← જનની જન્મભૂમિ સમરાંગણ
વિજયી મસ્તક
ઝવેરચંદ મેઘાણી
અણપ્રીછ્યું મિલન →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


16
વિજયી મસ્તક

ત્ની સાથેની છેલ્લી સોહાગ-રાત પછી લગભગ ત્રણ મહિને જેસા વજીર જૂનાગઢ તરફથી પાછા ફરતા હતા. એની પછવાડે ચાર હજાર નવાનગરી સવારોનું સૈન્ય ચકચૂર ચાલતું હતું. સૈન્યની સાથે તોપો, બંદૂકો, નિશાનો, ડંકા, તંબૂઓ ને શમિયાના, ટોપ અને બખ્તરો – અઢળક અસબાબ હતો. ગયા ત્યારે નહોતા લઈ ગયા એવી એ બધી રિયાસત હતી. એ ચીજોનો દેખાવ મુગલાઈ હતો. સાથે એક લડાયક હાથી પણ હતો.  “જેસાભાઈ !” એની બાજુએ ચાલતા બે આગેવાન ઘોડેસવારો પૈકીના એક ત્રાંસી આંખો તાણતા અસવારે કહ્યું : “માળો હાથી પણ ઠીક મળી ગયો. મુંગલા બધુંય મૂકીને ભાગી ગયા. હાથીને તો મેં આડા પડીને હાથ કરી લીધો હોં, જેસાભાઈ ! હાથી ઠાવકો છે.”

“નહિ નહિ, લોમા ખુમાણ.” બાજુએ ચાલતા ત્રીજા જુવાન અસવારે વાંધો રજૂ કર્યો : “હાથીને તો મેં સૂંઢ ઝાલીને...”

જેસા વજીરે એ જુવાનની સામે શાંત દૃષ્ટિ કરી એને વધુ બોલતો અટકાવ્યો.

“કુંવર અજાજી !” લોમા ખુમાણ નામે સંબોધાયેલા એ બીજા આગેવાને ઠંડા શબ્દોમાં કહ્યું : “તમે બીઓ મા. મારે કાંઈ હાથી જોતો નથી.”

“હાથી તો, લોમા ખુમાણ,” જેસા વજીરે હસીને જવાબ દીધો : “તમને જ આપ્યો છે.”

“ના, હું ઈ આપેલું લેવા માગતો નથી.”

“ઠીક ભાઈ, તમે જીતેલો છે માટે તમારે રહ્યો !”

“હાંઉં, તો એમ કહો. બાકી મારે કાંઈ જોતો નથી.”

“આપા લોમા ખુમાણ !” જેસા વજીરે વાતને જુદો ઝોક આપ્યો : “આપણને તો આજ હજારો હાથી હાથ આવે ને થાય તે કરતાં ય વધુ આનંદ થવો જોઈએ. આપણે આજ સોરઠના ઇતિહાસમાં પહેલી જ વાર દિલ્હીની પાદશાહી ફોજનાં પીંછડાં પાડી નાખ્યાં. સોરઠનો સૂબો અમીનખાન, પોતાને માથે અકબરશાહની ફોજ આવે ત્યારે, કોઈને નહિ ને જામને ને ખેરડીના ખુમાણને રક્ષા માટે તેડાવે એ જ એક અજબ વાત હતી. ને અકબરશાહનો દૂધભાઈ કાળઝાળ મિરજાખાન પોતે મુગલાઈ ફોજ લઈને કોડીનાર સુધી ભાગી નીકળે, ભૂંડે હાલે ડંકા-નિશાન, હાથી-ઘોડા ને હથિયાર-પડિયાર મૂકી હાથેપગે વહેલું આવે અમદાવાદ એમ ભાગી છૂટે, એ બનાવ વિચારવા જેવો છે. હાથી-ઘોડાંની લૂંટની વહેંચણ તો વળી શું કરવાની હતી ? લડાઈઓ લૂંટને માટે જ  કરાય, એ જમાનામાંથી આપણે ’દી બહાર નીકળશું ?”

સફેદ દાઢીમાંથી ગળાઈને વજીર જેસાના શબ્દ પડતા હતા. લોમો ખુમાણ પોતાની નાનપ માટે પસ્તાવો કરતો હતો કે આ બુઢ્‌ઢાનાં બોધવચન ઉપર છૂપો ખાર કરતો હતો, તે તો ખબર ન પડી, પણ એના મોં પર ઝંખાશ પથરાતી હતી.

