સમરાંગણ/સમરાંગણને માર્ગે

← માતાના આશીર્વાદ સમરાંગણ
સમરાંગણને માર્ગે
ઝવેરચંદ મેઘાણી
સુરાપુરાનો સાથ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.




31
સમરાંગણને માર્ગે

“જુઓ, મુઝફ્ફરશા, જુઓ મારી ફોજું.”

નગરના ઊંચા ઝરૂખા ઉપર ઊભાઊભા સતાજી જામ પોતાના પરોણાની તેમ જ પોતાની આંખોને ચોમેરનો અલૌકિક દેખાવ દેખાડતા હતા. નીચે સીમાડા પર ધરતી નહોતી, પણ જોદ્ધાઓનો સાગર-જુવાળ હતો. ખેતરો ને વાડીઓ ઢંકાઈ ગયાં હતાં, માર્ગે માર્ગેથી ફોજો આવતી હતી. રંગોના, ઘોડાઓના ચકચકિત હથિયારોના જાણે વોંકળા વહેતા હતા. શરણાઈઓ અને મશકોના જૂજવા સૂરો સાથે તાલ દેતાં ઢોલનગારાં મોરલાઓને ગહેકાવતાં હતાં.

જાણકાર એક પછી એક દળકટકની પિછાન દેતો હતો :

“પેલા આવે તે જેસા અને ડાયા વજીરના હઠાળા લાડકા : જેની જબર પાઘો : સફેદ પોશાકો : લાંબે સૂરે શરણાઈ બોલે.”

“સામે આવે છે બારાડીના તુંબેલ ચારણોની ફોજ : જુઓ ભેટમાં કટારીઓ, નીરખો માથા પરના લાંબા ચોટલા પર બાંધેલ ધોતિયાં : ભેળાં દેવીનાં ડંકાનિશાન.”

“આ નીરખો પિંગલ આહિરો : સાંઢણીના સવારો : ગુલાબી ચહેરા : કાનમાં સોનાનાં કોકરવાં. હાથને કાંડે રૂપાનાં કડાં. બંદૂકો પીઠ પર બાંધીને આવે છે. નિહાળો આ ઘુંધણા, ધમણ, સૂમરા ને સિંધી, આ રાજગર અને બારટ જૂથો.”

“આ સોઢાઓ : હજુ તો ગઈકાલના જ નગરના મહેમાનો : આજે સખાતે ચડ્યા છે.”

“અને જુઓ આ પચીસ હજાર જાડેજા ભાયાતો : રંગમાં તરબોળ બનીને આવેલ છે કેસરિયા. એના ઘોડા કચ્છી ઓલાદના છે.”

“એને મોખરે એ પંદર જણા કોણ અસવાર છે ?” સતા જામે સુંદર ચહેરા-મોરા જોઈને જાણકારને પૂછ્યું.  “એક મહેરામણજી, ને બાકીના ચૌદ એના દીકરા.”

“ચૌદેય દીકરાઓને લઈ ચડે છે ?” જામ ચકિત થયા. એણે મુઝફ્ફરશા સામે જોયું. “એક પિતા પોતાના રાજની ઈજ્જત રક્ષવા ચૌદેચૌદ પુત્રોને લઈને જુદ્ધે ચડે છે.”

“જુઓ આ હાપા, કાના, બાળાચ, જિયા, કબર, દલ, મોડ, રાઉ વગેરે સર્વ ભાયાતોનાં જૂથ.”

મુઝફ્ફરની આંખો પલળતી હતી. એ બોલતો હતો : “આહ માલિક ! મેરે લિયે ! મેરે એક કે લિયે ! સિર્ફ મેરે લિયે !”

તોપોના રેંકડા ખેંચતા પડછંદ કચ્છી બળદોની ચોકીઓ ચાલી આવતી હતી. તોપોને સિંદૂરે રંગીને ઉપર ત્રિશૂળ વગેરે ચિતરામણો કર્યાં હતાં. બળદોની ઝૂલ્યો ભરત ભરેલી હતી.

“આ તો એકલા જામનગરની ફોજ છે; હજી જૂનાગઢ અને ખેરડી બાકી છે, કચ્છ અને ઓખો નથી આવ્યા. પરબારા હડિયાણે ભેળા થશે.”

