← ગવાઈ રહેલું બારડોલી બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
ગાજવીજ
મહાદેવભાઈ દેસાઈ
લોકશિક્ષણ →




૨૦
ગાજવીજ
“મહિનાથી આટલાં તોફાન કર્યા, પઠાણ લાવ્યા, મોટરો લાવ્યા, ખાસ અમલદારો રાખ્યા, પણ એ બધાં તોફાનનું પરિણામ શું આવ્યું ? ભલે ખેડૂતનો માલ વેડફ્યો હશે, પણ તમારા દફતરમાં કેટલું જમે થયું ? છેવટે તો ગાય દોહી કૂતરીને જ પિવડાવ્યું ને ?”

બારડોલીનું બળ વધતું જતું હતું અને સરકારની અકળામણ વધતી જતી હતી. કમિશનરસાહેબને હજુ બારડોલીની મુલાકાતે આવવાની ફુરસદ નહોતી મળી. આજે નહિ તો કાલે એ હિલચાલને ચપટીમાં મસળી નાંખશે એવી એમને ખાતરી હતી, એની હાથ નીચેના અમલદારોની આપેલી એવી ખાતરીને વિષે એમને સંપૂર્ણ વિશ્વાસ હતો. ‘સ્થાન ઉપરના માણસ’ના ઉપર વિશ્વાસ રાખનારી સરકાર એ કમિશનરને ‘સ્થાન ઉપરના માણસ’ સમજીને નિશ્ચિંત બેઠી હતી. પણ મે મહિનાનો તાપ સરકારથીયે સહન ન થયો. સરકારે જોયું કે એકે પાસો સીધો પડતો નથી ત્યારે તેણે ‘યુદ્ધપરિષદ’ બોલાવી. યુદ્ધપરિષદમાં બે ગુજરાતી અમલદારો હતા. બંનેને લડાઈ શાંત પાડવાની સરખી ઉત્કંઠા હતી, પણ હવે એકની ઉત્કંઠા વિવેક વટાવીને આગળ જતી હતી. દીવાન બહાદુર હરિલાલ દેસાઈ, શ્રી. વલ્લભભાઈના જૂના મિત્ર, પણ રાજદરબારે ચડેલા મિત્ર અને સરકાર સામે બહારવટે નીકળેલા મિત્ર વચ્ચે શી રીતે મેળ ખાય ? પેલા મિત્ર સરદારને પોતાની રીતે મદદ કરવા ગયા અને લોકોની અસેવા કરી. કમિશનર અને તેના હિમાયતીઓની પહેલી શરત એ હતી કે વધારા સાથે સરકારધારો પહેલો ભરી દેવામાં આવે. દીવાન બહાદુરે આ ટોળીને ટપેરી આપી, અને શ્રી. વલ્લભભાઈ પણ આટલી ‘નજીવી’ શરત સ્વીકારશે એમ માની લીધું. એ જ સાહેબે સમાધાનની ઓછામાં ઓછી શરતની વાત શરૂ કરી, અને તેમ કરી સરદારને સત્યાગ્રહીઓની ઓછામાં ઓછી શરતની વાત કરવાને ઉશ્કેર્યા. દીવાન બહાદુર અને સરદારની વચ્ચેનો કિસ્સો દુ:ખદ છે, પણ દીવાન બહાદુર છાપે ચડ્યા, વલ્લભભાઈને વગોવવાના પ્રયત્ન કર્યા એટલે વલ્લભભાઈ એ નછૂટકે કેટલાક કાગળો પ્રસિદ્ધ કરવાની મને પરવાનગી આપી છે. આ રહ્યો તેમનો પહેલો કાગળ (અંગ્રેજીનું ગુજરાતી ભાષાન્તર) :

મહાબલેશ્વર, વેલી વ્યુ, તા. ૨૫-૫-’૨૮.
 

પ્રિય વલ્લભભાઈ,

હું તો મારો પાસો નાંખી ચૂક્યો છું, અને એની અસર થઈ હોય એમ જણાય છે. સોમવારે મારો તાર મળે તો મહાબલેશ્વર પહોંચી જવાની તમારે તૈયારી રાખવી.

