બંસરી/જ્યોતીન્દ્રની છેલ્લી ક્ષણ

← અંધારામાં અજાયબી બંસરી
જ્યોતીન્દ્રની છેલ્લી ક્ષણ
રમણલાલ દેસાઈ
૧૯૩૧
કોનું ઘર? →


૧૬
જ્યોતીન્દ્રની છેલ્લી ક્ષણ

હતું મૃત્યુ મીઠું
રુદન વળી વહાલું ક્યમ થયું ?,
હશે શું નિર્માયું ?
રુદન કરવું બાલક સમું ?
કલાપી

બહારથી પોલીસના માણસો આવ્યા. તેમાંથી કેટલાકે ફાનસો સળગાવ્યાં. મને બત્તીથી ઓળખનાર હિંમતસિંગ હતો. આ કડક અમલદાર ફરીથી શા માટે મારી પાછળ પડ્યો હતો તે મને સમજાયું નહિ.

અંદરથી જ્યોતીન્દ્રે કહ્યું :

‘મારું કહેવું તેં સાંભળ્યું નહિ, અને તું અહીંનો અહીં જ બેસી રહ્યો, ખરું ? હવે પોલીસને તાબે થયા વગર તારો છૂટૂકો નથી.’

મને પાછો જ્યોતીન્દ્રને માટે શક ઉત્પન્ન થયો. મારી પાછળ પોલીસને એણે જ બોલાવી હશે કે શું ? મેં તેને સ્પષ્ટતાથી પૂછ્યું :

‘એટલે તેં જ પોલીસ મારી પાછળ મોકલી હતી કે શું ?’

તે મને જવાબ આપે તે પહેલાં તો ચારપાંચ માણસો તેની આસપાસ વીંટાઈ વળ્યા, અને તેને પકડી લીધો. કર્મયોગી દૂર રહ્યો રહ્યો. આ બનાવ જોયા કરતો હતો.

‘ક્યાં છે તારી પિસ્તોલ ?’ એક જણે પૂછ્યું.

‘આ રહી.’ જ્યોતીન્દ્ર પોતાના બંને હાથ એ બધાની પકડમાંથી છોડાવી આગળ ધર્યા, અને ત્રણ ચાર માણસોને હાથના બળ વડે ગુલાંટ ખવરાવી દીધી.

મેં બૂમ મારી :

‘એની પિસ્તોલ ગમે ત્યાં હશે, પણ મારી તો આ રહી ! જ્યોતીન્દ્રની સામે થશે તે જીવના જોખમમાં છે એમ જરૂર માનજો !’ પણ હું ભૂલી ગયો કે પોલીસ મને પકડવાની તૈયારીમાં પડી છે. મેં ઉપર પ્રમાણે કહ્યું. એટલે હિંમતસિંગ નીચેથી બોલી ઊઠ્યા : ‘અરે, આ ગાંડો માણસ કોને અંદર મારે છે ? એ... મિ. સુરેશ ! તમારી પિસ્તોલ હોય તે પાછી ફેરવો, નહિ તો હું અહીંથી તમને વીંધી નાખીશ. તમને માણસ મારવાનો રોગ થયો હોય એમ લાગે છે.' ઘેલા બાકી રહી ગયું હતું તે પૂરું થયું, અને માણસ મારવાના રોગનો સ્વપ્ને પણ ધાર્યો નહોતો તેની પોલીસને ખાતરી થઈ. મને રીસ તો ઘણી ચડી; મારી રિવોલ્વર જાળીમાંથી કાઢી લઈ, હિંમતસિંગને મારી, મારા રોગની તેને ખાતરી કરાવવાની મને તીવ્ર ઇચ્છા થઈ આવી. કોણ જાણે શી રીતે જ્યોતીન્દ્ર મારી ઇચ્છા વાંચી ગયો. તેણે તત્કાળ કહ્યું :

‘એ બેવકૂફ ! પાછો કોઈ પોલીસને મારીશ નહિ, હો ! તું વધારે મુશ્કેલી ઊભી કરતો ન જા. મારું કહ્યું માની પોલીસને તાબે થઈ જા.'

