રસધાર ૪/સંઘજી કાવેઠિયો

← દસ્તાવેજ સૌરાષ્ટ્રની રસધાર ૪
સંઘજી કાવેઠિયો
ઝવેરચંદ મેઘાણી
સેનાપતિ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.




સંઘજી કાવેઠિયો

“આવો, આવો, પટેલીઆવ ! કયું ગામ ?”

“અમે સરોડેથી આવીએ છીએ, બાપુ !”

બથમાં ન માય એવા શેરડીના ત્રણ ભારા માથા ઉપરથી ઉતારીને ત્રણ કણબી પગે લાગ્યા: “અમારા આતા રાઘવ પટેલે ડાયરાને ચખાડવા સારુ આ શેરડીના સાંઠા મોકલ્યા છે.”

“ઓહો ! આ તો સાબરકાંઠો. ત્યારે તો આ માતાજીના અમૃતની પ્રસાદી.”

"હા, બાપુ,” પટેલ બોલ્યા, “પહેલી મહેર તે સાબરમાતાની અને બીજી અમી-નજર તમ જેવા ધણીની; એટલે અમારી બાર બાર મહિનાની કાળી મહેનત ફળી છે. મારા આતાએ કહેવરાવ્યું છે કે ‘બાપુ! મારા આ કાંડા જેવા ધીંગા સાંઠા દોઢ દોઢ માથડાં ઉપર ડોકાં કાઢી ગયા છે, અને મણ મણના તોલદાર સાંઠા ઊભા ને ઊભા ફસડાઈ પડે છે. રોગો પોપટિયો મહાસાગર જાણે હિલોળે ચડ્યો છે, હે બાપુ ! માટે પગલાં કરો.' આ મારા આતાની ચિઠ્ઠી !”

"હાં હાં, પટેલીઆવ, ઝાઝાં વખાણ રહેવા દો; રાજાઓનાં પેટમાં પાપ જાગે. લાવો કાગળિયો.”

સાણંદ ગામના દરબારગઢની કચેરીએ વાઘેલા સામંતના દાયરા વચ્ચે વીંટળાઈને આજથી ચારસો વરસ ઉપર એક ફાગણ મહિનાને દિવસે કુંવર કરણસંગજી બિરાજેલા છે. સરોડાના પટેલના દૂધમલ દીકરા શેરડીના ત્રણ ભારા લઈને દરબારનું મોં મીઠું કરાવવા આવ્યા છે. સાબરકાંઠાની ધોળી શેરડી દેખીને દાયરાના મોંમાં પાણી વછૂટેલ છે. સજેલી છરીઓ કાઢીને તમામ દાયરો દરબાર કાગળ પૂરો કરે તેની વાટ જુએ છે. કાગળ વાંચીને દરબારે શેરડીના ભારા સામે જોયું. જોઈને પૂછ્યું :

“ત્રણ ભારા કેમ? આમાં તો પાંચ લખ્યા છે !"

પટેલ બોલ્યો : “બાપુ, ડેલીએ સંઘજી કાકે બે ભારા ઉતરાવી લીધા છે; નાનાભાઈ ત્યાં બેઠા છે એટલે દાયરાને ખાવા સારુ રાખ્યા છે.”

"હા જ તો ! સંઘજી કાકાનો દાયરો તો સહુથી પહેલાં હકદાર ગણાય ને બા !” એમ કહીને એક અમીરે દીવાસળી મૂકી.

"ને,” બીજાએ ટહુકો પૂર્યો : "કાકો ભાગ પાડવાની રીત પણ સમજે છે, બાપ ! બે ભાઈની વચ્ચે ત્રણ-દુ ભાગે જ શેરડી વે’ચવી જોવે ને? એમાં કાંઈ અંચી કે અન્યાય હાલે? કાકો ચતુરસુજાણ સાચા ! નાની-મોટી બાબતમાં એની હૈયાઉકલત તો હાજરાહજૂર !”

આવા મર્મ થતા જાય છે તેમ તેમ દાયરો જોતો જાય છે કે કરણસંગજીના અરીસા જેવા જુવાન ચહેરા ઉપર કાળા પડછાયા પથરાઈ રહ્યા છે. એની આંખો શેરડીના ભારા ઉપર મંડાઈ ગઈ છે. ત્યાં ત્રીજા પડખિયાએ ત્રીજો સૂર સંભળાવ્યો :

"બાપુ! એક દિવસ એ જ ન્યાયે કાકો રાજનીયે વે'ચણ કરાવશે. કાકાના કલેજાની વાત આફરડી આફરડી બહાર નીકળી પડી છે. કાકાના તો ઘટ ઘટમાં રણછોડરાયજી રમી રહ્યા છે, રાજનું અમંગળ કાકા કદી વાંછે નહિ. પણ ત્રણ-દુ ભાગે બરાબર વે'ચણ કરાવશે !”

કરણસંગજીના ચહેરા ઉપર ત્રણ-દુ ભાગની સમસ્યા ચોખ્ખે-ચોખી ચીતરાઈ ગઈ. ભારા ઉપરથી એણે નજર સંકેલી લીધી. એણે આજ્ઞા દીધી : “કાકાને જરાક બોલાવજો તો !”  ડેલીએ દાયરો જામ્યો છે. અઢાર વરસના કુંવર મેળાજીની ચોગરદમ જીવતો ગઢ કરીને રજપૂતો બેઠા છે. વચ્ચે નેવું વરસને કાંઠે ગયેલ સંઘજી કાવેઠિયો બેઠો છે. માથું, દાઢી, મૂછોના થોભા, નેણ અને પાંપણ: તમામના ધોળા શેતર જેવા ભરાવ વચ્ચેની એની બે પાણીદાર આંખો હળવી હળવી ઊઘડે છે અને બિડાય છે. દરબાર ભીમસંગજીના વખતથી જ એ કારભારી હતા. મરણટાણે દરબાર કહી ગયેલા કે “સંઘજી, સાણંદનું છત્ર થઈને રહેજે.”