પાછળ ફોજમાંથી હર્ષના કિકીઆટા આવતા હતા.

“જુઓ, લોમાભાઈ ! સાંભળો, કુંવર !” જેસાએ દેહ મરડીને ઘોડાનાં પાટિયાં પર હાથ ટેકવી પછવાડે ચાલ્યા આવતા ચાર હજાર જોદ્ધા બતાવ્યા. “જોઈ લ્યો, આ સોરઠિયા સૈનિકોને મળી ગયેલો આત્મવિશ્વાસ. પરદેશીઓના માર ખાઈખાઈને પોતાની જાત માથેથી ભરોસો જ ખોઈ બેઠેલી આ બહાદુર સોરઠને રૂદે રામ જાણે પાછો આવ્યો છે. એ આજ કોના ઉપર વિજય મેળવીને વળેલ છે તેનું એને જબ્બર ભાન થઈ ગયું છે. અમીનખાન ઉપરકોટના દરવાજા બીડીને બેસી ગયો. આપણને બોલાવીને પછી બારણાં ઉઘાડ્યાં નહિ. આપણને એમ કહેવરાવીને પાછા પાડ્યા કે અમારે ને બાદશાહના સૂબાને વષ્ટિ ચાલે છે, માટે પાછા જાવ. કરમહીણો અમીનો ખંડણી ભરવા તો ઠીક, પણ ઉપરકોટ સોત સોંપી દઈને નીકળી જવા તૈયાર હતો. આપણને તો ભૂમિ માથે ઊભા રે’વું ભારી થઈ પડ્યું. આપણે આપણા નોકને કારણે આંખો મીંચીને મજેવડીના ખુલ્લેખુલ્લા મેદાનમાં પાદશાહી ફોજ પર ત્રાટક્યા. તે ઘડી સુધી આ સોરઠિયા લડવૈયાના મનમાં બીકનાં કેવાં સસલાં ફફડતાં હશે, આપા લોમા ? બાપડા ચાર જ હજાર –”

“ને અમારા પાંચસો કાઠી.” લોમા ખુમાણે એ વાત ગણતરી બહાર રહી જવા દીધી નહિ.

“ખરા ખરા, કાઠી, આપણા સાડા ચાર જ હજાર શત્રુની કંકાળી તોપોને ખોટી પાડીને મીરજાખાનનાં લાજ-લૂગડાં ઉતારી આવ્યા. એના પોરસની – એની ફુલાતી છાતિયુંની – જ મને તો હવે મોજ લાગી છે, તે ભેગી ચિંતા પણ જાગી છે.”  “ચિંતા કરવાની તો તમારી પ્રકૃતિ જ પડી છે ખરી ને !” લોમા ખુમાણે વડીલપણું બતાવ્યું. “અમે કાઠીભાઈઓ તો આજના સૂરજના ઊગવા-આથમવા વચ્ચેની જ વાત વિચારનારા. આવતી કાલની વાત આવતી કાલનો ભાણ ઊગે ત્યારે વિચારીએ. વચ્ચે નાહકની રાત ન બગાડીએ.”

કુંવર અજો જામ આ બંને પુરુષોની મનોવસ્થાને તોળતો તોળતો ઘોડો હાંક્યે જતો હતો.

“એ પણ બેશક મોજીલી મનોદશા છે, કાઠીરાજ !” વજીરે એક નિસાસો નાખીને કહ્યું : “પણ સોરઠી જોદ્ધાઓનો આ પાછો વળેલો હૃદય-રામ જો આપણી જ એકાદ અણઆવડતને કારણે, આપણા જ નાનકડા સ્વાસ્થ્યને કારણે, કે આપણા – એટલે કે આગેવાનોના – નજીવા મતભેદને કારણે પાછો ઊડી જવાનું કમનસીબ ટાણું આવશે તો...”

“‘તો’ ને જોવાની વાત રેવા દિયોને, વજીર !”

“આપણે રે’વા દઈએ એથી એ કાંઈ ટળે તેમ છે, કાઠીરાજ ? અકબરશાહ પોતાની ફોજનો બચાડા નાનકડા સોરઠના ચાર હજારને હાથે..”

“સાડા ચાર.”

“હા હા, ભૂલ્યો, સાડા ચાર હજારને હાથે થયેલ બેહાલીભર્યો ફેજ કાંઈ સાંખીને બેઠો રહેશે ?”

