આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મેઘાણીની સાચી કુશળતા એમના પાત્રાલેખનમાં છે. માત્ર થોડા જ શબ્દો દ્વારા એ પાત્રના વ્યક્તિત્વની રેખાઓને એવી તો તાદૃશ રીતે આલેખી જાય છે કે એ પાત્ર આપણા ચિરપરિચિત બંધુગણ જેવાં બની જાય છે. એ પાત્રોમાં પણ એમનું સ્ત્રીપાત્રનું આલેખન અત્યંત મનોહર અને અત્યંત મંગલભાવી હોય છે. એમનાં સ્ત્રીપાત્રો સખી, દેવી કે દાસી બનવાને નિર્માયાં નથી હોતાં, એ તો માતા બનવાને નિર્માયાં હોય છે. અને માતૃત્વ એ જ અંતે તો સ્ત્રીજીવનનો ઉત્તમોત્તમ ઉત્કર્ષ છે ને ? એટલે જ શું ‘તુલસીક્યારો’ની ભદ્રા કે ‘વેવિશાળ’ની ભાભુ કે ‘ગુજરાતનો જય’ની અનુપમા – આ બધાં પાત્રો મહાનુભાવ ઔદાર્યબુદ્ધિથી, એકનિષ્ઠ આત્મવિલોપનની વૃત્તિથી, ક્ષમાથી અને વાત્સલ્યથી વિભૂષિત થયાં છે.

મનસુખલાલ ઝવેરી