સમરાંગણ/પુરુષાતનની પ્રતીતિ

← અણપ્રિછ્યું મિલન સમરાંગણ
પુરુષાતનની પ્રતીતિ
ઝવેરચંદ મેઘાણી
વાય મુઝફ્ફરો ! →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


18
પુરુષાતનની પ્રતીતિ

ગરથી અધરાતનું ઊપડેલ કાઠી-કટક પરોઢિયે ખેરડી પહોંચ્યું. જીતનો દરબાર સવારે ભરાય તે પહેલાં થોડોથોડો વિસામો ખાઈ લેવા કાઠી જોદ્ધાઓ પોતપોતાને ફળિયે ચાલ્યા ગયા. અને પોતાનું જખમી હૃદય સગી સ્ત્રી પણ ન પરખી જાય તે માટે કાઠીરાજ લોમા ખુમાણે શાંતિથી પોતાના શયન-ખંડના ઓરડામાં ઢોલિયે બેઠેબેઠે કાઠિયાણી પાસે કપડાં ઉતરાવવા માંડ્યાં.

“પણ આવડી મોટી જીતનો ઝળકાટ જ તમારા મોં માથે મુદ્દલ કેમ દેખાતો નથી, હેં દરબાર ?”

કાઠિયાણીના એ પ્રશ્નના જવાબમાં ખુમાણે કહ્યું : “જીતને ય જીરવવામાં શોભા છે, કાઠિયાણી.”

“તમને એક વધામણી આપવી છે.”

“આપો.”

“તમે સ્વપ્ને ય કદાપિ ન માનો એવી વધામણી.” “આવડું જબર વેર દલ્લીના પાદશ્ય સાથે બાંધ્યા પછી હવે વળી બીજી કઈ વધામણી બાકી રહી છે ?”

“વેર બાંધ્યું લેખે લાગે એવી વધામણી.”

“ભણોને ઝટ.”

“કાં કહેતા’તાને કે આવડી મોટી જીત જીરવી લીધી છે ! તો પછી આ વધામણી સાંભળવાની અધીરાઈ કાં બતાવો ?”

“તમને બાયડિયુંને તો સદાને એક જ સંતોષ વા’લો.”

“શો?”

“પુરષને મોંયે મીનો ભણાવવાનો. લ્યો ભા, અમે ય મીનો ભણ્યો. હવે ભણો, શી છે તમારી વધામણી ?”

“આવો આંહીં.”

કાઠિયાણી પોતાના કંથને મેડી ઉપરથી નીચે એક એવા ઓરડાની દીવાલે લઈ ગઈ, કે જેની દીવાલના એક ગુપ્ત બાકોરાની આરપાર બીજા દૂરના ફળિયામાં ખાસ એકાંત રાખવા લાયક દરબારી પરોણાનો વિશાળ ઉતારી દેખી શકાતો અને એ પરોણાની તમામ હિલચાલ પર છૂપી નજર રાખી શકાતી.

“જોઈ લ્યો. ત્યાં કોણ છે ?”

ગુપ્ત જાળિયામાંથી જોનાર લોમા ખુમાણની આંખોએ પરોઢિયાના એ જરીજરી ઊઘડતા અજવાળામાં આઠસો જેટલા આદમીઓને ઊઠતા ને બેસતા, કશીક સંઘ-ક્રિયા કરતા જોયા. ચારસો એક બાજુ, બીજી બાજુ બીજા ચારસો, ને વચમાં એક પચીસેક વર્ષના જુવાનને જોયો. એ આઠસો ને એક નમાજ પઢતા હતા. રાત્રિની નીંદ આપીને પુનઃ પાછી નવા પ્રભાતની બક્ષિસ કરનાર પરવરદિગારને ઉપાસનારા આ મૌનધારીઓ કોણ છે ? ગઢના અતિથિ-ગૃહમાં ફકીરોની કોઈ જમાતને સંઘરી છે શું કાઠિયાણીએ ? નહિ, નહિ, ગેબની માળણ પ્રાતઃકાળની તેજ-ઝારી વધુ ને વધુ છાંટવા લાગી તેમતેમ એ આઠસો ને એક કલેવરો અમીરી ઓલાદનાં દીસ્યાં. તેઓનાં ઝૂલતાં વસ્ત્રો મુલાયમ હતાં. તેમનાં મોં પર ગુલાબી ગૌરતા હતી, બંદગીમાં ઝૂકેલા એ આઠસો ને એકની આંખો બિડાયેલી હતી. અજાણ્યા કાઠી-મુલકમાં, પરાયા ગામધણીને ઘેર, ચોય ફરતા બંદોબરતની વચ્ચે, આટલો બધો ઇતબાર મૂકીને ઈશ્વરોપાસનામાં એકાકાર બનેલા આ પરોણાઓ શું બેવકૂફ હશે ?

