← લોહીનું ટીપું પાડ્યા વિના સમરાંગણ
સોહાગની રાત
ઝવેરચંદ મેઘાણી
યમુનાને કિનારે →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.



13
સોહાગની રાત

નાગમતી નદીનાં માછલાંને પણ કોણ જાણે ક્યાંથી યે સાન થઈ ચૂકી હતી કે મહિનાના અમુક દિવસે તો ચોક્કસ આ છીપર ફરતા અમુક સુગંધ અને સ્વાદવાળા મેલ ઊતરશે. માછલાંને સાંભળવાની શક્તિ હોય છે એમ જાણકારો કહે છે. મહિનાના ચોક્કસ ચાર દિવસે આ છીપર ઉપર અમુક ચોક્કસ કંઠનો અવાજ, ચોક્કસ ચૂડીઓનો ખણખણાટ, અને ચોક્કસ પ્રકારના છબછબાટ થવા જ જોઈએ, થયા વગર રહે જ નહિ ! સત્તર વર્ષોથી તો વણચૂક્યા એ થાય જ છે. એક પણ દિવસ પડ્યો નથી. માછલાંને અક્કલવિહોણાં માનનારાઓને પણ માછલાંની આવી સંજ્ઞાનો સ્વીકાર કરવો પડે એવો એ તાલ હતો.

માછલાંઓએ મુકરર માનેલા બપોર ટાણે જ એ ધોનારીના ધીરા પગ નીચે નદીકાંઠાની લીલવણી ધ્રો ચંપાણી. માછલાં સાચાં પડ્યાં. પસીનાની જે ચોક્કસ ગંધ માટે તેમની રાહ હતી તે પૂરી થઈ. ધોનારીની દેહ-ગંધ બદલી નહોતી.

બદલ્યું હતું ફક્ત કાયાનું શિલ્પકામ. સત્તર વર્ષ પૂર્વે પાંત્રીસ વર્ષની પ્રૌઢા આજે આવરદાના વનમાં આથડતી હતી. બરડા ઉપર ઊડતા છાંટા નિશાળનાં છોકરાંની જેમ બરડાના પાટિયા પરથી લસરી નહોતાં શકતાં, પણ કરચલીઓની વચ્ચે રોકાઈ જતાં હતાં. કાપડાની કસોના એ બરડી પર પડતા કાપ ઝાંખા દેખાતા હતા, તેમ જ તેનો રંગ પણ ગુલાબી મટીને ગૂઢો બન્યો હતો. કેમ કે વૃદ્ધા હવે ખૂલતા રંગની અતલસોનાં કપડાં પહેરતી નહોતી. છીપર ઉપર એના હાથ ધીમીધીમી ચાલ્યે કપડાં ચોળતા હતા. એના કંઠમાં કિલકિલાટ ભરી વાતો નહોતી રહી. એની સાથી સ્ત્રી પણ આધેડ વયને ઉંબરે હતી.

“જોયું ને મા, ગામથી આંહીં સુધી આવતાં કેટલાં સળગી ગયાં તડકામાં ને તડકામાં ?” “હોય.” વૃદ્ધાએ ટૂંકો જ જવાબ વાળ્યો.

“હવે તો આ કાષટી મૂકો, મા, હવે તો ભલાં થઈને મૂકો.” સ્ત્રીના એ ઠપકામાં મીઠાશ હતી.

“હવે આખરની વેળા થયે શું મૂકવું, ભૂંડી !” વૃદ્ધાએ હાસ્ય કરતેકરતે છીપર ધોઈ નાખી. માછલાંને લોટની ગોળીઓ નાખી.

“હદ છે, બાઈ ! બાળકના જેવી જ હઠીલાઈ. કેમ જાણે અમારા હાથ ભાંગી ગયા હોય ને, તે બસ એમ જ કહીને ઊભા રહે કે ના, તમને ઇ ધોતાં ન આવડે, તમે ઇ વજીરનાં લૂગડાંને અડશો ય મા ! વજીરને લૂગડે કોઈએ હાથ દેવો નહિ. ગલઢાં થિયાં તો ય વજીર ! બસ વજીર !”

