← મિત્રનો બંદીવાન બંસરી
ખૂનની વધુ વિગત
રમણલાલ દેસાઈ
૧૯૩૧
ખૂનની કબૂલાત →


ખૂનની વધુ વિગત


'જગતના કાચના યંત્રે,
ખરી વસ્તુ નહિ ભાસે.'
બાલાશંકર

મને લાગ્યું કે મારા કરતાં વધારે પરવશ કોઈ પણ મનુષ્ય હોઈ શકે નહિ. એક પણ અક્ષર બોલ્યા વગર હું જ્યોતીન્દ્રની સાથે મોટરમાં બેસી રહ્યો; તેના સામું પણ જોયું નહિ. તથાપિ મને લાગ્યું કે જ્યોતીન્દ્ર વારંવાર મારી સામે જોયા કરતો હતો. પોતાની સામે કોઈ પણ માણસ તાકીને જોયા કરતું હોય ત્યારે એ સ્થિતિ મૂંઝવણ ઉપજાવે એવી હોય છે. મારાથી છેવટે રહેવાયું નહિ. ચોરીથી મારી સામે જોતાં જ્યોતીન્દ્રને પકડ્યો, અને તેની સામે ફરી મેં પૂછ્યું :

‘તું ક્યારનો સામે શું જોયા કરે છે ?'

‘તારા મુખનું નિરીક્ષણ કરું છું.’

‘તું મારું મોં નવું જુએ છે ?'

એકાએક મોટર અટકી. બંસરીના બંગલા પાસે અમે આવી પહોંચ્યા હતા. મારું હૃદય ધબકી ઊઠ્યું. આ સ્થળમાં મારાથી પગ કેમ મુકાશે ? જ્યોતીન્દ્ર નીચે ઊતર્યો. મેં કહ્યું :

'હું અહીં બેસી રહું છું.’

‘ના, સાથે ચાલ.' તેણે જણાવ્યું.

‘મારાથી જોવાશે નહિ.'

'શું?'

‘બંસરીનો મૃત દેહ... અને, તું મને અહીં ક્યાં લાવ્યો ?’

‘અરે ત્યાં તો કશુંયે નથી. બંસરીના શબનો જ પત્તો નથી.' જ્યોતીન્દ્રે કહ્યું.

'તેં કેમ જાણ્યું ?’

‘તેની તારે શી જરૂર છે ? હું કહું છું તે ખરું માન !’ મને બહુ અજાયબી લાગી. બંસરીનું ખૂન થયું અને વળી તેનો મૃતદેહ પણ અદૃશ્ય થયો ? જ્યોતીન્દ્રની પાછળ હું ઘસડાયો.

બંગલો જરા ઊંચાણ ઉપર હતો. બંગલાના બારણા પાસે એક પોલીસનો સિપાહી ઊભો હતો. કુટુંબનાં કોઈ સગાંવહાલાં જાણી તેણે અમને અંદર જવા દીધા. ઘરના નોકરચાકરો ટોળેવળી બેઠા હતા. તેમની નજર મારી સામે ફરી. એ નજરમાં જાણે મારા ઉપર આરોપ ન દેખાતો હોય એમ મને લાગ્યું. એક નોકરને જ્યોતીન્દ્રે બોલાવ્યો અને તેને પૂછ્યું :

‘અંદર કોણ છે ?'

‘કાકાજી, કાકી, બહેન : એ બધાં છે.'

‘અંદર ખબર આપ ને કે જ્યોતીન્દ્ર મળવા આવ્યો છે.'

નોકર અંદર ગયો. તેની પાછળ અમે પણ ગયા. નોકરે ઓરડામાં પ્રવેશ કરીને ખબર આપી. અંદરથી બંસરીના કાકાનો અવાજ સંભળાયોઃ

‘આ તે તમાશો છે કે શું ? કેટલા જણને મળવું છે ? જા, બોલાવ.'

