← મુકદમાની વધુ વિગતો બંસરી
વકીલોની તકરાર
રમણલાલ દેસાઈ
૧૯૩૧
છેલ્લી ઘડીએ મહત્ત્વની સાક્ષી →




૨૪
વકીલોની તકરાર

કહી તું જાય છે દોરી
દગાબાઝી કરી કિસ્મત !
ભારોંસો તે દઈ શાને
આ હરરાઝી કહી કિસ્મત !
મણિલાલ

હિંમતસિંગ પછી ડૉક્ટરની જુબાની લેવામાં આવી. ડૉક્ટરને મારે માટે અનેક પ્રશ્ન કર્યાં તેમાંથી એક વાત ખાસ આગળ તારવી કાઢવાનો નવીનચંદ્રનો ઉદ્દેશ હતો. વખતોવખત ઉશ્કેરાઈ જઈ ખૂન કરી બેસું એવા માનસ-ઘડતરવાળો ભયંકર માનવી હું છું એમ ડૉક્ટરની સહાયથી તેમણે કૉર્ટના મન ઉપર ઠસાવવા માંડ્યું. ડૉક્ટરે ચિકિત્સાશાસ્ત્ર, માનસશાસ્ત્ર, એવાં કાંઈ કાંઈ શાસ્ત્રોમાંથી પોતાની દલીલ સાબિત કરવા માટે પુરાવા કાઢવા માંડ્યા. ઊલટતપાસમાં મારા વકીલ દિવ્યકાન્ત ડૉક્ટરની પાસેથી એમ કઢાવવા મંથન કર્યું કે આવા પ્રકારનો મારો સ્વભાવ હોય તો તેને માટે હું જવાબદાર કે જોખમદાર નથી. પરંતુ ડૉક્ટર બુદ્ધિમાન હતો. તેને મારે માટે ચોક્કસ અણગમો ઉત્પન્ન થઈ ગયો હતો. તેણે અભિપ્રાય આપ્યો કે મારા સરખા માણસો સમાજના અન્ય બુદ્ધિમાન અને સર્વમાન્ય રહેણીકરણીવાળા ગૃહસ્થોની માફક રહે છે, તથાપિ તેમનો ખૂની સ્વભાવ વખતોવખત સ્પષ્ટ તરી આવી બુદ્ધિનો અને માન્ય રહેણીકરણીનો લાભ લઈ સ્વભાવનાં પરિણામો ઢાંકવા માટે મંથન કરે છે. ગૃહસ્થો અને સારા માણસોની ગણતરીમાં ગણતા કંઈક માણસો એવા હોય છે, જો તેમના ગુના બહાર પડે તો જનસમાજ તેમને જીવવા પણ ન દે. સાધારણ ગુનેગારો કરતાં આવા ગુનેગારો વધારે ભયંકર હોય છે. ઘણાં ન પકડાયલાં ખૂન આવા સારા કહેવાતા બુદ્ધિમાન ખૂનીઓની જગતથી ઢંકાયલી ખૂની વૃત્તિઓને જ આભારી હોય છે.

એવા ખૂનીઓની ખૂન માટેની જવાબદારીનો પ્રશ્ન આગળ આવતાં ડૉક્ટરે કહ્યું કે, તેઓને પોતાનાં કાર્યો માટે સંપૂર્ણ રીતે જવાબદાર માનવા જોઈએ. એક મહાન રોગચિકિત્સકનો અભિપ્રાય ટાંકી તેમણે જણાવ્યું કે, ‘આવા ખૂનીઓને સમાજથી દૂર કરવા માટે ફાંસી સિવાય બીજું એક્કે સાધન નથી. જન્મટીપની સજા કરવી એ તેમને સમાજનાં સંસર્ગમાં આવવાની તક આપવા સરખું છે. એવા ખૂનીઓની કાબેલિયત એવી હોય છે કે તેઓ આખા જગતને ભુલાવામાં નાખી પોતાની ખૂની વૃત્તિને સંતોષે છે. કાંઈ નહિ તો છેવટે પોતાના પહેરેગીરને પણ મારીને તેઓ વલણને શાંત પાડે છે. એટલે તેમના અને સમાજના ભલા માટે તેમને જીવતા જ ન રાખવા એટલો જ ઈલાજ એમાં થઈ શકે છે.'

મને ઘણી વખત આ વાદવિવાદમાં અને અભિપ્રાયોના દિગ્દર્શનમાં મજા પડતી. પરંતુ એ સઘળો વાદવિવાદ અને અભિપ્રાયોના થોકડા મારી વિરુદ્ધ વપરાવાના છે એમ યાદ આવતાં હું પાછો ગમગીન બની જતો. ગમગીની એ આટલા દિવસોના અનુભવ પછી મારો સ્વભાવ જ બની ગયો હતો. મૃત્યુનો ડર પણ ઓછો થઈ ગયો હતો. મારા મનથી તે ચોક્કસ થઈ ગયું હતું. એટલે મોત સરખો ભયંકર બનાવ મને જાણે પરિચિત થઈ ગયો હતો. બંસરી વગરની દુનિયામાં બંસરીના ખૂની તરીકે ગણાઈને જીવવું એ પણ મને ભારે થઈ પડ્યું હતું.