“હવે બહુ બોલકી થાવી રે’વા દે, ને ઝટ લૂગડાં ભૂતડામાં ઘસીઘસીને મને દેતી જા. પાછું મોડું થાશે.” વૃદ્ધા છીપર પર બેઠીબેઠી માછલાં રમાડતી ને પોતાની સાથી પર બનાવટી ગુસ્સો કરતી હતી.

“ને હવે પાછી,” સાથી સ્ત્રીએ બોલબોલ કરવા માંડ્યું : “વજીર શાબની ધોણ્યું ય ગઝબ મેલી થઈને ઊતરે છે. ન થાય મેલી ? એક મહિનો ય એણે કોરો રે’વા દીધો છે ? મહિનો થિયો ને આ ચડ્યા ફોજ લઈને. સિત્તેર વરસનાં ઘડિયાળાં વાગ્યાં તો ય વજીર સાબને ઘોડાને ટેકો લઈને થોડું ચડવું પડે છે ! ડુંગર જેવડા ઘોડાના કાઠામાં કેમ જાણે પવનની ફૂંકે ચડી જાતા હોય એટલું તો ડિલ કબજે છે; ને નાગનીના જામને કોણ જાણે કેટલી ધરતી કમાવી દેવાનું લેણું ચૂકવવું છે, કે જંપ નથી. પછી તો ધોણ્યુંના ઢગલા જ થાય ને !”

“થાય તો પછી ધોવાં જ પડે ને !” વૃદ્ધાએ લૂગડું ધોતધોતે કહ્યું.

“શું કામ પોતે ધોઈયેં ? અમે માણસ કાંઈ મરી નથી ગિયાં.”

“તમથી ચોખાં ધોવાય નહિ ધોવાય એનાં લૂગડાં. ઠાલી ફૂલ્ય માર માને, બાઈ ! પહેરવા ટાણે એનો રૂદો અંદરથી કેટલો રાજી થાય છે તેની તેને શું ખબર ?”

ખણણ ! ખણણ ! હાથ પરનાં બલોયાં બોલતાં હતાં. ચોળ ! ચોળ ! ચોળ ! એવો પુરુષ-કપડાંનો ચોળાવાનો અવાજ થતો હતો.

જામનગરમાં આવ્યાં ત્યારથી જોમબાઈએ દર મહિનાની બે આઠમે, પૂનમે ને અમાસે ધણીનાં કપડાંની ધોણ્ય લઈને જાતે ધોવા આવવાનો આ શોખ રાખ્યો હતો, તે પછીની આ આદત બની, ને આજનું તો વ્રત થઈ પડેલું છે. એને ખબર છે કે પતિનાં મેલાં વસ્ત્રોનો હવે વધુ મોટો ઢગલો થતો હતો, ને પોતાની તાકાતનાં તળિયાં દેખાવા લાગ્યાં હતાં. વીસ વર્ષ પહેલાં તો વાટકી જેવડા નવાનગરની વજીરાત કરતાં આજના, દસેય દિશાઓની પર-સીમોને ગળતા જતા અજગરરૂપ નવાનગરની વજીરાત વધુ માતબર બની હતી, નોકરચાકરો અને સાધનસગવડોની ન્યૂનતા નહોતી. છતાં વજીર-પત્નીનું એ વ્રત કોઈથી ન છોડાવી શકાયું. પતિ પાસે પોતે એક જ વાર જતાં : એમને રોજ નવી જોડ કપડાં પહેરાવવા માટે. પતિને ધારીધારીને એ એક જ વાર નીરખતાં : વસ્ત્રોની નવી જોડ ચડાવીને એ શરીર હાથમાં ભાલો લેતું ત્યારે. સત્તર વર્ષોના અબોલાની ખાઈ ઉપર અંતરને અવરજવર કરવાના નાનાનાના સેતુઓ સમા આ પ્રસંગો હતા.

