રકાશક :
અમર ઠાકોરલાલ શાહ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ
અમદાવાદ 380 001


: કમ્પ્યૂટર અક્ષરાંકન :
અપૂર્વ આશર, ઈમેજ સિસ્ટમ્સ,
10 બીરવા રો હાઉસિસ, બોપલ, અમદાવાદ 380 058
ફોનઃ 373 5590. ઇ-મેલઃ apu@vsnl.com


 : મુદ્રક :
ભગવતી ઑફસેટ

15/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ 380 004














અર્પણ


પુત્ર મહેન્દ્રને








ક કલાસર્જક લેખે મેઘાણીની નવલકથાઓ પાછળ તેમની ચોક્કસ સમાજનિષ્ઠ અને ઊંડી નિસબત રહેલી છે. વ્યક્તિ અને સમાજજીવનના જે કોઈ પ્રશ્નો અને જે કોઈ પરિસ્થિતિઓ તેમણે આલેખ્યાં તેમાં તેમની અમુક સામાજિક, સાંસ્કૃતિક સંપ્રજ્ઞતા છતી થાય છે. જૂનીનવી પેઢીનાં માનવીઓના માનસભેદ અને તેમના મૂલ્યબોધનો સીધો વિનિયોગ તેમની પાત્રસૃષ્ટિમાં જોવા મળે છે. પરંપરાગત ગૃહજીવનની સંસ્કારિતાનું જે રીતે તેઓ મૂલ્ય સ્થાપવા ઝંખે છે તે ઘટનાનું આપણા સાહિત્યિક, સાંસ્કૃતિક જીવનમાં આગવું મહત્ત્વ છે. ગોવર્ધનરામની જેમ જ પણ સીમિત ફલક પર કુટુંબસંસ્થા અને તેનાં ધારકપોષક બળોની પ્રાણપ્રતિષ્ઠા કરવા તેઓ મથી રહ્યા છે અને સામાજિક, આર્થિક વિષમતાનો જ્યાં સુધી પ્રશ્ન છે, દલિતપીડિતોનાં શોષણ, અન્યાય અને જુલ્મનો પ્રશ્ન છે, મેઘાણીની નવલકથાઓ આપણા સંસ્કારજીવનમાં નોંધપાત્ર દસ્તાવેજ સમી બની રહેશે. ગરીબો, દલિતો અને પીડિતો પ્રત્યેની ઊંડી અનુકંપા અને કરુણાદૃષ્ટિ જે રીતે તેમણે એ કથાઓમાં પ્રગટ કરી તેનુંય મોટું મૂલ્ય છે. તળ ધરતીનાં માનવીઓનાં આંતરવહેણો આલેખવામાં મેઘાણી અનન્ય કોઠાસૂઝ દાખવે છે. સોરઠની ધરતી અને સોરઠના લોકજીવનની ધબક ઝીલવામાં તેમની પ્રતિભાનો વિશેષ રહ્યો છે અને એમાં જ તેમની ચિરંતન પ્રભાવકતા રહી છે.

પ્રમોદકુમાર પટેલ





નિવેદન

બારેક વર્ષ પરની મારી એક નોંધપોથીમાં ‘'ભૂચર મોરી’ એ મથાળા નીચે, નીચે મુજબની થોડીક નોંધ છે:

જેસા વજીરની વહુ: થાન લબડે: લુગડાં ધોવામાં અડચણ: પવર ખંભે નાખેલ: નાગડો ધાવે પાછળ ઊભો ઊભો:
જામ: જેસા ડાડા, હી જોરાર કીંજે ઘરજી હુંદી?
જેસો: અંજા ઘા થીંદા ઈ અગીઆં ન્યારજા.
[તૂટેલ આઉવાળી ભેંસ, ગાય ‘જોરાર’ – ઝોળાળ – જેનાં આઉને ઝોળ પડી ગયો હોય.]

