સમરાંગણ/‘જોરારનો’
← નિવેદન | સમરાંગણ ‘જોરારનો’ ઝવેરચંદ મેઘાણી |
જેસો વજીર → |
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો. |
નાગમતી નદીનો એ રળિયામણો આરો હતો. ફરસી પહોળી છીપર ઉપર બેઠી બેઠી એક ચાલીસેક વર્ષની આધેડ ઓરત પોતાના લાંબા હાથ હિલોળતી હિલોળતી અતલસનું કાપડું ચોળતી હતી. ચોળાતા કમખામાંથી સફેદ ભૂતડાના દૂધવરણા રંગ સાથે પહેલકી ધોણ્યનો લાલ અતલસી રંગ ચૂઈચૂઈને નદીનાં પાણીમાં નીતરતો હતો, તેને પીવા ઝીણીઝીણી માછલીઓ છીપર ફરતી ટોળે વળી હતી.
આધેડ બાઈના પહોળા બરડા પર ફક્ત આછી એક ઓઢણી હતી. બરડો લીસો હતો. ઓઢણી લપટતી હતી. છબછબિયાંમાંથી ઊડતાં પાણીનાં ટીપાં પણ નિશાળનાં નાનાં છોકરાં ઊંચાં લીલાં પાટિયા પરથી લસરતાં હોય તે રીતે બાઈના બરડા પર પડી પડી લપટી જતાં હતાં. કાપડાની કસોના ગુલાબી કાપ બરડા પર પડેલા હતા. આ નદી-આરો ઉપરવાસનો હતો, એકલ હતો, નિર્જન હતો. ધોનાર ઓરતની સાથે એક જ બીજી બાઈ હતી તે લૂગડાં નદી-કાંઠાની સફેદ ભૂતડાની માટીમાં મસળતી હતી.
બેથી અઢી વર્ષનો એક છોકરો આ કાપડું ધોતી આધેડ બાઈના બરડા પર ધબ્બા લગાવતો અને ગળે બાઝતો પછવાડે ધીંગામસ્તી મચાવી રહ્યો હતો.
“આઘો ખસ, મારા વેરી, થોડીક વાર તો મને કવરાવવી રે’વા દે!” બાઈ છોકરાને ઠેલવા મથતી હતી. ધોવામાં એને અગવડ પડતી હતી. “નૈ મા, ભૂખ લાગી છે. ધાવવું છે, મા, તું મને વઢ મા. મને ભૂખ લાગી છે.” છોકરો તોતડા બોલ બોલતોબોલતો માની પીઠ પર ધમાચકડી મચાવી રહ્યો.
“ભૂખું તે તું કેટલાક જલમની લઈને આવ્યો છો, ભા! ! હેં નાગડા?” બાઈ છોકરાની સામે જોયા વગર જ બોલતી હતી.
“આગલા જલમનો કોક અપવાસી જોગી હશે, હોં મા!” લૂગડાં મસળતી બાઈએ કહ્યું.
“હા, એટલે તો એનું નામ નાગડો પાડ્યું છે ના!”
“ભૂખ, ભૂખ, મા, ભૂખ !” બાળકને આ બે બાઈઓની વાતોમાં રસ નહોતો. એનું પેટ પોતાની પ્રશંસાથી ભરાતું નહોતું. એણે તો માની પીઠ ઝાલી ધણધણાવવા માંડી. બાઈના હાથ છીપર પર ટકી શક્યા નહિ.
“પણ સાંજ પડે છે, નાગડા ! મારે હજી ગાંસડી લૂગડાં બાકી છે. જો આંહીં માણસુંને સીમમાંથી વળવાની વેળા થાતી આવે છે. છોડ, માડી, હમણાં ધોતીધોતી કેમ કરી તને ધવરાવું!”
“ધોતીધોતી - નૈ, બસ, ધોતી ધોતી - મા, ધોતીધોતી ધવલાવ –” છોકરો બાથંબાથાં કરી રહ્યો.
“ઠીક, આ લે.” એમ કહીને માતાએ પોતાનું ઢીલું સ્તન ઊંચું લઈને પોતાના ખભા તરફ લંબાવ્યું. “લે બેટા ! તું તારું કામ કર, ને હું મારું કામ કરું.”