ઉપરાંત આખી વસ્તીને અચંબો પમાડનારું આ વ્રત વજીર-પત્નીને વધુ વહાલું હતું કેમ કે નદીનાં માછલાં સાથે આટલાં વર્ષોનો સ્નેહ બંધાઈ ગયો હતો.

“લોકુંમાં તો તમારી આ રઢ પણ સ્વારથમાં જ ખપી ગઈ છે.”

“તે હું પરમારથ કરું છું એમ ક્યાં લોકુંને કહેવા જાઉં છું ?”

“એમ નહિ.”

“ત્યારે ?”

“બોલાય છે, કે જામ બાપુએ તો ઘણું ઘણું સમજાવ્યા, કે વજીર, ફરી પરણો, વજીર, તમને ફરીથી સારું ઠેકાણું જોઈને સુખી કરીએ : પણ મારા વજીર બાપુએ એક જ જવાબ દઈને જામને સમજાવી લીધા’તા, કે બધું જ બીજું મારાથી છૂટી શકે, નહિ છૂટી શકે આ વજીરાણીના હાથનાં ધોયેલાં લૂગડાં પેરવાનું બંધાણ. જામ બાપુને વજીર બાપુએ  કહ્યું કે મારી આ સ્ત્રીના તમે એક હજાર દોષ કાઢશો તો હું એક હજાર ને એક દોષ કાઢવા તૈયાર છું પણ એના જેવાં મારાં લૂગડાં બીજા કયા હાથ ધોઈ શકવાના છે ? મેલ કાઢવાની એ કળા બીજી કઈ હથેળિયુંમાં છે ? માટે, બાપુ, માફ કરો, ફરીથી મારી આગળ આવી વાત કાઢજો મા ! આમ વજીર બાપુને ફરી પરણતા રોકવા જ તમે એનાં લૂગડાં ધુઓ છો એમ વાતું થાય છે.”

ખણણ : ખણણ : ખણણ : બે મોટાં બલોયાંના ખણખણાટ : ચોળ : ચોળ : ચોળ : ચોળાતાં કપડાંના સ્વરો : ને માછલાંની રમતિયાળ ડૂબકીઓ : ‘ડબાક’ સ્વરે કલકલિયા પક્ષીના ઊંધે માથે નાગમતી નદીમાં શિકાર-કોશિયા : અને આઘેઆઘેથી ‘શિયોરામ ! શિયોરામ ! શિયોરામ !’ ધોબીના ધોણ્ય-પછાડાને મૃદંગે તાલ રાખતાં એ રામસ્તોત્રો.

“ગામને પણ પારકી વાતું કરવાની ટેવ, ઠેઠ રામસીતાના કાળથી હાલી આવે છે.” વૃદ્ધાએ સફેદ ભવાંને સંકોડી કટકા કર્યા. “તમે આ બધી વાતો લાવો છો ક્યાંથી ?”

“પાનબીડીવાળાની હાટડીએથી, ઘાંચીની ઘાણીએથી, સંઘેડિયાની કોડ્યેથી, રંગાટીની ભઠ્ઠીએથી...”

“લે રાખ હવે રાખ, બોલકણી કાબર !”

“આજ શી વાત ફૂટી છે, જાણો છો, મા ?”

“નથી જાણવું મારે.”

“જાણવા જેવું છે.”

“ઠીક જે હોય તે ઝટ કાઢી નાખ, માવડી ! તું બહાર નૈ કાઢ ત્યાં સુધી તારા પેટમાં વાતું અળશિયાંની જેમ સળવળ સળવળ થયા જ કરશે.”

