બંસરી/જ્યોતીન્દ્રની નોંધ-૪
← જ્યોતીન્દ્રની નોંધ | બંસરી જ્યોતીન્દ્રની નોંધ રમણલાલ દેસાઈ ૧૯૩૧ |
જ્યોતીન્દ્રની નોંધ → |
મધરાતની પહોરે અઘોર હતા,
અંધકારના દોર જ ઑર હતા.
ન્હાનાલાલ
"શૉફરે બતાવેલા બંગલાની બાજુમાં હું સંતાઈ રહ્યો અને હિંમતસિંગને ત્યાં આગળ હાજર રહેવા સૂચના મોકલી. રાતના નવ વાગે એક મોટર આવી પહોંચી. તેમાંથી એક ગૃહસ્થની સાથે સુરેશ ઊતર્યો તે મેં જોયો. રાતને વખતે હું મારા કૂતરાને સાથે રાખું છું. કૂતરો ભસી ઊઠ્યો. એક ઝાડીમાંથી ધીમે પગલે એક માણસ નીકળી આવ્યો. મેં તે માણસનું આકર્ષણ કરવા કૂતરાને વધારે ભસાવ્યો. એ માણસ ખરેખર તે બાજુએ વધીને આવ્યો. તે એકલો જ હતો. એટલે છલંગ મારી મેં તેને પકડી લીધો અને તેના મોં ઉપર હાથ દીધો. હિંમતસિંગે તેની સામે પિસ્તોલ ધરી. ગભરાઈ ગયેલા પેલા માણસે હાથ જોડ્યા.
- 'મેં કહ્યું: અંદર શું ચાલે છે તે એકદમ કહી દે, નહિ તો તારા ભુક્કા ઊડી જશે !'
- 'પેલો માણસ ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો. મજબૂત હિંમતસિંગે જોરથી તેને એક લાત લગાવી. મારના ભયથી ગભરાયલા પેલા માણસે કહ્યું :
- ‘અંદર કોઈનું ખૂન થશે.'
- ‘કોનું ?' મેં પૂછ્યું.
- 'તે ખબર નથી.'
“હું એકદમ બંગલા તરફ દોડ્યો. મારી પાછળ હિંમતસિંગ અને તેના માણસ દોડ્યા. અજવાળામાં સુરેશને અને બીજા માણસોને એક ઓરડામાંથી બીજા ઓરડામાં જતા જોયા. અને એકાએક અંધારું થઈ ગયું. મને લાગ્યું કે આ અંધારામાં જ કાંઈ બનાવ બનશે. હું અંદર ઘૂસ્યો; પરંતુ કોઈને ખબર પડી નહિ. આવા વખતે કોઈ પણ બનાવ બને તે અકસ્માતના રૂપમાં ફેરવી નાખવાનો ગુનેગારોનો પ્રયત્ન હોય છે તે હું જાણતો હતો. વખત ખોવાની જરૂર નહોતી. અંધારામાં ખૂન કરવાનો કોઈએ નિશ્ચય કર્યો હશે તો સુરેશને અમુક ઢબે અમુક ઊંચાઈએ ઊભા રહેવાની ફરજ પડી જ હશે. મેં હાથ ફેરવી બંને જણની વાતચીત ઉપરથી સુરેશ ક્યાં હતો તે સમજી લીધું અને એકદમ તેના પગ ખેંચી મેં તેને પાડી નાખ્યો.
“તે જ વખતે એક ગોળી સુરેશ ઊભો હતો. ત્યાંથી પસાર થઈ. જો સુરેશ પડી ન ગયો હોત તો એ ગોળીથી જરૂર વીંધાઈ જાત ! સાથે જ અજવાળું થઈ ગયું. પેલા બીજા ગૃહસ્થને વાગેલું તે મૂર્છા ખાઈ પડ્યા હતા."
"હિમતસિંગનો વહેમ વધારવાની મને જરૂર લાગી. પ્રથમથી જ તેની માન્યતા એવી છે કે સુરેશ ખૂની છે. આ કામે પણ ગોળી એણે જ છોડી હતી એવી સ્થિતિ ઉપરચોટિયા જોનારને જણાઈ આવે એમ હતું. સુરેશને એવો જ વહેમ હતો કે તેની વિરુદ્ધમાં છું. મારી સાથે તકરાર કરવા તે તત્પર થઈ ગયો, એટલે પોલીસે તેને જાપ્તામાં લીધો."
“મેં બહાર જગ પાસેના ટેલિફોન ઉપરથી કમિશનરનો અવાજ ધારણ કરી સુરેશને છૂટો મૂકી દેવા હિંમતસિંગને હુકમ આપ્યો. એ યુક્તિ સફળ થઈ."