'પણ પછી તારું શું ?’

‘મારે માટે ઊંચો જીવ ન કરવા મેં તને કહ્યું જ છે. હું આ કર્મયોગી મહારાજને તાબે થઈ જઈશ.’

એવામાં પાછળથી કોઈએ મારો પિસ્તોલવાળો હાથ ઝાલ્યો. હાથ એવો મજબૂતીથી ઝાલ્યો કે હું આશ્ચર્ય પામી પાછું જોવા લાગ્યો. પ્રાત:કાળ થવા આવ્યો હતો. અંધારું આછું થતું જતું હતું અને કોઈ ન સમજાય એવો ઝાંખો અસ્પષ્ટ પ્રકાશ ફેલાવા માંડ્યો હતો. પાછળ જોતાં એક પોલીસનો માણસ મને તથા મારા હાથને મજબૂતીથી પકડી ડાળી ઉપર બેઠો હતો. મારાથી જોર થાય એવું નહોતું; કાં તો હું કે કાં તો પોલીસ નીચે જમીન ઉપર પડીએ એવી સ્થિતિ હતી. પોલીસે મને જે બળથી ઝાલ્યો હતો તે બળનો વિચાર કરતાં તેનાથી સહજ છૂટા થવાય એમ નહોતું.

મેં તેને કહ્યું :

‘તમે મને પકડ્યો. તેની હરકત નહિ. હું તો તમારે તાબે હું જ; પણ અંદર જુઓ, જ્યોતીન્દ્રની સામે કેટલા માણસો થયા છે તે જાણો છો?'

હિંમતસિંગે નીચેથી પોલીસના માણસને બૂમ મારી કહ્યું :

‘એની કશી વાત ગણકારશો નહિ. જરા પણ છોડશો તો તમને મારી નાખશે. મેં બીજો માણસ તમારી મદદે મોકલ્યો છે.'

દરમિયાન બીજી ડાળી ઉપરથી બીજો માણસ ઊતરી આવી મારી ડાળી ઉપર બેઠો.

જાળીમાં જોયું તો બીજા બધા માણસો પસાર થઈ ગયેલા જણાયા, માત્ર જ્યોતીન્દ્ર અને કર્મયોગી એ બે જ સામસામે ઊભા હતા. કર્મયોગીએ પોતાનું સ્થળ છોડ્યું જ નહોતું. પ્રથમ પ્રવેશ વખતે તે જ્યાં ઊભો હતો ત્યાં ને ત્યાં જ તે હજી ઊભો હતો. મેં હિંમતસિંગને કહ્યું : ‘હિંમતસિંગ ! તમને મારી રિવૉલ્વરનો ડર રહેતો હોય તો જુઓ આ મેં નીચે ફેંકી.' એમ કહી મારા પકડાયલા હાથમાંથી રિવોલ્વર મેં જમીન ઉપર ફેંકી દીધી. 'હવે મને પકડવા કરતાં અંદર જ્યોતીન્દ્ર છે તેને બચાવવા તરફ લક્ષ રાખો. એ આ ભયંકર મકાનમાં એકલો જ છે.’

‘હું જ્યોતીન્દ્રને ઓળખું છું. પોલીસ કમિશનરનું નામ ખોટું દઈ, ટેલિફોનમાં ખોટો હુકમ આપી. એમણે જ તમને મારે કબજેથી છોડાવ્યા હતા. હવે તમે પકડાયા છો એટલે તમને છોડવાના નથી, અને બીજી બાબતોમાં ધ્યાન પણ મારે આપવું નથી. જ્યોતીન્દ્ર એનું ફોડી લેશે.' હિંમતસિંગે કહ્યું.