“વાત થાય છે કે ડેલાની તુરંગમાં જામબાપુએ ત્રણ સરાણિયાંને કેદ પુરાવ્યાં છે. કોઈ કરતાં કોઈ વાતે કાઢતા જ નથી. માંઈ ને માંઈ મારી નાખશે કે કોણ જાણે શી કઠણાઈ કરશે.”

“કોણ–કોણ–કોણ ? સરાણિયા ? ત્રણ જણાં ? ઇ તો કુંવરનાં મેમાન  હતાં ને ?”

વૃદ્ધાનાં કાંડાં કપડાં ચોળતાં ચોળતાં એકદમ અટકી પડ્યાં. એણે. એ વાતમાં એકાએક તીવ્ર કૌતુક દર્શાવ્યું, એ દેખીને દાસી પણ મલકાઈ ગઈ. એણે કહ્યું : “ના, ઇ તો કાંઈ નહિ. ગામગપાટા.” એટલું બોલીને દાસી વૃદ્ધાને ચીડવવા લાગી.

“વાત પૂરી તો કર.”

“ના, ઇ તો કાંઈ નૈ, ઇ તો મારે લવલવ કરવાની ટેવ છે તે હું અમથીઅમથી લવલવતી’તી.”

“એમ કર મા, મારી દીકરી ! એમ મને ટગવ મા. વાત કર જોઉં.”

“કહેતાં’તાં ને કે નથી સાંભળવી ?”

“માફ કર. ભૂલ થઈ.”

“તો સાંભળો. હવે ઈ ત્રણેયમાં એક છે જુવાન છોકરી. ઈ છે રાંડ કોક ડેણડાકણ, કોક જોગણી કે કાં કોક જાદુગરી. એને તરવારુંમાં કાંક દેખાય છે દેખાય છે એમ ઢોંગ કર્યા. જામ બાપુની તરવાર જોઈને એણે શું કહ્યું ? કહ્યું કે આ તરવારનો ધણી તો આંહીં એક મોટું રણથળ મચવાનું છે, એમાંથી પારોઠ (પીઠ) બતાવીને ભાગી નીકળશે. કુંવર અજા જામની તરવાર જોયા વિના, બીજા સૌની તરવારુંનાં પાનાં ઉકેલીને કહે કે કુંવર રણથળમાં રૂડા દેખાશે. આ બધું ચેટક જામ બાપુને તો ભારે પડી ગયું છે. એને દિવસ ને રાત વહેમ પેઠો છે કે આ છોકરી મંગલા બાદશાની જાસૂસ હોય તો ના નહિ. આવી લાગે છે. અમારી બાપ-બેટાની વચ્ચે ભેદ ઊભો કરવા. ને કાં આ છોકરી કોઈક મુસલમાન પીર ઓલિયા કે જનની સાધેલી હોવી જોવે.”

“અક્કલ ! કાંઈ અક્કલ !” વજીરાણીએ જામ સતાજીની બુદ્ધિ વિષેનો પોતાનો નિત્યનો મૂંગો અભિપ્રાય આ વખતે નિશ્વાસ સાથે વ્યક્ત કર્યો.

“પછી બાપુએ તો પંડિતોને ને શાસ્તર જાણવાવાળાઓને બોલાવ્યા. ભૂવાઓને ને ભૂતની સાધના કરવાવાળાઓને તેડાવ્યા. સૌનો  મત એમ જ પડ્યો કે ઈ બાઈ કોઈક મેલાં મંતરતંતર સાધનારી હોવી જોવે, ને કાં મુંગલા પાદશાની જાસૂસ હોય તો ય ના નહિ.”

“બાપુના પઢાવ્યા પોપટડા જ ને બધા !” વૃદ્ધાએ વચ્ચે ટકોર કરી.