ખભા પર મોં ઢાળીને છોકરો પીઠ પાછળ ઊભોઊભો ધાવણ ધાવવા લાગ્યો, ને વગર અંતરાયે મા ધોતી રહી. છીપર પર કાપડું મસળતા એના ઝૂલતા દેહ પર બાળક પણ ઝૂલી રહ્યો. પછી તો બેમાંથી, એકેયને ઉતાવળ ન રહી. મા ધોવામાં મશગૂલ હતી. બાળક હીંચોળા ખાતોખાતો ધાવતો હતો ને ઝોલાં પણ ખાતો હતો.
“આ તો ભારી કરામત, મા !” આધેડ બાઈને માન-શબ્દે સંબોધતી એ બીજી સ્ત્રી એની નોકરિયાત લાગતી હતી. “માનું ધાવણ બીજા શા ખપનું છે, બાઈ ? ભલેને ધાવતો. મેં તો આને ઘડૂલે ઘડૂલે ઘટકાવવા દીધેલ છે, એની કાંઈ છાશ થોડી ફેરવવાની છે ? હોય તેટલું હસીને પાઈ દઈએ. સાચો ધાવનારો હશે તો આગળ ઉપર લેખે લગાડશે. પૂરો ધરવ નહિ પામ્યો હોય તો આગળ જાતાં એબ લગાડશે. ગાય-ભેંસનાં દૂધ-ગોરસ સાચો મામલો મચે ત્યારે થોડાં જ ઊગી સરવાનાં છે ? તે ટાણે તો જવાબ દેશે માનું ધાવણ. મરને ધાવી લેતો. તે ઘડીએ તો ધવરાવનારીના રંગ રે’શે ને !”
નદીનો આરો પોતે અબોલ છે, પણ મૂંગાં નદી-જળ માનવીઓને બોલતાં કરે છે. સંસારના લાજમલાજાએ સીવી લીધેલી નારીની જબાન પરથી નદીનો કાંઠો ટેભા તોડે છે. બાળકની માતા અંતરના અતલ ઊંડાણમાંથી બોલતી હતી. પાછી વળીને ઘેર પહોંચશે ત્યારે વાચાને જાણે તાળાં વસાઈ જવાનાં છે, એવી બીકે એણે અંતરના આગળા છૂટા મેલ્યા.
વાદી જેમ મોરલીને ઝાલી અવનવા સૂર ઘૂંટતો હોય, તેમ પીઠ પર ઢળેલો બાળક માનું સ્તન બે હાથે પકડી ધાવણ ઘટકાવતો હતો. એના મોંમાંથી ઘૂઘવાટ ઊઠતા હતા. માતાનું સ્તન એના બે હાથમાં મોરલી-ઘાટનું બન્યું હતું.
મસળીમસળીને નાની સ્ત્રી લૂગડું ફેંકતી હતી. ફેંકાતું લૂગડું ઝીલીઝીલીને બાળકની જનેતા છીપર પર ચોળતી હતી. કાંડાં સાથે ખણખણાટ કરતો ચૂડો ઊંચે ચડાવ્યા છતાં વારંવાર લસરી નીચે આવતો હતો ને કાંડાં પર નાચતો હતો.
“હેં મા !” નાની સ્ત્રી વાત કઢાવતી હતી : “આ દરબારની રાણીયુંનાં ધાવણ કેવાં ધૂળમાં રોળાતાં હશે !”
“એના ય દીકરા પીવે છે ને.”
“દીકરા તો પીવે છે, પણ દીકરી પીવા આવે ત્યારે ? દૂધમાં ઝબોળીઝબોળીને જીવતી મારે, પછી એની છાતીનાં સરોવર સડીસડીને બેઠાં થતાં હશે ને ?” “અભાગણીયું છે જાડેજાઓની બાયડિયું, બાઈ !” માએ નિશ્વાસ મૂક્યો : “કયે અવતારે છૂટશે ?”
“હેં મા ! એક વાત પૂછું ? ગઢમાં હજી ચણભણ થાય છે.”
“શું ?”
“કે વચેટ સફીઆણી રાણીની જે દીકરી દૂધપીતી કરવા માટે તમને સોંપાઈ’તી તેને...”
“શું તેને ?”
“તેને તમે દૂધપીતી કરી નથી. ક્યાંય આઘીપાછી કરી નાખી છે.”