સાક્ષી-પુરાવા, સર-તપાસ, ઊલટ-તપાસઃ એમ ઠીક લાંબા વખત સુધી ચાલી કામ પૂરું થવા આવ્યું. હું ઘણીય તપાસ કરતો પરંતુ જ્યોતીન્દ્રનો પત્તો મને લાગ્યો જ નહિ. તેની ભાળ કોઈને જ મળી નહોતી. પોલીસે બહુ કાળજીપૂર્વક તેની ખોળ કરી હતી, કારણ તે પોલીસનો અને ખાસ કરીને કમિશનરનો માનીતો હતો. પરંતુ તેમની તપાસનું પરિણામ કાંઈ જ આવ્યું હોય એમ મને જણાયું નહિ. એના ખૂનને માટે પણ હું દોષિત ગણાઈ ચૂક્યો હતો; અને જ્યારે ડૉક્ટરે હું સ્વભાવસિદ્ધ ખૂની છું એમ જાહેર કર્યું ત્યારે મારો કેસ સાંભળવા આવનાર લોકોની સહાનુભૂતિ પણ જાણે ઓછી થઈ ગઈ હોય એમ મને લાગ્યું.

કેસ પૂરો થયો. બંને પક્ષના વકીલોની છેવટની તકરાર શરૂ થઈ. નવીનચંદ્રે પોતાના ભાષણમાં પોતાનો પક્ષ રજૂ કર્યો :

'આ કામ જોકે લાંબુ ચાલ્યું છે છતાં તેથી તેનું છેવટ બહુ સરળ બની ગયું છે એ આપણે ભૂલવું જોઇએ નહિ. ખૂન થયું છે એ ચોક્કસ છે. લાશ ન મળે એથી ખૂન થયું જ નથી એમ માનવું એ થયેલા પુરાવા તરફ આંખ મીંચવા જેવું છે. લોહી પડ્યું છે, છરી મળી છે, છોકરી ગુમ થઈ છે, તેનો પત્તો નથી. જો જીવતી હોય તો તેનો પત્તો આટલા દિવસ સુધી ન લાગે એ અસંભવિત છે. તેની અધૂરી બૂમ સંભળાય છે, અને બૂમ પડ્યા પછી કોણ જોવામાં આવ્યું તે પણ સ્પષ્ટ નીકળી આવ્યું છે. બૂમમાં જ આરોપીનું નામ ઉચ્ચારવામાં આવ્યું, અને આરોપીને તે જ ક્ષણે નજરે જોનાર સાક્ષી છે. આરોપીએ શા માટે ખૂન કર્યું ? તેને ખૂન કરવા માટે શું કારણ મળ્યું ?

"આ બે પ્રશ્નો ઉપર મારા યુવાન મિત્ર બહુ આધાર રાખતા હોય એમ જણાય છે. સામા પ્રશ્ન હું પૂછું છું : કુંજલતાને આરોપીનું ખોટું નામ દેવાનું કાંઈ કારણ સાબિત થયું છે? શંકરને અને આરોપીને કશું વેર હતું કે જેથી તેને દીઠાની હકીકત તે ખોટી કહે ? એ જ યુવતી સાથે આરોપીનું લગ્ન થવાનું હતું. બીજા ઘણા સારા યુવાનો તેને મળી શકે એવી તે યુવતીની લાયકાત અને આર્થિક સ્થિતિ હતી, તેમ છતાં આરોપીની સાથે સંબંધ બાંધવા મરનાર બાઈ તેમ જ તેનાં સગાંવહાલાં આતુર હતાં. મારા ખંતીલા મિત્ર ઘણી ખંત વાપર્યા છતાં એવું કશું સાબિત કરી શક્યા નથી તે ફરિયાદી પક્ષને આરોપી ઉપર કોઈ જાતનું વેર કે અણગમો હતાં. જો તેમ નથી તો પછી તેમની જુબાનીમાં શંકા લેવા માટે કારણ નથી. એ જુબાની ખરી જ માનવાની છે."

"હવે જ્યારે જુબાનીઓ ખરી છે, ત્યારે બધા સંજોગો એક જ વાતને પુષ્ટિ આપે છે : આરોપીએ જ બંસરીનું ખૂન કર્યું છે. આરોપીને ખૂન કરવાનું કશું જ કારણ નહોતું એવી દલીલ આરોપી તરફથી થશે જ, તેનું હું પ્રથમથી જ સ્પષ્ટીકરણ કરવા ધારું છું. જો કાંઈ પણ કારણ નહોતું તો પછી આટલા દિવસ સુધી લગ્ન કેમ ન થયું ? એ પ્રશ્નનો ઉકેલ બચાવ પક્ષે કર્યો જ નથી. આપેલું વચન ખેંચી તો નહિ લેવું હોય ? બીજી જગાએ લગ્ન કરવાની આમાં તદબીર તો નહિ હોય ? બંસરીની હયાતી એ તેમાં વિઘ્નકારક પ્રસંગ કેમ નહિ હોય ? આમ અનેક જાતનાં કારણો જડી આવશે."