“હવે આનું કરવું શું ? બાપુને થઈ પડી ચિંતા. ડેલામાં ને ડેલામાં ઠેકાણે પાડે તો, છે ને કદાચ મેલી કોઈ જોગણી હોય, તો પાછી કાયમની ચોટે; મુંગલાની જાસૂસ જો હોય, તો એના મોતની વાતું દલ્લી પોગ્યે કાંઈક ડખમાળો જાગે. એટલે પછી નાગનાથના બાવાજીને બોલાવ્યા. બાવાજીએ ભેરવને સાધેલ છે. બાવાએ કહ્યું કે હું એ લડકીના પેટનો સાચો તાગ લઈ શકીશ, મને એ સુપરદ કરો. હું એને મારા થાનક માથે લઈ જઈને પારખું લઈશ.”

“હેં ! હેં ! એને સોંપી દીધી ?” જોમાંબાઈ ફાટતે ડોળે પૂછતાં થંભી ગયાં.

“સોંપી દીધી, ને નાગનાથના બાવાજી એને લઈને બરડાના ડુંગરાઓમાં ચાલ્યા પણ ગયા. આજ દી થઈ ગયા બે.”

કપડાં ચોળાઈ રહ્યાં હતાં. નાહવાની વેળા થઈ ચૂકી.

“લ્યો, મા, વાંસો કરું.” ગોલીએ કહ્યું, તેનો કશો પ્રત્યુત્તર વજીર-પત્નીએ આપ્યો નહિ. એનું મન નાહવા-ધોવામાં નહોતું રહ્યું. એનો બરડો ચોળતી ચોળતી ગોલી બોલ્યે જ જતી હતી : “છોકરી જાસૂસ તો શું ધૂળ હોય, મા, હશે તો જાણે કે નક્કી કોક વિદ્યાધરી : કોક મેલી જોગણી : કાંક પૈસા પેદા કરવા આવી હોવી જોવે. રહી તો ચાર જ દા’ડા, પણ ઘેરઘેર ઢોરાંને રોગચાળો લાગી પડ્યો. પરમ દી ગઈ તે પછી રોગ હેઠો બેઠો. સારા પરતાપ નાગનાથના બાવાજીના, આસુરી માયાને ગાંઠે બાંધી લીધી. મહીંમહીં તો લોક એમ પણ બોલે છે કે ઢેઢું હારે ઈ બાઈને સંતલસ પણ હશે. ખૂબ ઢોર મારીને ચામડાંમાંથી ભાગ મેળવવો હશે.”

જોમાબાઈએ બોલ્યા વગર ચાલ્યા જ કર્યું.  ઘરમાં આવ્યાં : ઘર ચક્કર ચક્કર ફરતું દેખાયું. દીવાઓ થયા હતા. પણ વસ્તુઓ જાણે દેખાતી નહોતી. પૂછવા આવનારાં ચાકરોની વાણીની જાણે કે સમજ જ એકાએક ચાલી ગઈ હતી.

કોને કહું ? કોને આ ભેદ બતાવું ? વજીરને સંભળાવીને શું કરું ? એના કાન મારા શબ્દોને માટે ફૂટી ગયા છે, એના કાનમાં કેવળ એકલા ‘નગારે ઘાવ’ અને તોપો બંદૂકોના બાર જ સાંભળવાની શક્તિ રહી છે. એક છોકરીની ચીસ એને અંતરે નહિ પહોંચે. છોકરીને જિવાડનાર, એક-બે વાર ધવરાવી પણ લેનાર દૂધમાતા તરીકેનું મારું હૈયું એના બખ્તરને નહિ ભેદી શકે. પોતાના રાજા-પ્રભુની લાજ ઢાંકવા કદાચ એ તો મને ને એ છોકરીને બેયને દુનિયાની બહારનો માર્ગ બતાવવા તૈયાર થશે.

હું કોને જઈ કહું ? મા આશાપરાને ? એ કાંઈક બુદ્ધિ સુઝાડશે. એને દેરે જાઉં. કોઈ દિવસ નહિ ને તે રાત પડતાં માફ જોડાવ્યા વગર આશાપરાને થાનકે એ ઘી, શ્રીફળ અને પૂજાનો થાળ સાથે પગપાળા ચાલ્યાં. દેરામાં ઊભાંઊભાં એણે આશાપરાની મહેર માગ્યા કરી, પણ અક્કલમાં કશું અજવાળું પડ્યું નહિ.

