ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૮ મું

←  પ્રકરણ ૭ મું ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર
પ્રકરણ ૮ મું
શારદા મહેતા
૧૯૧૮
પ્રકરણ ૯ મું  →


પ્રકરણ ૮ મું.


સરકાર તરફથી મિસ નાઇટીંગેલની નિમણુંક નર્સોનાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે થઈ હતી, પણ પાછળથી તે લેડી-ઈન-ચીફ (મુખ્ય બાઈ સાહેબ) ને નામે એાળખાતાં.

લશ્કરી છાવણીમાં આઠેક ઈસ્પીતાળો હતી, તે બધાંની નર્સનો વહીવટ એમના હસ્તક સોંપેલો હતો; પરંતુ પહેલવહેલાં તેમણે સ્ક્યુટેરાઇની બૅરૅક હોસ્પીટલમાંથી કામ શરૂ કર્યું. આ ઈસ્પીતાળનું રમણીય મકાન બૉસ્ફરસની સામુદ્રધુનીને કાંઠે આવેલું હતું અને તેના ઉપરથી કૉન્સ્ટેન્ટીનોપલ શહેર, તેનાં સુંદર મકાનો, મિનારા સર્વ નજરે પડતું હતું. સ્કયુટેરાઈ પહોંચતાં તો આસપાસના દેખાવથી મિસ નાઇટીંગેલને ઘણો હર્ષ થયો. ઈસ્પીતાળનું મકાન ધણું વિશાળ અને શોભિતું હતું. વચલા દીવાન ખાનામાં લગભગ ૧૨૦૦૦ માણસે ઉભાં રહી શકે એટલી જગ્યા હતી. ચારે તરફ મોટા મોટા ઝરૂખા અને ઓટલા હતા. મકાન અને મકાનની જગ્યા તો ઘણી સારી હતી, પણ મિસ નાઇટીંગેલ જેવાં અંદર ગયાં કે તરત તેમને માલુમ પડયું કે શોભા તો ફકત બહારની જ હતી, અંદર તો બેશુમાર ગંદકી, મરકી, દુ:ખ અને અસ્તવ્યસ્તતા હતી. ઓશરીની બન્ને બાજુએ સંખ્યાબંધ ઘાયલ થયેલા માણસો ઘીચોઘીચ પડેલા હતા ને તેમનાં દીલ ઢંકાય તેટલાં પણ વસ્ત્રો પૂરાં તેમની પાસે નહોતાં.

ક્રાઈમીઆના રણક્ષેત્રમાંથી ઘાયલ થએલા માણસોને આ ઇસ્પીતાલમાં ઘસડી આણીને એાશરી ઉપર ફેંકવામાં આવતા હતા, ચેપી રોગવાળા સિપાઈઓને પણ ત્યાં જ નાંખતાં કાંઈ પણ ભેદ પાડવામાં આવ્યો નહોતો, કારણ કે બંદોબસ્ત રાખનાર કોઈ જ નહોતું. એમાં પડેલા દર્દીઓ કેટલા દિવસથી આવીને ત્યાં પડેલા હતા પરંતુ તેમાંના ઘણાકના તે ઘા સરખા પણ કેાઇએ ધોઈને સ્વચ્છ કર્યા નહોતા ને હાડકાં ભાગ્યાં તુટયાંએ કેાઈએ જોયાં નહોતાં. આ બિચારા દુખીઆરા ભૂખ્યા તરસ્યા લોકનાં કષ્ટ અને વેદનાની કલ્પના કરવી પણ અશક્ય છે. ઈસ્પીતાળમાં દાખલ થયા પછીની તેમની નિરાશાનો પાર નહોતો. કારણ કે તેએાએ એવી જ આશા રાખી હતી કે ઈસ્પીતાળમાં તો કાંઈક ખોરાક અને સગવડ મળશે, પણ તે બિચારા રીબાતા લોકોનું દુઃખ ઘટાડવાને ત્યાં કાંઈ જ સાધન નહોતું. તે વખતનો એક ઇતિહાસકાર લખે છે કે માંદા માણસોને માટે પાણીનું કે ખાવા પીવાનાં મુદલ વાસણ નહોતાં. સાબુ, ટુવાલ કે ચીથરાં તો ક્યાંથી જ હોય ? દર્દીઓને પહેરવાને જુદાં લુગડાં પણ નહોતાં, સિપાઈઓ પોતાનો લશ્કરી પોષાક પહેરીને જ પડ્યા રહેતા ને તે એટલા ગંદા હતા કે તેનું વર્ણન કરતાં પણ કંપારી છુટે. તેમના અંગ ઉપર કીડા પડેલા હતા, તે કીડા ભીંતો ઉપર અને જમીન ઉપર પણ ચાલતા હતા, અને સધળે ઠેકાણે ગંદકી અને રોગનો ફેલાવો કરતા હતા. સ્વાભાવિક રીતે માંદા માણસો દાક્તરી મદદની આશા રાખે પણ આ ગરીબ લોકેાની છેક અંતની ઘડી સુધી કેાઈ દાદ ફરીઆદ જોતું નહિ. તેમનો છુટકારો મરણથી જ થતો. જેટલા ડાક્ટરો હતા તેટલા તો ખંતથી બેશુમાર મહેનત કરતા પણ તેમની સંખ્યા એટલી થોડી હતી કે પહેાંચી શકાય નહિ, માંદા માણસો માંહોમાંહી બને તેટલી એકએકની ચાકરી કરતા હતા.