લોકો પહેલા પૈસા ભરી દે તો સરકાર એક સ્વતંત્ર અમલદારને નવી જમાબંધીની ફરી તપાસ કરવાને માટે નીમશે એવું સરકાર જાહેર કરે તો લોકો વિરોધ સાથે પૈસા ભરી દેશે ખરા ? આટલી તો એાછામાં ઓછી શરત હોય એમ લાગે છે. વેચેલી અથવા ખાલસા કરેલી જમીન પાછી આપવામાં આવે એવી તજવીજ હું કરવાનો છું. હું તો પ્રયત્ન કરીશ, પણ તમને આ વસ્તુ ગમતી હોય તો તારથી ‘હા’ લખી જણાવો અને ટપાલથી પણ જવાબ આપો. જોજો બહુ ખેંચશો નહિ.

અહીં બેઠા છતાં હું તમારી સાથે જ છું.

લિ૦ સ્નેહાધીન,
હરિલાલ દેસાઈ.
 


[‘પહેલા’ શબ્દની નીચે કાગળ લખનારે જ ભારસૂચક લીટી કરી છે. ]

‘ઓછામાં ઓછી શરત’ની સરકારની માગણીને દીવાન બહાદુરે ટપેરી આપી એમ કહેવામાં કદાચ ભૂલ થતી હોય, કારણ આ પછીના ઘણા કાગળોમાં એ શરત એમની પોતાની હોય એવો જ એમણે ભાસ આપ્યો, અને એ શરત તદ્દન યોગ્ય અને વાજબી છે એમ કહીને તેનો ખાસ બચાવ કર્યો. આથી તો દીવાન બહાદુરની સ્થિતિ ઊલટી ખરાબ થાય છે, કારણ મૂળ એ સૂચના જ એમની હોય તો સરકાર તો સ્વાભાવિક રીતે, શ્રી. વલ્લભભાઈના મિત્ર પાસેથી આવનારી એ સૂચનાને વધાવી લઈને પોતાના પક્ષ મજબૂત કરે. ગમે તેમ હોય, દીવાન બહાદુરની દેખીતી રીતે અપમાનકારક અને અયોગ્ય લાગતી માગણીને સરદાર સ્વીકારી ન શક્યા. એટલે તેમણે પેલા કાગળના જવાબમાં આ પ્રમાણે તાર કર્યો :

“આપનો પત્ર પહોંચ્યો. પંચ નિમાય તે પહેલાં વધારાનું મહેસૂલ આપવું અશક્ય છે. જૂનું મહેસૂલ ભરી દેવામાં આવશે — પણ તે પણ સ્વતંત્ર, ખુલ્લી તપાસ જાહેર થાય તેમાં પુરાવો રજૂ કરવાની અને સરકારી અમલદારોની ઊલટતપાસ કરવાની લોકોના પ્રતિનિધિઓને છૂટ હોય, ખાલસા કરેલી જમીન પાછી આપવામાં આવે અને સત્યાગ્રહી કેદીઓને છોડી દેવામાં આવે ત્યારપછી લોકો પંચનો નિર્ણય સ્વીકારશે. જવાબ આરડોલી આપો.

વલ્લભભાઈ "
 

આ તારના ભાવ વિસ્તારથી નીચેના પત્રમાં તેમણે જણાવ્યું :

બારડોલી, તા. ૨૮મી મે, ૧૯૨૮.
 

પ્રિય હરિલાલ,

નવસારીથી આપને એક લાંબો તાર કર્યો છે, એની નકલ સાથે જોડું છું.

મારી અને આપની કામ કરવાની અને સેવા કરવાની રીતો ભિન્ન છે એટલે મને જે ‘ઓછામાં ઓછી શરત’ સંતોષકારક લાગે તે આપને વધારાપડતી માગણી લાગે. વધારો પહેલો ભરી દેવાનો હોય તો પંચ નીમવાની જરૂર જ શી છે ? લોકોનો પક્ષ ખાટો ઠરે અને વધારો લોકો ન આપે તો તે ભરાવવાની સરકારની પાસે પૂરતી સત્તા છે.