‘બે જણ છે.' નોકરે મળવા આવનારની ખરી સંખ્યા બતાવી. જ્યોતીન્દ્રને અને મને કેવી જાતનો આવકાર મળશે તે અત્યારથી સમજાઈ ગયું. નોકર અમને અંદર લઈ ગયો. મને જોતાં બરોબર બધાં આશ્ચર્યમાં પડ્યાં. બૈરાં જમીન ઉપર બેઠાં હતાં અને એક નેતરની આરામખુરશી ઉપર બંસરીના કાકા મુકુંદપ્રસાદ બેઠા હતા. તેમના મુખ ઉપરથી તેઓ ભારે વેદનામાં ગિરફતાર થયેલા જણાતા હતા.

‘કોણ છો, ભાઈ ? અંદર આવો. પેલી ખુરશી ઉપર બેસો. બહુ ઘસડશો નહિ. મારાથી જરા પણ અવાજ વેઠાતો નથી.’

તેમની વેદના બંસરીના મૃત્યુ બદલની હતી, કે ખુરશીનો ખખડાટ સહન થઈ શકે નહિ એવા નાજુક બની ગયેલા તેમના જ્ઞાનતંતુઓ બદ્દલની હતી, તે મને પૂરું સમજાયું નહિ. તેઓ ભારે તબિયતી માણસ હતા તે હું જાણતો હતો, પરંતુ મને તેમનો પ્રત્યક્ષ અનુભવ ઘણો થોડો હતો. બંસરીના પિતા એક વર્ષ ઉપર ગુજરી ગયા ત્યાં સુધી તો તેઓ અહીં બહુ રહેતા નહિ પરંતુ પોતાને ગામ રહેતા, અને ન છૂટકે શહેરમાં ભાઈ પાસે આવતા. તેમનાં પત્ની ઘણુંખરું અહીં રહેતાં એટલે તેઓ મને ઓળખતાં. મુકુંદપ્રસાદને કોઈનો સહવાસ ગમતો નહિ, લાંબી વાતચીત કરવી પડે તોય તેમને કંટાળો આવતો. સવારે દસ અને પાંચ મિનિટે તેમ જ સાંજે સાત ત્રણ મિનિટે તેઓ કોઈની પણ પરવા રાખ્યા વગર જમી લેતા, અને વૈદકના ગ્રંથો વાંચી પોતાનો સમય વિતાવતા. એવી એવી કેટલીક હકીકત તેમના સંબંધમાં મેં સાંભળી હતી.

બહુ જ ધીમે રહીને અમે તેમની સામે ખુરશી ઉપર બેઠા. તેમણે પૂછ્યું.

‘કહો, કેમ આવવું થયું છે ?.... અરે, બહાર કોઈએ કાચ ફોડી નાખ્યો !’

‘અરે કશું કોઈ ફોડતું નથી, આ શી ભ્રમણા ?' તેમનાં પત્નીએ કંટાળો દર્શાવી કહ્યું.

‘તમને બધાંને કહ્યું કે તમે ધીમે ધીમે બોલો. શા માટે ભારે ઘાંટો કાઢવો પડે તે મને સમજાતું નથી.' મુકુંદપ્રસાદે પત્નીના કંટાળાનો જવાબ આપ્યો, અને બંને હાથ કાન ઉપર મૂકી, આંખો મીંચી દઈ તેઓ ખુરશી ઉપર પડ્યા. અમારી હાજરી ભુલાઈ જશે કે શું એવો મને ભય લાગ્યો. જ્યોતીન્દ્રે તેમનાં પત્ની તરફ ફરી જણાવ્યું :

‘હકીકત સાંભળીને અમે બહુ દિલગીર થયા છીએ.'

‘શું કરીએ ભાઈ ? નસીબનો વાંક; બીજું શું ?’

પાસે એક કિશોરી બેઠી હતી. તેણે રડવા માંડ્યું. તેનાં ડૂસકાં સાંભળી અવાજના દુશ્મન બની ગયેલા મુકુંદપ્રસાદે આંખ ઉઘાડી.