એવામાં કર્મયોગી ઊભો હતો. તે સ્થળ જાણે નીચે જતું હોય એમ લાગ્યું. જોતજોતામાં કર્મયોગી નીચે ઊતરતો અદૃશ્ય થઈ ગયો, અને આખી ઓરડીમાં જ્યોતીન્દ્ર એકલો જ રહ્યો. તેણે જરા થડકતા અવાજે કહ્યું :

‘જો, સુરેશ ! મેં તને નાસી જવા કહ્યું હતું તે જ વખતે તું નાસી ગયો હોત તો આ પોલીસ તને પકડવામાં ન રોકાતાં આ મકાનમાં મારી સહાયે આવત. હજી પણ તું વાર ન કરીશ. જા, મને એકલો રહેવા દઈ મારા બચવાનો પ્રયત્ન કરવા દે.'

‘અરે, પણ આ તો આખો માળ ઊંચો ચઢતો લાગે છે !’ હું પોકારી ઊઠ્યો.

ખરે, જે જમીન ઉપર જ્યોતીન્દ્ર ઊભો હતો તે ઊંચે ને ઊંચે ચઢતી લાગી. આખા માળા સાથે જ્યોતીન્દ્ર પણ ઊંચકાયે જતો હતો. છતની સાથે કચરાઈ તે છેવટે મરી જશે કે શું ? મને ભય લાગ્યો. હું એકદમ થથરી ઊઠ્યો. આમ ઘાતકી રીતે જ્યોતીન્દ્રનું મૃત્યુ થાય અને હું બહારથી કાંઈ પણ કરી શકું નહિ એ મારી સ્થિતિની મૂંઝવણ મને અસહ્ય થઈ પડી. શું કરું ? કોને બોલાવું ? જ્યોતીન્દ્રને કેમ બચાવું ?

‘જ્યોતીન્દ્ર, જ્યોતીન્દ્ર ! હું શું કરું ?' મારાથી બોલાઈ ગયું. જોતજોતામાં તો માળ અડધો ઊંચકાઈ ગયો હતો. જ્યોતીન્દ્રનું મસ્તક હવે થોડા વખતમાં છતની સાથે અથડાશે એમ લાગ્યું. જ્યોતીન્દ્રે જરા સ્મિત કર્યું; એ સ્મિત જરા ફિક્કું હતું એમ મને લાગ્યું. કદાચ એને પણ મૃત્યુનું સામીપ્ય દેખાયું હશે, તે શાંત ઊભો હતો. ચારે પાસ કવચિત્ નજર ફેંકતો હતો. એમાંથી છૂટવાનો મને તેમ જ એને એક્કે માર્ગ જડતો ન હોય એમ લાગ્યું. હું ફરી બૂમ પાડી ઊઠ્યો :

'હિંમતસિંગ ! આ સ્થળે જ્યોતીન્દ્રનું ભયંકર રીતે ખૂન થાય છે. હું એક રૈયત તરીકે તમને જાહેર કરું છું કે આ મકાનની અંદર જઈ એ ઘાતકી પ્રસંગ તમારે અટકાવવો જોઈએ.’

મારી પાસે ઊભેલા સિપાઈએ મારું ગાંડપણ વધારે પ્રગટ થાય છે ધારી મને વધારે જોરથી દાબ્યો.

હિંમતસિંગે બૂમ મારી, પરંતુ જ્યોતીન્દ્રને આમ છોડીને હું કેવી રીતે ખસી શકું તે મને સમજાયું નહિ. ઉપર ચઢ્યા જતા માળ ઉપર ઊભો ઊભો જ્યોતીન્દ્ર છત ઉપર હાથ ફેરવવા માંડ્યો. તેનું મસ્તક ખરેખર હવે છતને અડક્યું. જ્યોતીન્દ્ર જરા નીચો નમ્યો. આખો માળ જ્યાં ઊંચકાતો હતો. ત્યાં ભીંતની બાજુમાં અગર બીજે કાંઈ પણ પોલાણ રહે એ અસંભવિત હતું. જે જમીન ઉપર તે ઊભો હતો. તે જમીન પર ધીમે ધીમે તેણે પગ પછાડ્યા. નક્કર પાટિયાં ઉપર જ પગ પડતો હોય એવો અવાજ આવ્યો. મને પરિસ્થિતિ તદ્દન નિરાશાજનક લાગી. ઉપરની છત સાથે મળતાં પાટિયાં ચોંટી જશે અને જ્યોતીન્દ્ર કાંઈ પણ બચાવ વગર આપોઆપ કચરાઈ મળી જશે એવી મારી હવે ખાતરી થઈ. હું માનસિક વ્યથાથી ઘેલો બની ગયો. દુશ્મનને પણ આવી ઢબે કચરાઈ, રિબાઈ, બેહાલ મરતો જોવો એ અશક્ય છે, તો મારા પરમ મિત્રને આ રીતે મરતો જોવો એ અસહ્ય અને મને ઘેલો બનાવી દે એવું હતું.