ખીંતીએ ખીંતીએ હથિયારોની થપ્પીઓ પડી હતી. તમંચા ભરેલા કમ્મરબંધો ટિંગાતા હતા. અને ઓ દેખાઈ, ઝરિયાની ટોપીનાં ટોપકાં ફરતી બંધાયેલી પડેલી એ મુગલાઈ પાઘડીઓ. ઓ બાંધ્યા એ મુગલાઈ રાજચિહ્‌ને દાગેલા પ્રચંડ પઠ્ઠા ઘોડાઓ, સાંઠિયાઓ અને સામાન ઊંચકનારા ખચ્ચરો. પોતાના રાજગઢના એ વિશાળ ઉતારાને કાઠીરાજે એક છેડેથી સામા છેડા સુધી ઠાંસોઠાંસ ભરાયેલો દેખી પત્નીને ફાળભર્યો પ્રશ્ન કર્યો : “આ મુંગલા છે ? આ ક્યાંથી ? કોણે ગઢમાં પેસાડ્યા ?”

“મેં, મેં જ તો.”

“તમે આ શો ગઝબ ગુજાર્યો ? તમને ફોસલાવીને ગઢનો કબજો તો નથી લઈ લીધો ને ?”

“લે તો હક્કદાર છે.”

“અરે પણ તમે આ છોકરવાદી કાં માંડી ? મુગલોને તો હું ધમરોળીને હાલ્યો આવું છું.”

“એ સાંભળીને જ આ આઠસો ને એક આવ્યા છે. આપણે ખેરડી ખાલી કરીને એમને સોંપી દઈએ તો ય રૂડા લાગીએ એવા એ મહેમાન છે.”

“પણ કોણ છે ? ઝટ ભણોને કાઠિયાણી ! નહિતર નમાજમાંથી ઊઠ્યે બાજી હારી બેસશું.”

“જોજો જીતને જીરવનાર જોયા હોય તો ! આમ આવો આમ.” એટલું કહીને મલકાટ વેરતી કાઠિયાણી સ્વામીને પાછા સૂવાના ઓરડામાં લઈ ગઈ ને ત્યાં એમના ગળામાં હાથ નાખીને બોલી : “લ્યો, આ વિજયની માળા પહેરાવી તમને, અને હવે વિસામો લેવાની ઉતાવળ રાખો. તમારી વાટ જોવે છે.” “કોણ ?”

“અમદાવાદની રાજ-લખમી. આભા થાવ મા, સાંભળો વધામણી, બીજું કોઈ નહિ, મારો ભાઈ આવ્યો છે.”

“તારો ભાઈ ?”

“હા, હા, હા, મારો ભાઈ નહનૂ.”

“નહનૂ મુઝફરીઓ ?”

“અરે સંભાળો સંભાળો, જીભ સંભાળો, મુઝફરીઓ નહિ, મુઝફ્ફરશાહ.”

“આંહીં ? દલ્લીનો કેદી, આંહીં ક્યાંથી ?”

“દલ્લીથી”

“છૂટ્યો ?”

“ના, ભાગી આવ્યો.”

“ત્યારે તો વધામણી નહિ આફતના ડંકા, મોતનું તેડું, કાળનો દાવાનળ.”

“અરે ચમકો મા, અસ્ત્રીની અક્કલ ઉપર આટલો બધો અવિશ્વાસ આણો મા. ભાઈ મારો નથી તમને મોતનું તેડું કરવા આવ્યો. તમને ભેંસુંના ગોવાળને ગુજરાતની અમીરાઈનો પહેલો પટો બંધાવવા આવ્યો છે. તમે ઝટ સાબદા થઈ જાવ – આપણો સૂરજ આજ સમો ઊગ્યો છે. ઊગતા ભાણને ભાવની અંજળીઉં આપો, કાઠીરાજ ! અને પછી માણકી પલાણો.”

“મને વિગતેથી સમજાવો, રાણી. મને કાંઈ ગમ પડતી નથી.”