‘કુંજલતા ! બેટા, રડવાથી શું વળે એમ છે ? રડવાથી ગયેલું માણસ પાછું આવતું હોય તો જુદી વાત, શાંતિથી સહન કર્યા સિવાય છૂટકો નથી.’

કુંજલતાનું રુદન વધારે વધ્યું. મુકુંદપ્રસાદના દેહ ઉપર જાણે કરવત ફરતી હોય તેમ તેમના મુખ ઉપરથી જણાયું.

‘આ મારી દીકરીને બંસરી સાથે એટલી માયા કે એનાથી રહેવાતું જ નથી. જો બેટા ! બહાર બેસ. જોજે, ફૂલદાની પડી ન જાય. બારણું કેટલા જોરથી ઉઘાડે છે ?' મુકુંદપ્રસાદે કુંજલતાને બહાર મોકલી દીધી.

‘તમે કોણ ભાઈ ?' મુકુંદપ્રસાદે અમને બેને ઉદ્દેશીને પૂછ્યું.

‘તમે ન ઓળખ્યા ? એક સુરેશ અને બીજા જ્યોતીન્દ્ર.’ મુકુંદપ્રસાદનાં પત્નીએ કહ્યું.

સુસ્ત જેવા જણાતા મુકુંદપ્રસાદે સ્થિરતાથી અમારી બંનેની સામે જોયું અને બોલ્યા :

‘તમે ભલી આવવાની હિંમત કરી !’

‘એમ કેમ ?’ મેં પૂછ્યું.

‘હું તમને કાંઈ પણ જવાબ આપવા માગતો નથી.’ સખ્ત બનીને મુકુંદપ્રસાદે કહ્યું. ‘એ તો જેને તેને ઈશ્વર જવાબ આપી રહેશે. આપણે શું ?' તેમનાં પત્નીએ આટલું કહી મારી સામે જોયું. જાણે મારા પાપકર્મનો ઈશ્વરે મને જ જવાબ આપવાનો ન હોય !

વધારે વાતચીતનો અવકાશ મને લાગ્યો નહિ. જ્યોતીન્દ્રે તોય પૂછ્યું:

‘પણ આ બન્યું શી રીતે ?'

‘કેટલાં માણસોને હું આ હકીકત જણાવું ? મને તે દુઃખી ગણી બાજુએ રાખવો જોઈએ, કે દરેક જણે પૂછી પૂછી મને હેરાન કરવો જોઈએ ?’

‘અમારી આપને હેરાન કરવાની જરા પણ ઈચ્છા નથી. અમે તો દિલગીરી દર્શાવવા આવ્યા હતા.’ જ્યોતીન્દ્રે જણાવ્યું.

‘એ તો તમે દર્શાવી. બીજું કાંઈ ?'

'ના,જી.'

‘અને બીજી વધારે વિગત મેળવવી હોય તો પોલીસને બધી લખાવી છે; વર્તમાનપત્રોમાં પણ આવશે.'

આવું કઠોરપણું દર્શાવનારની પાસે વધારે બેસાય એમ નહોતું. અમે ઊઠ્યા અને નમસ્કાર કરી પાછા વળ્યા.

‘જોજો, બારણું ધીમેથી બંધ કરજો. હોં !' તેમણે સૂચના કરી.

બહાર એક બાજુએ કુંજલતા રડતી ઊભી હતી. એકબે સ્ત્રીનોકરો અને ચારેક પુરુષો તેની આજુબાજુએ સહજ દૂર ઊભાં રહ્યાં હતાં. સ્મશાનની ગમગીની દરેકના મુખ ઉપર છવાઈ રહી હતી. એક સ્ત્રીએ કુંજલતાનું ધ્યાન અમારા તરફ ખેંચ્યું. તે મને ઓળખતી હતી. બંસરીની નાની બહેન તરીકે એ ઊછરી હતી; અને બંને સાથે રહેતાં હોવાથી બંસરીનો મારા તરફનો પક્ષપાત તેના ધ્યાન બહાર રહ્યો હોય જ નહિ. તે આંખો લોહતી લોહતી અમારી પાસે આવી. નોકરચાકર તો મારું નામ સાંભળતાં જ એક ખૂની પ્રાણીને નિહાળતાં હોય તેમ તાકીને જોઈ રહેતા, પરંતુ કુંજલતાના મુખ ઉપર એવો ભાવ મેં જોયો નહિ.