"હું પાછો ફર્યો અને આખો બંગલો ખોળી વળ્યો, પરંતુ તેમાં એકે માણસ હતું નહિ. આખું સ્થળ વેરાન જેવું ખાલી ખાલી જ હતું. અહીં કોણ આવી ગયું હશે ? કોણે સુરેશના ખૂનનો પ્રયત્ન કર્યો હશે ?"
“મેં મારી દીવાબત્તી ખોલી. કોઈનાં પગલાં દેખાયાં નહિ. સુરેશને લઈને મોટર આવેલી તે હું બહાર નીકળ્યો તે વખતે નહોતી. મેં ચીલા તપાસ્યા. એક મોટરનો રસ્તો લીધો અને તે કર્મયોગીના ધ્યાનમંદિર તરફ વળ્યો હતો એમ સ્પષ્ટ દેખાયું."
“હું ધ્યાનમંદિર તરફ વળ્યો. ચારેપાસ ઊંચો કોટ હતો. હું ચારે પાસ ફરી આવ્યો. કોટ કૂદી ગયા સિવાય અંદર જવાય એમ હતું નહિ. એટલામાં દૂરથી કોઈ પડછાયો મને દેખાયો; હું પાસે ગયો. જરા પણ પગરવ ન થાય એવી રીતે ચાલવાની મને ટેવ પડી ગઈ હતી. એ પડછાયો કોઈ સ્ત્રીનો હતો. એમ ખાતરી થતાં હું ચમક્યો. મુખ તો ઓળખાય એમ હતું નહિ, તથાપિ આકૃતિ તથા કદ ઉપરથી લગભગ બંસરી જેવો જ મને ભાસ થયો. મેં એકાએક મારી બત્તી ચમકાવી અને પેલા પડછાયા ઉપર ધરી, એક પળ એમ લાગ્યું કે તે બંસરી જ હશે. મારું હૃદય પણ ધડકવા લાગ્યું. એટલામાં તે સ્ત્રીએ મુખ ફેરવી લીધું અને તેણે ઝડપથી ધ્યાનમંદિર તરફ નાસવા માંડ્યું.
“હું પાછળ દોડ્યો, અને પેલી સ્ત્રીને પકડી. પકડતાં બરાબર તેના મુખ સામે પ્રકાશ ધર્યો તો મારી ખાતરી થઈ કે એ સ્ત્રી તો કુંજલતા હતી.
‘તમે અહીં ક્યાંથી ?’
‘મને ના પૂછશો. હું પગે લાગું છું.’ ગભરાઈને કુંજલતાએ જવાબ આપ્યો.
‘તમે જરા પણ બીશો નહિ. બંસરીનું ખૂન થયું નથી એવી મારી ખાતરી છે. તેને હું જલદી ખોળી કાઢીશ. પણ તમે મને આ કામમાં શી સહાય આપશો ?' મેં પૂછ્યું.
‘મારાથી કશી સહાય અપાય એમ નથી; હું પરવશ છું !’
‘તમારા મામા લક્ષ્મીકાન્તનું બંસરી સાથે લગ્ન થાય તો તમને કશી હરકત છે?' મેં પૂછ્યું.
'તે એકદમ આાભી બની ગઈ. પછી જરા રહી. મને પૂછવા લાગી :
‘તમે ક્યાંથી જાણ્યું ?'
‘મારાથી કશું જ અજાણ્યું રહેતું નથી. મને તો તમે ઓળખો છો ને ?’
‘હા. સુરેશભાઈની સાથે આપ આવ્યા હતા. બધાં કહેતાં હતાં કે તમે એમના મિત્ર છો અને બહુ ભારે ડિટેક્ટિવ છો.’
"સુરેશના નામોચ્ચારણ સાથે તેના મુખ ઉપર થતા ભાવ મારી નજર બહાર રહ્યા નહોતા. કુંજલતા સુરેશને ચાહતી હતી, જોકે બંસરી સુરેશને ચાહે છે એમ તે જાણતી હતી. છતાં પ્રેમનો વિચિત્ર માર્ગ એવો છે કે એક જ પુરુષને - એક જ સ્ત્રીને ચાહનાર બે વ્યક્તિઓ હોઈ શકે છે. આ કાવતરામાં પણ એ જ કારણે તેણે ભાગ લીધો હશે એવી મારી ખાતરી થઈ ગઈ. તેના મામાની સાથે પરણે તો પોતાને માટે સુરેશ ખાલી રહે એ વિચાર આવવો સ્વાભાવિક છે. બંસરીની મિલકત અને તેનું રૂપ લક્ષ્મીકાન્ત સરખા વિષયી જુગારપ્રિય મનુષ્યનું ધ્યાન ખેંચે એમાં નવાઈ નહિ. તેમાં બંસરીના પિતા ગુજરી જતાં પોતાની બહેન, જે બંસરીની કાકી થતી હતી તેની મારફત બંસરીનું લગ્ન પોતાની જોડે કરવાની તરકીબ લક્ષ્મીકાન્તે રચી હતી. તેમાં સફળ ન થવાથી તેમણે કર્મયોગીની સહાય લીધી હતી. એ વાત પણ મને લક્ષ્મીકાન્તને જોતાં જ સ્પષ્ટ થઈ ગઈ હતી.
