← બાપે તરછોડેલો સમરાંગણ
ખૂંદાતી ગુજરાત
ઝવેરચંદ મેઘાણી
બાળક નહનૂ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


“છે કોઈ આ મૂએલા સુલતાનનો બેટો ?” મુખ્ય અમીર સૈયદ મુબારકે પૂછ્યું.

“પૂછો આ ઇતમાદખાનને. સુલતાનના જનાનખાનાનો પહેલા દરજ્જાનો માહેતગાર તો એ નસીબવંત જ છે ને, હઝરત !” એક અમીરે વ્યંગ કર્યો.

“કોઈ છોકરો નથી.” સુલતાનના રાણીવાસના કીડા ઇતમાદખાન નામના અમીરે માહિતી આપી.

“સુલતાનની કોઈ રાણીને પેટે ગર્ભ છે ?” સૈયદ મુબારકે વગર હસ્યે એક ધર્મપુરષને છાજતી, મોત વેળાની ગંભીરતાથી જવાબ વાળ્યો.

અમીરોએ એકબીજાની સામે જોયું. ફરી પાછો એક અમીરે મર્મ ફેંક્યો.

“એની માહિતી તો ઇતમાદખાન સિવાય બીજા કોને હોય, હઝરત ?"

“હા જ તો. એને જ સુલતાન હાથ પકડી જનાનામાં લઈ જતા." બીજાએ કહ્યું.

“ને રાણીઓને એને હાથે જ શણગાર કરાવતા.” ત્રીજાએ પૂરું કર્યું. ઈતમાદખાન અકળાઈને બોલ્યો : “મારી કમબખ્તી પર શા માટે હાંસી લગાવો છો ? મારી મજા તો મારું એકલું દિલ જાણે છે.”

“ને હું પણ જાણું છું, અમીરભાઈઓ !” સૈયદ મુબારકે ગંભીર સ્વરે સમજ પાડી : “આ ઇતમાદખાનની હાલતનો ખ્યાલ તો કરો ! નાલાયક સુલતાન એને હાથ પકડીને જોરાવરીથી ખેંચી જતો. સામસામી, બે ઓરતોની પણ આંખ મળતી જોતાં કતલ કરી નાખનારો એ સુલતાન આ ઈતમાદને શું ન કરત ! પણ હું જાણું છું. થરથરતો ઇતમાદ ઘેરથી, લોખંડનો લંગોટ પહેરીને જતો, એની ચાવી ઘેર રાખતો, ત્રણ-ચાર પહોરની ભેગી થયેલી હાજતને પણ એ બિચારો ઘેર આવીને છોડવા પામતો. બોલો, ઈતમાદખાન ! કોઈ પણ રાણીને હમેલ છે ખરો ? તો તેના જન્મ સુધી આપણે રાજ ચલાવશું.”

“કોઈ પણ ઓરતને હમેલ નથી.”  “ખાસ્સી વાત. હવે સુલતાનના સગામાંથી વારસદારની તલાશ કરો. છે કોઈ ?”

“છે એક છોકરો.”

“છોકરો હોય તો બહુ સારી વાત, ક્યાં રહે છે ?”

“અમદાવાદમાં.”

“શું કરે છે ?”

“કબૂતરો પાળે છે.”

“સરસ. લઈ આવો આંહીં. તાજ પહેરાવી દઈએ.”

“કોણ જાય ?”

“રઝી-ઉલ-મુલક ! તમે જાવ, તાજના એ જવાહિર અને શહેનશાહી મુગટના એ અલંકારને આંહીં જલદી લઈ આવો.”

અમદાવાદના એક લત્તામાં, એક વાણિયાની દુકાને બારેક વર્ષનો એક છોકરો ઊભોઊભો રગરગતો હતો: “શેઠ, થોડીક તો બાજરી આપો. પંખી પર દયા કરો. અમારે માટે નથી જોતી, અમારાં કબૂતરો ભૂખ્યાં છે. એની દયાને ખાતર ખેરાત કરો.”

દાણાનો વેપારી એ છોકરાના મેલા સદરાની જળી ગયેલી ખોઈમાં કબૂતરની ચણ્ય ફગાવે છે. બાજરીની ખોઈ વાળીને બાળક ઊભો છે. તે વખતે જ એક ઘોડવેલ ત્યાં આવીને થંભે છે. અમીર એ બાળકને નામઠામ પૂછી ખાતરી કરે છે, ઉઠાવીને ઘોડવેલમાં બેસારે છે, ઘોડવેલ પાછી ફરીને વેગે ચડે છે.

“ક્યાં લઈ જાય છે ? ઓ, આ મારા ખાનને, તું કોણ, ક્યાં લઈ જાય છે ? ઊભો રહે, કોઈ અટકાવો. કોઈ મારા બચ્ચાને બચાવો.”

એવા ધાપોકાર કરતી એક બુઢ્‌ઢીને ઘોડવેલનો સારથિ જવાબ વાળે છે : “એને હું એવી જગ્યાએ લઈ જાઉં છું જ્યાં કાલે સવારે લોકોના ટોળેટોળાં ખોઈ ધરીને એની પાસેથી ભીખ માગતાં એને દરવાજે ઊભાં રહેશે, ને જ્યાં ગુજરાતના ચમરબંધીઓ એની પાસે દાખલ થવાની રજા માગતા ટળવળતા હશે.”  બાળકને મહેમદાવાદ લાવ્યા. અમીરોએ ઊઠીને અદબ કરી.

