આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૬
વર્ધા શિક્ષણ પરિષદ


[પ્ર. ૧૧માં જેનો નિર્દેશ છે તે પરિષદ તા. ૨૨, ૨૩મી ઑક્ટોબર, ૧૯૩૭, વર્ધામાં મળી હતી. જેને પછી 'વર્ધા શિક્ષણ યોજના', 'પાયાની કેળવની' કે ત્યાર બાદ ' નયી તાલીમ' કહેવામાં આવી, તેનો જન્મ આ પરિષદમાં થયો. 'ઉદ્યોગ વાટે કેળવણી' નો ગાંધીજીનો મૂળ વિચાર આ પરિષદે અપનાવ્યો અને દેશમાં તેનો પ્રયોગ પછી શરૂ થયો હતો. -સં૦]


પ્રમુખ સ્થાનેથી પ્રારંભિક વિવેચન

[ગાંધીજી સૌથી પહેલાં તો નિમંત્રનને માન આપીને આવનારાં ભાઈબહેનોનો આભાર માન્યો, ને ત્યાર પછી જે વિવેચન કર્યું તેનો સાર અહીં આપેલો છે:]

હું અહીં પ્રમુખ હોઉં કે સામાન્ય સભ્ય હોઉં, મેં જે સૂચનાઓ[૧] રજૂ કરી છે, તેને વિષે તમારો અભિપ્રાય અને તમારી સલાહ સાંભળવાને તમને સૌને અહીં બોલાવ્યાં છે. જેમનો એની સામે વિરોધ છે તેમના વિચાર મારે ખાસ કરીને સાંભળવા છે. અહીં છૂટથી વિચારોની આપલે થાય ને સહુ મન મોકળાં કરીને બોલે એમ હું ઇચ્છું છું, કેમ કે મારાથી તબિયતને અકરણે આ મિત્રોને મંડપની બહાર નહીં મળી શકાય.

મારી સૂચનાઓમાં પ્રાથમિક કેળવણી તેમ જ કૉલેજની કેળવણી બંનોનો ઉલ્લેખ કરેલો છે. પણ આપણે મુખ્યત્વે વિચાર પ્રાથમિક કેળવણીનો કરવાનો રહેશે. મેં પ્રાથમિક કેળવણીમાં માધ્યમિક એટલેકે હાઈસ્કૂલની કેળવણીનો પણ સમાવેશ કર્યો છે, કેમ કે આપણાં ગામડાંમાં થોડાક મૂઠીભર લોકોને જો કેળવણી જેવું કંઈક મળતું હોય, તો તે પ્રાથમિક કેળવણી છે. ૧૯૧૫થી માંડીને કરેલાં મારાં અનેક ભ્રમણોમાં મેં સેંકડો ગામડાં જોયાં છે. ગામડાંનાં જે છોકરાછોકરીઓ મોટો ભાગ નિરક્ષર


  1. આ સૂચનાઓ જુઓ 'રાષ્ટ્રીય કેળવણીકારોને' પ્ર૦ ૧૧ માં આપી છે
૬૫