બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/આરંભના દિવસો
← બારડોલી તપાસસમિતિ સાથે | બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ આરંભના દિવસો મહાદેવભાઈ દેસાઈ |
તાલુકાની સામાન્ય સ્થિતિ → |
તપાસકમિટીનું કામ નીચેના શબ્દોમાં સરકારી હુકમમાં નિયત કરવામાં આવ્યું હતું :
“સદરહુ અમલદારોએ બારડોલી તાલુકાના અને વાલોડ મહાલના તથા ચોર્યાસી તાલુકાના લોકોની નીચેની ફરિયાદની તપાસ કરી રિપોર્ટ કરવો.
(ક) એ તાલુકાઓમાં કરવામાં આવેલો મહેસૂલનો વધારે લૅંડ રૅવન્યુ કોડ પ્રમાણે વાજબી નથી,
(ખ) સદરહુ તાલુકા વિષે જે રિપોર્ટ બહાર પડેલા છે તેમાં સદરહુ વધારાને વાજબી ઠરાવવા પૂરતી હકીકત નથી, અને કેટલીક હકીકત ખોટી છે;
અને જો એ અમલદારોને સદરહુ ફરિયાદ વાજબી માલૂમ પડે તો જૂના મહેસૂલમાં કેટલો વધારો અથવા ઘટાડો થવો જોઈ એ તે જણાવવું.”
પૂનામાં જ્યારે સમાધાનીની શરતો લખાઈ ત્યારે તપાસસમિતિએ કરવાના કામ વિષેનો ઉપરનો ખરડો શ્રી. વલ્લભભાઈ તરફથી રજૂ કરવામાં આવ્યો હતો — ગાંધીજીએ એ જ ખરડો શ્રી. મુનશી અને બીજા સજ્જનોને આપ્યો હતો — અને સરકાર તરફથી એ જ ખરડો અક્ષરશઃ સ્વીકારવામાં આવ્યો.
આમાં જણાવેલા બે મુદ્દાઓમાંથી પહેલા મુદ્દા ઉપર શ્રી. ભૂલાભાઈ દેસાઈ એ ચર્ચા કરી હતી, અને જણાવ્યું હતું કે શ્રી. જયકર અને મિ. ઍંડર્સનની ભલામણો ગણોતના આંકડાને આધારે કરવામાં આવી છે, અને ગણોતના આંકડા પ્રમાણે ભલામણ કરવી એ લૅંડ રૅવન્યુ કોડની ૧૦૭ મી કલમ પ્રમાણે બરાબર નથી; એ કલમમાં તે જમીનમાંથી થતા નફા ઉપર જ મહેસૂલ નક્કી કરવાનું ઠારાવ્યું છે, અને ચોખ્ખો નફો નક્કી કરવાને માટે ગણોતના આંકડા નકામા છે; ચોખ્ખો નફો તો ખેડૂતને થતી ઉપન્નમાંથી તેને થતા ખર્ચ બાદ કરીને જ કાઢી શકાય. વળી ગણોતની ઉપર આધાર રાખી શકાતો હોય તોપણ તે તો ત્યારે જ રખાય કે જ્યારે સેટલમેંટ મૅન્યુઅલ પ્રમાણે ગણોતે આપેલી જમીનનું પ્રમાણ બહુ મોટું હોય. મિ. ઍંડર્સને બારડોલી તાલુકામાં ૩૩ ટકાથી તે ૫૦ ટકા સુધી જમીન ગણોતે અપાયેલી છે એમ કહ્યું છે તે તદ્દન કપોળક્લ્પિત છે અને માંડ ૬ –૭ ટકા જમીન ખરી ગણોતે અપાઈ છે.
