પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૭૭

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


રાઈ : ઉપમંત્રી અને ઉપમંત્રીના ઉપરીઓ એ અવમાનનામાંથી સ્ત્રી જાતિને છોડાવે તો જ મુદ્રાદાન સાર્થક થાય.
દુર્ગેશ : રસપ્રભાવ વડે પ્રત્યેક સ્નાયુને અને પ્રત્યેક નાડીને સ્ફુરામય કરનારી આવી દીક્ષા મળ્યા પછી ઉપમંત્રી યજ્ઞમાં શું કચાશ રાખશે?
કમલા : એમ છે તો સ્ત્રીના ઉદ્દાર માટે યજ્ઞ આરંભવાનો હું સકલ્પ કરાવું તે કરો.
રાઈ : મને પણ એ સંકલ્પમાં સામેલ થવાની અનુજ્ઞા આપો.
કમલા : ભલે. તમે બન્ને સંકલ્પ કરો કે,

સ્ત્રીજાતિની અવદશા પરિહારવાને
એવો હુતાશન મહા પ્રકટાવીશું કે
તેની પ્રચંડ ઉંચિ જ્વાળાની માંહિં થાશે.
અજ્ઞાન, સ્વાર્થ, વળિ દુર્મતિ સર્વ ભસ્મ. ૪૦

[રાઈ અને દુર્ગેશ બન્ને એ શ્લોક સાથે બોલી સંકલ્પ કરે છે.]
 
દુર્ગેશ : પર્વતરાય મહારાજનું નવું રાજ્ય બેસે એ સમય એ હુતાશન પ્રગટાવવા માટે અનુકૂળ થઈ પડશે.
રાઈ : નવું રાજ્ય શાથી ?
દુર્ગેશ : નવી જુવાની સાથે રાજનીતિમાં નવું બળ પ્રાપ્ત નહિ થાય?
રાઈ : જુવાની અને રાજતીતિને કેવો સંબંધ છે, અને જુવાની એક વાર ગયા પછી પાછી આવે તો એની એ આકૃતિમાં કે કોઈ બીજી આકૃતિમાં આવે - એ બધા ભારે પ્રશ્નો આ મધરાતના ભારથી વધારે ભાર શા સારુ કરવા? અત્યારે તો નિદ્રા કેમ સહેલી કરવી એ જ પ્રશ્નનું નિકારાણ ઘટે છે.
[સહુ જાય છે.]
 


૭૦
રાઈનો પર્વત