“નહિ ત્યારે ?” લોમાએ પોતાની અક્કલને માપે માપણી કરી : “પાદશાહ ખો ભૂલી જાશે ખો, જેસાભાઈ ! હવે હમુણાં તો એ કાઠીઓનો કરાળ કાળ સોરઠ સામે જોઈ રિયો !”

“હા-હા-હા-હા !” જેસા વજીર હસીને જ બંધ રહ્યા. “મને તો આ મારા કુંવરના ય કાળની ફિકર છે.”

“કડાકૂટ છે બધી એ તો.” લોમા ખુમાણે કંટાળો બતાવ્યો. “બાકી અમીનખાં તો હવે પાધરોદોર થઈ ગયો. એને જેટલો દબાવી શકાય  તેટલો દબાવતા રહીએ.”

લોમા ખુમાણના મન પરથી આ બધી વિચારકણીઓ ધૂળમાં દડી ગઈ છે એ તો જેસા વજીરે સમજી લીધું હતું. આ પાકે ઘડે કાંઠા ચડાવી શકવાની આશા એણે છોડી દીધી. ગામ પછી ગામ આવતાં ગયાં. ગામેગામના લોકો આ અપૂર્વ વિજય કામી આવેલી સોરઠી ફોજનાં સામૈયાં કરતાં ગયાં. ગામડે ગામડેથી નમૂછિયા ને મુછાળા, નાના ને મોટા સેંકડો જુવાનો જૂથ બાંધીને જેસા વજીર પાસે નવાનગરની ફોજમાં નોકરી માગતા ઊભા રહ્યા. ગામેગામના લોકોએ આ વિજયવંતી ફોજમાંથી પોતપોતાના ન્યાતીલા કયા કયા જુવાનો હજુ કુંવારા છે તેની શોધાશોધ કરવા માંડી. વેવિશાળોની વાટાઘાટ રસ્તામાંથી જ ચાલવા લાગી. ઉંમરલાયક દીકરીઓના બાપ આવી આવીને જેસા વજીરના અંગરખાના છેડા ઝાલી વીનવવા લાગ્યા. ને ગામગામની છોકરીઓ ય ક્યાં કમ હતી ! એ પણ પોતપોતાના મનથી વર નક્કી કરતી કરતી ગામ-પાદરમાં નદીનવાણો પર નાતીધોતી કે પાણી ભરતી, છાણ વિણતી કે ઓરિયામાંથી માટી ખોદતી આ સૈન્યના વિજયોત્સવમાં પોતાના પ્રાણનાં લીલુડાં તોરણો બાંધતી હતી.

“ઓલ્યો, ઓલ્યો, ઓલ્યો શીળિઆટા ઘોબાવાળો તમારો, હોં જસુબા!” એક હસતી.

"છે !” એ છોકરી અંગૂઠો બતાવીને કહેતી : “રાણકીબા, ઓલ્યો બાડી આંખવાળો તમારો.”

“અરે મણિબા !” ત્રીજી કહેતી : “ઓલ્યો જેનો કોણીએથી હાથ જ કપાઈ ગયો છે ને, એ તમારે ઠીક પડશે. તમે છો એક રિસાળવાં. એ અડબોત મારવા આવશે તો હાથ વગરનો ઊભો થઈ રહેશે !”

“પણ એ ડાબેરી હશે તો !” મણિબા પોતાના ભાવિ સંસારનું એક ચિત્ર દોરી નાખતી : “તો એના ડાબા હાથની થોંટ વધુ ભારી પડે ને !”

“એ કરતાં ઓલ્યો પગ-કાપલો ઠીક. મારવા ઊઠે ઇ મોર્ય તો  એની ઘરવાળી રફુચક્કર થઈ જાય !”

“હં.. અં, બાપુ !” પાંચમી કહેતી : “લાગ આવે ત્યારે તો પછી એની કાખ-ઘોડીએ જ લમઠોરી નાખે ને ! એને તો આઠેય પહોર હાજર હથિયાર. એવાને કોણ પરણે ?”

“પણ પોરહ કેવો રિયે ? જીવીએ ત્યાં લગી નામના તો ગવાય ને, કે જો, આનો ધણી દલ્લીના પાદશાની ફોજને જીતી આવ્યો’તો !”

“ને એવા જોદ્ધારની તો બે લાકડીઉં ય ખાવી મીઠી લાગે, હોં બોન !”