છોલેલી શેરડીનાં માદળિયાં ખૂમચામાં છલોછલ ભરાઈને તૈયાર થઈ રહ્યાં છે. અને સંઘજી કાવેઠિયો જે ઘડીએ પહેલું માદળિયું હાથમાં લેવા જાય છે, તે જ ઘડીએ ગઢની મેડીમાંથી આવીને આદમીએ ખબર આપ્યા કે “ભાઈએ તમને જરા ઊભા ઊભા આવી જવાનું કીધું છે.”

હાથમાંથી શેરડીનું માદળિયું નીચે મૂકી દઈ સંઘજી કાવેઠિયો ઊભો થયો. બગલમાં તલવાર દાબી. હાથની આંગળીએ નાના કુંવર મેળાજીને વળગાડ્યા છે. નેવું વરસનો ખળભળી ગયેલો ડોસો મેળાજીના ખભા ઉપર હાથ ટેકવીને પોતાની વળી ગયેલી કાયાને સંભાળતો મેડીએ ચડ્યો.

"રામ રામ, બાપા !” સંઘજી કાવેઠિયાએ રામ રામ કર્યા.

એણે શેરડીના ભારા ભાળ્યા. એને એમ લાગ્યું કે કુંવરે પોતાને અને નાના ભાઈને આજ ઘણે મહિને હોંશે હોંશે શેરડી ખાવા બોલાવેલ છે. એનું ધ્યાન ન રહ્યું કે કુંવરે સામા રામ રામ ઝીલ્યા નથી, એ બોલ્યા: “બાપ, ભાઈ સારુ તો ત્યાંયે શેરડી તૈયાર હતી.”

“કાકા,” કંપતે હોઠે કરણસંગ બોલ્યા, “ત્રણ-દુ ભાગની વે'ચણ કરવાની સમસ્યા શેરડીના ભારામાં કરવી પડી?”

"સમસ્યા?” ડોકું ધુણાવીને સંઘજીએ માંડ માંડ શબ્દો ગોઠવ્યા. "મેં સમસ્યા કરી ? બે અને ત્રણ ભારાની શું મેં વેં'ચણ કરી? ભાઈ, તમે શું બોલો છો?”

"કાંઈ નહિ, કાકા, જાઓ. મેળાને હવે તમે તમારું ચાલે તો બે ભાગ અપાવી દેજો. પધારો, કાકા !”

દિગ્મૂઢ બુઢ્ઢાની આંખમાંથી પાણી વહેતાં થયાં. મેળાજીના ખભા ઉપર લીધેલો ટેકો ઓછો પડ્યો એટલે તલવારની મૂઠ ઝાલીને ધરતીને માથે બીજે ટેકો લીધો. કાયા વધુ ને વધુ કંપવા, વધુ ને વધુ નમવા મંડી.

"હવે રહી રહીને જાકારો દઈશ, મારા અન્નદાતા? આ ખોળિયું આટલે વર્ષે જાતું હવે ભારે પડ્યું, ભાઈ? રે'વા દે બાપ, સાણંદની ઢાંકેલઢૂંબેલ આબરૂ સંસારમાં ઉઘાડી પડી જાય છે. રે'વા દે! સમજ કે મારી ભૂલ થઈ.”

આખો દાયરો એકસામટે ગરજી ઉઠયો કે “હવે કાકા, પછેં એક વાર કહ્યું, બે વાર કહ્યું, તોયે ન સમજીએ? નાહક વહાલામાં વેર કરાવી રહ્યા છો તે ! હવે રે'વામાં નહિ તમારું માત્યમ કે નહિ રાજનું માત્યમ !”

સંઘજીની આંખ બદલી. આંસુ થંભી ગયાં. નમેલી કાયા પલકમાં ટટ્ટાર થઈ ગઈ. ચારે બાજુ બેઠેલ દાયરાનાં મોં વાંચી લીધાં.

અને પછી કરણસંગ ઉપર નજર નોંધીને પૂછ્યું: “બાપ, ડોસાને કૂતરાં પાસે ફાડી ખવરાવ્યો ?”

"જાઓ, કાકા!” કુંવર બોલ્યો.

"પીંછડાં વિનાનો મોર શોભશે કે ?”

"તમારું ચાલે તો પીંછડાં વીંખી નાખજો; જાઓ !"

"બસ, મને ભૂંડો લગાડવો છે? મારા ધેાળામાં ધૂળ નાખવી છે?”

"જાઓ, કાકા, આજના જેવી કાલ્ય નહિ ઊગે.”  "લે ત્યારે, હવે જાઉં છું; રામ રામ, ભાઈ ! આશા હતી કે ચાર-છ મહિને મારા કરણને સાચું સમજાશે, આશા હતી કે ખટપટનાં વાદળાંને ચીરીને મારો કરણ – મારો સૂરજ બહાર નીકળશે. અને તે દી હું આ ગરીબડા ઓશિયાળા મેળાજીને તારે ખોળે બેસાડીને મારો સાથરો વધારીશ; પણ હવે, રામ રામ ! ભર્યા રાજમાંથી નાના ભાઈને ભાઠાળી એક ટારડી તેં આપી'તી, એનાં ભાઠાં મેં આજ લગી આશાએ ધોયાં, પણ તારાથી એ સહ્યું જાતું નહોતું એ વાત આજે સાચી પડી. મેળાને માથે માથું ડગમગતું હતું, મેળાની થાળીમાં ઝેરની કણીઓ ઝરતી હતી, મેળાને રહેવા આપેલ ઝૂંપડાં પણ તને ખટકતાં હતાં, તે હું સાચું માનતો નહોતો. પણ આજ તે મને માણસાઈ શિખવાડી. મારે રૂંવે રૂંવે સાણંદની રાબ છાશ ભરી છે એની મને આડી હતી. સામધર્મની મને દુહાઈ હતી. હું એક પછી એક ઘૂંટડા ગળ્યે જાતો હોત; પણ હવે રામ રામ ! અને–અને આજ જાતો જાતો હું આ તારા પડખિયાઓને કહેતો જાઉં છું કે હવે તે ત્રણ-દુ ભાગે નહિ, પણ અરધોઅરધ સરખે ભાગે તારી ને મેળાજીની વચ્ચે વે'ચણ થાશે.”