“સાંભળો. મારા ભાઈનું ભૂંડું કરવાવાળો કપાતર ઇતમાદખાં પસ્તાઈને મક્કે હજ પડવા હાલ્યો ગયો’તો, ત્યાંથી એ પાછો દલ્લી આવ્યો. અકબરશાએ ખોટ ખાધી, ગુજરાતની સૂબેદારીનો રુક્કો આ ભાભા ઇતમાદને આપ્યો. આગ્રામાં એ જાણ થઈ અને મારા ભાઈની આંખ ફાટી. અકબરશાહની તમામ રયાસત અને સેના ઢાકા, બંગાળા ને દખણના દંગા દબાવવા હાલી ગઈ છે. નહનૂ ભાઈ આગ્રેથી ભાગી છૂટ્યો. રાજપીપળે આવ્યો. ઇતમાદખાંની આગળના સૂબા શાહબુદ્દીને દલ્લી જતાં જતાં પોતાના મુંગલા જોદ્ધાઓને રજા આપી. એ બધા ઈતમાદ ભાભા આગળ ગયા. કહે કે અમને ચાકરીમાં રાખો. ઇતમાદ ભાભો બોલ્યો કે ગામ-ગરાસ તો તમને ન મળી શકે, રે’વું હોય તો દસ-દસ રૂપરડીનો દરમાયો ખાવ. ભાભો બહુ ભૂંડો લાગ્યો. ફોજમાં ફાટફૂટ પડી. મુંગલા બધા નહનૂભાઈને ભેટી ગયા છે. ખંભાતના દોલતા સૈયદે અને સૂરત-ભરૂચવાળા સરદારોએ દોડ્યા આવીને નહનૂભાઈને કોથળકોથળે નાણાં દીધાં છે, હજારુંની ફોજું તૈયાર રાખી છે. અમદાવાદમાં ઇતમાદ ભાભાનું કોઈ રિયું નથી. વસ્તી હૂકળી રહી છે, કે લાવો, ઝટપટ લઈ આવો અમારા આગલા સુલતાન મુઝફ્ફરશાને. પણ ભાઈ બચાડો, પંડ્યે તમને તેડવા આવેલ છે : આવીને મારા તો પગુંમાં પડી ગયો, ને બોલ્યો કે બેનની દુવા લઈને પછી ગાદીએ બેસવું છે. અને પ્રથમપહેલો આશરો આપનાર કાઠીરાજને ગુજરાતી અમીરાતની પહેલી પાઘડી બંધાવવી છે.”

લોમા ખુમાણે આખી રાત ગળીગળીને મનમાં ઉતારી પૂછ્યું : “આપણા જાસૂસે શું કહ્યું ?

“કહ્યું કે અમદાવાદનો એકેએક ખબર સોળ વાલ ને એક રતી સાચો છે, ને ઇતમાદ ભાભો આજકાલમાં જ ઓલ્યા મોયલા શાહબુદ્દીનને મનાવી લાવવા ઊપડી જશે.”

“કાઠિયાણી,” લોમા ખુમાણે કહ્યું : “હવે તમારી વધામણી સાચી. હવે લાવો દાતણ અને છાશ્યું તૈયાર કરાવો.”

“તૈયાર કરાવવાનું અટાણ લગી હોય ? રાત બધી નીંદર જ કોણ કરે છે. આ ત્રણ દી થ્યા ? આખું ગામ જાગે છે. મહેમાનોની સરભરા કરીયે છયેં.”

“આ વખતે તમને વીરપહલીનું કરીને કાંઈ આપ્યું તમારે ભાઈએ, કે બસ બોન ! બોન ! બોન ! કરીને જ રીઝવે છે ?”

“આમ જરા જોશો ?” એમ કહીને કાઠિયાણીએ ઢોલિયા નીચેની એક પેટી બતાવી. ઉઘાડી. અંદર ભરેલાં જવાહિરો જોતી લોમા ખુમાણની આંખો ચકળવકળ બની. એણે હર્ષાવેશમાં કાઠિયાણીને હૈયે હાથ નાખ્યો.

“કાં, મોટા હારજીતના જીરવણહાર ! લાજો લાજો હવે, લાડા ! સૂરજ ડાડે કોર કાઢી.” કહેતી જ એ ઊઠીને ચાલી ગઈ. ને લોમો ખુમાણ ઉતારે ગયા.