“મારો ભાઈ મોટો થાશે એટલે એને ય વજીરબાપુ પાસે મેલી આવશું એમ મારાં માબાપ વાતો કરતાં’તાં. આવી એકાદ શૂરવીરાઈ કરી આવે એટલે કન્યા જડતાં કાંઈ વાર લાગે ?”

“અરેરે, બોન ! મારે તો નાનો કે મોટો એકે ય ભાઈ જ ન મળે. ને ! કોને મોકલીયેં ?”

“હેં એલી, આપણને છોકરીઉંને ફોજમાં દાખલ ન કરે !”

“આપણે ફોજમાં શું કરી શકીયેં ?”

“અરે, સાંબેલે સાંબેલે મુંગલાને મારીયે. નીકર પાણીનાં માટલાં માથે લઈને આપણા મરતા જણને મોંએ પાણી તો ટોઇયેં ને !”

“હવે જુદ્ધ થાય તો આપણે માટલાં ભરીભરીને રણથળમાં જઈ પોગવું.”

“હા, કરો વ્રત.”

“કબૂલ છે. વ્રત લઈએ.”

નાતી-ધોતી ને પાણી ભરતી ગ્રામ-કન્યાઓ ગામ-પાદરના શિવાલયમાં જઈને આગામી યુદ્ધમાં પાણી પહોંચાડવાની પ્રતિજ્ઞાઓ લેવા લાગી. માતાઓ બાળકોને પીઠ થાબડી મોટાં કરવા લાગી. વાંઝિયાં માવતરો જેસા વજીરના જુવાન જોદ્ધાઓને જોયા પછી પોતાના સંસારમાં વિશેષ શૂન્યતા અનુભવી રહ્યાં. ગામેગામની સમૂહ-દૃષ્ટિ નવાનગરની દિશામાં દોડવા લાગી. નવાનગર સોરઠી શૌર્ય-તમન્નાનું મધ્યબિંદુ બન્યું.  પોતાની જયવંત ફોજને પગલે પગલે એ તમન્નાનાં કંકુ વેરતો વૃદ્ધ વજીર લોક-સંઘને આંગળી ચીંધતો ગયો કે મને ડોસલાને શીદ ફૂલ ચડાવો છો, ભાઈ ! જુદ્ધનો જીતણહાર તો જુઓ આ રહ્યો અજો કુંવર; અને બીજા જુઓ આ રહ્યા એના જવાંમર્દ પાડોશી – કાઠીરાજ લોમા ખુમાણ. હું તો એ મોરનું પીંછડું છું. જુવાન સોરઠિયાઓ ! દીવાની વાટ્યું વણાઈ જાય એવા તમે સૌ એ તેજના દીવા અજા કુંવરની ફરતા જૂથરૂપે વણાઈ જજો. હજી તો વધારે કઠણ વેળા હાલી આવે છે.”

હરેક ઠેકાણે વજીરે એ રીતે અજા કુંવરને આગળ કર્યો. લોમા ખુમાણને આ બાબત ખટકનારી બની. નમૂછિયા એક છોકરાનું ગૌરવ ટોચે નીકળતું હતું. પહાડ સરીખો પોતે કાઠી, તે એક છોકરાની ને એક બુઢ્‌ઢાની આડશે ઢંકાઈ ગયો.

જોદ્ધાઓને વધામણે ઊમટેલું જામનગર બીજા રત્નાકરનું રૂપ ધરી રહ્યું હતું. સામૈયાની મોખરે સતા જામ પોતે હાથીની અંબાડીએ બેઠા હતા. લોમા ખુમાણને ભેટ્યા, જેસા વજીરને બાથમાં ઘાલ્યા, પણ કુંવર અજાજીએ જ્યારે બાપાના પગમાં હાથ નાખ્યા ત્યારે સતા જામે માથે હાથ મૂકી ‘જીવતો રહે’ એટલું ય ન કહ્યું. શત્રુઓને કોડીનારની સાગરપટ્ટી સુધી તગડીને ઠમઠોરવામાં કુંવર અજોજી મોખરે હતા એવીએવી ઘણીય પરાક્રમ-કથાઓ જેસા વજીરે જામને કહી. છતાં પિતાએ પુત્રની સામે જોયું નહિ. આખર ટાણે એક જ ટોણો ઉમેરી દીધો કે “કયો મુલક જીતીને લાવ્યા છો ? તસુય ધરતીનો ઉમેરો થવાનો નહોતો એવા મફતના મામલા મચાવવાની મને તો ઝાઝી હોંશ નહોતી. બાકી બાપનું વચન ઉથાપીને ચોરીથી તમારી સાથે ભાગી નીકળનાર દીકરાનો શો ભરોસો ?”