મહેરબાની કરીને એટલું પણ જોજો કે આ પંચે કરવાના કામની શરત પણ પહેલેથી નક્કી થવી જોઈશે. ગમે તે શરતો ન ચાલે.

લોકોનો કોઈ પણ સ્વાભિમાની પ્રતિનિધિ એટલો આગ્રહ રાખ્યા વિના તો ન જ રહી શકે કે કેદીઓને છોડવામાં આવે અને જમીન પાછી આપવામાં આવે — ખાસ કરીને જ્યારે કેદીઓને ગેરકાયદેસર સજા થઈ હોય અને જમીન ગેરકાયદેસર ખાલસા થઈ હોય.

છેવટે આપને એટલું જણાવું કે જો આપનાથી હિંમતભર્યું પગલું ન લેવાય એમ હોય, અને લોકોનું બળ મને જેટલું લાગે છે તેટલું આપને ન લાગતું હોય તો આપે કશું ન કરવું — એમાં જ આપની સાચી સેવા રહેલી હોય. આબરૂભરી સમાધાનીનાં દ્વાર હું બંધ કરવા નથી ઇચ્છતો, પણ આબરૂભરી સમાધાની વિના અથવા લોકોને આકરામાં આકરી  તાવણીમાંથી પસાર કર્યા વિના લડત બંધ કરવાની મને કશી ઉતાવળ નથી. અપમાનભરી સમાધાન કરતાં બહાદુરીભરી હાર બહેતર છે.

હવે આપ સમજશો કે મહાબલેશ્વર કે પૂના દોડી આવવાને હું કેમ ઉત્કંઠિત નથી. એટલે મારી હાજરી વિના ન જ ચાલે એમ આપને લાગતું હોય તે સિવાય મને બોલાવવાની તસ્દી ન લેશો.

લિ. સ્નેહાધીન,
વલ્લભભાઈ.
 

આ કાગળ સરકારને બતાવવામાં આવ્યો હતો કે નહિ તે આપણે નથી જાણતા, પણ આમ સમાધાનીના પ્રયત્ન જન્મતાં જન્મતાં જ મરણ પામ્યા. અને એ યોગ્ય હતું. સરકારમાં તે વેળા પાછું ફરીને ન જોનારા એવા મહારથીઓ પડ્યા હતા – રેવન્યુ મેમ્બર મિ. હૅચ, રેવન્યુ સેક્રેટરી મિ. સ્માઇથ, કમિશનર સ્માર્ટ અને સેટલમેંટ કમિશનર ઍંડર્સન. સરકારને એ લોકો સહેલાઈથી નમવા દે એમ નહોતું. એટલે હવે આ મહારથીઓ નવાં શસ્ત્રઅસ્ત્રો લઈને પાછા રણે ચડ્યા.

