પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૧૧

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અંજલિ ગીતો
૧૦૧
 


ગુર્જરીનો અશ્રુપ્રવાહ*[૧]


(મંદાક્રાંતા)

ઊભાં ઊભાં ગહન ગજશાં વૃક્ષ ગંભીર ડોલે,
પંખીડાં ત્યાં મધુર સ્વરથી નાચતાં કંઠ ખોલે;
ધીમે ધીમે રસિક રમતી મીઠડી લ્હેર આવે,
ને પુષ્પોમાં મધુર રસ ત્યાં રેડતી જાય ભાવે. ૧

ઊડી ઊંચે ફુદડી ફરતા મોતી વેરે ફુવારા,
હંસો દોડી રમત કરતા એ ઝીલે દિવ્યધારા;
આજૂબાજૂ વિટપ તરુની છે ઘટા મોહકારી,
ઝુલી જ્યાં ત્યાં નવલ કુસુમો એ વિભા દે વધારી. ૨

આકાશેથી શશી રવિ તથા તારલા તેજ સીંચે,
તેમાં ના'તાં તરુ કુસુમ સૌ વાયુ-ઉત્સંગ હીંચે;
રામાકેરાં રસનયનશા સોહ્ય છે માંહ્ય ક્યારા,
ભૂરે વ્યોમે રસ ટપકતી ઝીલી લે સ્નેહધારા. ૩


  1. * સાક્ષરવર્ય ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનો સ્વર્ગવાસ : તા. ૪ થી જાન્યુઆરી ૧૯૦૭.