કુંવર ચૂપ રહ્યો. એના કલેજામાં તો મોટી ભેખડો ફસકી પડી.

નગરજનોના ધન્યવાદો લઈ લીધા પછી દરબારગઢમાંથી જેસા વજીરને ખસી જવું હતું. પણ લોમા ખુમાણની વાતોના તડાકા ખૂટતા નહોતા.  “વિગતવાર આખી ચડાઈ વર્ણવી આપો.” સતા જામે વજીરને કહ્યું.

“ઝાઝી વિગતો તો કશી છે નહિ, ને હવે ઉતાવળ પણ શી છે ?”

લોમા ખુમાણની હાજરી છે ત્યાં સુધી વિગતોમાં ઊતરવાની હોંશ દબાવી રાખી વજીરે વાત ઉડાવી.

“એ શરમાળ માણસ છે, નહિ કહે. લ્યો, જામ રાજા, હું જ ચર્ચી દેખાડું.” એમ કહી લોમા ખુમાણે જે પારાયણ માંડી તેમાં પોતે જ એક વીરરૂપે રજૂ થયા, બાકીના બધા ઠીકઠીક, તેમની તો ક્યાં ક્યાં ભૂલો થઈ તે જ રમૂજ સાથે વર્ણવી બતાવ્યું.

જેસા વજીરને કંટાળો આવ્યો. એણે બે-ત્રણ વાર રજા માગી.

“કોઈ દિવસ નહિ ને આજ જાતે જનમારે શી ઉતાવળ આવી ગઈ ?” સતા જામે મર્મ કર્યો.

“થાક લાગ્યો છે.”

“થાક ઉતરાવવાની ખેવના હોત તો કાંઈ અમે વર્ષો સુધી કરેલી માથાકૂટને તમે ઠોકરે થોડી મારી હોત ? આપા લોમા ખુમાણ, જાણો છો ને ?”

“જાણતો ન હોઉં એમ તે કાંઈ બને, બાપા ! પણ હજી ય ક્યાં ઘાણ બગડી ગયો છે ? નગરના રાજાના રૂદામાં સાચો પોરહ હોય તો જેસા વજીરને આજે ય શું થાકોડો ઉતારનાર ન મેળવી દેવાય ?”

“ના, એને તો ધોળાં બાસ્તા જેવાં લૂગડાં પહેરવાં છે. એને થાક ઉતારનાર નથી જોતું – ધોણ્ય કાઢનાર ધોબણ જોવે છે. બુઢ્‌ઢો કદી ય કબૂલ નથી કરવાનો.”

આ મશ્કરી આડે દિવસે નહોતી ગમતી. આજે જેસા વજીરનાં નયનોમાં તેજની ટશરો ફૂટી રહી. એણે વધુ ને વધુ અધીરાઈ અનુભવી : “મને કૃપા કરીને રજા આપો.”

“જાવ, દોડી લ્યો ત્યારે !”

રાજમહેલથી વજીર-મેડી સુધી આખી બજાર પાર કરવાની હતી.  વજીરની આગળપાછળ કડી-બાજતા અસવારો હતા. દુકાનદારો હાટડે-હાટડેથી હેઠા ઊતરીને વજીરના પગને અડકતા ઝાઝા રંગ દેતા હતા. દિલ્હીશાહની મુગલ ફોજને દરિયા સુધી તગડનાર વૃદ્ધ જોદ્ધો વીરપૂજાની પ્રતિમા બન્યો હતો. ડાબા હાથે ઘોડાની લગામ કસકસેલી, જમણા હાથે સૌના રામરામ ઝીલતા જાય, પણ હૃદય ત્યાં બજારમાં નહોતું. મોટામાં મોટો – ને કદાચ છેલ્લામાં છેલ્લો જ – આ જિંદગીનો વિજય માથા પર ભાર કરતો હતો. કોઈકને ખોળે, કોઈકની છાતી ઉપર એ શિરબોજ ઉતારીને હળવા-ફૂલ થવાની ઓચિંતી હોંશ કોણ જાણે ક્યાંથી ઊભરાતી હતી. આવડા મહાન વિજયને પી જનાર પેટને એકાદ ખૂણે, આંતરડાની કોઈ કોર ઉપર, જાણે એક કાચની કણી જેવી લાગણી પડીપડી માંસને ખોતર્યા કરતી હતી એવું ભાન એકાએક થઈ આવ્યું. આ ખટક ક્યાં બોલે છે ? ઊંઘવા જતા મસ્તકને મશરૂના ઓશીકામાં લપાયેલું એ કયું ડાભોળિયું ખેંચે છે ? આવડી મોટી સિદ્ધિ, સુકીર્તિ, શક્તિ અને જવાંમર્દીના સામા પલ્લામાં પડેલું એક તુલસીના પાન જેવડું નાનકડું કયું પાતક દાંડીને અણસમતોલ કરી મૂકે છે ?