"મેં કુંજલતાને કહ્યું :
' “તમને સુરેશ માટે ભાવ હોય, તો તમારે તેને બચાવવો જોઈએ. એનું ખૂન કરવાનો પ્રયત્ન થાય છે.’
"કુંજલતાએ એક નિઃશ્વાસ નાખ્યો. મેં કહ્યું :
"તમે જરા પણ ફિકર કરશો નહિ. માત્ર મને બધી હકીકત જણાવો. જોકે મને બધી જ ખબર છે, છતાં તમારી પાસેથી કાંઈ નવું જાણવાનું મળે.'
“કુંજલતાએ કહ્યું :
‘આજે ધ્યાનમંદિરમાં હવે શું કરવું તેની વ્યવસ્થા થવાની છે. મને તો કર્મયોગી હિપ્નોટાઈઝ કરે છે એટલે હું તો તદ્દન પરવશ બની જાઉ છું. અને કર્મયોગી જે કહે તે કરવા પ્રવૃત્ત થાઉ છું. બંસરીનું ખૂન થયું છે અને તે સુરેશે કર્યું છે એવી માન્યતા મારા ઉપર બહુ જ જબરાઈથી પાડવા તે મથે છે. કર્મયોગીની આંખ સામે જોઉ છું એટલે એમ જ કહેવાનું મને ખેંચાણ થાય છે.'
‘અત્યારે તમે ધ્યાનમંદિરમાં જાઓ. છો ને ?’
'હા,' તેણે કહ્યું.
‘અંદર પેસવા માટે તો આમ નિશાની કરવી પડે છે ને ?' મેં એક વિચિત્ર હાથની નિશાની કરી.
‘ના, આામ.' કહી કુંજલતાએ તેમાં સુધારો કર્યો. પરંતુ મને તો મહત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું.
‘ઠીક જાઓ. પણ સવાર પહેલા હું બંસરીને ખોળી કાઢી કર્મયોગીને ખુલ્લો પાડી દઈશ.’
‘એ પેલી બૅન્ચ ઉપર સૂતા છે.’
‘કોણ ? સુરેશ ને ? જાણે હું જાણતો હોઉં એ પ્રમાણે કહ્યું.
“કુંજલતા મને ત્યાંનો ત્યાં ઊભો રાખી અલોપ થઈ ગઈ. શા માટે ? કોઈએ તેને નિશાની કરી હશે ? ધ્યાનમંદિરમાં અત્યારે જવું એવો મેં નિશ્વય કર્યો. સુરેશ પણ થાકીને બીજે ક્યાંય જવાને બદલે બૅન્ચ ઉપર સૂઈ ગયો હતો. તે પણ મેં કુંજલતાના કહેવાથી સમજી લીધું. એ પણ અંદર ભલે આવે એમ મેં ઇચ્છા કરી.
“સાથે જ મેં ઊભેલા મારા શૉફરને બોલાવી ધીમે રહીને કહ્યું :
‘તું થોડી વારમાં પોલીસની ટુકડીને લઈ અહીં આવ. આ ચિઠ્ઠી હિંમતસિંગને પહોંચાડજે.'
“સુરેશ બૅન્ચ ઉપર બેઠો થયો હતો. તે મેં જોયું. મેં બત્તીથી તેને મારા તરફ ખેંચ્યો. તેને ઝાડના ઓથે કોઈના ઊભા રહ્યાનો સંશય તો પડ્યો જ હતો. મારે ઓળખાવું નહોતું. સુરેશનો સ્વભાવ હું જાણતો જ હતો. આવી બત્તી વારંવાર તેના તરફ ધર્યા કરવાથી તે મારી પાછળ આવશે જ એમ નક્કીપણે મેં માન્યું, અને તેમ જ બન્યું. હું કોટ ઉપરથી એક સુરક્ષિત જગ્યા ઉપર ચડી કૂદી ગયો. સુરેશ પણ ત્યાં થઈ અંદર આવ્યો. તેણે મારી માફક આ સ્થળ જોયેલું નહિ એટલે આજુબાજુ ફરીને તે દરવાજા પાસે આવ્યો. હું ત્યાં ઊભો જ હતો. મને ચિહ્ન આવડતું હતું એટલે હું અંદર જઈ શક્યો; સુરેશ બહાર રહી ગયો એટલું જ નહિ, પણ કોઈ બહારનું માણસ કમ્પાઉન્ડની અંદર દાખલ થયું છે એવી શંકા પણ તેણે ધ્યાનમંદિરના રક્ષકોમાં ઉપજાવી.