૩૧ મી મેને રોજ સરકારે ‘બારડોલી તાલુકા અને વાલોડ મહાલના ખાતેદારોને જાહેરનામું’ બહાર પાડ્યું. આ જાહેરનામામાં લોકોના અનેક ગુનાઓ નોંધવામાં આવ્યા હતા, પણ આગ લગાડવાના કે હિંસા કરવાના ગુનાનું નામ નહોતું. પણ આમાં નવા ગુનાઓ હતાઃ ‘સરકારી ઉપાયોમાંથી વ્યવસ્થિત રીતે છટકી જવું, ઘરોને તાળાં વાસી રાખવાં, પટેલો અને વેઠિયાઓનો બહિષ્કાર કરવાની અને નાતબહાર મૂકવાની ધમકી’ વગેરે ગુના જેમને પરિણામે જપ્તીનું કામ અકારથ નીવડ્યું હતું. એટલે પછી સરકાર શું કરે ? ‘અનિચ્છાએ અમારે જમીન ખાલસા કરવી પડી અને ભેંસ અને જંગમ મિલકતની જપ્તી કરવી પડી, અને પઠાણની મદદ માગવી પડી. પણ તેમાં ખોટું શું ? પઠાણોનું વર્તન તો દરેક રીતે નમૂનેદાર છે એ વિષે સરકારની ખાત્રી છે.’ આ પછી ખેડૂતોને ફરી પાછી ચેતવણી આપવામાં આવે છે : ‘તેમની જમીન સરકારી ખરાબા તરીકે દફ્તરે ચડાવી દેવામાં આવશે. . . . અને આવી રીતે લઈ લીધેલી જમીન તેમને કદી પાછી આપવામાં નહિ આવે;’ વળી, ‘આવી ૧,૪૦૦ એકર જમીનનો નિકાલ થઈ ચૂક્યો છે, અને બીજી ૫,૦ ૦૦ એકરનો યથાકાલે નિકાલ કરી દેવામાં આવશે’ વળી ‘આજ સુધીમાં એક લાખ રૂપિયા સરકાર તાલુકા અને મહાલના લેણા પેટે વસૂલ કરી ચૂકી છે, . . . ઘણા લોકો સામાજિક બહિષ્કાર અને નાતબહાર મૂકવાની તથા દંડની ધમકીને લીધે એ લોકો પાછા પડે છે, એટલે જો ૧૯ મી જૂન સુધીમાં લોકો ભરી દેશે તો તેમની પાસેથી ચોથાઈ દંડ લેવામાં નહિ આવે.’

લોકોએ આ જાહેરનામા — અનેક અર્ધસત્ય અને અસત્યોવાળા આ જાહેરનામા — ને સરકારની નાદારીની એક નવી જાહેરાત તરીકે ગણી કાઢ્યું. ચોથાઈ દંડની અને જપ્તી નોટિસો નકામી ગઈ, ખાલસા નોટિસો પણ નકામી ગઈ, ભેંસો પકડવામાં પણ સાર નથી દેખાતો. અને અમુક જમીન વેચાઈ અને બીજી વેચાશે એ ધમકીનો અર્થ લોકાએ એવો કર્યો કે સરકારની એક તસુ જમીન પણ વેચવાની મકદૂર ચાલવાની નથી. લોકોને ખરી, રીતે જમીન જશે એવો ડર જ રહ્યો હતો. આ વિષેના સરદારનાં એકેએક વચન તેમને ભવિષ્યવાણી જેવાં લાગતાં હતાં. સરદારે તો તેમને કહ્યું હતું :

“ યાદ રાખજો કે જે સત્યને ખાતર ખુવાર થવા બેઠા છે તે જ આખરે જીતવાના છે; ને જેમણે અમલદારો જોડે કુંડાળાં કર્યાં હશે તેમનાં મોં કાળાં થવાનાં છે, એમાં મીનમેખ થનાર નથી. જાણજો કે તમારી જમીન તમારું બારણું ખખડાવતી તમારે ત્યાં પાછી આવવાની છે અને કહેવાની છે કે હું તમારી છું.”

હવે ગામેગામ તેઓ સરકારી જાહેરનામાનાં જૂઠાણાં અને ધમકીઓના પોકળ ઉધાડાં પાડી સરકારની આબરૂના કાંકરા કરવા લાગ્યા .

“સરકાર કહે છે કે ૧૬૮૦ એકર જમીન તેમણે વેચી નાંખી છે અને હજી પ,૦૦૦ એકર વેચવાના છે. સરકારના કમિશનર કહે છે કે જમીનની કિંમત આકારના ૧૨૩ ગણી થઈ છે. જો આ જમીન વેચી તો એની એટલી કિંમત લીધી છે કે કેટલી તે જાહેર કરે, નહિ તો જમીન જેટલી કિંમતે વેચી છે તે પ્રમાણે સરકાર મહેસૂલ ઠરાવે. . . જમીન રાખનારાઓની સામે તો પારસી ભાઈઓ અને બહેનોની ટુકડીઓ ઊભી રહેશે ને કહેશે: મારો ગોળીઓ અને પચાવો જમીન; તમે જમીનમાં હળ મૂકો તે પહેલાં અમારી લેાહીની નીક વહેરાવવી પડશે અને અમારાં હાડકાનું ખાતર કરવું પડશે.”

