પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૧

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
છે કે મારાથી માળી થઈ શકાય એમ નથી. માત્ર તારી મરજી પાળવા ખારા હું ઝારી અને ખરપડી હાથમાં લઉં છું.
જાલકા: બીજું પણ એક કારણ છે.
રાઈ: હા. તેં આણી આપેલ એક પુસ્તકમાં એવું વચન હતું કે

‘પ્રજાપાલકની વૃત્તિ માળીના સરખી ખરે;
ઉછેરે, ફળ લે બંને. ઉખેડે, પ્રીતિ એ કરે.’ ૨

તે ઉપરથી મને લાગેલું કે માળીના કાર્યમાં પણ ઉન્નતિ છે. પણ, સરખામણીની એવી કલ્પિત મોટાઈથી કોઈ મોટું થતું નથી. ઈશ્વર શી રીતે સૃષ્ટિ બનાવે છે તે એક પ્રકારના દૃષ્ટિબિન્દુથી સમજાવવા કેટલીવાર કરોળિયાનું ઉદાહરણ લેવામાં આવે છે, પણ, તે માટે કરોળિયા પૂજાતા નથી.

જાલકા : હશે, અત્યારે એ બધા વાદવિવાદની જરૂર નથી. જા, દીવો લઈ આવ.
[રાઈ જાય છે.]
 
જાલકા: (સ્વગત) કાંઈક હકીકત તો એને કહેવી પડશે. લાવ, વસ્ત્ર ધરી સજ્જ થાઉં. એ વસ્ત્ર એ છો જોતો. (વસ્ત્ર પહેરે છે.)
[ફાનસ લઈ રાઈ પ્રવેશ કરે છે]
 
રાઈ: લે, આ દીવો લાવ્યો. (જાલકાને જોઇ આશ્ચર્ય પામીને) જાલકા ! આ શું ?

આ વેશ કેવો અવનવો પ્હેર્યો સિરેથી પગ સુધી!
કાળાં બધાં આ વસ્ત્ર શાં ! ને પટ્ટિઓ શી જુદીજુદી !

રાઈનો પર્વત