બાપુનાં પારણાં/તારાં પાતકને સંભાર

← છેલ્લી સલામ બાપુનાં પારણાં
તારાં પાતકને સંભાર
ઝવેરચંદ મેઘાણી
૧૯૪૩
અંતરની આહ →


તારાં પાતકને સંભાર !
(ઉપરના જ અવસરે)

તારાં પાતકને સંભાર મોરી મા !
 રે હિન્દ મોરી મા !

પોતાના પાપભારે પોતે તું ચેપાણી
એવી કાળજૂની જુલમકમાણી હો મા !
રે હિન્દ મોરી મા !

પરને પટકીને નીચાં ઊંચી તું કે'વાણી !
આખર અંગે અંગે આપેથી છેદાણી હો મા !
રે હિન્દ મોરી મા !

તારે મંદિરિયે આજ કોનાં ચાલે શાસન,
જો જો દેવ કે અસૂરનાં એ આસન હો મા ! ૧૦
રે હિન્દ મોરી મા !

આભામંડળ લગ એનાં શિખર ખેંચાણાં,
એના પાયામાં તુજ છોરૂડાં ઓરાણાં હો મા !
રે હિન્દ મોરી મા !

પાયા હેઠળથી આજે હાહાકાર જાગે, ૧૫
ભૂખી ધરતી નવલા ભોગ ભારી માગે હો મા !
રે હિન્દ મોરી મા !

તારો ધૂરીધર આજે સમાધ ગળાવે,
તારા ઈશ્વરને આહુતિ એવી ભાવે જો મા !
રે હિન્દ મોમારી મા ! ૨૦

તારા દેવળના ઘોર ઘુમ્મટ ઊંચા તૂટે,
જેને છુદ્યાં'તાં તે જાગી તુજને લૂંટે હો મા !
રે હિન્દ મોરી મા !

સાંભળ સાંભળ હો બહેરી ! ભાવિના ભણકાર;
તારા ભોગળ-ભીડ્યા ભાંગે ઠાકરદ્વારા હો મા ! ૨૫
રે હિન્દ મોરી મા !

એની ચિરાડે જોતો અવધૂ એક ઝૂરે,
અંદર પોતાનાં શોણિત ને હાડ પૂરે હો મા !
રે હિન્દ મોરી મા !

એ રે પૂરણહારાને પૃથ્વી કેમ ખોશે, ૩૦
ભૂંડી ! એ મરશે તો જીવન કોનાં રે'શે હો મા !
રે હિન્દ મોરી મા !

તારાં પાતકને સંભાર મોરી મા !
રે હિન્દ મોરી મા ! ૩૪