બીજે એક ઠેકાણે કહ્યું :

“સરકાર જાહેરનામું બહાર પાડીને કહે છે કે ર૯મી જૂન સુધીની તમને મહેતલ આપીએ છીએ. આવા વાયદાના સોદા જ કરવા હોત તો પ્રજા આટલી મહેનત ને આટલાં સંકટ શા સારુ વહોરત ? . . . જાહેરનામામાં પઠાણની ચાલચલકતને ‘દરેક રીતે નમૂનેદાર’ કહેવામાં આવી છે તેમ કરોને તમે તેમનું અનુકરણ! તમારા અમલદારોને કહી દો કે એ પઠાણ જેવી જ નમૂનેદાર ચાલ ચાલે, પછી તમારે કોઈની સારી ચાલના જામીન લેવાપણું જ નહિ રહે. . . . સરકારને આપણું સંગઠન ખૂંચે છે. ખેડૂતને હું સલાહ આપું છું કે તમને દગો દે તેને બિલકુલ જતો ન કરો. તેને કહી દો કે આપણે એક હોડીમાં બેસીને ઝુકાવ્યું છે; તેમાં તારે કાણું પાડવું હોય તો તું હોડીમાંથી ઊતરી જા, અમારે ને તારે વહેવાર નહિ. આ સંગઠન અમારા રક્ષણ માટે છે, કોઈ ને દુઃખ દેવા માટે નથી. સ્વરક્ષા માટે સંગઠન ન કરવું એ આપઘાત કરવા બરાબર છે. વૃક્ષને વાડ કરી ઢોરથી બચાવીએ, ગેરુ લગાવીને ઊધઈથી બચાવીએ તો આવડી જબરી સરકાર સામે લડત માંડી છે તેમાં ખેડૂત પોતાના રક્ષણ માટે વાડ શા સારુ ન કરે ? . . . સરકાર કહે છે કે પહેલા પૈસા ભરી દો. ચોર્યાસી તાલુકાએ ભરી જ દીધા છે તો ? તેથી તમે તેને કયો ઇનસાફ આપ્યો ? . . . જાહેરનામામાં જપ્તીનો માલ રાખનારા અને જમીન રાખનારા મળ્યા છે એવી બડાશ હાંકવામાં આવી છે. મળ્યા તો કોણ મળ્યા છે ? માલ રાખનાર તમારા જ પટાવાળા અને પોલીસ, ભેંસ રાખનારા એકબે ખાટકી ખુશામત કરીને સૂરતથી લાવ્યા, અને જમીન રાખનારા સરકારના ખુશામતિયા અને સરકારી નોકરના સગાઓની કેવી આબરૂ છે તે જગત જાણે છે. ”

આ પછી જે ત્રણ વિભાગમાં જમીન વેચાઈ ગયાનું જાહેર થયું હતું તે ત્રણ વિભાગમાં શ્રી. વલ્લભભાઈએ બહેન મીઠુબહેન, બહેન ભક્તિબહેન, અને પોતાની પુત્રી બહેન મણિબહેનને તે વેચાયેલી જમીન ઉપર ડેરા નાંખીને બેસવાની વ્યવસ્થા કરી.