આરંભના ૧૦–૧પ દિવસ તો અમને એમ લાગ્યું કે બંને અમલદારોની મૂંઝવણ એ હતી કે આ તપાસ કરવી શી રીતે ? પહેલે જ દિવસે જે ગામ તપાસ્યું ત્યાંનાં ગણોતના આંકડામાં ભારે ગોટાળો તેમને જણાયો. ગણોતના જેટલા આંકડા હોય તેમાંથી શુદ્ધ ગણોતના આંકડા તારવવા જોઈએ એવી સેટલમેંટ મૅન્યુઅલમાં સેટલમેંટ અમલદારને સૂચના છે. એ રીતે આંકડા તારવવામાં આવે તો મૂળ આંકડા કરતાં એ આંકડા ઓછા થાય. હવે શ્રી. જયકરનો દાવો એ હતો કે એમણે તો બધાં જ ગણોતના આંકડા તપાસેલા અને તારવેલા. પણ પહેલે જ દિવસે અમે તપાસ કરનારા અમલદારોને બતાવી આપ્યું કે શ્રી. જયકરના આંકડા તો તારવી કાઢ્યા વિનાનાં કુલ ગણોતના આંકડા કરતાં પણ વધારે છે. તેમને આશ્ચર્ય તો થયું, પણ શું કરે ? તેમણે પોતાના શિરસ્તેદાર પાસે ફરીથી બધાં દફતર તપાસાવીને કુલ ગણોતે અપાયેલી જમીન તપાસવરાવી. એનું પરિણામ કેવું આવ્યુ તે કમિટીના અમલદારો પોતાના જ રિપોર્ટમાં આ પ્રમાણે જણાવે છે :
જયકરના આંકડા (શુદ્ધ તારવેલાં ગણોતના)
જમીન | ક્ષેત્રફળ | આકાર | ગણોત |
એકર ગુંઠા | રૂા. આ. | રૂા. આ. | |
જરાયત | ૧૨૭―૧૬ | ૫૭૪―૪ | ૧૮૨૧―૮ |
ક્યારી | ૪૯―૧૪ | ૩૯૭―૧ | ૨૩૪૬―૦ |
તારવ્યા વિનાનાં કુલ ગણોતના ખરા આંકડા
એકર ગુંઠા | રૂા. આ. | રૂા. આ. | |
જરાયત | ૬૨―૩૬ | ૨૩૯―૫ | ૩૯૭―૦ |
ક્યારી | નથી | ||
મિશ્ર | ૬૬―૧૫ | ૪૦૧―૧૩ | ૧૮૦૫―૭ |
*જરાયત | ૪૩―૩૭ | ૧૯૫―૧૫ | |
*ક્યારી | ૧૯૫―૧૫ | ૨૦૫―૧૪ |
આમ તારવ્યા વિનાના કુલ આંકડાની રકમના કરતાં તારવેલાં ગણોતની રકમ ઓછી હોવી જોઈએ તેને બદલે, અમારા બતાવ્યા પ્રમાણે, તપાસ અમલદારોને સ્વતંત્ર તપાસ ઉપરથી પણ, એ રકમ બહુ વધારે માલૂમ પડી. આમ તપાસમાં ‘પ્રથમગ્રાસે મક્ષિકા’ જોઈને જ અમલદારો ચેત્યા. જોકે બરોબર ચેતવાને માટે અમલદારાને લગભગ પંદર દિવસ લાગ્યા. ન્યાયાધીશે હમેશાં ગુનેગારને નિર્દોષ માની લઈને જ તપાસ કરવી જોઈએ એ ન્યાયનો સિદ્ધાંત છે, અને એ ન્યાયને અનુસરીને બંને અમલદારો શ્રી. જયકર અને મિ. એંડર્સનની કશી ભૂલ થઈ નથી એમ જ માનીને આરંભમાં વર્તતા લાગતા હતા. પણ મિ. બ્રૂમફીલ્ડ એથી આગળ જઈને એમ માનતા જણાયા કે ખેડૂતો તો જૂઠું જ બોલે, ત્યારે અમને આશ્ચર્ય થયું. આરંભને જ એક દિવસે અમારે એમની સાથે સહેજ ચકમક ઝરી હતી. મેં કહ્યું : ‘તપાસ થઈ જ નથી.’ એટલે મિ. બ્રૂમફીલ્ડ કહે : - ‘હા; એમ ખેડૂતો કહે છે. જગતમાં બધે જ ખેડૂતો એવી વાતો કરે છે.’ મેં કહ્યું : ‘તે સાચા છે કે ખોટા એ તપાસવાની તમારી ફરજ છે.’ એટલે એમણે પાછું પૂછ્યું: ‘ત્યારે શું આ ગામે શ્રી. જયકર આવેલા કે નહિ ?’ મેં કહ્યું : ‘હું શું જાણું ? તમે ખેડૂતોને પૂછી જુઓ. પણ ખેડૂતો જૂઠા જ છે એમ માની બેસશો તો ખેડૂતોનું કશું વળવાનું નથી.’
થોડા જ દિવસ પછી જ્યારે મોટી ભટલાવ નામના ગામે મિ. બ્રૂમફીલ્ડ આવ્યા અને લોકોને પૂછ્યું: ‘અહીં જયકર આવ્યા હતા ?’, અને પટેલતલાટી બંનેએ જવાબ આપ્યો: ‘સાહેબ, જયકરનું મોં જ કોણે જોયું છે ?’ ત્યારે તેમની આંખ ઊઘડવા માંડી. વળી આગળ વધીને સવાલ પૂછ્યો: ‘આ લોકો જાણે છે તો ખરાને કે જયકર કોણ છે ?’ એટલે લોકોએ કહ્યું: ‘જયકર પ્રાંત અમલદાર હતા એમ સાંભળ્યું છે, પણ એમનું મોં જોયું હોય તો ખબર પડે ના કે એ કોણ હતા ?’ પટેલતલાટીનો આ બેધડક જવાબ મેળવીને જ મિ. બ્રૂમફીલ્ડ આભા બન્યા. આ પછી તો તેમણે ઘણે ઠેકાણે એની એ જ તપાસ કરી, એના એ જ જવાબ મેળવ્યા; બીજાં ગામોએ પણ આફવા ગામની જેમ કુલ તારવ્યા વિનાનાં ગણોતના આંકડા અને શ્રી. જયકરના તારવેલા આંકડા તપાસ્યા, પણ બધે જ એમને જયકરના આંકડા ઢંગધડા વિનાના લાગ્યા.