મિસ નાઇટીંગેલ જયારે ચારે તરફ એકવાર ફરી આવ્યાં ત્યારે તેમની નજરે એટલો હૃદયભેદક દેખાવ ૫ડયો કે તેનો ચિતાર આપવો અશક્ય છે. દરેક બીછાને બીછાને ચેપી રોગે વાસ કર્યો હતો. ચાદરો ટાટાંની હતી ને તે એટલી જાડી હતી કે દરદીએા સમુળગી ચાદર વગર સુવાનું પસંદ કરતા. કાંઈ પણ તરેહનાં બીછાનાંનાં બીજાં સાધનો નહોતાં. દીવા બાળવાને જૂની ભાંગેલી શીશીએ વા૫રતા. એક તો બિચારા ઘીચોઘીચ પડી રહેવાથી બફાઈ જતા હતા. તે ઉપરાંત બહાર જમીન ઉપર જે પડયા હતા તેમને કીડાએા પીંખી ખાતા હતા, અને તેમના અંગ ઉપર ઉંદરો દોડાદોડ કરતા હતા. ઈસ્પીતાળની આસપાસ રોગનું ભડ હતું. બારીઓની નીચ છ સાત સડેલાં ગંધાતાં કૂતરાં મરેલાં મિસ નાઇટીંગેલની નજરે પડયાં. આ ઉપરાંત આટલા આટલા રોગ અને મંદવાડના અખાડામાં ધોવા ધાવાનું કાંઈ બરોબર સાધન નહોતું, રસોઈનાં સાધનો પણ નહોતાં અને દરદીઓને માટે રસોઈઆ પણ સારા કેાઈ નહોતા. કાંઈ જરા પણ આરોગ્યતા સાચવવાનો કેાઈને ખ્યાલ પણ નહોતા. આ સર્વ અખાડો મિ. નાઇટીંગેલ અને તેમની નર્સોને હાથે સ્વચ્છ કરવો પડયો હતો. આ સ્ત્રી નર્સોની ટુકડી આવવાથી દાકતરો અને હોસ્પીટલના બધા માણુસો પ્રથમ તો બહુ જ નાખુશ થયા હતા. તેમને એમ લાગ્યું કે આ લેાકેા આવીને તેમના અથાગ કામમાં ધટાડો કરવાને બદલે માત્ર ઉમેરો જ કરશે.

કેટલાએકે એમ ધાર્યું કે આ નાજુક સ્ત્રીઓ ઉંદરો ને કીડા જોઇને ડરી જશે ને પોતાની મેળે નાસી જશે. સ્ત્રીઓ તે વળી કેટલુંક સહન કરે ને એમ માનવામાં આવતું કે ઉંદરોથી તો ઇંગ્લીશ સ્ત્રીઓ દોઢ ગાઉ ખસી જાય. પણ જ્યારે મિસ નાઇટીંગેલે પાતે પોતાની છત્રી વતી એક માણસની પથારી ઉપરથી ઉંદરને ખસેડી નાંખ્યો, ત્યારે બધાનો સંશય દૂર થયો, તંબુમાં નર્સોએ ખોરાક વગેરે સરસામાન તપાસીને ગોઠવ્યો. ત્યાં તો ઉંદરો દોડાદોડ કરી રહેલા હતા, અને કોટી ઉપાય કરે પણ જતા નહોતા.