“મંજૂર છે, મંજૂર કરીએ છીએ.” એવી તમામ ઉમરાવોની પરવાનગીનો સુલતાન-તાજ એના મસ્તક પર મુકાયો.

“રાજ તારું છે, પણ ખજાનો અમારો છે,” એવી એની સામે જાહેરાત થઈ ચૂકી. અને એ જ દિવસે મૂએલા સુલતાનના રક્તભીના રંગમહેલની તમામ અસ્કામતો, હાથી, ઘોડા, જવાહિરો અને તંકા નામના જે લાખો સુલતાની સિક્કા હતા તેની અમીરોએ પોતાની વચ્ચે વહેંચણી કરી.

“ખબરદાર, પ્રત્યેક અમીર પહોંચી જાવ પોતપોતાની રિયાસતમાં. લશ્કરને સજ્જ રાખો. દિલ્હીના શાહની ગુજરાત પર ટાંપ છે. સલ્તનતના બીજા દાવાદારો પણ આસમાં-જમીં એક કરતા આવશે. પણ ગુજરાત આપણી છે, અમીરોની છે, લઈ જાઓ આ નાણું, ને રુકાવટ કરો દુશ્મનોની. યાદ રાખજો, સંતુષ્ટ ફોજ જ આપણો બચાવ છે.”

એમ કહેનાર મુખ્ય અમીર સૈયદ મુબારકે પોતાના હિસ્સાની જવાહિર-પેટીઓ તેમ જ તંકા-પેટીઓ ત્યાં ને ત્યાં કુહાડી લઈ તોડી.

“અરે નામવર !” ખજાનચીએ ખબર દીધા : “હજુ એ પેટીઓનો ખજાનો આપને ગણી કરીને સુપરદ કર્યો નથી. કાલે જ અમારો ઉપરી આવીને આપને કબજો દેશે.”

“ફિકર ન કરો. આવતીકાલની મને ખબર નથી. કાલ પર મુલતવી રાખનારો હું બેવકૂફ નથી. આજ અને કાલની વચ્ચે આખી રાત પડેલી છે. આ બુઢ્‌ઢો મુબારક રાતમાં જ જો મોતનો માર્ગ પકડે, તો આ જવાહિર કોણ વહેંચશે ?”

પેટીઓ તોડાવી અને સૈયદ મુબારકે ખજાનો ત્યાં ને ત્યાં પોતાનાં માણસોને વહેંચી નાખ્યો. પોતે નમાજમાં બેઠા.

નવાનગર પર જામ સતાની જે શાસનવેળા, તે જ વેળા ગુજરાતના આ અમીર-શાસનની. સુલતાન, તો હરકોઈ રાજવંશમાંથી ઊંચકી લીધેલો નાનો છોકરો : અને સુલતાનિયત, તો પઠાણી હબસી અથવા સૈયદ ફોજના ધરાવેલા સૈનિકોનું પીઠબળ ટકાવી રાખનાર અમીરોની. એ નવા બાળ-સુલતાનને પણ અમીરોએ શરાબ અને સુંદરીઓ સોંપ્યાં, ગુલશનો અને ગુલાબી છોકરાઓ ભળાવ્યા, એના રંગરાગ અને નાચગાનના ખરચા પેટે નોખાં ગામો કાઢી આપ્યાં, ને પછી અમીરોએ ગુજરાતના ટુકડા પાડીને ગુજરાત પોતપોતાને હસ્તક કરી.

“ઇતમાદખાન ! તમને કડી, ઝાલાવાડ, પેટલાદ, નડિયાદ, રાધનપુર, અણહીલવાડ, ગોધરા અને સોરઠ પ્રાંત. તમે સુલતાનના મંત્રી, તમે અમાત્ય. તમારા અનુચરો તમે નક્કી કરી લ્યો.”

ઇતમાદખાને સોરઠ તાતારખાન ઘોરીને સોંપ્યું. બીજાઓને બીજી રિયાસતો વહેંચી દીધી.

“ને હઝરત સૈયદ, આપને માટે ?”

“પાટણ, ખંભાત, ધોળકા, ઘોઘા, ધંધુકા, ચાંપાનેર, ઠાસરા, બડોદા વગેરે અરધું ગુજરાત.”

સૌ પોતપોતાનો ભાગ લઈ હરખાતા ચાલ્યા ગયા, અને સુલતાનિયતના કડાકા બોલ્યા. ફરી પાછા અમીરોના આંતરકલહ, સામસામાં સૈન્ય-મંડાણ, ભૂંડે હવાલે મોતના અંજામ, છોકરા સુલતાનને વશ રાખવાની સામસામી પ્રપંચબાજી, અને જુવાનીમાં આવતાં વીફરેલ સુલતાનનું ફરી પાછું અમાત્ય ઇતમાદખાનની જ તલવારને ઝટકે ધડથી જુદું માથું. ફરી પાછી સુલતાનની શોધાશોધ ચાલી.