હા-રે-હા, મેં એને જીવનભરની મે’ણિયાત રાખી છે. એના જીવનને ઘોર એકાંતની અતલ ખાઈમાં ધકેલી મૂક્યું છે. એનો દિવસકઢણો પુત્ર મેં ગામનું કૂતરું ગયું હોય એવી આસાનીથી ગાયેબ થઈ જવા દીધો છે. આજે તો જઈને એકસામટું જ એનું પ્રાછત માગી લઈશ. આજે તો મેં અજા કુંવરને એટલો બધો તૈયાર થયેલો દીઠો છે કે આ ફોજોની હાંકણીઓ ને સવારીઓનાં દોડાં ઓછાં કરીને એને ખભે નાખી દઈશ. હવે તો બુઢ્‌ઢીને પડખે બેસાડીને જંજરી પીધા કરીશ. એ રામાયણ વાંચશે ને હું સાંભળ્યા કરીશ, એ મને રજાઈ ઓઢાડવા આવશે ને હું એને...

ત્યાં તો કલ્પના-દોર તૂટી ગયો. વજીર-મેડી આવી ગઈ. મશાલચીઓ બહાર ઊભા હતા. બારીઓ બંધ હતી. પોતે ઘોડાનું પલાણ છાંડીને ચાકરોને હથિયાર-પડિયાર આપતો, દાદર ચડતાંચડતાં જ  કમરબંધ છોડતો, માથાની પાઘ ઉતારીને જે નોકર બાજુએ ઊભો હોય તેના હાથમાં સોંપતો ઉપર પહોંચ્યો ત્યારે એના કલેવરે યોદ્ધાવેશનું તમામ અક્કડપણું ખંખેરી નાખ્યું. શરીર કોઈકનો આધાર શોધતું જણાયું. માંડમાંડ ટગુમગુ પગ ટેકવીને પગલાં ભરતું બાળક જેમ પડુંપડું થઈ ‘મા ! મા ! મા !’ કરતું પોતાના ટેકવણહારને બોલાવતું હોય, તેમ ‘કાં ! કાં ! કાં ! ક્યાં છો ? ક્યાં ગયા ?’ એવા પ્રશ્નો પૂછતા વૃદ્ધ દાદર પરથી ઓસરીમાં, ઓસરીમાંથી ઓરડામાં, એકમાંથી બીજા ઓરડામાં, ગોખે, ઝરૂખે, શયનની ઓરડીએ ઘૂમાલૂમ કરી મૂકી. ‘ક્યાં છો ? ક્યાં છો ! ક્યાં સંતાઈ બેઠાં છો ?’ શબ્દોએ વેગ પકડ્યા. પગ શબ્દોની પાછળપાછળ દોડ્યા. શરીરે થાક લાગ્યો. ઢોલિયા પર લથડિયું ખાધું.

મારા આજના વિજયોત્સવને જોવા એ દરબારગઢની મેડીએ તો નહિ ગયાં હોય ? છાનામાનાં ક્યાંઈક માણસોની ભીડાભીડમાં ભળી જઈને તો નહિ ઊભાં હોય ? રસોડે થાળી તૈયાર કરતાં હશે ?

“એલી છોકરી ! ક્યાં મરી ગયાં બધાં ? કેમ કોઈ બોલતું નથી ? મશ્કરી કરી રહ્યાં છો ?” એણે બૂમો પાડવા માંડી. પણ એની પાસે હાજર થઈને જવાબ આપવાની હિંમત એ ઘરનાં ચાર-પાંચ માણસોમાંથી એકેયની ન ચાલી. પ્રત્યેક પોતપોતાનાં સ્થાને ચુપચાપ સ્તબ્ધ હતું. દિવેલ તેલના દીવા કાકીડાઓ જેવા પોતાનાં માથાં ધુણાવ્યા કરતા હતા.