“ઓહોહોહો –” એમ બોલતે બોલતે લોમા ખુમાણે એ આઠસો લડવૈયાઓના લાડીલા જુવાન સામે ખડકીમાંથી દોટ દીધી. “બાપ આવ્યો, ભાઈ આવ્યો, મારો ખાવંદ સુલતાન આવ્યો !” એમ બોલતાં બોલતાં અશ્રુજળે કંપાયમાન કંઠે કરીને કાઠીરાજે મુઝફ્ફરને બાથમાં ઘાલ્યો. મુઝફ્ફરે પણ કાઠીરાજના શરીર ફરતી સ્નેહની બાથ ભીડી લીધી. ભેટીને છૂટા પડ્યા ત્યારે પરસ્પર બેઉનાં મોં જોવાનો મોકો મળ્યો. નહનૂના ચહેરા પર નવું નૂર હતું. નહનૂની આંખોમાંથી માયામમતાનાં મોતી વેરાઈ નહોતાં ગયાં. એણે આઠસો અંગરખાધારી, લુંગીધારી, જમાદારી પાઘવાળા મુગલો તરફ લોમા ખુમાણને લીધો. એક પછી એક સરદારની પિછાન કરાવી : “આ સરદાર ખલીલબેગ, સરદાર મીર યુસુફ, મહમદ બખશી, કાદર બેગ, અબાલીક ઉઝબેક, મીર આબેદ, મુગલબેગ...”

એક પછી એક સર્વની સાથે લોમા ખુમાણ હાથ મિલાવતો ગયો. પ્રત્યેકને માટે એના મોંમાંથી “બા...પા ! બાપ ! બાપ ! ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય કાઠીનાં ! વાહ અમીરાત ! વાહ-વાહ-વાહ- પોતાનું ઘર ગણીને આ ધૂડમાં પડ્યા રિયા, મારા બાપ ! મુગલ અમીરાતના ઢગલા ને ઢગલા મુજ રાંકને આંગણે ઊતરી પડ્યાં...”

તમામની સાથે હાથ મિલાવવામાં લોમા ખુમાણે સ્નેહભાવની અવધિ ખરચી નાખી. દાયરો કસુંબો લેવા બેઠો. ચારણોએ કાઠી ઇમાનદારીનાં ને મુસલમાની નેકટેકનાં કવિતો સુણાવ્યાં. મુઝફ્ફરનાં નેત્રોમાંથી નીતરતી રોશનીની ધારાઓ તો સોરઠી ઇમાનદારીની મહાકાવ્યધારા બની ગઈ.  “પંદર દિ’માં આગ્રેથી રાજપીપળા ! પંદર દિ’માં પોગાડ્યાં મારા બાપ ? સુલતાન મુઝફ્ફર અને પાદશા અકબર વચ્ચે હવે શું થોડોક જ ફેર ભાંગવો બાકી રહ્યો ?” લોમા ખુમાણે તારીફની નદીઓ ને નદીઓ વહેતી મૂકી.

આગ્રાથી નાસી છૂટેલા નહનૂનું ગુજરાતમાં આવી પહોંચવું, એ બેશક એક મર્દાઈનો કિસ્સો હતો, કેમ કે એ નાસવું એક પાદશાહી બંદીવાનનું હતું. આગ્રાના આનંદો તજીને મોતનાં જોખમ માથા પર લેનારો નહનૂ નાસ્યો ત્યારે નિરાધાર હતો. ગુજરાતમાં કોણ શત્રુ ને કોણ મિત્ર તેની નહનૂને ખબર નહોતી. પાસે ખરચી નહોતી. પલાણવા ઘોડું નહોતું. આગ્રામાંથી એને ઉઠાવનાર ઊંટ કે અશ્વ કોઈ ઇતિહાસની નોંધમાં નથી. એ ક્યાં થઈને ચાલ્યો, એને કોણે જમાડ્યો ને એ કોનો રાત-આશરો પામ્યો, તેની નોંધ ક્યાંય રહી નથી. રહી હોત તો રોમાંચક બની જાત.