કરણસંગથી ન રહેવાયું. એણે પોતાની તલવાર લાંબી કરીને કહ્યું: “આ લેતા જાઓ, કાકા ! એક બાંધો છો અને આ બીજીયે ભેળી બાંધતા જાઓ !”

“તું શું બંધાવીશ? દ્વારકાનો ધણી બંધાવશે.”

શેરડીના થાળ સુકાતા રહ્યા. સાવજ કેશવાળી ખંખેરે તેમ માથું ધુણાવતો ડોસો ‘દ્વારકેશ! દ્વારકેશ !’ કહેતો મેળાજીને લઈ વળી નીકળ્યો. આવરદાનાં સાઠ વરસ એક જ ઝપાટે પાછાં હટી ગયાં હોય એમ સીધો સોટા જેવો કાયાનો દમામ કરીને સંઘજી ચાલ્યો આવે છે. બેસી ગયેલી છાતી આગળ ધસી આવી છે. ડેલીએ દાયરાના હાથમાં પતીકાં થંભી રહ્યાં છે. રુદ્રાવતાર સંઘજીને દેખતાં તમામ ઊભા થઈ જાય છે. વૃદ્ધ ફક્ત એટલું જ બેલ્યો કે:

“દાયરાના ભાઈઓ ! તમારામાંથી જો કોઈ મારી પછવાડે ચાલો તો તમને દ્વારકાધીશની દુહાઈ છે. અહીં જ રહેજો. સાણંદના રખવાળાં તમને ભળાવીને જાઉં છું. મેળાજીને મારે ખોળે સલામત સમજજો. અમારી લેણાદેણી આજ લેવાઈ ચૂકી છે.”

પોતાના ચાર પુત્રો સામે ફરીને સંઘજી બોલ્યા : “દીકરાઓ, આજ આપણને દેશવટો મળે છે. આ ભર્યા ખોરડાંમાંથી ફક્ત પહેર્યાં લૂગડાં અને બાંધ્યાં હથિયાર ઉપરાંત વાલની વાળી કે લૂગડાંની લીર સરખીયે સાથે લેવાની નથી. મરદો, બાયડિયું ને છોકરાં — તમામ કોરેકોરાં બહાર નીકળી જાઓ.”

‘દ્વારકેશ ! દ્વારકેશ ! દ્વારકેશ !” એવા નિસાસા મૂકતો મૂકતો વૃદ્ધ ઊભો રહ્યો. મેળાજીના દરબારગઢનું વેલડું જોડાયું. વેલડામાં મેળાજીનાં અને સંઘજીનાં ઠકરાણાં ચડી બેઠાં. મરદો ઘોડે ચડ્યા. સમશેરો તાણીને સંઘજીના પુત્રોએ વેલડાની ચોગરદમ તથા મેળાના ઘોડાની આસપાસ કૂંડાળું બાંધ્યું. સહુથી વાસે સંઘજીએ ઘોડો હાંક્યો. સાણંદમાં તે દિવસે સમીસાંજરે સોપો પડી ગયો.

ગરજે ગોમતી જી કે ગાજે સાગરં,
રાજે સામળા જી કે બાજે ઝાલરં.

મહાસાગરરૂપી ઈશ્વરી નગારા ઉપર આઠે પહોર અણથાક્યો ઘાવ દઈ દઈને જળદેવતા ઘેરા નાદ ગજવે છે; સાગરની પુત્રી ગોમતીજી હરદમ ઝાલર બજાવે છે. એવી અખંડ આરતીના અધિકારી શ્રી દ્વારકાધીશના દેવાલયમાં અધરાતનો ગજર ભાંગ્યો તે ટાણે સંઘજી ડોસો ઊભો ઊભો, હાથમાં માળા ફેરવતો ફેરવતો રણછોડરાયજીના ચતુર્ભુજ સ્વરૂપની સમક્ષ ‘દ્વારકેશ ! દ્વારકેશ !’ શબ્દની ધૂન લગાવી રહ્યો છે. મણિરત્ને જડેલા મુગટધારી શ્યામ-સ્વરૂપને માથે ઝળહળાટ વરસાવતી ઘીની અખંડ જ્યોતોનાં પ્રતિબિંબ ઝળકી રહ્યાં છે. સંઘજી પ્રાર્થના કરવા મંડ્યો :

‘હે દાદા ! તલવાર દે ! તારા નામની તલવાર દે. બાપ ! મારો સૂરજ આથમશે તે ઘડીએ મારા રુધિરથી પખાળીને એ તલવાર હું તારા હાથમાં સોંપીશ. એના તમામ ડાઘાને હું નિખારી નાખીશ. કલંક લેતી એને તારી હજૂરમાં નહિ આણું. દે, એક તલવાર દે, તારો હુકમ દે.’

બુઢ્ઢાને એવો ભાસ થયો કે જાણે રણછોડરાયની મૂર્તિ હાથ લંબાવીને એક ખડગ આપે છે. સંઘજી એ લઈ લે છે.

ધોળે દહાડે સાણંદનાં ગામડે ગામડાના ઝાંપા બિડાવા લાગ્યા. આગની ઝાળો જેમ એક ખોરડેથી બીજે ઓરડે અને એક નેવેથી બીજે નેવે લાગતી જાય તેમ સંઘજી બહારવટિયાની ગસત ગામડે ગામડાને ધબેડતી સાણંદમાં ત્રાસ વર્તાવી રહી છે. કેડા ઉજ્જડ થઈને ભાંગવા લાગ્યા છે, સાંતીડાં જોડનારા ખેડૂતોનાં માથાં વાઢી વાઢી સંઘજી કાકો મોખરે લટકાવવા મંડ્યો. ધરતીમાં વેરાનની દશા વર્તાઈ ગઈ. સંઘજી કાકાને નામે છોકરાં છાનાં રહે છે.