‘સુરેશભાઈ ! છેવટે આપણે બધાંએ બંસરીને ખોઈ !’ કઠણ હૃદય કરી આટલા શબ્દો બોલતાં કુંજલતાની આંખો આંસુથી ઊભરાઈ ગઈ અને તેના મુખમાંથી બીજા શબ્દો નીકળી શક્યા નહિ. હું શો જવાબ આપું ? હું કોનું સાંત્વન કરું ? મારું હૃદય ચિતાના અગ્નિ ઉપર તરફડતું હતું; મારું રુદન અદૃશ્ય થઈ ગયું હતું; અને મારા ઉપર શકની નજર હતી. એ જાણતાં તો હૃદય જડ પથ્થર જેવું શૂન્ય બની ગયું હતું. ‘એ બધું કેમ બન્યું ?' જ્યોતીન્દ્રે પૂછ્યું.

‘કશી સમજ પડતી નથી.’ રુદન મહા મુસીબતે અટકાવી કુંજલતા બોલી. ‘રાત્રે એક વાગતા સુધી તો અમે બંને જણ જાગતાં હતાં. એક ગીત પણ એણે મને બેસાડી આપ્યું. મેં એને ગાવાનું કહ્યું ત્યારે એણે ના પાડી. સુરેશભાઈનો છેલ્લો કાગળ આવ્યો ત્યાર પછી તેણે ગીત ગાવું જ બંધ કરી દીધું હતું. પછી તો હું સૂઈ ગઈ. અમે બંને એક જ ખંડમાં સૂતાં. બે વાગ્યા. મેં સાંભળ્યા નહિ, પરંતુ ત્રણ વાગ્યે બંસરીને ઓરડામાં ફરતી મેં જોઈ. મેં પૂછ્યું :

‘તું હજી સૂતી નથી ?’

‘ના.’ બંસરીએ જવાબ આપ્યો.

‘હું તારી પાસે આવું ?’ એમ મેં પૂછ્યું. પણ એણે ના પાડી. જરા રહીને એણે દીવો વધારે તેજવાળો કર્યો અને ધીમે રહી તે ખંડની બહાર જવા લાગી. મેં પૂછ્યું :

‘અત્યારે ક્યાં જાય છે ?'

‘આમ.' તેણે હાથ લાંબો કરી બારણાની બહાર આંગળી બતાવી. મારા મનમાં કે એને ઊંઘ આવતી નથી. એટલે સામેના ખંડમાંથી ચોપડી લાવવા તે જતી હશે, એટલે હું કશું બોલી નહિ. જરા વાર થઈ અને મને ઊંઘ આવવા માંડી. એવામાં જ એકાએક ફાનસ જોરથી પડ્યાનો અવાજ આવતાં હું ચમકીને બેઠી થઈ ગઈ, અને પુસ્તકવાળા ખંડમાંથી બંસરીની ચીસ મેં સાંભળી : ‘કુંજલતા ! જોને આ સુરેશ...' બસ ! એક ધબાકો થયો અને આખું વાતાવરણ શાંત બની ગયું. ભયથી થથરતી હું પથારીમાં જ કેટલીક વાર બેસી રહી.'

કુંજલતા આ વર્ણન આપતાં આપતાં અત્યારે પણ થથરતી લાગી. મને પણ એક જાતનો થથરાટ પેદા થયો. અહીં પણ મારું જ નામ ? આ બધું ચક્ર ફરી ફરીને મારા તરફ જ વળતું હતું, તો પછી ખરોખોટો ખૂનનો આરોપ હું જ મારે માથે કેમ ન વહોરી લઉં ?