તે પછી જુદા જુદા વાર્તાકાર ભાઈઓ પાસેથી આ કિસ્સો સાંભળેલો ને ‘ભૂચર મોરી’ના યુદ્ધમાં એ જ નાગડો વજીર કેવો દીપ્યો તે જાણેલું. એટલી જ વિગતવાળું એ પાત્ર મારા અંતરમાંથી બાર વર્ષો થયાં અળગું થઈ શક્યું નહોતું. એ અને બીજું પાત્ર અજો જામ, જેના વિશેના આ ત્રણ દુહાઓ પણ મારી ઉપર કહી તે નોંધપોથીમાં છે:

અજમલિયો અલંગે, લાયો લાખાહર ધણી,
દંતશૂળ પગ દે, અંબાડી હણિયા અહર.

એક લાખણશી લોય, ભોં બીજી વીહળ ભણાં,
નાઠા તણી ને કોય, હોરી શત્રશલ-રાઉત !

અજમલિયો ઓટ, કડેડ્યો કેરાના ધણી,
ભડ નો ખમે ભારોટ, સાંઠો શત્રશલ-રાઉત.

આ વેળા હું ભૂચર મોરીનું સ્થળ જોવા ગયો. જોતાં લાગણી ઘાટી થઈ. અને મેં તત્કાલીન ઇતિહાસનાં આટલાં પુસ્તકો મેળવીને વાંચ્યાં: ‘મિરાતે સિકંદરી’, ‘મિરાતે અહમદી', ભગવાનલાલ સંપતરામનો

 ‘સૌરાષ્ટ્ર દેશનો ઇતિહાસ’, કાઠિયાવાડ અને ગુજરાતના સર્વસંગ્રહ, ‘કચ્છનો ઇતિહાસ’, કૅપ્ટન બેલનો ‘હિસ્ટરી ઑફ કાઠિયાવાડ’, ‘વીભાવિલાસ’, ‘સોરઠી તવારીખ’. વાંચીને પછી તવારીખના ખોખામાં વાર્તા ઉતારી.

સતા જામ, જેસો વજીર, અજો જામ, નાગડો વજીર, ઇતમાદખાન, લોમો ખુમાણ, દૌલતખાન, નહનૂ મુઝફ્‌ફર, રજપૂત ભૂચર મોરી – એ બધી ઐતિહાસિક વ્યક્તિઓ છે. મુઝફ્‌ફર તો સંપૂર્ણ ઐતિહાસિક.

નાગડા વજીરની બાલ્યાવસ્થા અને મૃત્યુ વચ્ચેનો કલ્પના-સંભાર મેં ભર્યો છે. નાગડા જોગીઓની એક હજારની જમાત ‘ભૂચર મોરી’ના યુદ્ધમાં લડીને મરી છે એ ઇતિહાસમાન્ય હકીકત છે.

નાગડા વજીરનો દુહો પણ મારાં ટાંચણમાંથી જડ્યો છે:

જોયો જોમાણા તને કાબલિયે ઊંચો કરી
નાગડા ! ભીમકના ! તારું ધડ પાડિયું આવટ-ધડે.

વજીર અને વજીરાણીના સંસારનું આલેખન એ મારી કલ્પના છે. રાજુલ અને સરાણિયણ બાઈ પણ મારાં કલ્પના-સંતાનો.

લોમાની, દૌલતખાનની, તેમ જ રા’ ભારાની દગલબાજી ઇતિહાસમાં નોંધાયેલ છે. બેટ દ્વારકાના સવા કે સંગ્રામ વાઘેરનું સ્વાર્પણ ઇતિહાસભાખ્યું છે. સતા જામનું યુદ્ધમાંથી પલાયન ને અજા જામનું યુદ્ધ ગમન ઈતિહાસમાન્ય છે. સતા જામે પાછળથી મુગલો પાસેથી આવી સ્વમાનઘાતક શરતે નવાનગર પાછું મેળવ્યાનું ઇતિહાસમાં છે. નગરનું ઇસ્લામાબાદ બનવું એ પણ તવારીખમાં છે.

મુઝફ્‌ફરનો ધ્રોળને પાદર અસ્તરાથી આપઘાત એ તવારીખમાં છે.

