બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/તાલુકાની સામાન્ય સ્થિતિ

← આરંભના દિવસો બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
તાલુકાની સામાન્ય સ્થિતિ
મહાદેવભાઈ દેસાઈ
ખેતીનો નફો ! →




તાલુકાની સામાન્ય સ્થિતિ

હેલા પ્રકરણમાં જણાવ્યું તેમ ગણોતના આંકડાની કે શુદ્ધતા વિષે તો તેઓ ચોંક્યા, પણ તાલુકાની સામાન્ય હકીકત વિષે પણ તેમને શંકા થવા લાગી. કેટલેક ઠેકાણે તો તેમને તેમના તલાટી જે આંકડા આપતા હતા તેમાંથી જ શ્રી. જયકરે આપેલી હકીકત તોડનારો પુરાવો મળી રહેતો હતો, અને કેટલેક ઠેકાણે તેમની આંખ શ્રી. જયકરના રિપોર્ટની હકીકત ખોટી પાડતી હતી. દાખલા તરીકે મહેસૂલ વધારવાનાં કારણોમાં એક કારણ રસ્તા સુધર્યા છે અને ટાપ્ટી વેલી રેલ્વે નીકળી છે એ આપવામાં આવ્યું હતું. રસ્તા કેટલા સુધર્યા છે એ એમણે આંખે જોયું, અને પોતાના રિપોર્ટમાં લખ્યું :

"રસ્તા સુધાર્યા છે એમ શી રીતે કહી શકાય, જયાં સુધી અગાઉ તે કેવા હતા એ અમે જાણતા નથી ? પણ ત્રણ મહિના આ તાલુકામાં રખડ્યા પછી અમે એટલું તો કહી શકીએ છીએ કે અમને એ રસ્તાઓનો બહુ સુખમય અનુભવ તો નથી જ થયો. જૂના મુખ્ય રસ્તાઓમાંનો એક પણ રસ્તો - સરભોણથી નવસારીનો રસ્તો પણ - સારા રસ્તા તરીકે ન જ વર્ણવી શકાય. ક્યાંક ક્યાંક ઠીક ભાગ આવે છે, પણ ઘણાખરા ભાગ તો એવા છે કે એ રસ્તો એથી જરાક ખરાબ હોય તો એને કોઈ રસ્તાનું નામ જ ન આપે. બળદગાડાં એના ઉપરથી જઈ શકે છે અને મોટર ચાલી શકે છે એટલું જ વધારેમાં વધારે એ રસ્તા વિષે કહી શકાય. ”

રેલ્વે વિષે તો અમે બતાવી ચૂકયા હતા કે ૧૮૯૬ની જમાબંધી થઈ ત્યારે પણ રેલ્વેને ધ્યાનમાં લેવામાં આવી હતી. એ જ વસ્તુ સાહેબોએ નોંધી છે અને જણાવ્યું છે:

“ટાપ્ટી વેલી રેલ્વેથી ખેડૂતોને થતા નફાનુકસાનમાં કંઈ ફેર પડી ગયો છે એવું અમને નથી જણાતું. ”  ખૂબી તો એ છે કે જે રેલ્વેથી આજે પણ કશો લાભ નથી થતો એમ આ અમલદારો કહે છે તે જ રેલ્વેમાંથી થનારો નફો ધ્યાનમાં લઈને ૧૮૯૬માં દર બાંધવામાં આવ્યા હતા. એટલે એ દર પણ કેટલા આકરા હશે ! પણ એ દર કેટલા આકરા હતા તેનો નિર્ણય કરવાનું આ અમલદારોનું કામ નહોતું એટલે એવી નોંધ તેઓ શેની જ કરે !

મોટરો દાખલ થવાથી તો ખેડૂતને નફો થવાને બદલે ખોટ ગઈ છે એમ અમે ચોર્યાસી તાલુકાનાં એક ગામમાં સ્પષ્ટ બતાવી શક્યા હતા. ગાડાંની મજૂરી મળતી તે ઓછી થઈ અને ઘોડા માટે લીલું ઘાસ ખપતું તે ઓછું થયું - અને એ વાત અમલદારોને પણ બરાબર લાગી છે.