શરણાઈના સૂરને માથે જાણે બે પગે હાલ્યા જઈએ તેવી સુરાવળ બંધાઈ ગઈ. લશ્કરની હરોળો પડવા લાગી. મોરચા કેમ માંડવાના છે તેની તાલીમો ચાલુ થઈ. સતા જામનું મગજ તરબતર બની ગયું. પંદર જ દિન પછી સોરઠ મારી થવાની. હું નાહક ડરતો હતો. મારામાં ક્યાં છે ભય ? ક્યાં છુપાઈ છે કાયરતા ? કોણે મને મોળું ઓસાણ આપ્યું ?

એવા વિચાર એના મનમાં ને મનમાં અંદર લપાયેલી કોઈ ચોરલૂંટારુ જેવી નબળી લાગણીને પડકારતા હતા. એણે પોતાના દેહ સામે નજર કરી તો પુરુષાતનની દેગ ચડતી લાગી.

ચાકરે ખબર આપ્યા : “બારીગર આવેલ છે.”

“બોલાવ.”

આવેલ કાસદનો કાગળ હાથમાં લઈ, પરબીડિયું તિરસ્કારયુક્ત ઢબે ચીરી, કાગળ વાંચ્યો : “મુકામ મોરબીથી લિ. નૌરંગખાન : આપને  ચેતવવા આ છેલ્લો કાગળ લખું છું. ખાન આઝમ અજાજી કોકતલાશનો પડાવ વીરમગામ છે. મુઝફ્ફરને નિકાલો, પાંચસો ઘોડા દંડ ભરો, સુલેહ કરો.”

સતા જામે ચિઠ્ઠી ફાડીને કાસદના ગાલ પર જોરથી ઘૂસ્તો લગાવ્યો ને કહ્યું : “એ મારો જવાબ છે. લઈ જા તારા ખાન આઝમ કોકા પાસે.”

ગડથોલિયું ખાતો કાસદ પાછો વળ્યો. ને આંહીં સતા જામે ફરમાન મોકલ્યું : “કટક ઉપાડો. હડિયાણે ધ્રોળ વળોટવા નહિ દઈએ કોકાની ફોજને.”

હુકમ મળતાં જ દળકટક વહેતાં થયાં. શ્રાવણ મહિનાની અજવાળી બીજ-ત્રીજનો વાદળિયો તડકો એ બેશુમાર બહુરંગી કટકદળ ઉપર ધૂપછાયાની રમત રમવા લાગ્યો. ફોજની મોખરે બુઢ્‌ઢા વજીર હતા. વજીરની બાજુએ દફેદાર નાગનો ઘોડો ચાલ્યો આવતો હતો. નગરના વેપારીઓ રોજગારીઓ પોતાની સોગાદો લઈલઈને વિદાય દેવા ઊભા હતા. ઠેરઠેર કંકુનાં તિલક થતાં હતાં. ગઢની રાંગ ઉપરથી અક્ષતની વૃષ્ટિઓ થતી હતી. માતાઓ, બહેનો અને પત્નીઓનાં મોં ઉપર હાસ્ય અને રુદનની મારામારી ચાલી રહી. કેટલીય પરદેનશીન ૨જપૂતાણીઓ વધુ સુખી હતી, કે દીકરાઓના વિદાય લઈ જતા ચહેરાઓને જોઈ જોઈને સૌનાં દેખતાં ધીરજ હારી બેસવાનું તેમનું દુર્ભાગ્ય નહોતું.

લોકોના લલકાર ઊઠે છે : “વજીર બાપુની જે ! સૌને હેમખેમ લઈને પાછા વે’લા વળજો.”

વજીર સૌને શિર નમાવતા ચાલ્યા જાય છે.

‘માવતોએ ધલેત ધલેત કરી હાથીઓને નવરાવ્યા. આખે શરીરે તેલ-આંબળા ચોળીને કાળા પહાડ જેવા બનાવ્યા. તેમના ચાચરાઓમાં સિંદૂરની ચરચા કરી કલાબા બાંધ્યા, ઝૂલો નાખી વીર-ઘંટ લટકાવ્યા. રાતા, પીળા ને હરિયા રંગોથી રંગેલા ગજરાજો ઇંદ્રધનુષ જેવા લાગ્યા.