રિસાઈને બેઠી હશે બુઢ્‌ઢી ? ભલે બેઠી. નહીં જાઉં મનાવવા. આજે શું રિસામણું યાદ આવ્યું ? આજે શું સત્તર વર્ષની દાઝતી પોટલી ઉખેળીને બેઠી ? આજે શું એ કોઠીભર્યા પ્રારબ્ધ-કણો વીણવા કાઢ્યાં ?

રોષ કરીને બુઢ્‌ઢાએ ગાદલા પર પડતું મૂક્યું. પોતાનાં લમણાં પોતે જ ચાંપવા લાગ્યો. થાકેલી આંખોમાં એક ઝોલું આવી ગયું. ઝોલામાં ને ઝોલામાં જાણે ઠપકો સાંભળતો ગયો : આવું છું, આવું છું, આવું છું, ત્યાં જ અધીરા બની બેઠા ! આ ઉંમરે બહાવરાઈ અરઘે ? મને શી ખબર કે ગામતરેથી વળતાંવેંત જ ઘેર આવવાની અધીરાઈ તમને સત્તર વર્ષે આજ વ્યાપી હશે ! મેં તો માનેલું કે દરબાર જોડે જમી-કરીને, રાતી  દારૂ-પ્યાલીઓ પી-પીને, અધરાતે લોથપોથ ઘેર આવશો અને છાનામાના ઘારણ કરશો ! આજ ફરીથી જોબનિયું બેઠાની વાતની મને શી ખબર હોય ? ના, હું તમારી પાસે નથી આવવાની. આંહીં છેટી ઊભી છું. જે કહેવું હોય તે કહો, જે જોવે તે માગી લ્યો – હા, કપડાં તૈયાર છે. ઊઠો, બદલાવી આપું. ના, તમારા હાથ ઊંચા અધ્ધર ને અધ્ધર રાખો, હું બદલી દઉં છું. ના, તમારે મને કાંઈ કરતાં કાંઈ શિખામણ દેવાની જરૂર નથી, હાથ મહેરબાની કરીને છેટા રાખો...

પોતાના હાથ સ્વપ્નમાં ને સ્વપ્નમાં પોતે જાણે કે વજીરાણીના હૈયા પર મૂકવા જાય છે, હાથ ઢોલિયાની ઇસ ઉપર અફળાય છે. જાગે છે ત્યારે ચાકર બાઈના બોલ કાને પડે છે : “બાપુ, બાપુ, બાપુ, વજીરબાપુ !”

“કેમ? ક્યાં ગયાં ?” ઝબકીને એણે સામો પ્રશ્ન પૂછ્યો.

“મહેમાનો છે.”

“ક્યાં છે ? કોણ છે ?”

“બહાર ડેલીમાં ઊભા છે. ઘોડે ચડેલા છે. ચડ્યે ઘોડે જ આપને મોંએ થઈ લેવા માગે છે.”

“પણ કોણ છે ?”

“ખેરડીવાળા આપા લોમા ખુમાણ છે. ઘેર સિધાવે છે. આપને મોંએ થવું છે.”

“ઉપર નહિ આવે ?”

“ના, કહે છે કે નીચે પધારે તો જ મળવું છે. પલાણ છોડાય તેમ નથી.”

બુઢ્‌ઢાએ ઊઠીને હાથમાં ડાંગ લઈ ટેકેટેકે જ્યારે સીડી ઊતરવા માંડી ત્યારે એને જોનાર કોઈ પણ ન માની શકે કે આ ખોખરધજ આદમી મુગલ ફોજને ધમરોળીને ચાલ્યો આવતો હશે. એનું શિર સહેજસહેજ ધ્રૂજતું હતું. એણે ફક્ત પોતાની દાઢીને માથાના લાંબા વાળને બોકાનીમાં લપેટી લીધાં હતાં. અંગરખો હજુ એના દેહ ફરતી ઝાલર  પાડતો હતો.

ડેલીએ જઈને એણે હાક દીધી : “કાં બાપ, ગરીબનું ખોરડું ભલેને પાવન થઈ જતું જરાક !”

“જેસાભાઈ !” લોમા ખુમાણે ઘોડીને એક બાજુ એકાંતે લઈને કહ્યું : “અહીં પધારશો જરા ?”