‘હવે મને આગળ ના પૂછશો, મારાથી એ વિચાર જ થઈ શકતો નથી.' કુંજલતા બોલી અને ઝડપથી એકબે સ્ત્રીઓની સાથે પાસેના એક ઓરડામાં એ અદૃશ્ય થઈ ગઈ.

જ્યોતીન્દ્ર એક આંગળી હોઠ ઉપર મૂકી અંગૂઠો ગાલે ફેરવવા માંડ્યો. જરા દૂર ઊભા રહેલા એક નોકરને ઈશારત કરી તેણે પોતાની પાસે બોલાવ્યો. આનાકાની કરતો નોકર આગળ આવ્યો. જ્યોતીન્દ્રે બહુ ધીમેથી તેને પૂછ્યું : ‘અલ્યા ! આ ખૂન થયું તેની તને કાંઈ ખબર છે ?’

‘બધાંને ખબર છે તેવી મને ખબર છે. આખું ઘર જાણે છે કે બહેનનું ખૂન થયું.' નોકરે છણકાઈને જવાબ આપ્યો.

‘બહેનનો સ્વભાવ બહુ સારો હતો, નહિ ? જ્યોતીન્દ્રે વાત લંબાવી.

‘હતોસ્તો. પણ જેણે ધારીને આ બધું કર્યું તેને શું કરવું?'

‘કોણે ખૂન કર્યું લાગે છે ?’

‘એ મને શી ખબર ?’

'ત્યારે કોને ખબર હશે ?'

‘ખબર બે જણને ! એક ખૂન કરનારને અને બીજી ભગવાનને.’

નોકરે પણ આ વાક્યનો ઉચ્ચાર કરી મારી સામે અર્થભરી દૃષ્ટિ ફેંકી, પાછી ઝડપથી વાળી લીધી. જ્યોતીન્દ્રે તેને પૂછ્યું :

'આ સુરેશ ઉપર બધાંને વહેમ છે, ખરું ?’

‘એ હું કાંઈ કહું નહિ.’ બે કાને હાથ દઈ ઇન્કાર તો હોય એમ નોકરે ચાળો કર્યો.

‘ત્યારે એ કહેનાર કોઈ માણસ છે કે નહિ ?' આટલું પૂછી જ્યોતીન્દ્રે ધીમે રહી પેલા નોકરના હાથમાં બે રૂપિયા મૂકી દીધા.

રૂપિયામાં હૃદયને પિગળાવવાનો ભારે ગુણ રહ્યો છે. તેણે રૂપિયાની અસર નીચે કહ્યું :

‘કોઈક તો હશે જ ને ?' તેના મનથી તે કાંઈ જ હકીકત કહેતો નહોતો. પરંતુ વધારે રૂપિયા આપવાથી વધારે હકીકત મળશે એમ માની જ્યોતીન્દ્રે પાંચ રૂપિયાની નોટ કાઢી નોકરના હાથમાં મૂકી અને પૂછ્યું :

'તો પછી કહે ને, એ કોણ છે ?’

'જેણે જેયું હશે તેસ્તો.'

હું ખરેખર બીન્યો. મને ખૂન કરતાં પણ જોનાર કોઈ નીકળ્યો લાગે છે !

જ્યોતીન્દ્રે કહ્યું :

‘એ જોનાર કોણ ? નામ ભસ ને ?’

‘શંકર કરીને છે. એ જ આવે છે.’ એટલું કહી જાણે કશું બન્યું જ ન હોય તેમ એ નોકર ચાલતો થયો.

જ્યોતીન્દ્ર જડ જેવા બની ગયેલા મારા દેહને જોરથી હલાવ્યો અને મને કહ્યું :

‘જો સુરેશ ! ખૂન તેં કર્યું છે એવું નજરે જોનાર સાક્ષી પણ અહીં છે.’