એવા ચાર હજાર હાથીઓ તૈયાર થયા. ને માવતોએ મંત્રજંત્ર તથા મોહોરાં હાથે બાંધ્યાં, કમર કસી, માથે બાનાબંધી પાઘડીઓ બાંધીને  પછી ‘ઇલલ્લા’ નામનો ઉચ્ચાર કરી નટ દોડે તેમ દોડી, દારૂથી મસ્ત બનેલા હાથીઓની નજર ચુકાવી, કલાબા ઉપર આવી, કુંભસ્થળો થાપડી, ‘હે મહાકાળરૂપ ! કેસરીસિંહને મારનારા અને જુદ્ધમાં નહિ હઠનારા !’ એવાં વિશેષણે ‘બાપો ! બાપો !’ કહી હાથીઓને બિરદાવ્યા, ને પછી આંખો ઉપરની તેમની અંધારીઓ ખોલી ત્યારે આંખો ઉઘાડી હાથીઓ ચોમેર જોવા લાગ્યા. ચરખી આદિ આતશબાજીવાળાઓ તથા ભાલા-બરદારો ચોગરદમ તેમને ઘેરીને હળવે હળવે ચલાવવા લાગ્યાં.”1[]

એ હાથીઓની નિસરણીઓ પટકીને જામ સતાજી તેમ જ તેમના રક્ષકોએ સવારી કરી.

રાજગઢની સામે ફોજ થંભેલી છે, અને હાથીના ટોકરા બજે છે. આખે શરીરે ગણેશ-શા આલેખેલા ગજરાજ ગઢમાંથી બહાર નીકળે છે કે તરત હર્ષના લલકાર ઊઠે છે.

“જામ બાપુની જે ! જે ! જે મા આશાપરા !”

સફેદ વસ્ત્રોમાં શોભતા સિત્તેર વર્ષના સતાજીને દૂધના ફીણ જેવી દાઢી હતી. કાનમાં સોનાની મોટી કડીઓ ઝૂલતી હતી. જામ આટલી ઉંમરે પણ રૂપાળા લાગ્યા. શ્યામ હાથી, તે ઉપર પીળી હેમઅંબાડી ને તેની અંદર શ્વેતરંગી રાજાની વિજયશ્રી અપ્રતિમ હતી. જે ફોજને મોખરે રાજા ચાલે, તેના પગ મોળા પડે નહિ. નગરને પાદરથી નીકળેલી ફોજ એક ગાઉ દૂર ગઈ તોપણ સવારીના ધમધમાટ નીચે ધરતી થરકથરક થતી મટી નહોતી.

ફોજની વિદાય થઈ ચૂક્યા પછી શહેરની મોરચાબંદી શહેરમાં એકાકી રહેલા કુંવર અજોજી કરી રહ્યા હતા. નગર અને મુઝફ્ફર, બે વાનાં કુંવરને સોંપાયાં હતાં. મુગલો સાથેના મહાવિજયના યશભાગી થવાનો મોહ કુંવરને ગળેથી માંડમાંડ છૂટ્યો હતો. દિલ તો હજુય ફોજની પાછળ દોડતું હતું. પણ વજીરે જ કરેલું ફરમાન હતું : ‘નગર છોડશો  નહિ. મુઝફ્ફરને રેઢા મૂકશો નહિ.’ મુઝફ્ફરશાહ અને જેસો વજીર તે દિન પ્રભાતે જ પહેલી વાર મળ્યા હતા, પણ એ મિલન સુખભર્યું નહોતું. રણઘેલુડો મુઝફ્ફર આટલાં કટકને જોયા પછી કેમ રહી શકે ? આ બધા મારે માટે કપાઈ મરવા જાય છે, ને હું પોતે જ આંહીં બેઠો રહીશ ? મને જવા દો, મને એક અશ્વ, આપો, એક જ ઘોડો અને એક જ સમશેર !”