દેશમાં તો આ જાહેરનામા ઉપર સખત ટીકા થઈ, દરેક પ્રાંતનાં ઘણાખરાં વર્તમાનપત્રો બારડોલીની ખબરથી જ હવે ભરેલાં આવવા લાગ્યાં, અને સ્થાનેસ્થાને બારડોલીની સહાનુભૂતિને માટે સભાઓ થવા લાગી. આ સમયે નામદાર વિઠ્ઠલભાઈ પટેલ, જેઓ વડી ધારાસભાના પ્રમુખ છતાં ગુજરાત તરફથી ચૂંટાયેલા સભ્ય તરીકે આખી લડતનો અતિશય રસથી અભ્યાસ કરી રહ્યા હતા તેમણે આખી વસ્તુસ્થિતિ નામદાર વાઈસરૉયની આગળ રજૂ કરી અને વસ્તુસ્થિતિ ન સુધરે તો પોતે શું કરવા ધારે છે તે જણાવ્યું. વાઈસરૉયની સાથે ચર્ચા ચાલી રહી હતી. ત્યાં તો તેમણે સરકારનું ઉપર વર્ણવેલું જાહેરનામું છાપાંમાં જોયું, અને તરત જ તેમણે ગાંધીજીને એક પત્ર લખ્યો જે લડતના ઇતિહાસમાં એક ઉજ્જવળ પ્રકરણ પૂરું પાડે છે. પત્રની સાથે તેમણે ૧,૦૦૦ રૂપિયાનો ચેક મોકલ્યો, અને લડત ચાલે ત્યાં સુધી સહાનુભૂતિ તરીકે દરમાસે એટલી રકમ મોકલવાનું વચન આપ્યું. વડી ધારાસભાના પ્રમુખસ્થાને રહીને રાજકીય જેવી અને સરકારની સામે બંડ તરીકે વગોવાયેલી લડતને માટે તેઓ આવી સક્રિય સહાનુભૂતિ દાખવે એ ઘણાને સાનંદાશ્ચર્ય પમાડનારી વાત થઈ પડી. કેટલાક ગણ્યાગાંઠ્યાને એ વાત ખૂંચી પણ ખરી કારણે તેમની સ્થિતિ કઢંગી થતી હતી, પણ દેશમાં તો ના. વિઠ્ઠલભાઈનો પત્ર ગવાઈ રહ્યો, અને જેમનાથી તેમના સુકૃત્યનો લાભ લેવાય અને યત્કિંચિત્ અનુકરણ થઈ શકે તેમણે તે પ્રમાણે કર્યું. સરકારની સ્થિતિ આ પત્રથી કેટલી કઢંગી થઈ પડી તે તો સરકારી નોકરો વચ્ચે ચાલેલા પત્રવ્યવહાર આપણને કોઈ દિવસ જોવાના મળે ત્યારે ખબર પડે. આ રહ્યો તે ઐતિહાસિક પત્ર :

“જે પ્રદેશની વતી હું વડી ધારાસભાનો સભાસદ છું તેમાંનો બારડોલી તાલુકો એક ભાગ છે. ત્યાંના ખેડૂતોને સારુ તમે જાહેર મદદ માગી છે. હું પોતે ગુજરાતી હોઈ અને વડી ધારાસભામાં ગુજરાતનો પ્રતિનિધિ હોઈ બારડોલીની લડતનું નિરીક્ષણ ધ્યાનપૂર્વક કરી રહ્યો છું. જે પદ હું આજે ભોગવી રહ્યો છું તેના ધર્મને ધ્યાનમાં રાખીને બારડોલીના સત્યાગ્રહીઓને સારુ દાદ મેળવવા મેં યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. જો બારડોલીના સત્યાગ્રહીઓનું દુ:ખ નિવારણ કરવાનો અધિકાર સીધી રીતે હિંદી સરકારના હાથમાં હોત તો હું નામદાર વાઇસરૉયની પોતાની કુમક મારા હકની રૂએ માગત, અથવા તેમની સમિતિના જે સભ્યની હકૂમતમાં આ સવાલ આવત તેમની કુમક માગત, અને તેમને આ બાબતમાં લેાકપક્ષના હિમાયતી તરીકે તેમાં પડવાને વિનવત. કેમકે ગયે વર્ષે પ્રલય થયો ત્યારે આવી રૂઢિ દાખલ કરવામાં આવી હતી. ગુજરાતનો હું પ્રતિનિધિ હતો, પણ હું પોતે વડી ધારાસભામાં પ્રમુખ હોઈ મારું મોં બંધ થયું હતું. તેથી મારી વિનંતિને ધ્યાનમાં લઈને નામદાર વાઇસરૉયે પ્રલયવાળાં ક્ષેત્રની મુલાકાત લેવાની કૃપા કરી હતી, અને લોકો પ્રત્યે લાગણી બતાવી હતી, એટલું જ નહિ પણ આર્થિક મદદ પણ કરી હતી. બારડોલીની વાત કેવળ મુંબઈ સરકારના અધિકારમાં છે તેથી મજકૂર રૂઢિનો આશ્રય લઈ શકું તેમ નથી.