એટલામાં એણે કોઈ બે જણને વાતો કરતા સાંભળ્યા. “કુંવરને ને વજીરને તો ખરેખરાની આંતરે ગાંઠ્યું છે. અબઘડી કુંવર ગામતરેથી ઘેર આવ્યા, અને બાપુને મેલ્ય પડતા ને બારોબાર વજીરને મળવા ચાલ્યા ગયા. વજીરબાપુ એને ભારી તાલીમ આપી રહ્યા છે. કુંવરને હાથે આ સોત ત્રીજી વાર ફોજ મોકલવાની ને વિષ્ટિ કરવાની અજમાયેશ કરી છે ને કુંવર વજીરબાપુની જ ધારેલી બાજી જીતી આવે છે. હડીઆણેથી આવીને કુંવર વજીરબાપુને મળવા બારોબાર ગયા. કહે કે પે’લાં મારા સદ્‌ગુરુ, પછી મારા બાપ.”

વજીરાણીએ દેરાની પ્રદક્ષિણા કરતે કરતે માતાની આંબલી હેઠ બેઠેલા માણસોના આવા બોલ સાંભળ્યા ને એણે જાણ્યું કે કુંવર પોતાને જ ઘેર ગયેલ છે. એ ઘેર જવા નીકળી તે પૂર્વે માતાની સામે છેલ્લી  વાર જોઈ લીધું. કોણ જાણે કેમ પણ માતાની સન્મુખ બળતો છૂટો દીવો એને માતાના નાક પર મંડાયેલી તર્જની જેવો લાગ્યો. એ તર્જની બતાવીને દેવી શું કહેતાં હતાં ? ‘કહીશ મા ! કહીશ મા ! કહીશ મા !’

પોતે ઘેર ગઈ ત્યારે પતિ અને કુંવર બેઉ જણ એક જુદી જ મેડી પર અણજાણ રહીને બેઠા હતા એ જાણ્યું. પોતે જલદી જલદી છોકરી સાથે કહેવરાવ્યું : “વજીરાણીમાએ વારણાં કેવરાવ્યાં છે. કુંવરબાપુને જરીક જોવાની ઉમેદ થઈ આવી છે.”

“આંહીંથી જતોજતો વજીરાણીમાની આશિષો લેતો જઈશ.” કુંવરે કહેવરાવી દીધું.

ત્યાર પછી જોમબાઈનો વિચાર-ધોધ ઊતરતો ગયો ને પાણી આછરવા લાગ્યું. આછરેલી બુદ્ધિમાં એણે પોતાના મનસૂબાને મૂકી જોયો : પોતે કુંવરને શું કહેવાની હતી ? એ સપડાયેલી સરાણિયણ કન્યા તારી બહેન છે એમ કહીશ ? એમ કહેવાથી કુંવરનું શું ભલું થશે ? એ જઈને હમણાં ને હમણાં બાપને કહેશે. બાપ-બેટાની વચ્ચે કજિયો સળગશે. કજિયાનું મૂળ હું બનીશ. મારા ઉપર ઇતરાજી તો ચાલી જ આવે છે. એમાંથી મોટો હોળો જાગશે. કુંવરનું કાળજું રાજપાટમાંથી, સંસારમાંથી, વાતવાતમાંથી ખડી જશે. આખા રાજકુળને આવી ઉઘાડી બદનામીમાં ઉતારીને અને કુંવર અજાનું ચિત્ત એક મરી ચૂકેલ ને કાં મરવાની તૈયારીમાં પડેલ કન્યાને ખાતર ચકડોળે ચડાવીને તું શું કમાઈશ, બુઢ્‌ઢી ?