“સુલતાન મુઝફ્ફરશાહ !” વજીરે સંભળાવી દીધેલું : “એ નહિ બને. તમે અમારા કબજામાં છો. બેઠા રહો.”

ને બીજા કોઈની તાકાત મુઝફ્ફરનું જતન રાખવાની નહોતી, એટલે કુંવરને પણ વજીરનો હુકમ ઉઠાવી લેવો પડ્યો હતો. ફોજને સીમાડા વટાવતાં દેખી મુઝફ્ફર વજીર-મેડીના ઝરૂખા પર કાંડાં કરડતો હતો. “બીબી !” એ કહેતો હતો : “આપણે ખાતર સોરઠી નૌજવાનો મરશે. આપણે ખાતર ! ઓહ !”

કાસદને માર માર્યાનો કેર સાંભળ્યા પછી ગુજરાતના નવા સૂબા ખાન આજમ મિરજા અજીજ કોકતલાશે અંતરમાં બીજા કોઈ વિચારને જગ્યા ન આપી. મારમાર વેગે એણે સીધું મોરબી સાંધ્યું. ને મોરબીથી ઊપડેલી એની ફોજે ધ્રોળથી આઠ જ ગાઉને અંતરે પડાવ નાખ્યો, તે વેળા જામની ફોજ હડિયાણાની ઊંચેરી ધરતી પર પોતાનો મુકામ નાખી દીધો હતો.

ખાસ આગ્રા ફતેપુરથી તેડાવી લીધેલા ચુનંદા જંગબહાદુરો થકી શોભતી મુગલ ફોજનો પડાવ ધરતીના નીચાણમાં હતો અને ચોમાસું બેસી ગયું હતું. ચોમાસાના વરસાદે એ નીચાણવી ધરતીની પોચી માટીમાં ભયાનક રાબડ મચાવી મૂકી. મુગલોના હાથી-ઘોડાઓને મચ્છરોના થરથર ચટકા ભરવા લાગ્યા. ડેરા-તંબૂ ઉઠાવીને આગળ તો ડગલું દઈ શકાય તેમ નહોતું. દિવસ-રાત વરસતી અનરાધાર વૃષ્ટિએ એકબીજા તંબૂઓ વચ્ચેનો પણ વ્યવહાર તોડી નાખ્યો. એક રાત, બે રાત, રાત પર રાત ચાલી. અનાજ ખૂટવાની તૈયારી હતી. એક રૂપિયાનું એક રતલ  અનાજ પણ ક્યાંય મળતું નહોતું. માર્ગો બંધ થયા હતા. શહેરો દૂર રહ્યાં હતાં. વરસાદે ગામડાંને આ મુગલ ફોજથી રક્ષણ આપ્યું હતું. તંબૂમાં થઈને પાણી વહેવા લાગ્યાં, તોપો ખૂતી ગઈ. સૂબા કોકતલાશે પાદશાહી ફોજી આગેવાનોની સલાહ પૂછી. ઠાકોરના ઉપરીએ ખબર દીધા કે આપણું અનાજ ખૂટવાની તૈયારી છે, વાદળાં વીખરાવાની વાટ જોશું તો ભૂખે મરી જશું. ને શત્રુ તો પોતાના મુલકમાં સલામત બેઠો. છે. હવે આંહીં ઠેરી ન શકાય.”

પાછા જવું ? આગળ વધવું ? શું કરવું ? મોગલોની મતિ મૂંઝાઈ હતી. તે ટાણે એક બારીગરે આવીને જાણ કરી કે બે જણા મળવા માગે છે.

આવનારા બન્નેએ ખાન કોકા સાથે ગુપ્ત મંત્રણા કરી. કોકાનું મોં પ્રફુલ્લિત બન્યું. એણે કાંઈક રુક્કો લખીને પોતાની સહી કરી આ બન્નેના હાથમાં મૂક્યો. એ લઈને બે જણા અંધકારમાં બહાર નીકળીને હડિયાણા તરફ ચાલ્યા ગયા. એ હતા લોમા ખુમાણ ને દૌલતખાન.