મેં કહ્યું :

‘તમને ફાવે તે કરો, હું નીચે નથી ઊતરતો. અંદર એક માણસ મરે છે એનું તમને ભાન છે ?’

‘માણસ મારવાનો શોખ તમને છે, એટલે કોઈને મરતાં જોઈ તમને મજા પડતી લાગે છે.' હિંમતસિંગે કહ્યું.

'તમારે આમ બોલતાં શરમાવું જોઈએ.' મેં કહ્યું.

‘પોલીસની સામે થતાં તમારે શરમાવું જોઈએ.’

‘માણસને મરતો જોવા છતાં તેને બચાવવો નહિ એ પોલીસ પોલીસના નામને લાયક નથી.'

‘અમે તો કોઈનું ખૂન થતું જોતા નથી, તમને ભલા ખૂનનાં સ્વપ્નાં આવ્યા કરે છે !’ ‘હું ઇચ્છું કે આ સ્વપ્ન હોય. ઓ હિંમતસિંગ ! તમારામાં જરા પણ માણસાઈનો ગુણ હોય તો તમે બધા જ આ ઘરની અંદર જાઓ. એક ભયંકર યંત્ર વચ્ચે જ્યોતીન્દ્રને કર્મયોગી કચરી નાખે છે !'

મેં આજીજી કરી કહ્યું, પરંતુ મને ગાંડો ગણી કાઢેલો હોવાથી મારી વિનંતિ તરફ તેમનું લક્ષ ગયું નહિ. ખૂનનો આરોપી, પોલીસના દેખતાં ગોળીબાર કરતાં પકડાયેલો અને તેમનાથી નાસી ભયંકર અંધકારમાં એક ઝાડની ડાળી ઉપર ટીંગાઈ, કોઈ ખાનગી ઘરની જાળીમાં ડોકિયાં કરી રિવોલ્વર તાકી સહુને ધમકી આપનાર એક ગુનેગારને કોઈનું ખૂન વગર બૂમે થાય છે એમ કહે એ કોણ માને ? કદાચ આ સઘળું દૃશ્ય હું મારી નજરે જોતો હોત અને મને કોઈ આ પ્રમાણે કહેત તો હું જ એ વાત માનત કે કેમ એ પ્રશ્ન છે. હિંમતસિંગને તો જ્યોતીન્દ્રનું કર્મયોગી ખૂન કરે છે, એ વિચાર આવવો જ મુશ્કેલ હતો. એ નહોતો કર્મયોગીને જોતો કે નહોતો જોતો જ્યોતીન્દ્રને. અંદરથી બૂમ કે ધાંધળનો કશો અવાજ આવતો નહોતો. કાંઈ પણ સૂચના આપ્યા વગર જેમ નસીબ માનવીને ઘેરી લે છે, તેમ ચારે પાસથી દીવાલો સાથે ઊંચે ચડતો માળ પ્રત્યેક ક્ષણે છતની સાથે જ્યોતીન્દ્રને કચરી નાખવા વગર અવાજે ઊંચે ચઢ્યે જતો હતો. બહારના મનુષ્યો માત્ર મને જ જોતા હતા. હું જાળીને છોડી શકતો નહોતો. મને પકડીને બેઠેલો માણસ મારી પાછળ હોઈ તેનાથી જાળીમાં નજર નખાય એવી હતી જ નહિ. જે માણસ તેની સામે ડાળી ઉપર ચડી બેઠો હતો. તે ડાળ બીજી હતી; એટલે મારા કથનને કોઈ માને એવી કોઈ પણ સ્થિતિ હતી જ નહિ. મારા ઉપર વધારે જોર વપરાય અને કદાચ હું નીચે પડું તો આરોપીને જીવતો પકડવાનું માન હિંમતસિંગ ખોઈ બેસે એટલે મને નીચે ઉતારવા અતિશય જોર થતું નહોતું; જોકે મને પકડવામાં પોલીસના માણસે ઓછું જોર વાપર્યું ન હતું.

