બંસરી/જ્યોતીન્દ્રની નોંધ-૩
← જ્યોતીન્દ્રની નોંધ | બંસરી જ્યોતીન્દ્રની નોંધ રમણલાલ દેસાઈ ૧૯૩૧ |
જ્યોતીન્દ્રની નોંધ → |
જગ ગજવજે ઘોર ગીતડાં
ઘડી નચવજે કાન્ત ચિત્તડાં.
ન્હાનાલાલ
સુરેશને યુક્તિ કરી તેના ઘર આગળ મેં ઉતાર્યો, અને હું મારે ઘેર જવા નીકળ્યો. પરંતુ મારે ઘેર જવું જ નહોતું. મારે પેલા બંસરીના મકાનમાંથી નીકળી આવેલા નવીન ગૃહસ્થને ઓળખવા હતા, અને કર્મયોગીનો આ કામમાં કેટલે અંશે સંબંધ છે તે નક્કી કરવાનું હતું. સુરેશ જેવો તેના મકાનમાં ગયો તેવી જ મેં મોટર પાછી બંસરીના મકાન તરફ હંકાવી.
"જેવો હું બંસરીના મકાન આગળ પહોંચ્યો તેવો જ હું એક વિચિત્ર ઘટના જોઈ ચમક્યો. કર્મયોગી બંસરીના મકાનમાં જતા હતા ! તેમને માટે એવી એક વાત સાંભળી હતી કે તેઓ મઠની બહાર બહુ નીકળતા નથી, એટલું નહિ પણ પોતાના શિષ્યોને ત્યાં તો કદી જતા નથી. અહીં ત્યારે તેઓ કેમ આવ્યા હશે ? શોકપ્રદર્શન માટે ?"
“મેં એક કાળો સાધુ જેવો ઝભ્ભો ઓઢી લીધો. પોશાકનો ફેરફાર એકદમ માણસની મુખાકૃતિને બદલી નાખે છે. જોડેના ખાંચામાં મારી મોટર ઊભી રાખી, મારો શૉફર મને દેખી શકે એવી રીતે તેને ઊભો રહેવા મેં કહ્યું, અને હું બંસરીના મકાનને ઓટલે ઊભો રહ્યો.
"એટલામાં શંકર મકાનની અંદર જતો હતો. તેણે મને પૂછ્યું : ‘કેમ બાવાજી ! બહાર કેમ ઊભા છો ?”
‘મને હુકમ છે.' મેં જવાબ આપ્યો. મને લાગ્યું કે શંકરે મને ઓળખ્યો નહિ એટલું જ નહિ પણ મારો ઝભ્ભો મને સાધુનું સ્વરૂપ આપતો હતો તેની પણ મને ખાતરી થઈ. મેં પૂછ્યું : ‘ગુરુદેવ ક્યાં સુધી અંદર બેસશે ?'
‘એ તો આખો દિવસ અહીં રહેવાના છે.’
‘મૂરખ છે તું ! તને શી ખબર ? જો જઈને પૂછી મને કહી જા. જો, મહારાજની જાતને ન કહેતો, પણ પેલા ભાઈ છે ને... શું એમનું નામ ?'
‘લક્ષ્મીકાન્તભાઈ.' 'હા, એમને જ કહેજે. એ લક્ષ્મીકાન્તભાઈ કેટલા દિવસથી આવ્યા છે?"
'બે મહિના થયા હશે.' અહીં શું કર્યા કરે છે ? ઘરમાંથી તો બહાર નીકળતા નથી.’
'એ તો કુંજલતાબહેનના મામા થાય. ફક્ત રાત્રે જ બહાર નીકળે છે.'
'જા, પહેલો જઈને કહી આવ...' ‘કુંજલતાના મામા લક્ષ્મીકાન્ત બત્રીસેક વર્ષના જાણીતા સટોડિયા અને વ્યસની ગૃહસ્થ હતા એટલું જ માત્ર નામથી હું જાણતો, મેં તેમને જોયેલા નહિ. મને એકાએક વિચાર આવ્યો અને આખા કાવતરાની કૂંચી મને જડી હોય એમ લાગ્યું.
"શંકર અંદર ગયો અને હું વિચારમાં પડ્યો. થોડી વારે લક્ષ્મીકાન્ત આવ્યો. એમની જ મારે જરૂર હતી; એ જ ગૃહસ્થની સાથે સવારમાં મારા શૉફરે મારામારી કરી હતી. ધીમે રહી બારણું ઉઘાડી તેમણે બહાર ડોકિયું કર્યું. મેં બહારથી કોઈ આવે છે એમ ધારી મુખ ફેરવી લીધું. મારો માત્ર પોશાક દેખાય તો એક સાધુ તરીકે માની તે બહાર નીકળી આવે એમ ધારી મેં મારું મુખ જોવા દીધું નહિ. ધીમેથી તેઓ બહાર નીકળ્યા અને ઓટલા ઉપર મેં બીજી પાસ મુખ રાખેલું તે ફેરવ્યું નહિ. તેમણે ધીમેથી પૂછ્યું :
'બાવાજી ! તમે મને ખબર મોકલાવી ?’