"પરંતુ મુખ્ય કારણ તો ડૉક્ટરની અને કંઈક અંશે હિંમતસિંગની જુબાનીમાંથી બેવકૂફને પણ જડી આવે એમ છે. આરોપીનું માનસ એવી જ રીતે ઘડાયું છે કે તેનાથી ખૂન કર્યા વગર રહેવાય જ નહિ. એક ખૂન માટે કારણ મળ્યું અને ખૂન કર્યું. એટલે તેનો સ્વભાવ બંધાઈ ગયો અને વારા ફરતી ખૂનના કરેલા પ્રયત્નો બદલ જોઈએ એટલો પુરાવો કામમાં પડ્યો છે."

"હું ધારું છું કે હવે મારે વધારે કહેવાની જરૂર નથી. નામદાર કૉર્ટ અમારા કથનને માન્ય કરી યોગ્ય સજા ફરમાવશે જ."

ટૂંકાણમાં આ તેમનું ભાષણ હતું. મારા વકીલે પણ બનતો પ્રયત્ન કર્યો. મારે કહેવું જોઈએ કે દિવ્યકાન્તે મારે માટે લીધેલી કાળજી કદી વિસરાય એવી નથી. મારા તરફ લાગણી થવાથી કહો કે પોતાને એક કેસમાં ભારે પ્રતિપક્ષી સામે આબરૂ બાંધવાની તક મળી હોય તે ખાતર કહો, ગમે તે કારણે તેણે પોતાની બધી જ મહેનત અને અક્કલ મારા બચાવ અર્થે વાપરી હતી. હું તેનો ઋણી છું. તેનું કહેવું એમ થયું કે :

“સજા ફરમાવતા પહેલાં નામદાર કૉર્ટને હું વિનતિ કરું છું કે જે ખૂન કરવામાં આવે છે તે ખૂનમાં મુદ્દામાલનું શરીર જ હસ્તગત થયું નથી. એટલે બધી સંભાવના રચવામાં આવે છે તે ધુમાડામાં બાચકા ભરવા જેવી છે. જો શરીર હાથ લાગ્યું હોત તો હું મારા વિદ્વાન મિત્રની બધી દલીલ એકદમ કબૂલ કરત. આ તો એક કલ્પના ઉપર મારા વિદ્વાન મિત્રે આખી ઇમારત રચી છે - જોકે તે ભલે ખરા જેવી લાગતી હોય છતાં તેનો પાયો જ ન હોવાથી તેનું અસ્તિત્વ માત્ર કોઈના મગજમાં જ રહેલું છે."

અત્રે નવીનચંદ્રે તકરાર કરી કે દિવ્યકાન્ત નાલેશીભર્યા વાક્યો બોલે છે. પરંતુ ન્યાયાધીશ આવી તકરારથી ટેવાઈ ગયેલા હોય એમ તેમણે કાંઈ પણ સાંભળ્યું નહિ. બધી દલીલ મારા વકીલને તેમણે કરવા દીધી. છેવટમાં મારા વકીલે કહ્યું :

"નામદાર ન્યાયમૂર્તિ ! મારી છેવટની અરજ છે. ઇન્સાફને નામ એક એવી ભૂલ ન થાય કે જે કદી સુધરી શકે નહિ. મારા અસીલે કાંઈ પણ ગુનો કર્યો હોય એવું સાબિત નથી. જે સાબિત થવાનું સામો પક્ષ કહે છે તે માત્ર દંતકથા છે. અરે દંતકથા જેટલું પણ સત્ય તેમાં નથી. જો સામા પક્ષે ઊભી કરેલી રચનાઓથી નામદાર કોર્ટ દોરાઈ જશે તો એક નિર્દોષ માણસને ફાંસીએ ચડાવ્યાના દોષ કર્યા બદલ પશ્વાસ્તાપનો પ્રસંગ આવે તેમ છે, એ તરફ હું ખાસ ધ્યાન દોરી મારા કુલને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા વિનતિ કરું છું.”

નવીનચંદ્રે જવાબ આપવા જેવું સામા પક્ષની દલીલને મહત્ત્વ ન આપ્યું.

બસ. હવે ન્યાયાધીશે જ્યુરીને બંને પક્ષની અને પુરાવાની હકીકત સમજાવી. હવે રહ્યો જયુરીનો અભિપ્રાય અને ન્યાયાધીશનો ઠરાવ.

સાંજે પાંચ વાગે જ્યુરીનો અભિપ્રાય અને ઠરાવ અપાશે એમ જાહેર થયું. મારી ને નસીબના છેલ્લા ફટકાની વચ્ચે બે કલાકનું છેટું રહ્યું.