ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૧૧ મું

←  પ્રકરણ ૧૦ મું ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર
પ્રકરણ ૧૧ મું
શારદા મહેતા
૧૯૧૮
પ્રકરણ ૧૨ મું →


પ્રકરણ ૧૧ મું.


મિસ નાઇટીંગેલની આવી અથાગ મહેનતના કાર્યમાં ઈંગ્લંડમાંથી ઘણી મદદ મળતી હતી. ઈંગ્લંડની શ્રેષ્ઠ વર્ગની સ્ત્રીઓ જાતે ઓફીસમાં જઈને મિસ નાઇટીંગેલના નામ ઉપર સંખ્યાબંધ પાર્સલો મેાકલતી. સ્કયુટેરાઈ તરફ એટલો માલ રવાના થવા લાગ્યા કે લેાકો ભુલાવામાં પડતા કે આ તે ખરેખર આપણો જ માલ છે કે ભુલમાં આ જગ્યાએ આવી પડયો છે. મહારાણીજી પાતે, રાજ કુંવરીઓ અને બીજી સર્વ સ્ત્રીઓ પાટા પટીએા, ખમીસ, મેાજા સર્વ પોતાને હાથે ગુંથી તૈયાર કરીને સિપાઈઓ માટે મોકલતાં. ગમે તેવી સારી વસ્તુ હોય તો પણ તે લેાકેા માટે મેકલાતી. મોટા અમીરને છાજતી વસ્તુઓ પણ સ્કયુટેરાઈએ મેકલાઈ હતી. મહારાણીએ પોતાનું નામ ઉપર ભરીને સારામાં સારાં ખમીસો, ઉંચામાં ઉંચી ચાદરો મોકલી હતી.

જ્યારે ખાનગી રીતે આટલી મદદ મોકલાતી હતી ત્યારે 'ધી ટાઈમ્સ' વર્તમાનપત્ર જેનાં લખાણોથી લેાકોની લાગણી આ મહાન પરોપકાર માટે પ્રથમ જાગ્રત થઈ હતી તેના તરફથી ઘાયલ થએલા સિપાઈઓની મદદ માટે એક ફંડ ઉભું કરવામાં આવ્યું હતું. લોકો તરફથી તેને સારી મદદ મળતી હતી. આ ફંડનો ઉપયોગ કરવાને મિ. મેકડોનલ્ડ નામના હોંશીઆર અને આબરૂદાર ગૃહસ્થને ક્રાઈમીઆ તરફ મોકલવામાં આવ્યો.

નીકળતાં પહેલાં મિ. મેકડોનલ્ડ લડાઈના સેક્રેટરી ડયુક્ ઓફ ન્યુકેસલને મળ્યો; તેના તરફથી તેને કહેવામાં આવ્યું કે સરકાર તરફથી એટલા સારા ઉપાયો લેવામાં આવ્યા છે કે ટાઈમ્સ ફંડ વાપરવાની કાંઈજ જ જરૂર નથી, છતાં મિ. મેકડોનલ્ડ તો પોતાને માર્ગે ચાલ્યા, કારણ કે સિડની હર્બર્ટે તેને સર્વ ખરી હકીકત જણાવી હતી. બૉસ્ફરસ પહોંચતાં પણ તેને ફરી એમ જ કહેવામાં આવ્યું: છતાં એણે દરકાર કરી નહિ; કારણ કે એણે પ્રયક્ષ જોયું કે ક્રાઈમીઆની આટલી ઠંડીમાં અંગનું રક્ષણ કરવા માટે સિપાઈઓ પાસે કાંઈજ સાધન નથી, અને તેથી તેણે કોન્સ્ટેન્ટીનોપલના બજારમાંથી થોડાંક ગરમ કપડાં વેચાતાં લીધાં અને ટાઈમ્સ ફંડના પૈસાનો ભાર જરા હલકો કર્યો.

જ્યારે મિ. મેકડોનલ્ડ સ્કયુટેરાઈની હોસ્પીટલમાં ગયો ત્યારે ત્યાંના મેાટા ડોકટરે કહ્યું કે અહીં કાંઈ વાતની ખોટ નથી ત્યારે ખરે એને ઘણી જ અજાયબી લાગી હશે. સરકારી વર્ગના દરેક અધિકારી તરફથી એને આવા જ જવાબ મળતા.