“જંગે મયદાન જ મુબારક હો,” કહીને કોકતલાશે વરસતા વરસાદમાં પડાવ ઉઠાવ્યા. શત્રુને એના ગામડાની બહાર કાઢવાનો એક જ માર્ગ રહ્યો. કૂચ કરો એના પાયતખ્ત પર ! શ્રાવણ વદ છઠની બપોરે મુગલો પહોંચ્યા. ત્યાં તો નગર તરફનો તેમનો માર્ગ રૂંધીને ઊંચી ધાર પર ઊભેલી પચરંગી સોરઠી સેના દેખી કોકતલાશ થીજી ગયો. પોતાની ફોજના કરતાં બેવડું-ચારગણું પ્રચંડ દળકટકક : તોપો : દારૂગોળાળા : હાથી-ઘોડા : શત્રુઓ પાસે તો શાની કમીના હતી ? હવે ડર ખાઈને થોભાય નહિ. થોભ્યા કે સોરઠિયા ત્રાટક્યા સમજો. શ્રાવણ વદ છઠની રાતે મુગલ પડાવમાં આ બધી મસલતો ચાલતી હતી. મેઘધારા બંધ પડી પણ ધરતી જરીકે સુકાણી નહોતી. શત્રુઓને જોયા પછી થોભવું ભયાનક છે. “મુબારક હો ત્યારે જંગે મયદાન !” એમ બોલીને શ્રાવણ વદ સપ્તમી ને બુધવારે ફાતીહા (કુરાનનું પહેલું પ્રકરણ) પઢીને હલ્લો કરવાની ગાંઠ બંધાઈ.  હડિયાણામાં તો જામની ફોજને વધાવવા માટે બાર હજારની ફોજ લઈ દૌલતખાન ગોરી જૂનાગઢથી આવી પહોંચ્યો હતો, બાર હજાર કાઠીઓ લઈને ખેરડીથી લોમો ખુમાણ પણ ક્યારનો હાજર થયો હતો. પાંચ હજારની ઉદયનાથ નામના અંજારના પીર સહિત ભુજની ફોજ ઊતરી ચૂકી હતી. રા’ ભારોજી નહોતા આવી શક્યા.

સતા જામ રાજી થયા : ખુમાણ અને ખાન ખરા નેકીદાર ! આપણી પહેલાં આવીને હાજર ઊભા છે !

મંગળવારની અંધારી રાતે જામના પડાવમાં પણ આવતા પ્રભાતની યુદ્ધરચના ચાલતી હતી. લોમા ખુમાણ અને દૌલતખાન જિકર કરતા હતા કે “બાપુ, હરોળમાં [મોખરે] તો અમારું જ સ્થાન હોય. પહેલો ભોગ અમારો ચડે.”

“નહિ, તમે તો સખીઆત કહેવાઓ. તમને અમારે જતનથી રાખવા જોઈએ. તમે રહો ચંદેલીમાં [પાછળ].”

“અમે સખીઆત નથી, અમે તો છીએ જામના ચાકર. અમારો એ દાવો છે. પગે પડીએ છીએ. અમને અપમાન ન આપો.”

“નહિ રે નહિ, બાપુ, એવો ગઝબ ન હોય.” આટલું બોલનાર વજીરને અટકાવી દઈને લોમા ખુમાણે જામને પગે હાથ નાખ્યો.

“તો પછી તે દિવસે અમને જામના ચાકરો શા માટે બનાવેલા ? અમને અમારી ઇજ્જત શું વજીરના કરતાં ઓછી વહાલી છે ? બોલો બાપુ, અમને જીવવામાં તો ઠીક પણ મરવામાં ય ઊજળું મોં નહિ કરી લેવા દ્યો ?”

જેસા વજીર, દલ ભાણજી, ડાયો લાડક, તમામ સરદારો એકબીજાની સામે જોઈ રહ્યા. કોઈથી ઉઘાડું કાંઈ બોલી શકાય તેમ નહોતું. લોમા ખુમાણ અને દૌલતખાન પોતાની ફોજને યુદ્ધમાં મોખરે રાખવાનો હક્ક જીતી ગયા.

