બંસરી/મુકદમાની વિગતો
← કેસના ખબર | બંસરી મુકદમાની વિગતો રમણલાલ દેસાઈ ૧૯૩૧ |
મુકદમાની વધુ વિગતો → |
જગતના કાચ યંત્રે
ખરી વસ્તુ નહિ ભાસે.
બાળાશંકર
હવે મારે બીજી હકીકત, ઘણી કહેવાની રહેતી નથી. મારી અને ફાંસીની વચ્ચે મારો મુકદ્દમો જ રહ્યો. તેની સંપૂર્ણ વિગતમાં હું ઊતરતો નથી. મેજિસ્ટ્રેટની રૂબરૂ મારી કબૂલાત લેવડાવવા મારી માંદગીના સમયમાં પોલીસે ઘણો પ્રયત્ન કર્યો અને બે-ચાર વખત કંટાળીને મે હા પણ પાડેલી; પરંતુ મેજિસ્ટ્રેટ આવતાં હું એટલું જ જણાવતો હતો કે મારે જે કહેવાનું હશે તે હું અદાલતમાં યોગ્ય વખતે જાહેર કરીશ.
પોલીસ અને મુકુંદપ્રસાદ - બંસરીના કાકા - એ ફરિયાદી અને હું આરોપી : એ પ્રમાણે મુકદ્દમો શરૂ થયો. સામા પક્ષમાં સરકારી વકીલ અને મુકુંદપ્રસાદ તરફથી નવીનચંદ્ર એમ બે બાહોશ વકીલો રોકાયા. સુધાકરે મારે માટે નવીનચંદ્રને રોકવાની કરેલી વાત ખોટી હતી એમ મને હવે લાગ્યું. મારા તરફથી કોઈ પણ વકીલને મેં રોકવાની ના પાડી. કોઈ પણ સારા વકીલને હું રોકી શકું એવી મારી સ્થિતિ જ નહોતી. પરંતુ વર્તમાન ન્યાયશાસને એક એવી પદ્ધતિ સ્વીકારેલી હોય છે કે આરોપીની શક્તિ ન હોય તો સરકાર તરફથી તેને વકીલની સહાય આપવામાં આવે છે. સરકાર ઓછામાં ઓછી ફી આપી ઘણે ભાગે નવા વકીલોને આવા કામમાં રોકે છે, આ વકીલો કામ મળ્યાની હોંશમાં બનતો પ્રયત્ન કરે છે, પણ તેમનો અનુભવ આરોપીને ભાગ્યે જ કામ લાગતો હશે. દિવ્યકાન્ત કરીને એક નવા વકીલને મારા બચાવ અર્થે મારી નામરજી છતાં સરકારે રોક્યા.
જે મુકદ્દમો ચાલ્યો તેનો વિચાર કરતાં મને એક વાત તો ચોક્કસ જણાઈ કે ન્યાય એ અદલ ઈન્સાફ નહિ પરંતુ બુદ્ધિમાન વકીલોની કાયદાબાજીની શેતરંજ માત્ર છે.
પોતે જે પક્ષ લીધો હોય તે પક્ષ ખરો છે એમ પુરવાર કરવા માટે કાયદાના આધાર ઉપર તેઓ એવી દલીલો અને પુરાવા રચે છે, અને કાયદાની એવી ભુલભુલામણીઓ ઊભી કરે છે કે ન્યાય એ ભારેમાં ભારે અટપટી વસ્તુ બની જાય છે, એવી મારી પોતાની દૃઢ માન્યતા થઈ.
વકીલ રાખીને ન્યાય મેળવવાથી નૈતિક જીવનની કઈ બાજુએ ઉજાસ પડે છે, તેની વકીલાત અને ન્યાયની ફિલસૂફી વાંચ્યા છતાં - હજી મને સમજ પડતી નથી.
મારા વિરુદ્ધ સાક્ષીઓનું એક મોટું લશ્કર ઊભું કરવામાં આવ્યું હતું. મેં ખૂન કર્યું છે એમ નજરે જોનાર તો કોઈ હતું નહિ. મુકુંદપ્રસાદ, તેમનાં પત્ની કુંજલતા, શંકર નોકર, પોલીસના માણસો, પંચના માણસો, મેજિસ્ટ્રેટ અને હિંમતસિંગ તથા ડૉક્ટર એ મુદ્દાના સાહેદો હતા. ખૂન થતા પહેલાં કુંજલતાએ તેમ જ શંકરે બંસરીને મારું નામ દઈ બૂમ પાડતી સાંભળી હતી. શંકરે તો મને એટલામાં જોયો પણ હતો - ખૂન કરતાં નહિ. લોહીવાળી જાજમ, છરી અને મારો જ નક્કી પુરવાર થયેલો રૂમાલ; મારો કાગળ, મારા અક્ષરો અને તેમાંથી રહેલા ટુકડાઓમાં વંચાતાં એક ખૂની ઓળખાવનારા જલ્લાદ, તલવાર, ખૂની, ખતમ, ખંજર વગેરે શબ્દો, મારી ખૂન પછીની ગૂઢ પ્રવૃત્તિઓ; શિવનાથ - જે ગૃહસ્થ પુરાવામાં પોતાને જુદા જ માણસ તરીકે ઓળખાવી એ ખરા શિવનાથ ન હોવાની મારી શંકાને સાચી પાડી હતી - ને મારેલી ગોળી, જ્યોતીન્દ્રની સામે તાકેલી રિવોલ્વર, અને ઝાડ ઉપર ટીંગાઈ રિવોલ્વર તાકી કોઈ અજાણ્યા મકાનમાં ખૂન કરવાનો મારો પ્રયત્ન એટલું જ નહિ પણ દવાખાનામાંથી નાસી જવાની મારી પકડાઈ ગયેલી તદબીર : આ સર્વ પ્રસંગો હું ખૂની છું એમ સાબિત કરવા માટે પૂરતા હતા. નવીનચંદ્ર વકીલની કુનેહ ઉપર હું આફરીન થઈ ગયો. તેઓ એવા પ્રશ્ન પૂછતા હતા કે સાક્ષીને મારા વિરુદ્ધ અનુમાન થાય એવા જ જવાબો આપવાની ફરજ પડતી. જુબાની આપતાં કુંજલતા અનેક વખત રડી પડતી અને વારંવાર વગર પૂછ્યે કહ્યા કરતી : ‘સુરેશભાઈએ ખૂન કર્યું છે એમ હું માનતી નથી.’