“લોમાભાઈ,” મુઝફ્ફરે એકાંતમાં દાંત પીસ્યાં : “હું ન ભાગત. અકબરશાહના હાથની તાલીમે મને બીજાં પાંચ જ વર્ષોમાં, સાચો ઇન્સાન બનાવ્યો હોત. અબુલ ફઝલની આગળ ઇતિહાસ ભણવાનું મને ખૂબખૂબ ગમતું હતું. રાજા માનસિંહજી પોતે જ મને સમરાંગણોમાં સાથે લઈ જઈ જવાંમર્દીના પ્યાલા પાતા હતા. હું સુખી હતો. શહેનશાહના જનાનખાનાની કોઈક બેટી સાથે મારી શાદીની વાત પણ દૂર નહોતી. મારી ભોજન-થાળી શહેનશાહના જ બબરચી પકવતા હતા. મને એક દિવસ ‘નામર્દ’ વગેરે સખૂનો કહેનાર મુગલોને અકબરશાહે જન્મકેદમાં હડસેલી દીધા હતા. મારે કશી કમીના નહોતી. પણ શું કરું ? મક્કેથી પાછા આવનાર, એ મારા શત્રુ ઇતમાદખાનને જ્યારે શહેનશાહે ગુજરાતની સૂબેદારી એનાયત કરી, ત્યારે મારું ખૂન ખદબદી ઊઠ્યું. મારી અમ્માની ચીસો ફરી એક વાર મારા કાને પડી. મારી માતા પર ગર્ભપાતની કોશિશોનો ગજબ ગુજારનાર અને ગુજરાતની સ્વાધીનતાને કૂડકપટથી ખતમ કરનાર ઇતમાદ ગુજરાતની સુબેદારી કરે તો કાં મારે આગ્રામાં જ ઝહર પીને સૂઈ જવું જોઈએ, ને કાં મારે ગુજરાતમાં આવી ઇતમાદનું કલેજું વિદારીને જ હિસાબ ચૂકવવો જોઈએ. હું એવા તોરમાં ને તોરમાં નાસી આવ્યો છું. મને ગુજરાતમાં કદમકદમે યારી મળી છે. યોદ્ધાઓ બેશુમાર છે. ખજાનો તૈયાર છે. હવે આપ ઘોડીએ ચડો તેટલી જ રાહ છે. ઇતમાદ અમદાવાદ છોડી શકે તે પહેલાં જ પહોંચવું છે. ભદ્રનો કિલ્લો ભેદવામાં એક પથ્થર પણ ખેસવવાની જરૂર નથી. ઇતમાદે બુઢ્‌ઢે દિલ્હીથી કુમક મગાવી છે. એ આવતાં પહેલાં તો ભદ્રના બુરજ પર મહાકાળી તોપો નહિ ચડાવું ? ચાલો, લોમાભાઈ, તમારે ભાલેથી શુકન લઈને હું આ વખતે ગુજરાત સર કરીશ, મારા સાચા રક્ષણહાર આ વખતે તો સોરઠિયાઓ જ બનશે.”

“હાલો બા ! હું તો હવે શહેનશાહનો બહારવટિયો બની ચૂક્યો છું.”

“મેં એ બધી બીના સાંભળી. ગઝબ શિકસ્ત દીધી તમે તો, લોમાભાઈ. મારા દિલમાં હતું કે આપણે નવાનગર કાસદ મોકલી જામને પણ મારી કુમકે બોલાવી લઈએ. અને મારે મુરાદ તો હતી બે જણાને જોવાની : તમારા જેસા વજીરને તથા જામકુંવર અજાજીને.”

“હા, ખાવંદ,” લોમા ખુમાણે જવાબ વાળ્યો : “હુકમ હોય તો તેડાવી લઈએ; એ તો આપણા જ છે. હું કહું એટલું જ એ કરવાવાળા છે. પણ અત્યારે ત્યાં સરખાઈ નથી. કુટુંબમાં કજિયો છે, ને વજીર પણ લગભગ ખાટલાવશ છે. મને ભારી કાષટી પડી છે, ખાવંદ ! મિરઝાખાનને તગડવામાં મને તકલીફ પડી તે કરતાં વધુ તકલીફ તો એ છોકરાને ને એ બુઢ્‌ઢાને હિંમતમાં રાખવાની પડી. કલેજાં જોરદાર નહિ. બી-બીને ફાટી પડે. હવે ઝટ મુગલને શરણે થઈ જઈએ એવી હઠ પકડે. એટલે કાલ તો માંડ માંડ એને ઘેર પહોંચતા કરીને હું છૂટ્યો છું. અમદાવાદમાં એવું કાંઈક કરી બેસે તો રામકાણી રહે. વળી, વધુ મદદની જરૂર નથી. મારા પચીસ હજાર કાઠીઓ તૈયાર છે. આપણે ઠરીને ઠેકાણે થયા પછી તેડાવીએ તે ઠીક નહિ ?” “જેમ તમારી નિગાહ પહોંચે તેમ કરીએ, લોમાભાઈ ! તમે તમામ વાતના જાણકાર છો. તમે જ મારા સાચા સલાહકાર છો.”

*

તે પછીનો ચોથો દિવસ બુધવાર હતો. બપોરની નમાઝનો વખત હતો. અમદાવાદના રાયખડ દરવાજા પાસે કિલ્લાનો બિસ્માર ભાગ મરામત થઈ રહ્યો હતો. બે હજાર કાઠીઓને અને આઠસો મુગલોને પડકારતા સુલતાન મુઝફ્ફરે તેમ જ લોમા ખુમાણે એ દુરસ્ત થતા કિલ્લા-ભાગ પર હલ્લો કર્યો. દીવાલ ઉપર ફોજ ચોકી કરતી હતી તેના ઉપર કાઠીઓ તૂટી પડ્યા, અને અમદાવાદ શહેરને જાણ થઈ કે મુઝફ્ફરશાહ, આપણો સાચો રાજ-વારસદાર, દાખલ થઈ ચૂક્યો. પ્રજાએ મુઝફ્ફરને જૂની રાજભક્તિના ઉમળકાથી ભરેલો આવકાર આપ્યો. અમદાવાદની બજારમાં ઘોડો હાંકતા એ યુવાન મુસ્લિમે પોતાની બાજુએ સોરઠિયા કાઠીરાજને ઘોડો રાખવાનું ગૌરવદાન કર્યું.