કશો દગો રચાયો છે એ તો કોઈને જાણે કે શંકા જ નહોતી, પણ હરોળમાં રહેનારની જે વજ્રની છાતી હોય તેવી છાતી લોમા કે  દૌલતખાન નહિ બતાવી શકે એવો પૂરો વહેમ હતો. રચનાની મસલત પૂરી થયે વજીરે જામ પાસે જઈને પોતાનું પેટ ખોલ્યું. જામે જવાબ દીધો : “હું તો હરોલીનું બીડું સખીઆતવાળાઓને બક્ષી ચૂક્યો, હવે તમે જેમ કહો તેમ કરું.”

“ના, આપનું ફરમાન ફરી ન શકે. હવે તો અમે સમજી લેશું.”

એમ કહીને વજીરે ભાણજી દલને તેમ જ ડાયા લાડકને તેડાવી સમજાવ્યું : “જામના મોંમાંથી પડ્યો બોલ પાછો નહિ ગળાય; પણ તમે બેય જણ ફોજો લઈને મોહોરામાં રે’જો ને સખીઆતોનો પગ મોળો ભાળો તોપણ મક્કમ રે’જો.”

તે રાતે એ ત્રણેય બુઢ્‌ઢાઓ લોમાની ને દૌલતની ફોજો મોખરામાં ગોઠવાતી જોઈને આંગળીઓ કરડતા ઊભા. ઈલાજ નહોતો રહ્યો.

હરેક દળને એનું સ્થાન સુપરદ કરીને જેસો વજીર પોતાની રાવટી પર જતા હતા તે વખતે એક નાગડા બાવાએ એને ગુરુનો સંદેશો કહ્યો : “બે ઘડીનો જ મિલાપ માગું છું.”

વજીર જે વેળા ગામની બીજી બાજુ ગયા ત્યારે એણે મશાલોના તેજમાં એક હજાર નાગડાઓની પલટન રાંપૂર્ણ સજાવટ સાથે ઊભેલી દેખી. હાથીઓ ને ઘોડા સર્વ શિસ્તબદ્ધ ઊભા હતા. વજીરે કહ્યું : “આપ વિદાય લ્યો છો ને ? સારું થયું. મને એ જ બીક હતી, કે ક્યાંઈક રોકાણ કરી બેસશો ને અમારે માથે સાધુહત્યા ચડશે.”

“અમે વિદાય નથી લેતા. ધાર પર આવીએ છીએ. અમને અમારી જગ્યા દેખાડો.”

“શું બોલો છો ?”

“વજીર સાહેબ, આ ધરતી પ્યાસી છે. અમે બાવાઓ છીએ. પણ અમે લોટમગા નથી. અમે આંહીં મરશું, ધરતીનું કોપશમન કરશું.”

“આપ બે ઘડી ઊભા રહો.” એમ કહેતા વજીરે જામ પાસે ઘોડો દોટાવ્યો, વાત કરી.

“વાહ ! વાહ !” જામે કહ્યું : “આપણે પક્ષે જમાત લડશે ? તો તો  ફતેહમાં બાકી શી રહી ! આપી દિયો વચલી જગ્યા.”

વજીરે પાછો ઘોડો દોટાવ્યો. મહંતને જામનો અહેસાન-બોલ કહ્યો; ને નક્કી કરેલી જગ્યા રોકવા એક હજાર નાગડા ચાલ્યા ત્યારે ઘેરા શંખનાદ થયા. તૂરીભેરીની ઘોષણા ઊઠી.

જમાત ગયા બાદ યોગીએ વજીરને વીનવ્યા : “થોડી ઘડી મારા થાનકમાં બેસશો ? ગોષ્ઠિ કરવી છે.”

જોગીના તંબૂમાં બે સ્ત્રીઓ બેઠી હતી. જોગીરાજ જેસા વજીરને એમાંની જે વૃદ્ધા હતી તેની નજીક લઈ ગયા. પૂછ્યું : “પિછાન પડે છે ?”

સફેદ વસ્ત્રમાં ઢંકાયેલો સુકાયેલો દેહ, એની ઊંચાઈ માત્રથી જ વજીરને કૌતુકવશ બનાવી રહ્યો. એ દેહ સળવળતો. હતો. એણે વજીરની સામે જોયું. એ નજરમાં ઊંડી કંદરાઓ હતી.