મિસ નાઇટીંગેલને સ્કયુટેરાઈમાં પગ મૂકે પૂરા ચોવીશ કલાક તો થયા નહોતા એટલામાં ઈન્કરમેનની લડાઈમાંથી ધાયલ થયેલા માણસો થોકે થોક આવવા લાગ્યા, અને એક ઘડીની અંદર બંને ઈસ્પીતાળો (જનરલ ઈસ્પીતાળ, અને બૅરેક હૉસ્પીટલ)ના એારડા માણસોથી ચીકાર ભરાઈ ગયા. એક ઇંચ સરખી જગ્યા પણ ખાલી રહી નહિ. કેટલાક લોકોને તો બહાર કાદવમાં ને કાદવમાં જ ૫ડી રહેવું પડયું. મિસ નાઈટીંગેલને આવ્યા સમાન કાંઈ પણ સુધારો કરવાનો કે દરદીઓના સુખને માટે કાંઈ પણ વ્યવસ્થિત યોજના કરવાનો વિચાર કરવાનો પણ અવકાશ મળ્યો નહોતો. મિસ નાઇટીંગેલની પરીક્ષાનો ખરો પ્રસંગ આ જ હતેા. જો આ ખરી કસોટીની વખતે ને પોતે હીંમત હારી ગયાં હોત, અથવા પોતાના હાથ નીચેની નર્સોને પણ હીંમત આપી ના શક્યાં હોત તો નિશ્ચય તેમનો સર્વ પ્રયાસ નિષ્ફળ જાત. દરદીઓને માત્ર દવા દારૂ આપીને કે તેમનાં બિછાનાં સાફ કરીને બેસી રહેવાથી રોગ અને દુઃખનાં જડમૂળમાં કાંઈ ફેર પડત નહિ. આ વખતે તેમને તત્ક્ષણને વિચાર કરવાનો નહોતો, તેમની નજર દૂર દોડાવાની હતી, જો કે તે ક્ષણની જરૂરો થેાડે અંશે તો પૂરી પાડ્યા વગર ચાલે તેમ નહોતું, પરંતુ ભવિષ્યનો વિચાર કરીને નર્સીંગની વ્યવસ્થા સુધારીને એવા સારા પાયા ઉપર આણવાની જરૂર હતી કે ફરી આવો ગભરાટનો કે ગુંચવણનો પ્રસંગ આવે જ નહિ. આ પ્રસંગે તેમણે ખરી હીંમતથી સમયસૂચકતા વાપરીને સર્વ વ્યવસ્થા કરી તેથી જ તેમની આટલી નામના થઈ છે.

ક્રાઇમીઆની લડાઈ વખતે તેમની એટલી પ્રશંસા થતી સાંભળીને કેટલાંકને તો ઘણી અદેખાઈ આવતી. કોઈ એમ કહેતા કે જેટલી મહેનત અને સ્વાર્થત્યાગ મિસ નાઇટીંગેલે કર્યો, તેટલો જ તેમની સાથે ગયેલી સર્વે નર્સોએ કર્યો હતો. વળી કેટલીકે તો ત્યાં કામ કરવાને પોતાનો જીવ સુદ્ધાં આપ્યો હતો. ત્યારે માત્ર એકનાં જ વખાણ અને એકનાં જ ગીત ગવાય ને બીજાનું નામ સરખું પણ કોઈને કાને ના પડે તે તો અન્યાય કહેવાય, સર્વેએ ભૂખ, તરસ બધી અગવડ સરખી જ વેઠી. બેશક સ્કયુટેરાઈ ગએલી નર્સોમાંથી એકના પણ કામની તુલના કોઈ રીતે ઓછી કરી શકાય જ નહિ, પરંતુ દરેક બાબતમાં મૂળ યેાજના કરવામાં જે બુદ્ધિચાતુર્ય વાપરે છે તે જ માનને પાત્ર છે, કારણ બીજાએ તો આજ્ઞા પ્રમાણે જ, તેને ચીલે ચીલે જ ચાલવાનું છે.