સંધ્યાની રૂંઝું વળી ગઈ છે. ઝાડીમાં બહારવટિયાનો પડાવ થયો છે. શિલા ઉપર બેસીને સંઘજી ડોસાએ ભાલા ઉપર પોતાની કાયા ટેકવી છે. પાસે પડેલી એક લાશમાંથી રુધિર વહે છે, તેનાં ખાબોચિયા ભરાયાં છે. એ સંઘજીના નાનેરા ભાઈનું શબ હતું. સાણંદ ભાંગીને પાંચ ગાઉ ઉપરના ખેતરમાં ત્રણ દિવસના ભૂખ્યા બહારવટિયા, પછેડીમાં લોટ-પાણી મસળીને છાણાંના ભાઠામાં રોટલા શેકવા બેઠા હતા, ત્યાં સાણંદનું સૈન્ય ઘેરી વળ્યું. તલવારની તાળીઓ પડી. સંઘજીનો નાનેરો ભાઈ દોટ કાઢીને સેનાની સામે દોડ્યો. સંઘજીના એ જમણા બાહુનું બલિદાન ચડી ગયું.

સંઘજીએ દીકરાઓને કહ્યું: “આજ સુધી તો મેળાજીને કેસરિયે લૂગડે આપણે સાથે ને સાથે ફેરવ્યો છે. પણ આજ જેમ કાકો ઝપટમાં ચડી ગયો એમ મેળોજી જોખમાય તો આપણું મોઢું શું રહેશે? માટે બાપાને હું ઠકરાણાં સોતો ઈડરમાં ભળાવી આવું. ત્યાં ફુઆ-ફુઈની છત્રછાયામાં બાપાને મૂક્યા પછી વણઉચાટે આપણે મરી છૂટશું.”

બુઢ્ઢો એકલે પંડે મેળાજીને ઉપાડી ઈડર પહોંચ્યો. રાવના હાથમાં મેળાજીનું કાંડું આપ્યું. પાછા વળીને સાણંદનાં પાદર ઉજ્જડ કરવા લાગ્યો.

કંઈક વરસો વીતી ગયાં. ઈડરના રાજમહેલમાં રંગભરી ચોપાટો રમાય છે. ફુઓ-ભત્રીજો ગુલતાન છે.

પણ એક વાતનો મોટો અચંબો ફુઆને થઈ રહ્યો છે. ભત્રીજા મેળાજીને રાવ પૂછે છે કે “કાં, બાપ, ઘડીએ ઘડીએ વાંસે તે શી નજર કરી રહ્યા છો? શું હજીયે બીક લાગે છે, કે સાણંદની ફોજ આવીને તમારું માથું વાઢી લેશે?”

સાંભળીને મેળાજીના મોં પરથી નૂર ઊતરી ગયું.

“જોયા આ ઇડરિયા ડુંગરા ! આભે ટલ્લા દઈ રહ્યા છે. આ ઈશ્વરે દીધેલે કાળભૈરવ કિલ્લો : આ પટાધર ઇડરિયાઃ અને આ મો’લાત : દાળભાતનો ખાનારો કરણસંગ આવે, કે ઊંચેથી ઊતરીને તમારા વડવા આવે, તો ડુંગરાની સાથે ભાલે જડી દઉં, ખબર છે કુંવર?” એમ કહીને રાવે દાઢીના પલ્લા ઝાટક્યા.

“અને તેમ છતાંયે છાતી થર ન રહેતી હોય તો સુખેથી રાણીવાસમાં જઈને ઓઝલપડદે રો’ને! ઈડરની રજપૂતાણિયું પોતાનાં માથાં પડ્યાં પહેલાં તમારા ઉપર પારકી તલવાર નહિ પડવા આપે એટલી ધરપત રાખજો, કુંવર !” ફરી રાવે મૂછો માથે તાવ દીધો. ફરી બોલ્યો :

“વાહ રે ભીમસંગજીના વિસ્તાર, વાહ! માથું બહુ વહાલું હો !?”

તે દિવસે ચોપાટમાં સ્વાદ ન રહ્યો.

એકલો પડીને મેળોજી વિચારે છે, ‘ફુઆને આશરે આવ્યો એમાં જ શું સાત પેઢીની ગાળો સાંભળવી પડી? એથી તો બાપના ગામનાં ચોથિયું રોટલો અને માથે મીઠાની એક કાંકરી શાં ભૂંડાં હતાં ? અને હા ! સાચેસાચ શું મને માથું એટલું વહાલું થઈ પડ્યું છે? જીવતરનો એટલો બધો મોહ, કે પલકે પલકે ફફડીને જીવતે મોત અનુભવવાં પડે છે? ધિક્કાર હજો !’

સાણંદના દરબારગઢની ડેલીએ સાંઢ્ય ઝોકારીને એક રબારી દોડતે પગે કચેરીમાં ગયો. માથાબંધણામાંથી એક કાગળ કાઢીને કરણસંગજીના હાથમાં દીધો. કાગળ દેતાં દેતાં બોલ્યો, કે “બાપુ, ઈડરના ડુંગરામાં મધરાતે એક બોકાનીદાર જુવાનડે આવીને આ કાગળ દીધો છે; બોલ્યો છે કે બાપુને પોગાડજો. બાપુ, સાદ તો.. ” રબારીનું વેણ અરધેથી તૂટી ગયું, કેમ કે ઈડરનું નામ પડતાં જ કુંવર ખસિયાણા પડ્યા.