વજીરે ફક્ત આટલું જ કહ્યું : “વાહ ! વિશ્વંભરની ઇચ્છા.”

“આપનો દફેદાર અંગરક્ષક ઓળખાયો છે ?”

“ના.”

“નાગનીની સીમમાંથી આ સગા હાથે ઉઠાવેલો ને બાર વર્ષ ઉછેરેલો એ તમારો વિભૂતિહીન પુત્ર નાગડો વજીર. કાલે પ્રભાતે એને જુદ્ધ કરતો જોઈને નેત્રો ઠારજો.”

વજીરે ઢળેલું મસ્તક ઊંચકીને કહ્યું : “ખોવાયેલાં પાછાં મળ્યાંનો આનંદ થવાની મનની વેળા વીતી ગઈ છે, ગુરુદેવ ! હું અત્યારે જીવતો નથી. સુરાપુરાની ભોમમાં મારું થાનક ગોતું છું.” આ શબ્દો એણે પુરાણા સ્વરે જોમાબાઈને કહ્યા. અને પોતાના ભેદાતા કંઠને ફાટફાટ હાસ્યમાં દાટી રાખીને પીઠ ફેરવી.

“ઊભા રહેશો એક વાર ?” પીઠ પાછળથી પત્નીનો સાદ આવ્યો.

“કહો.” વજીર થોભ્યા, પણ પીઠ તો કોઈ દુશ્મનના ઝાટકાની સામે ઢાલ ધરી હોય એવી અદાથી ધરી રાખી.

“આને ય ઓળખી લઈને પછી ખુશીથી પધારો. આને નિહાળી ?  તમારે જમણે પડખે ખૂણામાં.”

વજીરે એ દિશામાં નજર નાખી. બીજી એક બાઈ બેઠી હતી. ઓઢણું ખભે પડ્યું હતું. ને હાથ જાણે કંઈક તાણતા હોય તે રીતે ઝૂલતા હતા. એવું ઝૂલણ કાં તો મહી ઘુમાવતા હાથનું હોય, અગર તો સરાણ તાણતા હાથનું હોય. ઘડીક હાથ ઝૂલતા હતા, ને ઘડીક પાછી એ બેય હાથમાં કશુંક ઝાલીને ઝીણી નજરે જોતી હોય તેમ ચાળા કરતી હતી. બોલતી હતી : ‘રણથળ ! રણથળ ! નાગડો બાવો ! બાવા ! બાવા ! બાવા ! ભાઈ મારો વીર મારો, માડીજાયો રૂડો લાગે છે ! કેવો રૂડો લાગે છે મરતો મરતો !’ અને પછી ઝીણું ઝીણું ગાતી હતી :

કાટેલી તેગને રે
ભરોસે હું તો ભવ હારી.

ને છેલ્લે બોલતી હતી : “હેઠ્ય ! ફટ છે તને દગલબાજ ! ફોશી ! ભાગ્યો ! ધોળાંને ભૂંડાં લગાડ્યાં !”

દૃશ્ય દેખીને જેસા વજીર પૃથ્વીને ચોંટી ગયા જેવા લાગ્યા. એને વર્ષો પૂર્વે નાગનીમાં દીઠેલી સરાણિયણનું સ્મરણ થયું. બાજુબંધ નહોતા છતાં ઝૂલતા લાગ્યા, બાકી તો જેને જોઈ હતી તેનું પ્રેત જ દેખાયું. બોલી ન શક્યા. ખબર હતી કે જામ સતાજીએ ડાકણ ગણી નાગનાથના બાવાને ભળાવી હતી. એના બાપને અને વરને ‘ડેલા’માં જામે ગારદ કરી લીધા હતા.

આ આખા કિસ્સાનો ભેદ ન સમજનાર જોગીરાજે મૂંગા બની રહેલા વજીરને ફક્ત આટલું જ કહ્યું : “પગલી લાગે છે. જમાત ભેગી જ્યારથી રાખી છે. ત્યારથી કોઈ કોઈ વાર આવી અર્થહીન ચેષ્ટા કર્યા કરે છે.”