આમાં જ મિસ નાઈટીંગેલની ખરી કુશળતા હતી. તે એક સાધારણ નર્સ તરીકે માત્ર દરદીની સારવાર કરવાને જ સ્ક્યુટેરાઈ સુધી આવ્યાં નહોતાં. તેમનામાં વ્યવસ્થા કરવાની અને બીજા ઉપર સત્તા વાપરવાની આવડત અને બુદ્ધિ હતી. ઈસ્પીતાળના અન્ય અધિકારી વર્ગમાં આથી અર્ધી પણ કુશળતા નહોતી. નાજુક, કુળવાન અને સુશીલ મિસ નાઇટીંગેલમાં એટલી તીવ્ર બુદ્ધિ હતી કે બીજા લોક તેમને આપોઆપ માન આપતા. જે લોકો તેમની ઘણી જ વિરૂદ્ધ હતા તે પણ એમના પરિચયમાં આવતાં પોતાની જીદ છોડી દેતા, અને તેમના મતનો વગર તકરારે સ્વીકાર કરતા.

ઇસ્પીતાળોમાં આટલું બધું અંધેર અને ગેરબંદોબસ્ત જોઈને તેમને ત્યાંના અધિકારી વર્ગ ઉપર ધણો ક્રોધ ચઢયો અને એકદમ સુધારા દાખલ કરવાની યોજના કરવા માંડી. સેંકડો લોકો માત્ર ભૂખને લીધે જ ઈસ્પીતાળમાં મરી જતા હતા અને ખેારાકના કોથળા ભરેલા છાવણીમાં આવીને પડેલા હતા, પણ ઉપરીની પરવાનગી આવી પહોંચી નહોતી, તેથી તે ખોલવાની કેાઈની હીંમત ચાલી નહિ. મિસ નાઈટીંગેલે કેાઈની સૂચના ઉપર લક્ષ આપ્યું જ નહિ અને બધો જુમો પોતાને માથે વ્હોરી લઈને સ્વ અખતીઆરથી જ ખોરાકના કોથળા ઉઘડાવ્યા અને સર્વને આ રીતે ખોરાકની ખોટ પૂરી પાડી અને એ પોતે તો કાયદો પળાવવામાં ધણાં સખત હતાં, તે શિવાય આટલી બધી અવ્યવસ્થાને ઠેકાણે કદી લાવી સકત જ નહિ, ૫રંતુ જે લોકોનું પોતાનું ભલું કરવાનું તેમનું કર્તવ્ય હતું તે લોકોના લાભને ખાતર કાયદો શિથિલ કેવી રીતે કરવો તે બાબ તેની સમયસૂચકતા તેમનામાં હતી. તેમની વિવેક બુદ્ધિ અને નિઃસ્વાર્થ કર્ત્તવ્યબુદ્ધિ, તથા દૃઢતા છતાં સુશીલ સ્વભાવને લીધે અધિકારી વર્ગને પણ સમજાવી શકતાં અને તેમની ખોટી જીદ છેડાવી શકતાં, મિ. સિડની હર્બર્ટે સ્કયુટેરાઇના મુખ્ય ડાકટરને લખીને સખત સૂચના આપી હતી કે મિસ નાઇટીંગેલની સુચનાને સર્વેએ આધીન રહેવું અને જ્યારે આવા મોટા અમલદાર તરફથી આવું લખાણ આવ્યું ત્યારે તે સર્વને માન્ય કરવું જ પડયું. પરંતુ મિસ નાઇટીંગેલનો સ્વભાવ અને વર્ત્તણુક એવાં હતાં કે તેમની સૂચના મનાવવાને કાઇની ભલામણની જરૂર ના રહે.