ઝડપથી તેના સામું ફરી મેં જવાબ આપ્યો :
'હા.'
‘શું કહો છો ? ખરી વાત ?' અત્યંત આવેશમાં આવી જઈ લક્ષ્મીકાન્ત બોલી ઊઠ્યા.
‘હું ખોટું કહું? મારો વિશ્વાસ નથી ? મને ઓળખો તો છો ને ? મેં ગ૫ મારી. સવારે લક્ષ્મીકાન્ત મને જોયો હતો. એટલે મારી આકૃતિ સાંભરવાનો પૂરો સંભવ હતો. માત્ર વેશપલટાને લીધે હું કોણ તે નક્કી કરી શકશે નહિ એવી ખાતરી હતી.
‘હા, હા, તમને જોયા તો છે. બંસરીએ જરૂર હા પાડી ?’
‘એક વખત તો તમને કહ્યું. હવે તમે અને મહારાજ લાંબો વખત અહીં રોકાશો નહિ. પોલીસ તમારી પાછળ છે.’
‘શા ઉપરથી કહો છો ?’ તેણે પૂછ્યું.
‘તમે લાંબી પૂછપરછ નહિ કરો.’ મેં જરા ધમકાવીને કહ્યું. ‘પેલો માણસ ઊભો છે તેને જોયો ?’ દૂર ઊભેલા મારા શૉફર તરફ આંગળી કરી મેં જણાવ્યું. તેણે શૉફરને ઓળખ્યો, અને જરા ભય પામી કહ્યું :
‘અમે જલદી ધ્યાનમંદિરમાં જઈશું. પાછલે બારણેથી.’
"લક્ષ્મીકાન્ત અદૃશ્ય થઈ ગયો. હું જઈને મારી મોટરમાં બેઠો અને મોટર ફેરવી બંસરીના મકાનને પાછલે બારણે જઈ મોટર થોભાવી ઊભો."
“અંદરથી તત્કાળ કર્મયોગી અને લક્ષ્મીકાન્ત નીકળ્યા, મારો ઝભ્ભો મેં કાઢી નાખ્યો હતો. મારી મોટર જોઈ તેઓ ચમક્યા અને અંદર જવા માગતા હોય તેમ પગ પાછો મૂક્યો. શૉફરને કહ્યા પ્રમાણે ઝડપથી તેણે મોટર ચલાવી. છેક પગથિયા પાસે જઈ હું પસાર થયો. પસાર થતાં થતાં મેં કર્મયોગીને ઝડપથી નમસ્કાર કર્યા અને બૂમો પાડી :
'જય જય મહારાજ !"
"મારી મોટર ચાલી ગઈ. તથાપિ રસ્તામાં જ તેને રોકી મેં મારા શૉફરને ઉતાર્યો અને કર્મયોગી તથા લક્ષ્મીકાન્ત ક્યાં જાય છે તેની માહિતી મેળવવા મેં જણાવ્યું."
“ઘેર જઈ હું જમ્યો. મને વિચાર આવ્યો કે આ કાવતરું એક માર્ગે વહન કરતું નહિ હોય. સુરેશને બીજી રીતે સપડાવવાનો પ્રયત્ન ચાલુ હોવો જોઈએ. બંસરીના ખૂન કરતાં સુરેશનું ખૂન થઈ જાય એવો મને આખા કાર્યનો ઘાટ લાગ્યો. સુરેશને માથે બંસરીના ખૂનનો આરોપ આવે એવી પેરવી થઈ ચૂકી હતી. એટલે તે કદાચ છૂટો રહે તેટલા સમયમાં તેનું કાસળ જ નીકળી જાય એમાં મને નવાઈ લાગી નહિ."
"મારો એ ભય ખરો પડ્યો. ભયને પરિણામે હું સુરેશને ઘેર ગયો. સુરેશ બહાર નીકળી ગયો હતો. તેના રમૂજી રસોઈયા ગંગારામની સાથે વાતચીત કરી તેમાંથી સુરેશ ઝડપથી બહાર નીકળી ગયાની ખબર પડી. મેજ ઉપર સુધાકરના અક્ષરોવાળું પાકીટ જોઈ મને નવાઈ લાગી. મેં કાગળ લીધો અને સદગૃહસ્થાઈને બાજુએ મૂકી કાગળ ઉઘાડ્યો. બીજાના પત્રો વાંચવા એ ગૃહસ્થાઈનો ભંગ કરવા જેવું જ ગણાય છતાં."