‘વીભાવિલાસ’ નામનો નવાનગરના રાજકુલનો બિરદાઈ ગ્રંથ મેં જોયો છે. એ એક પ્રશસ્તિ-કાવ્ય છે. કાવ્યદૃષ્ટિએ આ કૃતિ અતિ ઊંચા પ્રકારની છે. પણ જામ સતાને ઊજળા ને ઊજળા જ બતાવનારી એમાંની લખાવટ દોષિત છે. અને ભૂચર મોરીના સંગ્રામમાં જામની જીત થઈ તથા કુંવર જસાજીને દિલ્હી તો કેવળ સમાધાન માટે મોકલ્યા એ તો

 રમૂજની અવધિ છે. મારું તારણ ઇતિહાસના આધારોવાળું છે. એક દોષ મેં કર્યો છે. દેદાઓની દગાથી કતલ જામ સતાએ નહિ પણ એના પિતા રાવળ જામે કરેલી.

‘જોરારનો’વાળો કિસ્સો ઇતિહાસમાં નોંધાયેલો નથી પણ કંઠસ્થ કથાસાહિત્યમાં પ્રચલિત હોઈ જુનો લાગે છે.

‘ભૂચર મોરી’નું યુદ્ધાલેખન કરતાં બે પ્રાચીન ચિત્રોની તસ્વીરો *[] મને પૂરી પાડનાર શ્રી પચાણજીભાઈ વારા (જામનગર)નો હું અત્યંત આભારી છું.

રાણપુર: 28-4-’38
ઝવેરચંદ મેઘાણી
 


[બીજી આવૃત્તિ]

આ આવૃત્તિમાં હકીકતનો કશો ફેરફાર કરવો પડયો નથી, પણ લખાવટમાં સારી પેઠે સમારકામ કર્યું છે.

બોટાદઃ 2-2-’46
ઝ૦ મે૦
 

તાજેતરમાં જ લખવા ધારેલી એક સોરઠી ઇતિહાસ-કથાના આધારો શોધવા હું રાજકોટના લેન્ગ પુસ્તકાલયમાં ગયો હતો...

જે ઐતિહાસિક નવલ હું દોરી રહ્યો છું તેનું ‘એપિક’ ઘટનાસ્થળ રાજકોટથી સોળ જ કોસને અંતરે પડેલું છે. સંવત 1648 [સન 1592] શ્રાવણ વદ સાતમ ને બુધવારનો એ યાદગાર બનાવ ધ્રોળના પાદરના એક સ્થળ પર અંકિત થયો છે. એ જો કેવળ સંહારભૂમિ હોત તો ઝાઝો રસ ન પડત. પણ ‘ભૂચર મોરી’નું એ પ્રેત-સ્થાન માનવતાના રંગમય સદ્-અસદ્ આવેશોની લીલાભૂમિ છે. એનો પહોળો ખોળો ખૂંદતી કલ્પના તત્કાલીન વાતાવરણ પકડી પાડે તેવા ત્યાં અવશેષો છે.

‘ભૂચર મોરી’નું રણમેદાન એટલે તો એકચક્રી અકબર-શાસનનો સૌરાષ્ટ્રમાં સહુ પહેલો પંજો ઝીલનાર સ્થાન. ત્યાં મેં કદી પૂર્વે ન દીઠેલી તેવી એક ખાંભી દીઠી. લાંબી શિલા પરનો એ અશ્વ હમણાં જાણે હાવળ દેશે તેવો બંકો: એની લગામના બારીક વળ પણ ચોખ્ખા છે. એનો અસ્વા૨ નગ્નદેહી છે. અણઢાંકી એ વૃદ્ધ કાયામાં ફાટફાટ[]

 તંદુરસ્તી અને કસરતી કૌવત છે. એના કંઠમાં માળા છે. એની કમ્મરમાં ફક્ત કટાર છે. એના હાથમાં તલવાર છે. એ છે એક ખાખી નાગડા બાવાની ખાંભી. નાગડાઓની પલટને એ યુદ્ધમાં રાજપૂત પક્ષે યુદ્ધ કર્યું હોવાની એ નિશાની છે.

અને અચરજ તો એ છે કે અસવારની માથે બે પક્ષીઓ સામસામાં ઘૂઘવતાં કંડારેલ છે. આ હિન્દુઓની સમાધિઓથી થોડે દૂર એક હજીરો છે. તેના પર સાત મુસ્લિમ કબરો છે.