“જાણતાં હશે ગઢનાં માણસ બધું. હું શા સારુ આઘીપાછી કરું ? એનાં સગાં માવતર એનું મોત વાંછે, ને મારે પારકી જણીને શી બલા પડી છે કે હું જિવાડું ! દૂધના તપેલામાં ઝબોળી ઝબોળીને મારી છે. એ દાટી મસાણમાં.”
“મસાણ ખોદાવ્યું’તું કહે છે, હાડકાની કરચેય ન જડી.”
“ઉપાડી ગયું હશે ઘોરખોદિયું.”
“સૌના મનમાં શંકા રહી ગઈ છે.”
“શંકા ભૂત ને મનછા ડાકણ. મારી જાણે બલારાત. હું તો દરબારમાં જાતી જ બંધ થઈ ગઈ છું ને.”
“વજીરાત કરવી એટલે જાવું તો જોવે જ ને !”
“વજીરાત તો કરે છે વજીર જે હોય તે. પુરુષ જઈને ધણીના ગોલાપા મર જીવતાં લગ કરે. બાયડીને કાંઈ કોઈએ ગોલી નથી રાખી. મારે તો મારા નાગડાને મોટો કરવો છે. દીકરીયુંને ટૂંકી કરીકરીને દીકરા પારકાના ચોરી વેચાતા લઈ ગાદીએ બેસારનારાઓની વાત નોખી છે. મારે તો કાંઈ રાજવળું નથી. વેચાતો લાવવો નથી. મારાં સાત મૂઆં તેને માથે આ એક આપ્યો છે મા આશાપરાએ, તે ઉછેરવો છે. હાલો, ઝટ કરો, હવે મોડું થાય છે.”
બન્ને સ્ત્રીઓનાં મોં નદી તરફ હતાં, પીઠ ગામ તરફ હતી, નદીકાંઠે અવરજવર ઓછો હતો. બન્ને કપડાં ચોળવા-મસળવામાં તેમજ વાતોમાં મશગૂલ હતી.
એકાએક બન્નેએ હસાહસ અને ખીખીઆટા સાંભળ્યા. પાછળ નજર કરી. દૂર દૂર દસ ઘોડેસવાર ચાલ્યા જતા હતા.
જૂથમાંથી આગલા બે જણ થોડા આગળ હતા. તેમાંના એકનો ઘોડો નાચકણી ચાલ કાઢતો, ચારેય દિશામાં ડાબલા અને ગરદન ઉછાળતો હતો. એને કસકસીને ઝાલતો અસવાર દાંત કાઢતો હતો. બાજુમાં પોતાનો ઘોડો જરાક પાછળ રાખીને ચાલ્યો આવતો સવાર આ સાથીના હાસ્યમાં શામિલ નહોતો થયો. એનું મોં નીચે ઢળેલું હતું. એણે એકાદ બે વાર પાછળ નજર નાખી લીધી હતી.
પાછળ ચાલ્યા આવતા આઠ બીજા ભાલાધારી ઘોડેસવારો પાછળ નજર નહોતા કરતા. તેમણે શરમાઈને મોં બીજી દિશામાં વાળી દીધાં હતાં.
સાંજનો પવન નદીઢાળો હતો. દસેય ઘોડેસવારો પવનની ઉપરવાસ હતા. ઘણી વાર બોલનારાઓ ઘણા દૂર હોય તે છતાં શબ્દો સ્પષ્ટ વીણી શકાય તેવા સંભળાય છે. પવનના પરમાણુઓ કેટલીકવાર અસલ બોલાતા બોલને વધુ બુલંદ બનાવે છે. શબ્દો ઊડતાં પક્ષીનું રૂપ પામે છે. છોકરાને પાછળથી ધવરાવતી ધવરાવતી કપડાં ધોતી અને આ ચાલ્યા જતા ઘોડેસવારોને જોવા થંભેલી એ આધેડ બાઈના કાન પર ખિલખિલ હાસ્ય ખખડાવતા પાંચ જ શબ્દો પહોંચ્યા :
“હિ જોરાર કિન્જા ઘરજિ હુંદી ?”
“હિ જોરારજો કેર !”
“કેર આય હિ જોરારજો !”
“મા !” સાથી સ્ત્રીએ કહ્યું : “બાપુસાહેબ તો નહિ ? ને હારે છે ઈ તો મારા વજીરબાપુ જ.”