બજારોને વિષે શ્રી. જયકરે તો કશો વિચાર જ કર્યો નહોતો. આ અમલદારો બધે જ બજારોની તપાસ કરતા, કપાસ ક્યાં વેચો છો, ઘાસ ક્યાં વેચો છો, બીજી વસ્તુઓ કયાંથી લાવો છો, એવા એવા સવાલો પૂછતા. પરિણામે એઓ એવા નિશ્ચય ઉપર આવ્યા કે ઘણો કપાસ લોકો નવસારી ને જલાલપોર લઈ જાય છે, લોકોને રસ્તાની બહુ પડી નથી, પણ જ્યાં ભાડાના પૈસા જેટલું પણ વધારે મળે ત્યાં તેઓ જાય છે. પણ શ્રી. જયકરે બારડોલી, મઢી, વાલોડ, કમાલછોડ અને બુહારીનાં જીન જાણે સરખાં જ અગત્યનાં હોય એમ વાત કરીને મઢી, વાલોડ, કમાલછોડ અને બુહારી અને તેની પાસેનાં ઘણાં ગામના દર વધાર્યા હતા તે વાતની ઉપર સારી ટકોર કરી. એ બીજાં જીનોમાં કશું દૈવત નથી, કમાલછોડનું બંધ થયું છે, બુહારીમાં કપાસ થતો નથી -અને બુહારીના જીનના કોઈ ભાવ પૂછતું નથી એવો અમે પુરાવો રજૂ કર્યો હતો તે સાહેબોએ સ્વીકાર્યો અને શ્રી. જયકરે ચડાવેલાં ગામડાંના વર્ગો રદ કર્યા.

શ્રી. જયકરે 'ઘાસ તો ઢગલેઢગલા થાય છે અને સૂરત બજારમાં વેચાવા જાય છે, જ્યાં તેની ખૂબ કિંમત આવે છે' એમ લખેલું. બારડોલીનાં પ૦ ગામો તપાસ્યાં ત્યાં ક્યાંયે સાહેબોને એક તણખલું ઘાસ બહાર જતું હોય એમ ન માલૂમ પડ્યું. એક ગામે તો ઘાસની ગંજીનાં ગાડાં ભરીને લોકો જતા હતા એટલે સાહેબોએ તુરત પૂછ્યું, ‘આ ગાડાં ક્યાં જાય છે ?’ તેમને જવાબ મળ્યો, ‘બીજા ગામના લેાકોની જમીન આ ગામે છે, તેઓ ઘાસ કાપીને પોતાને ઘેર લઈ જાય છે.’ આમ છતાં સાહેબો બહુ સાવધાનીથી લખે છે :

“સંભવ છે કે અમને ઘાસના વેપાર વિષે ખોટી ખબર આપવામાં આવી હોય, પણ સૂરતમાં તો ચોર્યાસી તાલુકાનાં અને પાસેનાં ગાયકવાડી ગામનું જ ઘાસ આવે છે એ વિષે શંકા નથી, અને ઘણાં ગામમાં તો ઘાસ ઢોરના ઉપયોગ પૂરતું જ છે.”

શ્રી. જયકરે બીજા વધારાનાં જે કારણો આપ્યાં છે તેમનો પણ સાહેબોએ ઠીક નિકાલ કરી નાંખ્યો. ખેતીની મજૂરી બમણી થઈ છે એ કારણ તથા સામાન્ય ભાવ વધ્યા છે એ કારણ તો મહેસૂલ વધારવાને માટે નહિ પણ મહેસૂલ ઓછું કરવાને માટે અપાવું જોઈએ એમ અમલદારો જણાવે છે. દૂધાળાં ઢોરનો વધારો, રાનીપરજ લોકોની સ્થિતિમાં સુધારો, સુંદર ઘરો, અને કપાસના ભાવ એ બીજાં કારણો તરીકે જણાવવામાં આવ્યાં હતાં. વસ્તીની વધઘટ વિષેના અમારા બધા ખુલાસા સાહેબને પસંદ પડ્યા. એક ઠેકાણે વસ્તીગણત્રી થઈ તે દિવસે બે જાન આવી હતી એટલે વસ્તી વધી ગઈ, એ કારણ સાહેબોને બહુ નોંધવા જેવું લાગ્યું, અને એકંદર રીતે સાહેબને જણાયું :

‘બારડોલીમાં જે વસ્તી વધારો થયેલો દેખાયેલો છે તે નજીવો છે. ચોર્યાસીમાં વધારો થયો જ નથી. એટલે આ જમાબંધીમાં વસ્તીની વાત તો વિચારવા જેવી લાગતી જ નથી.’