‘ભૂચર મોરી’નાં એ સ્મારકો સળગતાં વેરાન વચ્ચે ઊભાં છે. આજે પણ એ રણસ્થળ જ ભાસે છે. આવા મહત્ત્વના ઇતિહાસ-ચિહ્ન આપણાં ઐતિહાસિક સંગ્રહાલયો પોતાની પાસે તસ્વીરરૂપે, અરે નોંધરૂપે પણ સાચવે છે? નહિ. એને બાઝેલી લોકકથાઓ લુપ્ત થઈ છે. ત્યાંનાં વાસીઓ પણ પૂરી વાત કહી શકતાં નથી.

જો આપણે ભૂતકાલીન ઇતિહાસ ઉપર ચોકડી મારી નાખી હોય તો તો કશું કહેવાનું જ ન હોય. પણ એક તરફથી આપણે ઇતિહાસના અવશેષોને સંઘરવાની અને ઉકેલવાની જરૂરત સ્વીકારીએ છીએ, સંસ્થાઓ ખોલીએ છીએ. તવારીખનાં આ ઊડી જતાં પાનાં, બીજી બાજુ, અનાદર પામે છે. અર્થ એ છે કે ઇતિહાસ પ્રત્યે આપણું વલણ કાં તો ખોટી આપવડાઈનું છે. અથવા તો બનાવટી છે. ભૂતકાળ જોડેની કડી સ્પષ્ટપણે નિર્દયતાપૂર્વક તોડી નાંખી શકતાં નથી, તેમ નથી એ કેડીને યોગ્ય સ્થાને મૂકી શકતાં. આપણે ઇતિહાસને પૂંછડે બંધાયેલાં ચીંથરાં જેવી સ્થિતિ ભોગવીએ છીએ.

['જન્મભૂમિ', 23-2-1938]
 
*

[ટાંચણપોથી]નું એક પાનું ઊઘડી પડે છે. લખ્યું છેઃ ‘ભૂચર મોરી’. મારી ‘સમરાંગણ' નામની મોટી વાર્તાનો જે મધપૂડો રચાયો તેનું પ્રથમ મધુબિંદુ મૂકનાર એ કોણ હતું? નામ નથી. મિતિ કે ઠામ નથી. યાદ આવે છે. યાદ આવે છે – જીજી બારોટ. એને લઈને છેક બરડા પ્રદેશથી તે કાળના અમલદાર મિત્ર ભાઈશ્રી મોહનલાલ રૂપાણી આવેલા. યાદ આવે

 છે મીઠું મોં, મીઠાભરી બારોટ-જબાન. હસમુખો ચહેરો. ટાંચણ આમ છે:

જેસા વજીરની વહુઃ થાન લબડેઃ લૂગડાં ધોવામાં અડચણ :
થાન ખંભે નાખેલ: નાગડો ધાવે પાછળ ઊભો ઊભો.
જામ: જેસા ડાડા! હી જોરાર કીંજે ઘરજી હુંદી !
[તૂટેલ આઉવાળી ભેંસ-ગાય 'જોરાર’ કહેવાય.]
જેસો: અંજા ઘા થીંદા ઈ અગીઆં ન્યારજા.
[એના જે ઘા થાય તે આગળ નિહાળજો.]

પછી તો દુહા ટાંકેલ છે. ઉપલું ટાંચણ જે માર્મિકતાથી ભરેલ છે તેને વાચકો નહિ સમજે, પણ મારી નજરે તો એ બનાવ હજી એ બની રહેલો, ચાલુ સ્થિતિમાં, એક સોરઠી નદીને આરે, દેખાયા કરે છે. મારી ‘સમરાંગણ’ની આખીય વાર્તામાં એ એક જ પ્રસંગે બળ પૂર્યું. સૌરાષ્ટ્રમાં શહેનશાહ અકબરશાહની મોકલેલ સૌ પહેલી ચઢાઈ; અને અમદાવાદના અકબર-શત્રુ શાહ મુઝફ્ફર નહનૂના આશ્રયદાતા સોરઠી ઠાકોરો સાથે એ અકબર-ફોજના ભયાનક જુદ્ધનું નામ ભૂચર મોરીની લડાઈ. ભૂચર મોરી : કોઈ મહાકાવ્ય – મહાગાથાને દીપાવે તેવો મામલો અને એમાં નાયકપદે મૂકી શકાય તેવા સુરાપુરા લાડકપુત્ર નાગડા વજીર નામના જે જુવાન પાત્રની માવજત મેં ‘સમરાંગણ’માં ઊઘડતા પાનાથી માંડીને કરી છે. તે પાત્રનું પ્રથમ બીજારોપણ મારી કલ્પનામાં ઉપલા કચ્છી શબ્દો વડે મૂકીને જીજી બારોટ ચાલ્યા ગયા...