“ક્યાં છે કમજાત શેરખાન ? શેરખાન ક્યાં છે ?” મુઝફફરે પોતાનાં વેચાણ કરનાર મતલબી પઠાણ શેરખાન ફોલાદીના ખબર પૂછ્યા.

“શેરખાન ચોકી કરતો બેઠો છે. કિલ્લા નજીકની ‘ચોખંડી’માં. હાલ્યા આવો, સુલતાન.” જાસૂસે જાણ કરી.

“કાઠીરાજ,” મુઝફ્ફરે દાંત કચકચાવીને ભલામણ દીધી : “બે જણને જરૂર પડે તો શેક્યા વિના જ ખાઈ જવા છે : એક શેરખાનને, બીજા ઇતમાદખાનને. એ બે ઉપર દયા બતાવશો નહિ.”

“આ આવે શેરખાન, સામે જ ઘોડેસવારો દોટાવતો આવે છે.”

“ચાલ્યો આવજે, લૂણહરામી શેરખાન. કસમ છે તારી મર્દાઈના, જો તું ભાગે તો, શેરખાન.” એવી ત્રાડો પાડતો મુઝફ્ફર એકલો પોતાનો અશ્વ આગળ કરી વંટોળો જાય તેમ શેખ ભથરીના મકાન તરફ ધસ્યો. એણે આજે ભય તજ્યો હતો. એ પોતે જ આજે ભયનું ભૈરવરૂપ બન્યો હતો. એની જુવાની ખુન્નસ પકડી ચૂકી હતી. એની તલવારના કણેકણમાં શેરખાનના શોણિતની પ્યાસ હતી. “ભાગજે મા, શેરખાન ! પઠાણની ઓલાદનો હો તો તો સામાં કદમો ભરતો આવજે. હું એકલો આવું છું, શેરખાન ! તું પઠાણ, હું ગુજરાતી : તું શેરબહાદુર, હું ગરીબ નહનૂ : મુકાબલે રમીએ, ઓ શેરખાન, ઊભો રહેજે.”

પણ શેરખાને જ્યારે પોતાની સામે ધસી આવતું કાળ-રૂપ નિહાળ્યું. ત્યારે પોતાની પઠાણી ઓલાદને વીસરી જઈને રફૂચક થવામાં જ એણે સાચી વીરતા સમજી લીધી. એણે ઘોડાની લગામ ફેરવી. એ સરી ગયો.

ભદ્રના કિલ્લાની ચાવીઓ લઈને દરવાનો દરવાજા પર જ હાજર ઊભા હતા. ઉશ્કેરાટભર્યો ને ખુન્નસની વરાળ કાઢતો નહનૂ ભદ્રમાં ઘૂમી વળ્યો. ઇતમાદ ક્યાં ? ઇતમાદ નથી ? નાસી છૂટ્યો ? ચાબુકોના માર એણે મને આ જ કિલ્લામાં મારેલા. મારી ગહરી નીંદર એણે એક રાતે અહીં જ બગાડી હતી. ને મારી અમ્માને એણે ક્યાં, કયા ઓરડામાં પૂરીને તેજાબો પિવરાવ્યા હતા ? ક્યાં ગયો ઇતમાદ ? છટકી ગયો ? ઇતમાદ અને શેરખાન બેઉ મારી જાનને લોહીની પ્યાસમાં તડપતી રાખીને ગયા.

ખેર, જવા દે, દિલ ! હું આંહીં કેટલા દિન ? હું ક્યાં રાજ કરવાની લાલચે આવ્યો છું ? પણ એક વાર ગુજરાત જોવી હતી મારે. પાટણ જઈને છ વર્ષ પર અકબરશાહના હાથને બોસો કરતો ઊભો રહેનાર મુઝફ્ફર ડરપોક નહોતો, રંડીપુત્ર હશે ભલે, પણ નામર્દ નહોતો, એટલું મારે બીજાને તો ઠીક પણ ખાસ કરીને તો ખુદ મારા જ દિલને દેખાડવું હતું.