ઘરોને વિષે સાહેબોએ જણાવ્યું :

“અમે કેટલાંક ઘરો જોયાં, અને કણબી અને અનાવલાનાં ઘરો અમને સારાં લાગ્યાં. અને એ ઘરો આબાદી નહિ તો લોકો ખાધેપીધે સુખી છે એમ તો બતાવે છે. પણ આ મોટાં ઘરોમાંનાં ઘણાંખરાં દક્ષિણ આફ્રિકાવાસીઓનાં છે, અને જમીનના નફામાંથી નથી બાંધવામાં આવ્યાં. વળી મોટાં ઘરો આબાદીની નહિ પણ ઉડાઉપણાની અને ખાલી ભપકાની નિશાની છે. વળી, બારડોલીમાં ઘરોમાં અર્ધા ભાગમાં તો ઢોર પણ વસે છે, અને માળ ઉપર દાણોદૂણી અને કચરું ભરવામાં આવે છે, એટલે મોટાં ઘરો જોઈ ને આબાદીનું અનુમાન બાંધવું એ બરોબર નથી.”

ઢોરોને વિશે એક વસ્તુ સાહેબોએ પોતાની તપાસને કારણે જાણવાજેવી શોધી કાઢી એમ કબૂલ કરવું જોઈએ. શ્રી. જયકરે ૧૯૦૪-૦૫ના આંકડા અને ૧૯૨૪-૨૫ ના આંકડા સરખાવીને આબાદી બતાવી હતી, પણ સાહેબોએ ૧૮૯૪-૯૫ ના આંકડા લીધા, ૧૯૦૪-૦૫ ના આંકડા લીધા અને ૧૯૨૪-૨૫ ના લીધા, અને બતાવ્યું કે ૧૯૦૪-૦૫ ના આંકડામાં જે વધારો થયેલા દેખાય છે તે વધારો નથી, પણ ૧૯૦૪-૦૫ માં તે છપનિયા દુકાળને પરિણામે જે મોટો ઘટાડો થયેલો તે ઘટાડો જ પુરાયો છે, અને ૧૮૯૪-૯૫ માં જે સંખ્યા હતી તે ૧૯૨૪-૨૫ ના જેટલી જ હતી. તે આ પ્રમાણે:

બારડોલી

૧૮૯૪-૯૫ ૧૯૦૪-૦૫ ૧૯૨૪-૨૫
ખેતીનાં ઢોર ૧૮,૩૪૮ ૧૧,૨૩૪, ૧૮,૧૨૭
ગાયો ૮,૮૩૫ ૬,૩૭૦ ૮,૨૮૩
ભેંસો ૮,૯૭૭ ૬,૩૭૦ ૮,૨૮૩
ગાડાં ૫,૯૩૨ ૪,૩૫૨ ૬,૦૫૫

ચોર્યાસી

ખેતીનાં ઢોર ૫,૧૧૪ ૫,૮૨૨
ગાયો ૨,૪૭૮ ૨,૧૦૧
ભેંસો ૩,૩૪૨ ૪,૭૧૯
ગાડાં ૧,૯૪૫ ૨,૩૪૭

આ ઉપરથી એમણે એ અનુમાન કાઢ્યું કે જ્યાં સહેજ-સાજ વધારા થયા તે પણ નજીવા છે અને તે પણ માત્ર ભેંસોમાં જ થોડો વધારો થયો છે. રાનીપરજની સ્થિતિ વિષે લખતાં આજકાલની દારૂનિષેધની પ્રવૃત્તિ સાહેબોને બહુ ખળભળાટવાળી લાગી, પણ બારડોલીમાં ચાલતાં આશ્રમની ખાદીપ્રવૃત્તિ અને તે દ્વારા થતી શુદ્ધિપ્રવૃત્તિ એમને વ્યવસ્થાસર અને સીધે રસ્તે ચાલતી લાગી. આમ એ લોકોમાં સુધારાનાં ચિહ્નો તો દેખાય છે, પણ ‘શ્રી, જયકર કહે છે તેટલો જલદી અથવા તેટલો દેખીતો સુધારો થયો છે’ એ વિષે તો સાહેબોને શંકા છે.