કુંવર કાગળ વાંચવા મંડ્યા : મોટાભાઈ,

ફુઆએ મને આશ્રિત માનીને આપણી સાત પેઢીના પૂર્વજોને અપમાન દીધાં છે. મારે માથે હવે માથું રહેતું નથી, ડગમગે છે. ફુઆને માથે મારો ઘા ન હોય. આશ્રિતોનો ધર્મ લોપાય : અને મારો દેહ પણ હું મારે હાથે ઠાલો ઠાલો પાડી નાખું તેથીયે શું કમાવાનો હતો ? દુનિયા દાંત કાઢશે. પણ જીવતર હવે ઝેર સમાન બન્યું છે. જીવતાં જે ન કરી શક્યો તે મરવાથી કરી શકું એવો ઉછરંગ આવે છે. માટે, ભાઈ, તું આવજે : હુતાશણીની મધરાતે દેવીના ડુંગરાની માથે ફુઆની જોડે હું હોળીના દર્શને જઈશ. એકલો પાછળ રહીશ. તું આવીને મારું માથું કાપી જાજે. ઈડરના દાંતમાં દઈને માથું વાઢી જાજે. દુનિયામાં સાણંદને ડંકો વગાડી જાજે. ન આવે એને માથે ચાર હત્યા!

લિ. મેળો


કચેરીમાં બેઠેલા આખા દાયરાએ કાગળ સાંભળ્યો. પડણિયાઓએ તરત જ ચેતવણી આપી કે “તરકટ. બાપુ ! તમને મારીને રાજપાટનો ધણી થઈ બેસવાનું તરકટ !”

“હા, બા, હા; તરકટ નહિ તો બીજું શું? બાપુની આંખમાં ધૂળ નાખવાની કેવી પાકી કરામત !” બીજાઓએ ઝીલી લીધું.

મૂંગા મૂંગા કરણસંગજીની આંખમાં શ્રાવણ ને ભાદરવો મંડાઈ ગયો. માડીનો જાયો નાનેરો ભાઈ એને સાંભર્યો. યાદ આવ્યું, કે ‘અહોહોહો ! હું બાપને દવલો હતો. મને બાપે ભાઠાળી ટારડી ચડવા દીધી'તી, ભૂખલ્યાં ખોરડાં દીધાં'તાં. અને મેંયે બીજું શું કર્યું? બાપનું વેર નાનેરા ભાઈ ઉપર વાળ્યું, દેશવટે કાઢ્યો તોય ભાઈ મારો ચંદણનું જ લાકડું! સળગી સળગીને સુગંધ ફોરે ! આજ એને બાપના બેસણાની લાજઆબરૂ વહાલી થઈ. માથું વહાલું ન લાગ્યું.’

“દાયરાના ભાઈઓ, અવળી જીભ ચગાવશો મા. નક્કી મેળાને મે’ણાંનો ઘા થયો છે. હું જાઉં, મારા ભરતને ઉપાડી આવું, એ માગે એટલો ભાગ આપું. મારો ઘોડો સાબદો કરો : બીજો ઘોડો મેળા સારુ શણગારો. બસ, ફક્ત પાંચ છ અસવાર મારી હારે ચડજો, વિશેષની જરૂર નથી.”

ફાગણ સુદ પૂનમની અધરાતે હોળીનો આનંદ કરીને લોક વીંખાયાં. રાવની સવારી ચાલી ગઈ. કોઈ જ ન રહ્યું. સહુના પડઘા શમી ગયા. એક જ માનવી - એકલો મેળોજી – ડુંગર ઉપર હુતાશણીના બળતા ભડકાની સામે ઊભો છે. પણ ભાઈ ન આવ્યો, વાટ જોતાં ભડકા ઓલવાયા. અંગાર પર રાખ વળવા માંડી. કાન માંડી માંડીને ચારે દિશાએ સાંભળ્યું. પણ એ અબોલ અધરાતના હૈયામાંથી ક્યાંય સાણંદિયા તોખારના ડાબલા ગાજ્યા નહિ. મેળોજી ઈડરના દરવાજા બંધ થવાની બીકે ચાલ્યો ગયો.

અંતરમાં ઉકળાટ થાય છે. એવે ટાણે પાણી મંગાવીને ચોગાનમાં મેળો નાહવા બેઠો. બેઠે બેઠે નાહ્ય છે, ત્યાં ડેલીએ ટકોરા પડ્યા.

મેળોજી સમજી ગયોઃ મોટાભાઈ આવી પહોંચ્યા હતા. જઈને છાનોમાનો છાતીસરસો ભેટી પડ્યો. બેયની આંખમાંથી ધારાઓ ચાલી જાય છે.

"મેળા !” કરણસંગ બોલ્યો , “હાલ્ય, હવે સાબદો થા”"

"ક્યાં?"

"સાણંદ. સરોવરની પાળે ઘોડો તૈયાર ઉભો છે. ઊઠ ઝટ, મોઢે માગ એટલું રાજ તારું. ઊઠ, ભાઈ !”

"રાજપાટ ભોગવવાને સ્વાદ હવે મારે નથી રહ્યો, મોટાભાઈ ! હું નામર્દ છું, સાણંદને માથેથી મે’ણું ઉતારવું છે. ખેંચો તલવાર; ખેંચો, ભાઈ ”

"બોલ મા, બહુ વસમું લાગે છે.”

“ચીંથરાં શીદને ફાડો છો, ભાઈ? તમે શું એમ જાણો છો કે તમારી દયા જગાવવા મેં તમને અહીં બોલાવ્યા? તમે છોડી દેશો એટલે શું હું જીવતો રહીશ? મેળાને માથે આજ શેની અનુકંપા આવી? આજ પૂર્વજની બદબોઈ થઈ એ ટાણે દયા કરવા આવ્યા ! તો નહોતું આવવું. અરે ભૂંડા, હું આપઘાત કરીશ તેના કરતાં તારે ખડગે વઢાવું શું ખોટું છે? પણ હું જાણું છું, તેં કુળલાજનાં બિરદ જોયાં નથી. તું તો ભાભીની સોડમાં સૂવાનું જ સમજે છે. તારા હાથમાં તલવાર ન હોય, બલોયાં હોય.”