‘વિદ્વાન મિત્ર’ નવીનચંદ્ર એ જવાબ સાંભળી જરા હસતા અને કહેતા : 'તમે શું માનો છો એ હું પૂછતો જ નથી. માનવા ન માનવાની વાત નામદાર કૉર્ટ ઉપર છોડો, હું તો માત્ર હકીકત માગું છું.’
મારા વકીલ દિવ્યકાન્તે પણ ઓછી મહેનત લીધી હતી એમ કહેવાય નહિ. જેવી નવીનચંદ્રે મને ખૂન કરતાં જોયો નહોતો છતાં જાણે હું ખૂની છું એમ પુરવાર કરવા બધી તજવીજ કરી, તે જ પ્રમાણે દિવ્યકાન્તે હું ખૂની છું કે નહિ તેની ખાતરી કરવા કરતાં હું ખૂની નથી એમ માનવા અને મનાવવા ભગીરથ પ્રયત્ન કર્યો. તેઓ ઊલટતપાસ કરતા તેમાં બે-ત્રણ મહત્વની બાબતો સાક્ષીઓ પાસેથી કઢાવતા : ‘બંસરી અને સુરેશનાં લગ્ન થવાનાં હતાં તે તમે જાણો છો ?’
જે જાણતું તે એની હા પાડતું અને પોલીસ અગર નોકરવર્ગના સાક્ષીઓ ના પાડતા.
‘બંસરી અને સુરેશ વચ્ચે ગાઢ પ્રેમ હતો. એ વાત ખરી ?’
મુકુંદપ્રસાદ અને તેમનાં પત્નીએ કહ્યું :
'તેની અમને શી ખબર ?'
કુંજલતાએ કહ્યું : ‘હા.’
‘તમે શાથી જાણો છો ?' દિવ્યકાન્તે પૂછ્યું.
‘બંસરી અને હું લગભગ સરખાં છીએ. મારી તે સખી હતી અને મને ગુપ્તમાં ગુપ્ત વાત પણ કહેતી.'
‘સુરેશની વિરુદ્ધ કદી તેણે ફરિયાદ કરી હતી ?’
‘કદી નહિ.’
'ત્યારે તમારી ખાતરી છે કે એ બંને વચ્ચે કદી અણબનાવ થયો નહોતો ?'
‘મારી ખાતરી છે.'
‘જ્યારે તમારી ખાતરી છે તો પછી આવું ખૂન કરવામાં સુરેશનો શો હેતુ હશે ?'
‘સુરેશે ખૂન કર્યું છે એમ હું કહેતી જ નથી.’
અત્રે વકીલ નવીનચંદ્ર ઊભા થયા અને બોલ્યા :
‘નામદાર ! ઉત્તર જુબાનીમાં ન જવો જોઈએ. પ્રશ્નનો ઉત્તર હા કે નામાં જ હોય. આ તો ઈલાયદા કથન થાય છે.'
મારા વકીલે કહ્યું :
‘મારા વિદ્વાન મિત્રનો વાંધો વાસ્તવિક નથી. હું પ્રશ્ન પૂછું છું અને સાક્ષી એ પ્રશ્ન સમજી જઈ જે જવાબ આપે તે તેની જુબાનીમાં લેવો જ જોઈએ.'
આમ થોડીક વાર મને ન સમજાય એવી અર્થ વગરની પરંતુ વકીલોને મન ભારે કિંમતની તકરાર ચાલી. ગંભીરતાની અને સત્તાની મૂર્તિસમા ન્યાયાધીશે બિલકુલ રસ વગર આ તકરાર સાંભળી જણાવ્યું :
‘એ ઉત્તર જુબાનીમાં લેવા અડચણ લાગતી નથી.’
'પણ નામદાર કોર્ટ મારો એ સંબંધમાં વાંધો નોંધી રાખવો જોઈએ.’ નવીનચંદ્રે કહ્યું. 'ઠીક.’ નામદાર કૉર્ટ બોલી.
દિવ્યકાન્તે આ કોઈ ભારે જીત મેળવી હોય એમ સ્મિત કર્યું.
નવીનચંદ્ર જેવા જગવિખ્યાત વકીલની સામે તકરાર લઈ તેમાં ન્યાયાધીશની પાસે વિજય નોંધાવવો એ કાંઈ આ બિનઅનુભવી વકીલ માટે ઓછી વાત નહોતી એમ મને લાગ્યું - જોકે આ તકરારમાં મહત્ત્વ શું હતું તે હું કદી સમજી શક્યો નથી.
આ સ્મિત નવીનચંદ્રથી સહન થઈ શક્યું હોય એમ લાગ્યું નહિ.
તેમણે બેઠેબેઠે ટીકા કરી :
‘મારા યુવાન મિત્ર ભલે હસે. પણ આરોપીને માટે હસવાની તક પ્રત્યેક ક્ષણે ઓછી થતી જાય છે એની હું યાદ આપું છું.’
મારા વકીલના હસવાનો રોષ નવીનચંદ્ર મારા ઉપર કાઢ્યો.