રહેવા દે. નથી કહેવું. એ જૂની સમાધ નથી ઉખેળવી. એનાં શબો એમાં જ સૂતાં રહો.

અજો જામ મળવા આવ્યા.

“કાંઈ કામ નો’તું, માડી, સાજાનરવા છો એટલું જ નજરે જોવું’તું. ખમા આપને, પધારો હવે.” કહેતી વૃદ્ધા ઊભી રહી.

“તમારે જે કહેવાનું છે તે તો હું વગરકહ્યે જ જાણતો બેઠો છું, વજીરાણીમા !” અજાજીની કલ્પના જુદી જ વાતે વિચરતી થઈ. “હું કોઈને જાણ ન થાય તેવી રીતે મસીદોના ને ફકીરોની જમાતોના વાવડ મેળવતો  રહું છું. તમે તો માનું હૈયું સંઘરીને બેઠાં છો. ન વીસરી શકો, પણ મારા જેવા ત્રાહિતે ય ઝૂરી રહે તેવું જ બન્યું છે. પણ, મા, મારો રૂદો સાક્ષી પૂરે છે, કે ભાઈ પાછો આવશે. એ સરાણિયાની કન્યાએ કહેલી કાળ-વાણી મારા અંતરમાં અક્ષરેઅક્ષર લખાઈ ગઈ છે. ભાઈ આવશે – મને આખરી ટાણું થયે રૂડો દેખાડવા આવશે, કોક જોદ્ધાર એક દિવસ આવશે એ વાત નક્કી છે.”

“ના ભાઈ, મારે એ વાત નહોતી કહેવી. મા આશાપુરાની દુહાઈ મને.” બુઢ્‌ઢીનું મુખ સખ્ત બન્યું. જાણે કે મનમાંથી કશોક ભાર બહાર ધકેલતી હતી.

“હવે તો, મા, થોડીક જ ધીરજની જરૂર છે.”

“ખમા તમને, સીધાવો, બાપા.”

“તમે જાણે મને કાઢી મૂકતાં ન હો, એવું લાગે છે.”

“હા જ તો, બાપા,” વૃદ્ધાએ મહામહેનતે શબ્દો ગોઠવ્યા : “મોલે મા વાટ જોતાં હશે, બાપુ ટળવળતા હશે; ઝટ પોગો, સારું ન દેખાય.”

કુંવરને જાણે કે વૃદ્ધાએ ધકાવીને કાઢ્યો. એ ગયા પછી. મોંમાંથી હાશકારો હેઠો પડ્યો. જાણે કોઈ ગજબ ગુજરવાનો હતો તેમાંથી બચી જવાયું. હોઠે આવેલા શબ્દોને સરી પડતાં શી વાર લાગત ? માં આશાપરાએ જીભને ઝકડી રાખી.

વિચારતાં વિચારતાં કપાળે કરચલીઓ વળી. યાદ આવ્યું : “આજ જો એ એક જ હોત ને, તો હું એને દોટાવી મૂકત. પણ એ એક નથી, ને મારું જાણે કે કોઈ નથી.”

વજીરની વાળુ-થાળીનો વખત થઈ ગયો. વિચાર-તાંતણા વેરાતા રાખીને વૃદ્ધા રસોડે ચાલી . રોજનો બંદોબસ્ત સાચવીને વજીરને જમાડી લીધા. જમતાંજમતાં વજીરે કહ્યું : “લૂગડાં તૈયાર છે કે ?”

હકારમાં એ વૃદ્ધ માથું હાલ્યું. વગર જરૂરનાં વેણ એ વજીર જોડે નહોતી બોલતી.

“ત્રીજે પહોર મારે ચઢી જવાનું પરિયાણ છે. ઉઠાશે ?”  "ઊઠવાની જરૂર નથી.”

“કેમ ?”

“જાગતી જ રહીશ ને !”