કરણસંગની તલવાર પડી. મેળાનું માથું લીધું. માથા ઉપર રેશમ જેવો લાંબો ચોટલો હતો તે ઝાલીને કરણસંગ ઈડરની બજાર સોંસરવો થઈને ચાલ્યો. ચાલતો ચાલતો પોકારતો ગયો કે “ઈડરના ધણીને કહેજો કે હું કરણસંગ, ભાતખાઉ સાણંદિયો; મેળાજીનું માથું વાઢીને જાઉં છું.”

ઈડર ખળભળી ઊઠયું, મેળાજીનું ધડ લોહીમાં તરબોળ દીઠું. હાહાકાર મચી ગયો. અજવાળી રાતમાં ઈડરિયા ઘોડા છૂટ્યા. ભાલાળા પટાવતોએ પહાડોની ખીણના પથ્થર ઢૂંઢ્યા, પણ સાણંદિયો હાથ લાગ્યો નહિ.

વૈશાખ મહિનાના ઊના વાયરા વાય છે. આસમાનમાંથી સૂરજનાં સળગતાં ભાલાં વરસે છે. એવે વખતે વગડાનાં ઝાંઝવાને નદીસરોવર સમજીને પોતાનો ડુંગર જેવડો ઘોડો દોડાવતો એક અસવાર આવી પહોંચ્યો. ચહેરાની ચામડી શેકાઈને કાળી પડી છે. આંખે અંધારાં ઊતર્યા છે. અંગ ઉપર માટીના થર ચડ્યા છે. પોતે બહુ હાંફે છે અને ઘોડાંના મોંમાંથી ફીણ વહ્યાં જાય છે. પચીસ વરસ ની જુવાન પનિહારી કૂવે બેડું સીંચતી હતી, તેનો ફડકે શ્વાસ ગયો. બેબાકળી એ હેલ્ય ચડાવવા મંડી. ત્યાં તો નજીક આવીને ઘોડેસવારે પોતાના હાથની હથેળી હોઠે માંડીને ઈશારો કર્યો કે પાણી પા. એને ગળે કાંચકી પડી ગઈ હતી. બોલાતું નહોતું.

ઘોડા પરથી અસવાર ભોંય પર પડ્યો. બુઢ્ઢી કાયા દેખીને કણબણને દયા આવી. પાણી પાયું. માથે પાણી છાંટ્યું. ચાર બેડાં પાણી તો એનો ઘોડો ચસકાવી ગયો.

બુઢ્ઢાને હૃદે રામ આવ્યા. એ બોલ્યો, “માવડી, તારો અખંડ ચૂડો.”

"એવા ચૂડા તો સાત વાર ભાંગ્યા, ભાભા ! મારો રોયો સંઘજી જાગ્યો છે ત્યાં સુધી અખંડ ચૂડા ક્યાંથી રહેશે, ભગવાન ?"

“કાં બેટા, સંઘજીએ તને શું કર્યું?”

“બાપા, પરથમના ધણીને સંઘજીએ સીમમાં માર્યો. હું બીજાને નાતરે ગઈ બીજાને માર્યો. ત્રીજાને નાતરે ગઈ. ત્રીજાનું માથું વાઢ્યું. ચોથો, પાંચમો – એમ મારા સાત સાત ઘર ભાંગ્યાં પીટ્યા સંઘજીએ. બે વરસમાં આજ આઠમે ઘરે નાતરે ગઈ છું, દાદા ! આવા તે કાંઈ મનુષ્યના અવતાર હોય? એ કાળમખાને પરતાપે અમારા તો કૂતરાના ભાવ થઈ ગયા. અમારી સીમું ઉજ્જડ થઈ.”

બુઢ્ઢાએ પોતાનું બોકાનું છોડ્યું. દાઢી-મૂછના કાતરા પથરાઈ ગયા. વિકરાળ રૂપ નજરે પડ્યું. કણબણે ઓળખ્યો. કણબણ કંપવા મંડીઃ “એ સંઘજી કાકા, તમારી ગૌ !”

"ડરીશ મા, દીકરી, નહિ મારું. તને પારેવડીને હું ન મારું. તારા સાત ભરથારને ઝૂડી નાખનાર હું સંઘજી ગળોગળ પાપમાં બૂડ્યો છું, પણ હજી મારાં પાપ બાકી છે. આ લે!” એમ કહીને સંઘજીએ કણબણના છાલિયામાં પચીસ સેનામહોર મૂકી કહ્યું “અને બાઈ, હવે તારા ધણીને નહિ મારું. જા, મારું વેણ છે.” "પણ, બાપુ, તમે એને શી રીતે ઓળખશો ?”

“તારા થેપાડાનું ચોળિયું છે એનું રાતું લૂગડું ફાડી, તારા વરને જમણે ખભે થીગડું મારજે. એ એંધાણી ભાળીને મારો કોઈ અસવાર આંગળીયે નહિ અડકાડે. જા દીકરી, પણ ઊભી રહે, સાણંદના કાંઈ વાવડ છે, બાઈ?”

“બાપુ, તમને તો ખબર હશે. મેળાજી બાપુ. . .”

“શું?”

“મેળાજી બાપુનું માથું વાઢીને ઈડરથી દરબાર ઉપાડી આવ્યા. . .”

“હેં !”

સંઘજીનો સાદ ફાટી ગયો. ભ્રૂકુટિ ચડી ગઈ. જાણે ચમક્યો હોય, કોઈ પ્રેત વળગ્યું હોય, તેમ ઘોડે ચડીને ભાગ્યો.

કણબણે હાકલ કર્યાઃ “એ બાપુ, ઊભા રો – ઊભા રો; પૂરી વાત સાંભળતા જાઓ !”