લડતના અભ્યાસ ઉપરથી મારી ખાતરી થઈ છે કે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસણી માગવાને સારુ બારડોલીના લોકોની પાસે સબળ કારણ છે. મારી એવી પણ ખાતરી થઈ છે કે પેતાના દુ:ખનું નિવારણ કરવાને સારુ લોકોએ કાયદેસર ગણાતા અને પોતાની શક્તિમાં રહેલા એવા બધા ઉપાયો લઈ લીધા છે. બારડોલીનાં સ્ત્રીપુરુષોની હિંમત, તેમની ધીરજ અને તેમની દુ:ખ સહન કરવાની શક્તિ જોઈને હું સાનંદાશ્ચર્ચ પામ્યો છું. પણ જે મહેસૂલ પોતાની વચ્ચે ને લોકોની વચ્ચે તકરારનું કારણ થઈ પડ્યું છે તે જ મહેસૂલ વસૂલ કરવાને સારુ સરકારે જે અઘટિત દબાણ કર્યું છે તે જોઈ ને મને દુ:ખ થયું છે, અને રોષ પણ આવ્યો છે. હું માનું છું કે સરકારે અખત્યાર કરેલો માર્ગ કેટલીકવેળા કાયદાની, વ્યવસ્થાની અને વિવેકની હદ ઓળંગી ગયો છે. ગુજરાતના કમિશનરના ઉદ્ધત કાગળે બળતામાં ઘી હોમ્યું છે.

આ સ્થિતિમાં મારાથી મૂંગા રહેવાય તેમ નથી. નથી હું ઉદાસીનપણે વર્તી શકતો. તેથી હું તમને જે આર્થિક મદદ તમે માગી છે તેમાં એક હજાર રૂપિયાની નાનકડી રકમ આ સાથે મોકલું છું. પણ મને દુ:ખ તો એ થાય છે કે લોકો પ્રત્યે લાગણી બતાવવા સારુ અને સરકારની જુલમગાર નીતિ પ્રત્યે તથા ગુજરાતના કમિશનરના કાગળ પ્રત્યે મારો સખત અણગમો બતાવવા સારુ હું આ હૂંડી મોકલવા ઉપરાંત આ વખતે કંઈ વધારે કરી શકતો નથી. જ્યાં સુધી લડત ચાલશે ત્યાં સુધી પ્રતિમાસ એક હજાર રૂપિયા તો હું તમને મોકલતો રહીશ. પણ આટલી વધારે ખાતરી તો હું તમને આપી દઉં. જેમણે મને આ મોટું પદ આપ્યું છે તેમની સાથે મસલત કરવાની વહેલામાં વહેલી તક મેળવી લઈશ. જે અધિકારનું માન  હું અત્યારે ભાગવું છું તે મારે મન તે કેવળ સેવાધર્મ છે. અને જો હું એવું જોઈ શકીશ કે બારડોલીના સત્યાગ્રહીઓના દુ:ખમાં આર્થિક મદદ આપવા ઉપરાંત વધારે અસરકારક ભાગ હું લઈ શકું છું તો તમે જાણજો કે હું પાછો નહિ પડું.

ગાંધીજીએ લખ્યું :

વિઠ્ઠલભાઈ પટેલનો પત્ર મારે હાથ આવ્યો છે, તે જોઈ કોનું હૃદય નહિ ઊછળે ? પણ જે આશાએ તે પત્ર શ્રી. વિઠ્ઠલભાઇએ લખ્યો છે તે આશા સફળ કરવી બારડોલી સત્યાગ્રહીઓના જ હાથમાં છે.”