તે વખતના લખાણોમાં મિસ નાઇટીંગેલ સંબંધી લખતાં એક વર્તમાનપત્ર લખે છે કે-"આ ભલી બાઈ છેક મધ્ય રાત્રી સુધી ઈસ્પીતાળના એારડાએામાં એશરી ઉપર જયાં જયાં દરદીએાનાં બીછાનાં હોય ત્યાં હાથમાં એક નાનો સરખો દીવો લઈને ફરે છે અને સઘળાની તપાસ રાખે છે. મરણ પથારીએ સુતેલા માણસો તેમને આવતાં સાંભળીને તેમને ભલા કામને માટે આશીર્વાદ દેવા ખાતર પાસું બદલીને સુવે છે." મિસ નાઇટીંગેલે સ્કયુટેરાઈની બૅરેક હોસ્પીટલમાં અને તેનાથી થોડેક અંતરે આવેલી જનરલ હોસ્પીટલમાં પ્રથમ કામની શરૂઆત કરી હતી. બીજી હૉસ્પીટલોનો અખતિઆર પણ તેમને સોંપેલો હતો પરંતુ અહીં તેમની સાથે આવેલી આડત્રીસ નર્સો પણ તેમને જ કબજે હતી, તે ઉપરાંત એક પાદરી અને તેમના મિત્ર મિ. બ્રેસબ્રીજ અને તેમનાં પત્ની એ સર્વ પણ તેમની સાથે જ હતાં. મિસીસ બ્રેસબ્રીજને રસોઈ વગેરેનું ઉપરીપણું સોંપવામાં આવ્યું હતું. વળી તેમની સાથે એક મિ. સ્ટેફર્ડ કરીને જુવાન માણસ માત્ર મિસ નાઇટીંગેલને મદદ કરવાની ખાતર પરમાર્થે ત્યાં સુધી આવ્યો હતો. તે કાગળપત્ર લખવાનું, આસપાસની ખબરઅંતર લઈ આવવાનું ઈત્યાદિ ફેરા અાંટાનું કામ કરતો.

કોન્સસ્ટેન્ટીનોપલમાં રહેતા ઈંગ્લીશ એલચીનાં પત્ની લેડી સ્ટેફર્ડ એાફ રેડક્લીફ અને તેમના પરોણા લેડી જોર્જ પેજેટે એ લોકોએ પણ ધાયલ થયેલા ઑફિસરો માટે કાંઈ ખપની ચીજો મોકલીને મદદ કરી હતી, પણ મિસ નાઇટીંગેલનું લક્ષ તો સામાન્ય સૈનિકોનું ભલું કરવા ઉપર જ હતું. ઈસ્પીતાળના એક ભાગમાં મિસ નાઈટીંગેલનો અને તેમની સાથે આવેલાં બધાં માણસોનો ઉતારો હતો. તે ભાગમાં કામ કેવી રીતનું ચાલતું તેનું વર્ણન એક લેખક નીચે પ્રમાણે આપે છે. "આ પરોપકારી નર્સોના ઉતારાના બારણાંમાં પેસતાંજ તેમના અત્યંત કામનો ખ્યાલ આવે છે. મધ્યમાં એક મોટો એારડો છે અને તેમાંથી બહાર નીકળવાને બે ચાર બારણાં છે. બીજી બાજુએ એક બારણું છે તે નર્સોના સુવાના એા- રડામાં પડે છે. ત્યાં જ તેઓ જમવા પણ ઘણું કરીને બેસતાં. મધ્યમાં એક મોટું ટેબલ હતું. ત્યાં બેસીને રસોઈ ખાતાનાં ઉપરી બાઈ રસોઇની દેખરેખ રાખતાં, અને હમેંશ ત્યાં બેઠેલાં માલૂમ પડતાં. ઓરડાની એક બાજુએ દરદીઓના અને દવાઓના કોથળા પડેલા હતા. તે ઉપરાંત તેમ- નાં ખમીસ, મોજાં, જોડા, જભ્ભા, ફલેનલો, સ્વચ્છતાનાં સઘળાં સાધનો એ સર્વના ગાંસડા પણ ત્યાં જ પડેલા હતા."