પણ બાપુએ તો અર્ધું જ વેણ સાંભળ્યું. પાછું વાળીને ન જોયું. ઘોડો ગયો જંગલને ગજાવતો.

સૂતેલો પુરુષ બબડે છે: ‘મેળા, ભાઈ, મેળા, હાલ્ય સાણંદ ગાદીએ બેસારું.’

“અરે ! અરે ! ઠાકોર ! ઊંઘો. નિરાંતે ઊંઘો.” પડખામાં જાગતી રજપૂતાણી પતિને ગોદમાં લઈને હિંમત આપે છે.

‘મેળાનું માથું ! આ હા હા હા! એનો ચોટલો કેવો સુંવાળો રેશમ જેવો ! ઓય ! આ માથું કોણે વાઢ્યું? મેં ! મેં ! મેં ! મેં ! ’

રજપૂત ઝબકી ઝબકીને અંતરીક્ષમાં જુએ છે. રજપૂતાણી હેબત ખાઈને જોઈ રહે છે. બોલે છે : “ધિક્કાર છે. ઠાકોર!”

"રાણીજી!” રાણીના ખોળામાં માથું રાખીને ભરથાર બોલે છેઃ “રાણીજી ! મારી આંખ મળતી નથી. સ્વપ્નામાં મેળાનાં જ માથાં જોઉં છું.”

એ હતું પરમારોનું ગામ મૂળી, અને એ હતો મૂળીનો દરબારગઢ. આ સૂતેલું જોડલું તે કરણસંગજી અને એનાં પરમાર રાણી. ભાઈની હત્યાનો ત્રાસ વિસારવા કરણસંગજી હમણાં સસરાને ઘેર રહ્યા છે. રોજની રાત આમ ગુજરે છે.

ત્રીજે પહોરે રાજા અને રાણીની આંખ મળી ગઈ. બેય જંપી ગયાં ! એ સમયે દાદરાની નીચે આદમી શી વાતો કરે છે?

“મોટા બાપુ ! માથું ફોડ્યા વન્યા દાદરો તૂટે તેમ નથી.”

“હાથિયા ! બાપ ! આપણ બેમાંથી એક દાદર તોડીને પ્રાણ આપે, અને વાંસે રહે તે લીધેલ વ્રત પૂરાં કરે; બેમાંથી તારી શી હરમત છે?”

"બાપુ, કોને ખબર છે વાંસેથી જીવ હાલ્યો કે ન હાલ્યો ! માટે હું તો તમારી મોઢા આગળ જ અસમેરનાં ડગલાં માંડું છું.” એમ રહીને ભત્રીજો ડોસાને ચરણે પડ્યો. ડોસાએ એને માથે હાથ મેલ્યો.

"જે દ્વારકાધીશ !” બોલીને ભત્રીજાએ નિસરણી ઉપર બિલાડી જેવાં હળવાં પગલાં દીધાં. પોતાને માથે લૂગડાં વીંટ્યાં. બરાબર દાદરે પહોંચાય તેમ ઊભો રહ્યો. નીચે ઊભેલો ડોસો બોલ્યો : “હાથિયા ! દ્વારકાધીશનું નામ !”

‘જે દ્વારકા . . .’ કહેતાં જ ધડિંગ દઈને ભત્રીજાએ પોતાનું માથું ઝીક્યું. કડાક કરતો દાદર તૂટી પડ્યો. તેલના કુડલામાં જેમ ડાટો જાય તેમ હાથિયાનું માથું ગરદનમાં બેસી ગયું અને 'રંગ દીકરા !’ કહેતો ડોસો ઉઘાડી તલવારે મેડીએ દોડ્યો.

પરપુરુષનો સંચાર થતાં વાર ચમકીને રાણી જાગી. ઘુમટો કાઢીને આઘે ઊભી રહી. નવા આવનારે પાછલા પહોરની નીંદરમાં પડેલા કરણસંગને બાવડું ઝાલીને ઉઠાડ્યો; “એ કરણ, બાપ કરણ, બેલીના મારતલ, ઊઠ, તારી ગોત્રહત્યા ધેવા આવ્યો છું.”

“સંઘજી કાકો !” કરણસંગે રાડ નાખી. “ભલે આવ્યા. ઝીંકો, ઝીંકો ખડગ. મેળો મને બોલાવે છે. મેળો તો ત્યાંયે વે’લો પહોંચીને બાપુનો માનીતો થઈ પડ્યો. સંઘજી કાકા ! ઝીંકો ! ઝીંક ખડગ !”

રજપૂતાણીનું હૈયું પારેવી જેવું ફફડે છે. સૂતેલા કુમારો જાગે છે. માતા એને ગોદમાં લઈને સુવાડે છે. થોડા થોડા પાણીમાં જાણે માછલાં તરફડે છે.

સંઘજીએ એ અબોલ રજપૂતાણીને ચૂડલો જોયો. એણે આંખો બીડી દીધી. એની તલવાર પડી. કરણસંગ તરફડ્યો. બીજો ઘા પડ્યો; નાના કુમારનું ડોકું ને ધડ તરફડ તરફડ થઈ રહ્યાં.

પણ રજપૂતાણી ન બોલી કે ન ચાલી.

“દીકરી!” સંઘજી બોલ્યા, “હું જાઉં છું, પણ વે’લી વે’લી હવે સાણંદ જાજે. ઈડરથી મેળાના કુંવરને તેડાવી લેજે, સરખે ભાગે રાજ વે’ચજે, નીકર...” અટકીને એણે પલંગમાં પોઢેલા પરમાર રાણીનાં બીજાં બચ્ચાં સામે આંખ માંડી. પછી એ ચાલ્યો. મેડી ઉપરના ધણેણાટે આખા દરબારગઢને ખળભળાવી મેલ્યો. અંધારામાં દેકારો કરતા ચોકીદારો દોડ્યા. થાપો મારીને સાવજ જાય તેમ સંઘજી સરકી ગયો. સાથે હાથિયાનું માથું વાઢીને લેતો ગયો.