"કાગળ કોરો હતો."
“મને શક પડ્યો. મેં દેવતા ઉપર તેને તપાવી જોવા ઇચ્છા કરી, ગંગારામને નાની સઘડી લાવવા જણાવ્યું. અને મેં જે ધાર્યું હતું તે જ ખરું પડ્યું. ઠરેલે સ્થળે રાતના નવ વાગ્યે કોઈક મહત્ત્વના માણસને હાજર કરવાનો હતો એમ તેમાં ફરમાન હતું. સુરેશ સિવાય આ સંજોગોમાં બીજું કોણ હોય ?"
"હું તત્કાળ બાતમી મેળવવા સુધાકરને ત્યાં ગયો. સુરેશ ત્યાં જ હતો. એટલે મારી ખાતરી થઈ કે સુધાકર આ કાવતરામાં સામેલ છે. પ્રશ્ન એટલો જ હતો કે કાગળ કોરો હતો અને વગર વાંચ્યે સુરેશ સુધાકરના અક્ષરો ઓળખીને જ તેને ત્યાં ગયેલો હોવો જોઇએ. સુધાકરે ગભરાઈને અગર ઉતાવળમાં ભારે ભૂલ કરી હતી ! તેને મળેલો કાગળ ભૂલથી સુરેશને લખવાના પત્રમાં તેણી નાખી દીધો હતો. થોડી વાર દેખાઈને પાછા લુપ્ત થઈ જતા અક્ષરોની તરકીબ સહુ કોઈ જાણે છે."
"સાધારણ વાતચીતમાં મેં ઘણી માહિતી મેળવી લીધી. હું જ્યાં જ્યાં જાઉ છું ત્યાં ત્યાં મારાં ગુપ્ત ચિહ્નો મૂકતો જાઉ છું. મારો શૉફર એ ચિહ્નોને બરાબર ઓળખે છે. સુધાકરને ત્યાં બહુ માહિતી હવે નહિ મળે એમ ધારી વકીલની માહિતી લેવા ગયો. નવીનચંદ્ર વકીલે મને ચોખ્ખું જણાવ્યું કે તેઓ સુરેશની તરફેણમાં ઊભા રહી શકશે નહિ કારણ, આ પહેલાં જ તેઓ સુરેશ વિરુદ્ધ મુકુંદપ્રસાદ તરફથી રોકાઈ ગયેલા છે."
"કઈ ઢબે સુરેશને કયા સ્થળે બોલાવવાનો હતો તે નક્કી કરવાનું કામ બહુ મુશ્કેલ થઈ પડ્યું. મારા શૉફરે આવીને મને ખોળી કાઢી એક ખબર આપી :
- ‘બંને જણ ધ્યાનમંદિરમાં ગયા નથી.’
- ‘તો પછી ક્યાં ગયા ?’
- 'ત્યાંથી થોડે દૂર એક બંગલો છે તેમાં ગયા.'
- 'કેવો બંગલો છે ?’
- 'મને ખાલી લાગ્યો.’
- 'પહેલાં ત્યાં કોઈ રહેતું ?’
- 'છ માસથી ખાલી જોઉ છું.’
- 'ઠીક. તું મોટર લઈ જા અને સુરેશ જ્યાં હોય ત્યાં નજર રાખી બેસજે.'
શૉફર ચાલ્યો ગયો. એ શૉફર પ્રથમ ગુનેગારોની ટોળીમાં હતો. મેં એ ટોળી પકડાવી ત્યારે મને શૉફરમાં બીજા બધા કરતાં વધારે લાયકી દેખાઈ આવી હતી. તેણે જે સત્ય અને નિષ્ઠા પોતાના ગુનેગાર દોસ્તો તરફ બતાવ્યા તે જોઈ મને તેને માટે ભાવ ઉત્પન્ન થયો હતો, અને તેને બચાવી મેં મારે ત્યાં નોકર તરીકે રાખ્યો હતો. મોટરનું કામ શીખવી મેં તેના ઉપયોગીપણામાં વધારો કર્યો હતો. એ પગલું લીધા પછી મને કદી પસ્તાવો થયો નથી. મારી ઘણી તપાસોમાં એ શૉફરની સહાય બહુ જ ઉપયોગી થઈ પડી છે. એનું નામ લક્ષ્મણ, એ લક્ષ્મણને ભય તો છે જ નહિ. મૃત્યુથી ખરેખર ન ડરનાર માણસ જો કોઈ જોયો હોય તો એ લક્ષ્મણ જ.