છતની નીચે માળ વચ્ચેનું અંતર ઘણું જ ઓછું થઈ ગયું. જ્યોતીન્દ્ર નીચે બેસી ગયો. નીચે બેસી તેણે હાથ ઊંચો કર્યો, તે છતને અડક્યો. તેના મુખ ઉપર ફિક્કાશ લાગવા છતાં ગભરાટ જરા પણ દેખાતો નહોતો. તેની આંખ પ્રથમ જેવી જ સચેત અને જીવંત હતી. હું નિરાધાર પ્રેક્ષક તરીકે આ ક્રૂર પ્રસંગ નજરે જોતો હતો. એવામાં જ્યોતીન્દ્રે મને પૂછ્યું :

‘સુરેશ ! તારી પાસે ધારવાળું કાંઈ હથિયાર છે ?’ મારી પાસે કશું જ હથિયાર નહોતું. મેં એ વાત તેને જણાવી એટલું જ નહિ પણ મારી પાસે ઊભેલા પોલીસને પણ મેં કહ્યું :

‘જુઓ, સાંભળો.' પરંતુ હુકમને તાબે થવાને ટેવાયલા પોલીસના માણસોને કંઈ પણ જોવાની કે સાંભળવાની જરૂર લાગી નહિ. જ્યોતીન્દ્રે કહ્યું :

‘ચપ્પુ હશે તોપણ ચાલશે.’

મને લાગ્યું કે જ્યોતીન્દ્ર આપઘાત કરવા ધારે છે કે શું ? આવી સ્થિતિમાં મન નિર્બળ બને એ અશક્ય નહોતું. પરંતુ મારી પાસે ચપ્પુ પણ નહોતું. મેં કહ્યું :

‘મારી પાસે તો કાંઈ જ નથી.’

‘હશે. બચાવનું છેલ્લું સાધન કરી જોવું હતું.' આટલું જ માત્ર બોલી જ્યોતીન્દ્ર શાંત પડ્યો. તેનું માથું હવે બેઠે બેઠે છતને બરાબર અડકતું હતું, દસેક મિનિટમાં તે કચરાઈ જશે એવી મને ખાતરી થઈ ગઈ, અને કોઈ વિચિત્ર ઘેલછાનું બળ મારામાં પ્રગટી નીકળ્યું. એક પ્રબળ ઝટકો મારી મેં પેલા મજબૂત સિપાઈના હાથમાંથી મારો હાથ છોડવ્યો અને તેની કમરે લટકતા સંગીનને ઝડપથી મેં ખેંચી કાઢ્યું. પાસેની ડાળ ઉપર બેઠેલા બીજા પોલીસની છાતી સામે સંગીન ધરી તેને એક ક્ષણભરમાં ડરાવી તેનું પણ સંગીન બહાર કાઢી લીધું અને જાળીમાંથી મહામુસીબતે બે સંગીન અંદર ફેંક્યાં. જ્યોતીન્દ્રનું મસ્તક છતને હવે વધારે અડતું હોવાથી તે જરા આડો પડી સૂતો હતો. સંગીનનો અવાજ સાંભળી તેણે પાસું ફેરવ્યું. પરંતુ પોલીસના માણસોએ મને પાછળથી એવો બળપૂર્વક ઝંઝેડ્યો કે મેં મારું સમતોલપણું ખોઈ નાખ્યું, અને જાળી ઉપરથી હાથ ખસતાં ડાળી ઉપરથી હું નીચે પડ્યો !