આ સર્વ સામાન લોકોએ પોતાના ખર્ચે મોકલેલો હતો; સરકારી નહોતો. પાસેના ઓરડામાં મિસ નાઇટીંગેલ સલાહ લેવાને ખાતર સર્વને એકઠાં કરતાં: ઈસ્પીતાળની બધી જરૂરીઆતો કેવી રીતે પૂરી પાડવી, સર્વને વ્યવસ્થા કેવી રીતે કરવી એનો ચૂકાદા આ જ ઠેકાણેથી આ બાઈ આપતાં; સરકાર તરફ મોકલવાનાં બધાં લખાણ, આ કાર્યના હિતચિંતકો અને મિત્રોનાં લખાણ સર્વ અહીંથી જ લખાઈને મેકલવામાં આવતાં. નર્સોના ઉતારામાં તેમનો પ્રથમથી જ સર્વોપરી અખતિયાર હતો અને રફતે રફતે આખી ઈસ્પીતાળમાં એમનો જ અખતીઆર થયો.

સરકારી માલ ખોલવા બાબત જ્યારે તકરાર ચાલતી હતી, તે વખતે મિસ નાઇટીંગેલના મિત્રો તરફથી જથાબંધ સામાન મોકલવામાં આવતો પણ ખપ એટલો વધી ગયો હતો કે બધી જરૂરીઆતો પૂરી પડી શકે જ નહિ. નર્સો તરફથી જેટલા જેટલા કાગળ ઈંગ્લંડ જતા તે સર્વમાં મંદવાડ વખતે જોઈતી ચીજો અને તેમને જોઈતાં કપડાંની માગણીનો અંત જ આવતો નહોતો. મંદવાડને બિછાને શાનો ખપ ના પડે ? લોહીથી ખરડાયેલાં લૂગડાં બદલી નાંખીને બીજા પહેરવાને માટે પૂરતાં કપડાં પણ નહોતાં, અત્યંત ઠંડીથી પીડાયેલા લોકોને એક પાતળું પણ ગરમ વસ્ત્ર નહોતું. એક નર્સે પોતાના મિત્રને વર્ણન કરતાં લખ્યું હતું કે "જયારે કેાઈ દરદી કહે કે બાઈ મારે તમને કાંઈ વાત કહેવી છે ત્યારથી જ મને દયા આવે. કારણ કે મને પહેલેથી જ ખબર પડતી કે એ પ્રથમ ખમીસ માગશે."

મિસ નાઇટીંગેલનું કામ અવ્યવસ્થામાંથી યોગ્ય બંદોબસ્ત કરવાનું હતું. ખરી અગત્ય કયી કયી વસ્તુઓની છે, તે જોવાનું અને તે પ્રમાણે ઈંગ્લંડથી મોકલવાને મિત્રો ઉપર લખવાનું કામ તેમનું હતું. આ પ્રકારનું કામ અહીં આવીને કરવું પડશે, એવું કેાઈના ખ્યાલમાં નહેતું. કારણ કે મિ. સિડની હર્બર્ટે પ્રથમથીજ કહ્યું હતું કે ઈસ્પીતાળો માટે દરેક ખપની ચીજ મેાકલવામાં આવી છે અને જથાબંધ સામાન ઈંગ્લંડથી રવાના કર્યો છે.

પરંતુ ગેરબંદોબસ્તને લીધે આ સર્વ સામાન સ્ક્યુટેરાઈના પહેાંચતાં બીજે જ ઠેકાણે જઈને પડેલો હતો અને જેટલો ત્યાં આવી પહોંચ્યો હતો ને પણ દારૂગોળાની નીચે દબાઈ ગયો હતો ને તે એકદમ બહાર કહાડી શકાય તેમ નહોતું. વળી મિસ નાઇટીંગેલના આવ્યા પછી બે દિવસે એક વહાણ જથાબંધ સામાન સાથે ડુબી ગયું હતું.

વળી તે ઉપરાંત અધિકારી વર્ગ તરફથી કેાઈ ખરી ખબર ઈંગ્લંડ મોકલતું નહિ. એકે બાબતનું જ્યાં ઠેકાણું નહોતું તેને માટે પણ એમ જ લખતા કે બધો બંદાબસ્ત બરોબર છે. દરદીએાના એરડામાં પણ આવી જ રીતનું જુઠાણું ચાલતું. એક નર્સ લખે છે કે-"રાત પડે એક સિપાઈ બધો બંદોબસ્ત બરાબર છે કે નહિ તે તપાસવાને-ફેરો ફરવાને-ઓરડા આગળ આવે, અંદરના નોકરો જાણે જ કે એ આવવાનો છે તેથી જેવા તે ઉલાળેા ખખડાવે કે તરત જ અંદરથી જવાબ મળે કે સઘળું બરાબર છે, એટલાથી સંતોષ માનીને તે ચાલ્યો જતો" આવી તરેહની તો ત્યાં દેખરેખ હતી.