બારડોલી સત્યાગ્રહીઓને તો પોતાની ટેક ઉપર અડગ રહેવા સિવાય બહુ કરવાપણું રહ્યું નહોતું. પણ એ પત્રથી બારડોલીમાં તેમજ બહાર ઘણાંખરાંનાં હૃદય ઊછળ્યાં. શ્રી. નરિમાન અને બાલુભાઈ દેસાઈ ( મુંબઈ નગરના ), શ્રી. નારણદાસ બેચર, ( કરાંચીના ), શ્રી. જયરામદાસ દોલતરામ ( હૈદરાબાદના ) સભ્યોએ ધારાસભામાંથી પેાતાનાં સ્થાનનાં રાજીનામાં આપ્યાં. આ ના. વિઠ્ઠલભાઈના પત્રના સુફળરૂપે જ ગણીએ તો ખોટું નથી. હવે પછીના પ્રકરણમાં જોશું કે બીજા જાહેર કામ કરનારાઓને પણ એ પત્રે જાગૃત કર્યા. પણ જાહેર કામ કરનારા મહાપુરુષોના કરતાં નાનકડા માણસોએ જે રીતે બારડોલીના યજ્ઞમાં ભાગ લીધો તે વધારે આશ્ચર્ય પમાડનારો હતો. શ્રી. જયરામદાસે ૧૨ મી જૂનનો દિવસ ‘બારડેાલી દિન’ તરીકે સૂચવ્યો હતો, અને મહાસભાના પ્રમુખે એ સૂચનાને વધાવી લીધી હતી. એ દિન આવે તે પહેલાં તો બારડોલી તાલુકાના ૧૩ પટેલો અને ૧૧ તલાટીઓએ રાજીનામાં આપી દીધાં હતાં. આ બલિદાનનો મહિમા આ નોકરોની સ્થિતિ ન જાણનારને પૂરેપૂરો ન સમજાય. વાચકે યાદ રાખવાની જરૂર છે કે સને ૧૯૨૧ની સાલમાં જ્યારે બારડોલી સવિનય ભંગને માટે તૈયાર થયું હતું ત્યારે પણ કોઈ તલાટી પેાતાનું રાજીનામું લઈ ને આગળ આવ્યો નહોતો. ૨૦ થી ૨૫ વર્ષ સુધીની નોકરી કરી પેન્શનને લાયક થયેલા આ તલાટીઓ પોતાના નાના પગારની નોકરીનાં રાજીનામાં આપે, અને તે પણ સરકારની નીતિને સખત શબ્દોમાં વખોડી  નાંખનારા કાગળ લખીને આપે એ બારડોલીમાં બલિદાન પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું એમ બતાવે છે. જ્યારથી લડત શરૂ થઈ હતી ત્યારથી પટેલતલાટીઓ ઉપર વલ્લભભાઈના મીઠા પ્રહાર પડ્યા જ કરતા હતા. ત્રણ મહિના અગાઉ તેમણે પટેલતલાટીને આ પ્રમાણે વર્ણવ્યા હતા :

“આ રાજ્યરૂપી ગાડાને બે પૈડાં છે, એક પટેલ અને બીજો તલાટી; અથવા સરકારની ગાડીના એ બે બળદ છે. આ બળદ રાતદિવસ ખૂબ ફટકા ખાય છે, ગાળો ખાય છે, કોઈકોઈવાર જરાક ગોળ ચટાડે છે તે મીઠો લાગે છે, અને માર ને ગાળ બધું ભૂલી ગાડું ખેંચે છે.”

આ પ્રહારોની કોઈના ઉપર માઠી અસર થાય, પણ આ દેશભક્ત પટેલતલાટીએાનામાં એણે ધર્મભાન જાગૃત કર્યું. આ પટેલતલાટીનાં રાજીનામાં અપાયાં ત્યારથી સરકારના સાંધા ખરેખર ઢીલા થવા લાગ્યા, અને સરકારી અમલદારોના ઉરમાં ખરી અરેરાટી પેઠી.

ગાંધીજીએ આ બલિદાનની નોંધ લેતાં આ વીર પટેલતલાટીઓ વિષે લખ્યું : ‘‘એમને મારા આદરપૂર્વક ધન્યવાદ. એમના બલિદાનની આખા ભારતમાં સ્તુતિ થઈ રહી છે. એમનાં જેવાં બલિદાન જ આખરે આપણને સ્વરાજ્ય અપાવશે. ”