બાઈએ ડોકું હલાવ્યું. એણે તો ઘોડેસવારોને ક્યારના ઓળખી લીધા હતા. હવે તો એ શબ્દોને પકડી રહી હતી : ‘જોરારજો ! હિ જોરારજો કેર ?”
શબ્દો જાડેજી ભાષાના હતા. કચ્છી બોલીના એ ત્રણ બોલ આ પુત્રની માતાના કલેજામાં કટારી પેઠે રમી ગયા. ત્રણ જ પેઢીથી કચ્છની ધરા મેલી દેનારું એ ગામનું રાજકુળ હજુ જાડેજી ભાષા જ બોલતું હતું.
“હિ જોરારજો કેર ?” [આ જોરારનો કોણ ?]
બાઈ સમજી ચૂકી. જોરાર એટલે એવી ભેંસ, કે જેને ઝાઝાં વેતર થઈ ગયાં હોય, ને ઝાઝી વાર વિયાવાથી જેનાં આંચળ ઢીલાં કોથળી જેવાં બની ગયાં હોય. આ ગાળ કોઈ પોતાને જ દેતું જાય છે. ગાળ દેનાર આંહીં નજીકમાં થઈને નીકળ્યો હોવો જોઈએ. નક્કી એણે મારી પીઠ પાછળ ઊભો રહીને ધાવતો બાળક નિહાળ્યો હોવો જોઈએ. આ નદી-કિનારાની ધ્રો-છવાઈ ધરતી પર એના અશ્વના ડાબલા અવાજ કર્યા વગર પડતા ગયા હોવા જોઈએ. એ મહેણું દરબાર જ દઈ રહ્યા છે. એણે મને ‘જોરાર’ કહી, એણે મારા છોકરાને ‘જોરારનો છોકરો’ કહી બદનામ દીધું. એણે મારી કાયા દેખી, ને મારાં શિથિલ અંગો દીઠાં. એ હસતો જાય છે, અને મારા ધણી, દરબારની વજીરાત કરતા પુરુષ, એ મૂંગે મોંયે સાંભળતા-સાંભળતા કાં ચાલ્યા જાય છે ?
એણે દરબારને છાજતો જવાબ કાં ન દીધો ? એણે એટલુંય શું ન કહ્યું, કે ‘એ જોરારના છોકરાના ઝપાટા તો, દરબાર, આગળ ઉપર જોઈ લેજો’ ?
બાઈને પાછળ દોડી જવાનું દિલ થયું. નાગડાને તેડીને ત્યાં પહોંચું, જાડેજા દરબારની સામે ઊભી ઊભી સંભળાવું, કે જોઈ લેજો આ જોરારનાને : નિહાળીનિહાળીને જોઈ લેજો. મારાં લબડતાં થાનને ધાવેલો આ બાળક એક દિવસ આ ગાળ બોલનારના ગળામાં પાછી ગળાવશે. એક દિવસ આ જોરારનો, ઢીલાં થાનનાં ધાવણનો હિસાબ ચૂકવશે.
પણ એણે પૂરાં લૂગડાં ય પહેર્યા નહોતાં, હજી તો નાહવું ય બાકી હતું, અને એ વિચાર કરતી રહી ત્યાં તો દસેય ઘોડેસવાર નાગની ગામના દરવાજામાં દાખલ થઈ ગયા. ઊંઘી ગયેલા બાળકને કાંઠાની ધ્રો-છવાઈ ગાદલિયાળી ભોંય પર સુવરાવીને માએ નદીનાં કમ્મરપૂર પાણીમાં નાવણ કર્યું, ત્યારે આથમતો સૂર્ય જાણે એને કહેતો હતો : ‘મા ! તું ખરેખર રૂપાળી છે, તારે પેટ અવતાર લેવાનું મન થાય છે. તારું દૂધ પી શકું તો કોઈકોઈ વાર આ સાત ઘોડલાની રાશ ખેંચતાં પંજા કળે છે તે ન કળે !’
એના બરડા પર ભૂતડો ઘસીને બીજી બાઈએ વાંસો ચોળી દીધો. બાઈએ નાહી લીધું એટલે થોડે છેટે વેલડું છોડ્યું હતું તેને સાથેની જુવાન સ્ત્રીએ જઈને બળદ જોડ્યા. પડદા પાડીને આધેડ બાઈ દીકરા સહિત અંદર બેઠી. વેલડું નાગની નગરના વજીર-વાસમાં ચાલ્યું ગયું.