આભના કાળા છેડા ઝાલીને ઊભેલા દસે દિક્‌પાળ જાણે સંઘજીની આડા ફરવા માંડ્યા. પોતે ક્યાં જાય છે તેનું ભાન સંઘજી ભૂલી ગયો. ઊંચે આંખ માંડે ત્યાં ચાંદરડાંનાં ધેનમાં બેઠું બેઠું કરણસંગનું બાળક જાણે સંઘજી બાપુને ઠપકો દેતું હતું. સંઘજીને લાગ્યું, કે મેળો, કરણ, હાથિયો અને કંઈક કંઈક કલૈયા કણબીઓ આભની અટારીએ બેસીને બોલતા હતા કે સંઘજી કાકા ! હાથ ધોઈ નાખો — હવે હાથ ધોઈ નાખો !” દસે દિશામાં નજર માંડીને સંઘજી બોલ્યો, કરણ ! મેળા ! આ મેં શું કર્યું ?”

હાથમાં હોથિયાનું માથું હતું. માથાની સામે જોઈને સંઘજી બોલ્યો: “હાથિયા ! બાપ હાથિયા ! આ મેં શું કર્યું ?”

હાથિયાના ભીના ગાલ ઉપર ડોસાએ બચી ભરી. એના હોઠ લોહિયાળા થયા. અંધારી રાતે ડોસો ભયાનક દેખાણો.

સાણંદની સીમમાં ભાલાળા ઘોડેસવારો નીકળે છે. કાનમાં કોકરવાં અને ફૂલિયાં પહેરીને કણબીઓ બેધડક સાંતીડાં હાંકે છે. અસવારો દોડીને ઉઘાડી તલવાર ધબેડવા જાય છે, પણ ત્યાં તો કણબી એની જમણી ભુજા બતાવીને કહે છે, “એ બાપુ, મને નહિ. આમ જુઓ !”

જોતાંની વાર જ અસવારો તલવાર મ્યાન કરે છે. અસવાર કણબીના બાવડા ઉપર રાતુંચોળ થીગડું ભાળે છે. કાકાની દુવાઈ છે કે ‘રાતાં થીગડાંવાળાને આંગળી ચીંધશો મા.’

ગામેગામના ખેડૂતોને આ વાતની જાણ થઈ છે. સહુએ પોતાની જમણી બાંયે રાતાં થીગડાં લગાવ્યાં છે. થીગડાં ! થીગડાં ! થીગડાં ! સીમમાં જ્યાં જુઓ ત્યાં મર્દોનાં કેડિયાંની બાંયે રાતાં થીગડાં !

૧૦

ગોમતીજી ઝાલર વગાડે છે. સાગરદેવની નોબતો ગડગડે છે. વાયરા જાણે શંખ ફૂંકે છે. માનવીઓ જ્યારે પોતાની સ્વાર્થની આરતી ઉતારીને સૂઈ ગયા છે ત્યારે દેવતાઓ આવીને દ્વારકાધીશને લાડ લડાવી રહ્યા છે.

એવે અધરાતને ટાણે વીસ વરસની અવધિ વીત્યે ફરી પાછો ‘દ્વારકેશ! દ્વારકેશ !’ — એ ઘેરો નાદ દ્વારકાપુરીના દેવળમાં ગુંજી ઊઠ્યો. એક સો ને દસ વરસની અવસ્થાએ પહોંચેલો સંઘજી બે હાથ જોડીને રણછોડરાયની મૂંગી પ્રતિમા સામે હાજર થયો છે. જાણે એને ઉપરથી ચિઠ્ઠી ઊતરી છે. કોઈ જનેતા પોતાના દયામણા સંતાનની સામે મોં મલકાવતી રાવ સાંભળતી હોય તેમ એ શ્યામ પ્રતિમા લોહીભીના સંઘજીના કલ્પાંત સાંભળતી સાંભળતી જાણે હસવા લાગી. છે

‘દાદા ! દાદા ! દાદા !’ કહેતો એ એક સો ને દસ વરસનો રજપૂત દેરામાં લાંબો થઈને સૂઈ ગયો. બેય નેત્રોમાં આંસુની ગંગા-જમના વહેતી થઈ. મોં આડી બેય હાથની અંજલિ રાખીને ડોસાએ પ્રાર્થના કરી :

‘હે દાદા ! મારાં વ્રત પૂરાં કરીને હવે લીધેલ તલવાર પાછી સોંપવા આવ્યો છું. હત્યા કરતાં પાછું વાળી જોયું નથી. રખેને ભાળી જાઈશ તો આંખમાં અનુકંપા આવી જશે કે હાથ થડકી જશે, એટલે આંખો મીંચી મીંચીને માથાં વાઢ્યાં છે. કરણને મારીને મેં જાણે મારા પેટની દીકરીને રંડાપો દીધો છે. દાદા ! મને નહોતી ખબર કે મેળાનો વધ કરણને કેમ કરવો પડ્યો ! આજ તારી ફૂંકે મારો દીવડો ઓલવવા આવ્યો છું. કુટુંબકબીલો, વાલાંવા’લેશરી – સહુને વળાવીને આવ્યો છું. મારી છાતી ઉપર ડુંગરા ખડકાણા છે. લે — ઉપાડી લે, દાદા ઉપાડી લે ! ઉપાડી લે !?’

સંઘજી સૂતો. સૂતો તે સૂતો. કોઈ કાળાંતરના ઉજાગરા વેઠ્યા હોય એવું ઘારણ વળી ગયું !

[કરણસંગજીનાં રાણીએ સાણંદ આવીને મેળાના કુંવરને અર્ધોઅર્ધ ભાગનો ગરાસ કાઢી દીધો, ત્યાર પછી જ સંઘજી દ્વારકામાં આવીને મર્યો છે. ત્યાં એની ખાંભી પણ હોવાનું કહેવાય છે.]