ભદ્રના કિલ્લામાં ફરી એક વાર ગુજરાતને સિંહાસને એક ગુજરાતીની તાજપોશી થઈ. મુઝફ્ફરે જુમ્મા મસ્જિદમાં જઈ પોતાના નામનો ખુતબો પઢાવ્યો. મસ્જિદમાંથી પાછા આવતાં એણે પૂછયું : “ક્યાં ગયા કાઠીરાજ લોમા ખુમાણ ? એને શું આપણે વિસારી જ મૂક્યા !”

લોમા ખુમાણ અને એના અસવારો ભદ્રમાં હાજર નહોતા. ક્યાં ગયા, ક્યાં ગયા, શોધાશોધ મચી રહી. આખરે કાઠીઓ શહેરનાં અઢળક જરજવાહિરોની લૂંટ કરતા જડ્યા. સુલતાનની પાસે આવીને લોમા ખુમાણે એ લૂંટનો કેટલો હિસ્સો સોંપ્યો તે તો માલૂમ નથી, પણ એક શાણી શિખામણ તો બરાબર દીધી કે “બાપ, ભદરનું તખત તો આજ છે ને કાલ્ય નથી, તખત કાંઈ ભેળું થોડું ઉપાડી જવાશે ? માટે તારા સારુ થોડી ખરચી જોગવવા એક ફેરો મારી આવ્યા. ધરવ થઈ ગયો. હવે પાછું પરિયાણ કરવું પડે તો ય વાંધો નહિ.”

“અરે લોમાભાઈ !” મુઝફ્ફરે અફ્સોસ ગુજાર્યો. “આપણી તો બેસતી જ બાદશાહી કહેવાય. લૂંટ ન થઈ શકે.”

“લૂંટ તો શુકન છે, બા, શુકન. આ અઢી હજાર કાઠીઓ લૂંટને જ સાચું શુકન સમજે છે. આ લૂંટ કેને માટે છે ? તારે જ માટે, મારા બાપ ! ને હજુ દુશ્મનના ઝપાટા તો આવતી કાલ જોવા પડશે. અઢી હજાર કાઠીઓનાં પાણીની તો હજી હવે જરૂર પડશે.”

સાચી વાત હતી. રાત્રિને ત્રીજે પહોરે જ ખબર આવ્યા કે બુઢ્‌ઢો ઇતમાદ જૂના સૂબા શાહબુદ્દીનને કડી મુકામેથી પાછો વાળીને ફોજ સાથે પાછો લાવે છે. શાહબુદ્દીન પાછો વળ્યો જાણીને મુઝફ્ફર ફરી એક વાર ફફડી ઊઠ્યો. લોમા ખુમાણે એને ડરાવ્યો : “આઠસો વજીરખાની સવારોની જે ટુકડી આપણો સાથ કરવા આવી છે, જેને તમે શહેરનો કબજો સોંપી દીધો છે, તે ટુકડી અસલ તો જૂના સૂબા શાહબુદ્દીનની ને ? તો તો શાહબુદ્દીનને પાછો આવતો જોઈ એ ટુકડી શાહબુદ્દીનની તહેનાતમાં ચાલી જશે ને ? તો આજની તાજપોશી પર ફરી પાછી ધળ વળી જશે. ને તમને ય પકડીને સોંપી દે તેનો શો ભરોસો ? વાસ્તે, હાલો બાપ, ભાગી નીકળીએ, તે વેલું આવે ખેરડી. ભાગવામાં એબ નથી. જીવતો નર ભદ્રા પામશે. ફરી પાછા ચડી આવશું. દિના ક્યાં દકાળ છે ? પણ આંહીં ભીંત હેઠ ભીંસાઈને શીદ મરવું ?”

એ શિખામણને સાંભળતો મુઝફ્ફર આકુળવ્યાકુળ થતો હતો. લોમાં ખુમાણે બતાવેલી બીક એને વજૂદવાળી લાગી. શાહબુદ્દીન પાછો આવે તો તો પછી આ વજીરખાની મુગલોને મારી શી ગરજ રહી ? બીજી બાજુ, શહેરનો કબજો લઈને ચોકીપહેરા ગોઠવતાં વજીરખાની અમીરો અચંબામાં પડી ગયા કે શત્રુઓની ફોજ બારેજા સુધી આવી ગઈ તો પણ ભદ્રમાં બેઠેલો સુલતાન કેમ કાંઈ હુકમ કરતો નથી ? બહાર કેમ નીકળતો નથી ? વજીરખાની અમીરો લોમા ખુમાણની પાસે દોડ્યા, પૂછ્યું : “સુલતાન કેમ બહાર નીકળતા નથી ? અમને હુકુમ કેમ નથી દેતા ?”