એ લેાકોનોએ વાંક કહાડવા જેવું નહોતું, કારણ કે દરદીઓના ઓરડા તાવ, કૉલેરા વગેરે ચેપી રોગના એટલા ભડ થઈ ગયા હતા કે ત્યાં મોતના મોંમાં જાણી જોઈને પગ મૂકવાની હીંમત પણ કેાની ચાલે? એટલા માટે માંદા પડી ગએલા સિપાઈઓને જ ત્યાં નોકર તરીકે રાખ્યા હતા. લોકો ત્યાં રહીને એટલા બેદરકાર થઈ ગયા હતા કે સામાની લાગણીનો તો વિચાર જ શું કરવા કરે.

જે લોકો કાલેરાથી પીડાતા હતા તેમને વધારે ધાસ્તી તે એ લાગતી કે આ બેદરકારી નેાકરો અમને જીવતા જીવતા જ દાટી દેશે, કારણ કે કાલેરામાં અંતનાં શીત તો આવે જ. ત્યાર પછી તે માણસને ચેતન છે કે નહિ તેની રાહ સરખી પણ જોવાની કેાઇ દરકાર કરતું નહિ. તે છતાં નેાકરોનો વાંક કહાડવો યોગ્ય નથી કારણ કે જે કામનું તેમને સહેજ પણ જ્ઞાન ના હોય, વળી જેમની તબીયત આવી જગ્યામાં રહીને છેક નબળી થઈ ગઈ હોય તે શી રીતે કામ બરાબર કરી શકે ! વ્યવસ્થા કરનારનો વાંક હતો, નોકરોનો વાંક નહેાતો.

જ્યારે આ રોગ અને ગંદકીના ભડમાં આ ભલી બાઈ આવ્યાં ત્યારે તેમણે તો કદી બંદોબસ્ત બરોબર છે એવો જવાબ વાળ્યો નહિ ત્યાંના અધિકારી વર્ગ ગમે તેટલા આંખઆડા કાન કરવા જાય, પણ તેમને તો સરકારે સત્તા આપેલી હતી. જે તેમણે નજરે જોયું તે સર્વ લશ્કરના વડા ઉપરી લોર્ડ રેગ્લેનને જણાવવામાં આવ્યું અને ત્યાંથી ઈગ્લંડમાં સિડની હર્બર્ટને કાને વાત ગઈ અને છેવટ વખત જતાં બધો બંદોબસ્ત કરવાની ગોઠવણ થઈ, અધિકારી વર્ગમાં ૫ણ મિસ નાઇટીંગેલનું વજન કાંઈ ઓછું નહોતું.

તે કદી કુલ અખ્તિઆરથી હુકમ તો કરતાં જ નહિ, તેમ જ ક્રોધ પણ દેખાડતાં નહિ, પરંતુ તેમની વિવેક બુદ્ધિને લીધે જ સર્વ એમની સૂચનાને માન આપતા.

કેાઈ પણ વાતનો બડબડાટ તો તે કદી કરતાં જ નહિ, તેમજ કોઈનો વાંક કહાડવા ખાતર કોઈને માટે અપશબ્દ કહેતાં નહિ; પણ જે સત્ય બીના હોય તે કહી દેતાં. મોદીખાનામાં અને ઈસ્પીતાળોમાં કેટલી અંધાધુની ચાલતી હતી તે બરાબર તેમણે બતાવી આપ્યું હતું. એમના કાગળોને લીધે જ ઈગ્લાંડના સત્તાધિકારીઓને ખરી વિગત માલૂમ પડી, અને છેવટ તેમની સૂચના પ્રમાણે સર્વ સુધારા દાખલ થયા.

સ્ક્યુટેરાઇના લશ્કરી અમલદારો પણ તેમનાં વખાણ કરતા અને દરેક બાબતમાં તેમની સલાહ પ્રમાણે જ વર્તતા.