*

ત્રીજીવાર મને ભૂચર મોરીના રણાંગણમાં મૂકનાર જેઠો રાવળ હતો. ત્રીજી વારની આ નોંધ એની કરાવેલી છે:

સવાશેર પાણી રૂધિરમાં તણાય એવી લડાઈ ચાલશે.
જેસા વજીરની ઘરવાળી જોમાબાઈ: એનો દીકરો નાગડો:
પવર (પયોધર) વાંસે નાખ્યાં’તાં: વાંસે ઊભો ઊભો ધાવે.
આ જોળાળીનો – ગાડરના પેટનો – ઊભો ઊભો ધાવે છે
તે કેવોક થાશે? એની આગળ ખબર.
*



નાગડાનાં કાંડાં પડી ગયાં, ચામડાં ચડી ગયાં.
નાગડો પડેલો: હાથીનાં પેટમાં હાથ. ‘આ કોણ ?’
જોળાળીનો! બીજાનાં ઘાનાં સાંધા મળે,
એના સાંધા ન મળે.

જોઈ શકશો કે ‘સમરાંગણ’ના સર્જન પાછળ આ જીજી બારોટે અને જેઠા રાવળે કહેલા ફક્ત એક જ પ્રસંગનું કેટલું તીવ્ર સંવેદન અને કલ્પન ચાલ્યા કર્યું છે. જેઠા રાવળે કહેલા આ બે પ્રસંગો એ કરુણ શૌર્યકથાના બે સમતોલ પલ્લાં છે: પહેલો પ્રસંગ માની પીઠે ઊભો રહીને માએ પાછળ નાખેલાં પયોધરે ધાવતા બાળની એનાં બાપને જ મોંએ રાજા જામે કરેલ હાંસીનો : ને બીજો પ્રસંગ મુગલ-ફોજ સામેના રણાંગણમાં પડેલા એ જ બાળના જોબનજોધ દેહની દશા દેખાડતો: એ દેહ પડ્યો હતો: એના કાંડાં-વિહોણા હાથની ઠૂંઠી અણીઓ એક મૂએલ હાથીના પેટમાં પેસેલી હતી, કારણ કે એણે અંબાડીઓ સુધી પહોંચીને સેનાપતિઓને હણવા હતાં કાંડાં કપાઈ ગયા પછી પણ ટૂંઠા હાથે ઠોંસા લગાવીને હાથીઓને માર્યા હતા – પછી એ પટકાયો હતો. યુદ્ધલીલા ખતમ થયા બાદ વિજેતા મુગલપતિ રણભૂમિ પર નિરીક્ષણ કરવા નીકળે છે ને હાથીના ક્લેવરને હાથના કાંડાં વડે ભેદનારો આ મહાવીર કોણ એવું વિસ્મય અનુભવે છે. ત્યારે જાણકાર જવાબ વાળે છે કે ‘આ જોળાળીનો’. રાજા જામે કરેલી હાંસીનો જવાબ એ બાળકે છેલ્લી પળે આપ્યો. મશ્કરી કરનાર નગરરાજ સતો જ્યાંથી જીવ લઈને ઘરભેળો થઈ ગયો હતો તે જ જુદ્ધમાં, મશ્કરી કરનાર રાજાએ પોતે જ નોતરેલા જુદ્ધમાં, એ મશ્કરીનું પાત્ર બનેલ માડીનો પુત્ર નાગડો પોતે વાંસે ઊભાં ઊભાં ધાવેલ ધાવણનો હિસાબ આપતો પડ્યો હતો.

‘સમરાંગણ’! તને હું નહિ ભૂલી શકું, એ ઘોર ઘટનામાંથી ફક્ત આ બે જ પ્રસંગોની જાળવણી કરનારા સોરઠી વાર્તાકારોમાં કલાદૃષ્ટિ ઊંચા પ્રકારની હોવી જોઈએ.