લોમાએ પોતાનો ભય સુલતાનના નામે ચડાવીને જાહેર કર્યો. વજીરખાનીઓએ લલાટ કૂટ્યું. તેઓ કુરાન લઈને સુલતાનની સન્મુખ પાછલી રાતના પહોરે હાજર થયા. કુરાન પર હાથ મૂકીને સુલતાનને સંભળાવ્યું : “અમારા માટે એક પણ નાપાક વિચાર લાવતા ના, સુલતાન, ને આપ એક વાર બહાર નીકળીને જુઓ કે અમે કેવા લડીએ છીએ. અમે જીતીએ તો આપના નસીબની ચડતી જ છે. ને અમે હારીએ તો પછી આપ અમારાં મુરદાંને પણ જોવા ન રોકાજો.”

લોમા ખુમાણના કચવાટનો પાર ન રહ્યો. “અન્નદાતા,” એણે ચિંતા બતાવી : “તમારું જો કાંઈ અમંગળ થાય તો સોરઠની માલીકોર અમારે જીવવું જ દોયલું થઈ પડશે. ને હું ઘેર જઈને તમારી બોનને મોં શું બતાવીશ ? મુગલો લડવા જવું હોય તો ભલે જાય, મારા અઢી હજાર કાઠીઓ તો તમારી ચોકી કરતા જ ઊભા રે’શે. અમારા કટકા કરી નાખશો તો ય અમે તમું કનેથી નથી ખસવાના.”

“ખેર, ખેર, લોમા ખુમાણ !” મુગલોએ એને ધરપત આપી : “અમે જંગમાં જશું, તમે સુલતાન મુબારકને સમાલજો. અમારે મંજૂર છે.”

પો ફાટતાં તો સાબરમતીના કિનારે પ્રેક્ષકોની ગણી ન ગણાય તેવડી ગંજાવર મેદની ખડી થઈ ગઈ. સુલતાન મુઝફ્ફર પણ ખાનપુર દરવાજેથી બહાર આવીને સાબરમતીને મારગે ઊભો રહ્યો. સામે જ દેખાતું હતું બારેજા ગામ. ભળભાંખડામાં શત્રુઓની ફોજ તો હજુ તંબૂઓના ખીલા ઠોકતી હતી. પાછો ફરેલો સૂબો શાહબુદ્દીન ઇતમાદને ખાતરી આપતો હતો કે “લડાઈની જરૂર જ નથી પડવાનીને ! હું પાછો આવ્યો છું એટલું જાણતાં જ મારા વજીરખાનીઓ અહીં આવ્યા ભાળુંને ! મુઝફ્ફર પલાયન થયાના ખબર આવ્યા સમજોને !”

આઠ સો વજીરખાનીઓ આવ્યા – પણ તલવાર ખેંચીને, જંગના લલકાર કરતા આવ્યા.

ઈતમાદખાએ કહ્યું : “ખાં સા’બ, આ કદમો ભાઈબંધીના ન હોય. તમે ભૂલ કરી કે બાળબચ્ચાં અને ઓરતોને પણ પાછા સાથે લઈ આવ્યા. આપણે બધા તંબુના ખીલા ઠોકવામાં જ રાત કાઢી નાખી. ને જુઓ, આ આવે છે તે કરતાં સો ગણી ઠઠ તો સામે કાંઠે શહેરની રાંગે ઊભી !”

એમ કહેતો જ ઇતમાદ પોતાને ઘોડે ચડ્યો.

“કાં, ખાં સા’બ ?” શાહબુદ્દીને અજાયબીથી પૂછ્યું.

“હું ઓસમાનપુરના ઘાટ પર ઊભોઊભો શત્રુસેનાનો માર્ગ રોકું છું, આપ આંહીં લડજો હોં, ખાં સાહેબ !”

એટલું કહીને ઈતમાદ નાઠો. આંહીં તંબૂ નાખતી ફોજ પર વજીરખાનીઓ તૂટી પડ્યા. શાહબુદ્દીન પણ પલાયન કરી ગયો. બાળબચ્ચાં ને સરંજામ પાછળ પડ્યાં રહ્યાં. એની ફોજના સિપાહીઓએ શરણાગત બની મુઝફ્ફરની નોકરી સ્વીકારી.

બીજા દિવસે ખબર આવ્યા કે પાટણને માર્ગે એક ઝાડની ડાળીએ ગળાફાંસો નાખીને એક લાશ લટકતી હતી. એ લાશને ઈતમાદખાની લાશ તરીકે ઓળખાવવામાં આવી.