“જાગશો તો હવે શરીર ક્યાંથી ઝીંક ઝાલશે ? એમ કરો. હવે તમે આ કષ્ટાઈ છોડો. હું મારી જાતે પહેરી લઈશ.”

“ના, એટલી દયા છે તે તો ન જ ભૂંસી નાખતા. કષ્ટાઈ મને કાંઈ નથી.”

વજીર પોતાના સૂવાના ઓરડા તરફ ચાલ્યા. પાછી વળતી પત્નીને એણે કહ્યું : “મને ઓઢાડતાં જશો ?”

આજ સત્તર વર્ષોથી જે શયનગૃહમાં પગ મૂકવાનો અધિકાર પણ ખૂંચવાઈ ગયો હતો તે એકાએક પાછો મળવાનું કારણ વૃદ્ધા તાગી ન શકી. પાછળપાછળ ચાલી ગઈ. વજીરે પલંગ પર પડ્યેપડ્યે જંજરીની ઘૂંટો લીધા કરી. વજીરાણી ઊભાં થઈ રહ્યાં.

“બેસો, થોડીક વાર લાગશે. હં હં, નીચે નહિ, આંહીં ઢોલિયે જ બેસો,”

જંજરી પીવાઈ રહી ત્યાં સુધી બેમાંથી કોઈ બોલ્યું નહિ. જંજરી એકલી જ બેઉને જાણે કે મનાવતી મનાવતી ટૌકા કરતી હતી. જંજરીના ટૌકાર પૂરા થયા. વજીરાણીએ જંજરી દૂર મૂકી. પછી એ જ્યારે સ્વામીને રજાઈ ઓઢાડવા ગઈ ત્યાં સ્વામીએ એને બાથમાં લઈને ખેંચતા ખેંચતાં કહ્યું : “મારે તો આ રજાઈ ઓઢવી હતી.”

એક જ ક્ષણ પોતાની જાતને ખેંચાવી દીધા પછી વજીરનો હાથ છોડાવીને વૃદ્ધા ચાલી ગઈ, અને બહારથી બારણું બંધ કરતાં પહેલાં એણે ધીરે રવે એટલું જ કહ્યું કે “મને જોરારને...”

અભિમાન તૃપ્ત થયું. જખ્મ પર શાતા વળી ગઈ. વિજયનું ભાન થયું. હવે પછીનું પ્રભાત આ સુખને ક્યાંઈક નંદવી નાખશે તો નહિ ને ! જીવનની છેલ્લી રાત આજે જ ખલ્લાસ થાય તો ?

સુખનો એ ભાવ ઊપડેલી વેળ્યના મોજાની માફક એક જ પળમાં ભાંગી ગયો. એના હૈયા ઉપર એક પડખું ખૂંદી રહી પુત્ર નાગડાની સ્મૃતિ, ને બીજે પડખે ચડી બેઠી સરાણિયણ કન્યા.

ત્રીજા પહોરની ખેરિયાત પહેરેગીરે પોકારી લીધી. વજીરાણીએ વજીરના સૂવાના ઓરડાનું બારણું ધકેલ્યું.

“કોણ ?”

“લૂગડાં લાવી છું.”

“હા, ભલે.”

એ રોજની ક્રિયા રોજની રીતે જ પતી ગઈ, રાતની વાતનો બેમાંથી એકેય જણે ઉચ્ચાર ન કર્યો. સંપૂર્ણ સજાવટ થઈ ચૂકી તે પછી વજીરાણીએ ભાલો હાથમાં આપ્યો. બન્નેના વર્તનમાં રાતવાળા બનાવની એકેય અસર વ્યક્ત નહોતી. અવ્યક્ત મંથનમાંથી તો કોણ ઊગરી શક્યું છે ?

વજીરે ઘર છોડ્યું ત્રીજે પહોરે. ચોથા પહોરે વજીરાણીએ પોતે પણ ઘરને જીવ્યામૂઆના જુહાર કર્યા.