[‘પરકમ્મા’માં]
 
*

 [‘સમગંગણ’] એક જ મહિનામાં ચાલુ કામ સાથે પૂરી કરેલી ચોપડી છે. જેવી હો તેવી, મને તો મારા અંતરની અંદર સંઘરાયેલી એક કવિતા જેવી હતી.

[ઉમાશંકર જોશી પરના પત્રમાં: 4-7-’38]
 

‘સમરાંગણ’ને હું મારી એક અતિ પ્રિય કૃતિ સમજું છું.

[ધનસુખલાલ મહેતા પરના પત્રમાંઃ 8-4-’44]
 

ક્રમ
નિવેદન . . . . . [5]

1. ‘જોરારનો’ 3
2. જેસો વજીર 9
3. બાપે તરછોડેલો 15
4. ખૂંદાતી ગુજરાત 19
5. બાળક નહનૂ 23
6. ‘કહોને મા !’ 33
7. અજો જામ 36
8. સોરઠનો કોલ 41
9. ભવિષ્ય–વાણી 50
10. મસલત 57
11. પરદેશીને તેડું 64
12. લોહીનું ટીપું પાડ્યા વિના 73
13. સોહાગની રાત 78
14. યમુનાને કિનારે 88
15. જનની જન્મ્ભૂમિ 96
16. વિજયી મસ્તક 100
17. અણપ્રીછ્યું મિલન 113

18. પુરુષાતનની પ્રતીતિ 120
19. વાય મુઝફ્ફરો ! 132
20. પરાજિત પર પ્રેમ 139
21. જોડી જડી 144
22. ભીડમાં ભેરુ 153
23. પિતાનું પાપ 159
24. જમાતનો મેળાપ 164
25. મા મળી 170
26. ‘ભૂચર મોરી’ 178
27. પહેલું ટીખળ 187
28. મંત્રણા 192
29 . ‘રહીમ ! રહીમ !’ 199
30 . માતાના આશીર્વાદ 202
31. સમરાંગણને માર્ગે 206
32. સુરાપુરાનો સાથ 217
33. ચલો કિસમત ! 230
34. માનું પેટ 232

ઝવેરચંદ મેઘાણી " સાહિત્ય જીવન . . 241
મેઘાણી - સાહિત્ય  . .  . 244









મેઘાણીની સર્જકપ્રતિભાના સૌથી પ્રભાવક આવિષ્કારો અલગ વૃત્તાંતોની માવજતમાં તેમ અલગ પ્રકરણોના સંવિધાનમાં જોવા મળે છે. તેમની મોટા ભાગની નવલકથાઓમાં એ રીતે અસંખ્ય પ્રકરણો અલગ અલગ રીતે જોતાં સુરેખ અને એકાગ્ર સર્જકતાનો સુખદ પરિચય આપે છે. સોરઠી લોકજીવનનાં પાત્રોની છબી કંડારી કાઢવામાં, તળ ધરતીનાં દૃશ્યો આલેખવામાં અને પ્રસંગના સંચલનમાં તેમની અતિ લાઘવભરી પણ તેથી અસાધારણ બળ પ્રાપ્ત કરતી કથનવર્ણશૈલી તેમની સર્જકશક્તિનો વધુ પ્રભાવક આવિષ્કાર દર્શાવે છે. તળપદી બોલીનાં પ્રાણવાન તત્ત્વોને આત્મસાત કરીને તેઓ આગવી શૈલી નિપજાવવા વિરલ પુરુષાર્થ કરતા રહ્યા છે.

પ્રમોદકુમાર પટેલ


સમરાંગણ
 
  1. * પાનાં 228-229.
  2. [‘ભૂચર મોરી’ના સ્થાનકમાં ઉભેલા એક જોગીના પાળિયાના મેં તાણેલા લીંટા પરથી શ્રી સોમાલાલ શાહે દોરેલું આ ચિત્ર છે. ચિત્રમાં સંવત 1647 વરસ છે, એ ભૂલ લાગે છે, કારણ કે પાના 159 પરના દુહામાં 'સંવત સોલ અડતાલીસે' છે]