આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નિવેદન

ત્રીજી આવૃત્તિ

[ટૂંકાવીને]

મારી કૃતિઓની પ્રત્યેક નવી આવૃત્તિને ટાણે હું એના સંસ્કરણમાં મારી આછરેલી અભિરુચિની તેમ જ બહારથી સાંપડેલ ટીકાની કસોટીને ઠીક ઠીક કામે લગાડું છું, નાની ત્રુટીઓ પણ નિવારવા શ્રમ લઉં છું. આ ચોથા ખંડની લખાવટમાં મને એ કસોટીએ ઘણે લાભ કરી આપો છે; કેટલોય કુથ્થો વાર્તાના આલેખનમાંથી મેં ઓછો કર્યો છે.

બોટાદ : ૩–૨–'૪૨
ઝ. મે.
 

[પહેલી આવૃત્તિ]

ચાર ચાર વર્ષના સમાગમ વડે– અને અનેક પ્રતિકૂળ દિશાઓમાંથી ફૂંકાતા વાયરા છતાંયે– જે સૌહાર્દ 'રસધાર' અને વાચકવર્ગની વચ્ચે બંધાયું છે, તેને ભરોસે રહીને સમજી લઉં છું, કે વાચક પોતાની નિર્મલ ઊર્મિવશતાને પંપાળવા ખાતર નહીં, પણ સબળ ભાવ વડે સરજાયેલા દેદીપ્યમાન ભૂતકાળને સમજવા ખાતર જ 'રસધાર'ને ચાહે છે.

સોરઠી જીવનની સમસ્યાઓ

સાદાં અને સીધાં શૌર્ય અગર સ્નેહ અને સત્યવાદીપણાની વાત તો સહેજે પચી જાય છે, પરંતુ આ તો જીવનકથાઓ છે. અને જીવન એટલું સાદું નથી હોતું. જીવનમાં અનેક પરસ્પરવિરોધી ભાવોના ઉછાળા આવે છે. અસલી યુગનાં તત્ત્વોને ન સમજી શકનાર માનવી એને ગપ્પાં કહે છે, ને કાં માને છે નાદાની : જેવી કે, કરણસંગ પોતાના પિતૃપક્ષ પરથી મહેણું ઉતારવા માટે પોતાના ભાઈને જ પોતાનું જ માથું કાપી લેવા બોલાવે તે નાદાની (‘સંઘજી કાવેઠિયો’): રજપૂતની બેલડી પોતાની

7