બહાર પાંચસો કાઠીઓનાં ઘોડાં ધરતી પર ડાબલા ઠોકતાં હતાં.

“બોલો આપા !”

“હાથીનું શું થયું ?”

“ક્યો, મુગલોનો હાથી ?”

“હા.”

“ઈ તો આપને રિયો છે ને !”

“ના, દરબારી હાથીખાને પેસી ગયો છે.”

“ભૂલ થઈ હશે. હું સવારે જ કઢાવીને ખેરડીએ મોકલી આપીશ.”

“ભૂલ તો તમારી થાય છે, વજીર.”

“કાં ?”

“એ તો હવે છૂટી રિયો.”

“કોણે કહ્યું ?”

“જામે પંડ્યે જ.”

“કોને, તમને કહ્યું ?”

“મોઢામોઢ કહ્યું કે હાથી તે ક્યાંય દેવાતો હશે ?”

“મારું નામ તમે ન આપ્યું ?”

“એક વાર નહિ, દસ વાર નામ આપ્યું. કુંવર અજા જામની સાક્ષી આપી. જવાબમાં જામે હસીને કહ્યું કે એવડી બધી સત્તા મેં નથી વજીરને સોંપી કે નથી કુંવરને સોંપી. મને પૂછગાછ કર્યા વગર બારોબાર એવી રીતની વહેંચણી કરનારાઓ રાજરીત જાણતા નથી.”

“હા ! એ...મ !” જેસા વજીરે ગળે થૂંક ઉતારીને તાળવાને ભીનું કર્યું.  લોમા ખુમાણે વજીરને ખભે હાથ મૂકીને કહ્યું : “તમે કાંઈ દખ ન ધરજો. આ તો હું તમારે કાને નાખવા પૂરતો જ આંહીં થઈને નીકળ્યો છું. મારા અંતરમાં એનો જરીકે ડંખ કે ડાઘ નથી, હોં જેસાભાઈ ! અમસ્થોય મારે તો હાથી ખેરડી લઈ જઈને બે-ચાર દી મારા કાઠી જુવાનોને રાજી કરવા’તા. મારા વાટકડીના શિરામણમાં હારો એક ખોરાક ખાનારો હાથી ક્યાં સમાવાનો હતો ? અમારે કાઠીભાઈને પાછી અંબાડી મોંઘી પડી જાત. હું તો ચાર દી પછી આમેય તે આવીને હાથી નગરને હાથીખાને જ બાંધી જાત. મારા કટકને ય મેં તો આમ જ ફોસલાવી લીધું છે કે આપણે હાથીના પડારા ન હોય, આપણે તો કુંવર અજાજીને હાથગરણામાં આપવાનો જ છે એ હાથી. તો પછેં આજથી જ ભલેને એ નગરનું આંગણું શોભાવતો !”

વૃદ્ધ વજીરની આંખો તો અંધારાના કાદવમાં પેસી જઈ ધરતી ખોતરતી રહી.

“આમ ઊંચે જુઓ, જેસા વજીર !” લોમા ખુમાણે વૃદ્ધનું મોં હડપચીથી ઊંચું કર્યું. “મારે ગળે હાથ ! રાત જેવું ધાબું છે. તમને લેશમાત્ર વલોપાત કરાવવા આ અધરાતે નથી જગાડ્યા. આપણી બે વચ્ચેની જ વાત છે – દાટી દેવાની છે. નવાનગર અને ખેરડીનો તો સગા બાપદીકરાનો સંબંધ જાણજો. ને તમારી ઓલી રસ્તાવાળી ચર્ચા તો મારા કલેજાને માથે કાળની લેખણે કોતરાઈ ગઈ છે, કે હાથી-ઘોડાની અને સોનારૂપાની ધૂળ જેવી વાતો હવે આપણને ન શોભે. હવે તો આવતી કાલની તૈયારી કરીયેં. બરાબર છે. મને કાળી રાતે પણ તમારો જાણજો. મારે માથે ય સૂરજકુળ છે હોં, જેસાભાઈ ! લ્યો, રામ રામ !”

“રામ રામ, કાઠીરાજ ! વધુ તો શું કહું ? મારાં ધોળાં સામે જોઈને માફ આપજો.”

“બોલો મા, બોલો મા.” એટલું કહીને ખુમાણે પોતાની ફોજ હંકારી.