“અર્થ તો એનો ઊંડો છે, મહારાજ !” વૃદ્ધાએ વચ્ચે કહ્યું.

“મને પણ એવું લાગ્યું જ છે, મેરી મૈયા !” જોગીરાજે ઊંડાણમાંથી ઉચ્ચાર્યું : “પેલા બાવા પાસેથી તમે એને બચાવતાં હતાં તે દિવસ, અને તમે એ બાવાની કાન-કડી તોડી નાખી ને અમે એને સમાત દીધી, તે  દિવસથી હું મનમાં સમસ્યા સંઘરીને ભમું છું, પણ ગુપ્ત વાત પૂછવાનો અમારો ધર્મ નથી. હું ચુપ રહ્યો છું.”

વજીરને કડીબંધ વાર્તાની પિછાન પડી ગઈ. પણ એક બાબત પોતાને નહોતી સમજાતી. એણે પ્રશ્ન કર્યો પત્નીને : “તમે આને...”

“દૂધ પીતી કરવા મને સોંપેલી રાજકુંવરી સાંભરે છે ?” જોમાબાઈએ પૂછ્યું.

“હા ! વીશેક વરસ પહેલાંની વાત, વાહ ! હત્યા કેવી નડે છે ?”

"ભૂલ્યા છો, રાજ. હત્યા નહિ, હીન ગુલામીનાં પાપ નડે છે. મેં હત્યા કરી નથી. મેં સોંપી સરાણિયાને. એ જ આ જામકુંવરી. બાપે ઊઠીને જ એની બુદ્ધિનો દીવડો ઓલવ્યો છે. પણ જીવતી રહી છે, સગા ભાઈના મરશિયા ગાવા માટે.”

“ગાંડાં થાવ માં. અમંગળ બોલો મા. અજાજીને ઈશ્વરનાં રખવાળા છે.”

“લખ્યા લેખ નહિ ટળે, રાજ ! તરવારની ધારે મંડાણા છે આંકડા.”

ગાંડી બાઈનો બુદ્ધિ-દીવડો ઘડીક સ્થિર બન્યો. એણે કહ્યું : “ભાઈને એક વાર તો જોઈ લઉં ! એક વાર પણ નહિ મેળાપ કરાવો ?”

“એને ચુપ રાખજો. ને લ્યો ત્યારે હવે, બોલ્યાં-ચાલ્યાં માફ કરજો. તમારાં માછલાંને બન્યું ત્યાં લગી તો રીઝવ્યાં હતાં. હવે તો જીવ્યામૂઆના જુવાર છે.”

ઘોડો પલાણીને ચાલી નીકળતાં એણે મનને કહ્યું : “અરે જીતવા ! આટલી જ ઘડીમાં કેટલું બધું જાણ્યું ! તું આ અગણિત ભાલાંને ચાર-આઠ દીય શું હૈયે સંઘરી શકીશ ?”

ત્યાંથી સીધો ઘોડો ઉપાડીને જેસા વજીર ભૂચર રજપૂતને ખોરડે ગયા. અંદર એક ખૂણામાં બેઠી બેઠી રાજુલ ઘીનો એક દીવો બાળતી હતી. એના લલાટ પર સિંદૂરની પીળ્ય હતી. એ કાંઈક જપતી હતી.

“રાજુલ, દીકરી,” વજીરે એની પાસે જઈ, પગે લાગીને કહ્યું : “તારાં આગમ સાચાં પડ્યાં. હવે તો એક જ વાત કહેવા આવ્યો છું. તારા ધણીનું નામ નાગડો વજીર છે. એનો બાપ આ તારી સન્મુખ ઊભો : કાલ નાગડાનું ગામતરું થાય, તો મારી આજ્ઞાથી નવ મહિના જીવજે. ને પછી જીવવા-મરવાનું તારા મનને પૂછજે. મારા વેલાને ઉખેડીને નાખી દેતી નહિ. વધુ કહેવાનો વખત નથી. લે બેટા, જીવ્યામૂઆના જુવાર છે.”



  1. 1. ‘વીભાવિલાસ’નું ચારણી વર્ણન.