પરંતુ જ્યારે બૅરક હોસ્પીટલમાં જઈને તે મિસ નાઇટીંગેલને મળ્યો ત્યારે તેના સર્વ સંશય દૂર થયા. મિસ નાઇટીંગેલે જ્યારે સાંભળ્યું કે એને સર્વ તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે હોસ્પીટલોમાં તો કાંઈ પણ વસ્તુની ખોટ નથી ઈત્યાદિ, ત્યારે એ તો દિગમુઢજ થઈ ગયાં. મિ. મેકડોનાલ્ડને તે પોતે પોતાની ઓફીસના ઓરડામાં લઈ ગયાં. અને સર્વ વ્યવસ્થા પ્રત્યક્ષ દેખાડીને તેને બધી હકીકતથી વાકેફ કર્યો. પોતાના ખાનગી ખર્ચમાંથી કેટલું ખાવાનું અને બીજાં સાધનો પુરાં પાડવાં પડતાં હતાં એ સર્વ પણ તેને કહ્યું - અને કહ્યું કે લેાકોની આટલી બધી મદદ છતાં સર્વ જરૂરીઆત વસ્તુઓ પુરી પાડી શકાતી નહોતી.

સર્વ હકીકત સાંભળીને મિ. મેકડોનલ્ડની તો પૂર્ણ ખાત્રી થઈ કે અહીં ખરચેલો પૈસો જરા વ્યર્થ જવાનો નથી, કેમકે લોકોના સંકટનો પાર નહોતો.

તે દિવસ પછી મિસ નાઇટીંગેલની સાથે હોસ્પીટલના દરેકે દરેક એારડે ફરીને કઈ કઈ વસ્તુની ખાસ અગત્ય દર્દીઓને છે તેની તેણે એક નેટબુકમાં ટીપ કરી, અને સર્વ માલ કૉન્સ્ટેન્ટીનોપલથી મંગાવ્યો. મિસ નાઇટીંગેલને આવી આઈતી મદદથી ઘણો જ સંતોષ થયો. કારણ કે રોકડાં નાણાંમાંથી તે પાતાને યોગ્ય લાગે તેવીજ વસ્તુઓ મંગાવી શકતાં અને એક પાઈ વ્યર્થ જવા દેતાં નહિ.

મિ. મેકડોનલ્ડ એક પત્રમાં લખે છે કે — "જે જગ્યાએ ઘણો જ ભયંકર રોગ હોય અને જ્યાં જમરાજના દૂત રાહ જોઈને જ બેઠા હોય તે જગ્યાએ તો દેવી સમાન મિસ નાઇટીંગેલ હાજર હોય જ. મૃત્યુ વખતે તો એ પવિત્ર મૂર્તિની અસર કાંઈ વિચિત્ર જ થતી. જ્યારે જ્યારે એ રવેસમાં કે ઓશરીપર ફરતાં ત્યારે તેમને જોઈને દરેક દર્દીના ચહેરા ઉપર ઉપકારવૃત્તિ માલુમ પડી આવતી. જ્યારે બધા ઉપરીઓ અને નોકરો તપાસ કરીને પરવાર્યા હોય ત્યારે આ નાજુક સ્ત્રી હાથમાં નહાનો દીવો લઈને એારડે એારડે ફરતી.

"પ્રથમથી લોકો આ હીંમતવાન સ્ત્રીના ધર્મને વખાણતા હતા. એમાં જરા ભૂલ નહોતી. ઈશ્વર કરે ને એ લાંબુ આયુષ્ય ભોગવે ને વધારે કીર્તિ મેળવે, એમને જે જે નજરે જુવે છે તેને તો તેમના ફીક્કા ચહેરા ઉપરથી તેમની તંદુરસ્તી માટે અત્યંત ધાસ્તી રહે છે."

"તેનામાં સ્ત્રી જાતીને યોગ્ય સુકોમળતા, સુશીલતા, સુજ્ઞતા, ઉપરાંત ઘણી જ દક્ષતા, ધૈર્ય અને દ્દઢતા છે. મારી તો પૂર્ણ ખાત્રી થઈ છે કે મિસ નાઇટીંગેલ જો સ્કયુટેરાઈ ગયાં ન હોત તો બિચારા અનાથ સિપાઈઓની હોસ્પીટલમાં કોઈ દાદ ફરિયાદ લેત નહિ. "

મિ. મેકડોનલ્ડના ગયા પછી ફ્રાન્સથી મો. સોયર નામનો એક શખ્શ જે રસોઈની બાબતમાં ઘણો જ કાબેલ હતો તે સ્કયુટેરાઈ મિસ નાઇટીંગેલની મદદે આવ્યો. તેણે તેમને ઘણી બાબતમાં મદદ કરી અને રસોઈ ખાતામાં ઘણા ઉપયોગી સુધારા કર્યા. સરકાર તરફથી પણ તેમને એ બાબતમાં સારી સહાયતા મળી હતી અને તેથી એ ખાતામાં થોડા વખતમાં ઘણું સંતોષકારક પરિણામ આવ્યું.