એટલે અમલદારોની આગળ સમસ્યા એ ઊભી થઈ કે જો ગણોતના શ્રી. જયકરે તૈયાર કરેલા આંકડા છેક ખોટા જ હોય તો શું બધે નવાં પત્રકો તૈયાર કરવાં કે ગણોતના ઉપર આધાર રાખવાનો વિચાર માંડી વાળવો. આરંભમાં એમણે એકબે ઠેકાણે અમને કહ્યું: ‘તમે નફાતોટાના આંકડા આપવાના હતા તે કેમ થયું ?’ એટલે અમે એ આંકડા આપવા માંડ્યા. એ આંકડામાં ખોટ આવે એટલે એ જોઈ ને અમલદારોની મૂંઝવણ વધી. સરભોણમાં એવો નિશ્ચય કર્યો કે આ આંકડા વિષે અમારી અને ખેડૂતોની સખ્ત ઊલટતપાસ કરવી અને આંકડા ખોટા પાડવા. એ ઊલટતપાસથી તો તેઓ આંકડા ખોટા ન પાડી શક્યા એમ આપણે આવતા પ્રકરણમાં જોશું, પણ એ આંકડા ખોટા ન પડ્યા એટલે કાંઈક બીજો રસ્તો કાઢવો જોઈએ એવા નિશ્ચય ઉપર તેઓ આવ્યા. આ નિશ્ચય ઉપર આવતાં પણ તેમને ત્રણેક અઠવાડિયાં ગયાં હશે એમ લાગે છે; અને એ નિશ્ચય ઉપર આવીને એમણે પહેલા મુદ્દાનો એ જવાબ કાઢ્યો કે નફો કાઢવાની રીત અનેક છે જેમાંની એક શુદ્ધ ગણોત તપાસવાની છે, અને તેથી ગણોત ઉપર આધાર રાખવામાં કલમ ૧૦૭નો ભંગ થતો નથી. છતાં તેમણે પોતાનાં રિપોર્ટમાં એટલું તો કબૂલ જ કર્યું કે આ તાલુકામાં ગણોતે આપવાનો રિવાજ ઓછો છે, અને જમીન જવલ્લે જ ગણોતે અપાય છે, એટલે નફો શોધવા માટે ગણેાત ઉપર આધાર રાખવામાં સેટલમેંટ અમલદારોએ કલમ ૧૦૭ ના અક્ષરનો નહિ તો આત્માનો ભંગ કર્યો છે.
આ સાથે બીજી એક બાબતનો નિર્ણય પણ તેમણે આપી દીધો. અમારા તરફથી વાંધો લેવામાં આવ્યો હતો કે ૧૦૭ મી કલમ પ્રમાણે ખેતીની જમીનની કિંમતનો નહિ પણ જમીનના નફાનો જ વિચાર, મહેસૂલ ઠરાવતાં, થવો જોઈએ. આ વાંધો તપાસ અમલદારો એ રદ્દ કર્યો, પણ સાથે સાથે જણાવ્યું કે જમીનની કિંમત, તેમાંથી થતો નફો દર્શાવનારી ન હોય તો, એ કિંમત ઉપર આધાર રાખવાને કશો અર્થ નથી, અને બીજે ક્યાંય નહિ ઓ બારડોલીમાં તે જમીનની કિંમત નફો કેટલો થાય તે બતાવી શકતી નથી. કારણ વરાડ જેવા ગામમાં એક જમીનના ટુકડાના એકરે ૧૫,૦૦૦ રૂપિયા અપાયેલા તેમણે જોયા, ત્યારે તેની આવક કશી જ નહોતી. બીજા ઘણાંખરાં વેચાણો જ્યાં મોટી રકમે જમીન ખરીદવામાં આવી હતી ત્યાં મોટી રકમ આપનારા દક્ષિણ આફ્રિકાવાળાઓ જ હતા. એટલે તેમણે એ અનુમાન બાંધ્યું : “આટલી મોટી કિંમત આપનારાઓ જમીનમાંથી થતા નફાનો અથવા રોકેલી મૂડીમાંથી ઉત્પન્ન થનારા વ્યાજનો વિચાર કરતા નથી.”