ભાવ વધ્યા છે તે વિષે તો અમે ગામેગામે બતાવી આપ્યું તે સ્વીકારી લઈને સાહેબો લખે છે કે કપાસના ભાવના ઉછાળાએ તો લોકોનું ઉજાળ્યું નહિ પણ નખોદ વાળ્યું કહેવાય, કારણ એ ભાવથી તણાઈને મોટાં મોટાં ગણોતો આપ્યાં, એમાં કણબી-અનાવલા પણ મૂરખ બન્યા, અને ગણોતનો સટ્ટો ચાલ્યો.

આખરે વધેલા ભાવ ઉપર શ્રી. જયકરે કરેલા વધારા વિષે સાહેબોએ જણાવ્યું :

“એમણે ૩૩ ટકા ઠરાવ્યા તેના કરતાં ૨૦, ૧૫ કે ૧૦ ઠરાવ્યા હોત તોયે ચાલત, કારણ બધું મંડાણ અટકળ ઉપર જ બંધાયેલું હતું, અને મિ. ઍંડર્સને કહ્યું છે તેમ મિ. જયકરે મુખ્ય દરવાજો જ ખુલ્લો રહેવા દીધો.”

ભાવોને વિષે બોલતાં અસાધારણ વર્ષોના ભાવ ધ્યાનમાં લેવા ન જોઈએ એવો પણ ખેડૂતોનો એક વાંધો હતો. તે વિષે સાહેબો રિપોર્ટમાં જણાવે છે :

“જુવારના ભાવ ૧૮૯૭, ૧૯૦૦, ૧૯૦૮, ૧૯૧૨ અને ૧૯૧૪ માં એક જ હતા, અને ૧૯૨૮ માં એના એ હતા. ભાતના ભાવ પણ ૧૯૨૮માં ૧૯૧૪ ના જે હતા તે જ હતા. એટલે ૧૯૧૪ થી તે ૧૯૨૪ના ગાળામાં જે ભાવ હતા તે સાધારણ હતા, એટલું જ નહિ પણ ભાત, જુવાર વગેરે, અનાજના ભાવો તો લડાઈ પહેલાં હતા તેના કરતાં બહુ વધશે એવી વકી નથી. કપાસની વાત જુદી છે. ૧૯૨૪ પછી ઓછામાં ઓછા ભાવ ૧૯૧૪ ના કરતાં ૩૩ ટકા વધારે છે, અને હવે કદાચ ભાવ નહિ ઊતરે. પણ જુવાર અને ભાત તો ખાવાને માટે જ વપરાય છે. વળી ખાવાની વસ્તુ સસ્તી મળે તો તો મજૂરીના ભાવ પણ ઘટવાનો સંભવ છે, અને ખેતીનાં ખર્ચ પણ એાછાં થાય. એટલે બહુ નિરાશાને કારણ નથી. પણ શ્રી. જયકરે જે વધારો ભાવના વધારાને આધારે કર્યો છે તે તો ટકી શકે એમજ નથી.”

આમાં જુવાર અને ભાત સિવાય બીજી હજાર વસ્તુ ખેડૂતોને જોઈએ છે, અને એ બધી વસ્તુના ભાવ વધ્યા છે તે વાત સાહેબોએ ધ્યાનમાં જ ન લીધી, અને ખેતીની મજૂરી, બળદ, ઓજાર, ગાડાંના ભાવ ત્રણચારગણા વધ્યા છે એવો પુરાવો અમે આપ્યો છતાં તે ઉપર ધ્યાન ન આપ્યું. એ વાત ધ્યાનમાં લેત તો તાલુકામાં ૬ ટકાનો વધારો તેમણે કર્યો તે વધારો તેઓ ન કરી શકત.