← ગાજવીજ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
લોકશિક્ષણ
મહાદેવભાઈ દેસાઈ
‘બારડોલી દિન’ →


૨૧
લોકશિક્ષણ
“હું ગુજરાતના ખેડૂતની રગેરગમાં અને હાડેહાડમાં સ્વતંત્રતાની હવા પૂરવા માગું છું.”

બા રડોલીના ખેડૂતોની લડત કેવળ ભગવાનને જ ભરોસે ચાલ્યા કરતી હતી એમ તો કાઈ ન જ માને. સરદારની સફળતાની કૂંચી ખેડૂતોનું તેમનું જ્ઞાન અને તેમના ઉપર અપાર પ્રેમ હતો, તેમજ સરદારની લોકશિક્ષણની નિપુણતા પણ હતી. સરદાર લોકશિક્ષણના પાઠ એક પછી એક ધીમેધીમે ભણાવ્યે જતા હતા, એ વિવેકી વાચકના ધ્યાનબહાર ન હોય. આ લોકશિક્ષણના પાઠનો ક્રમ આ પ્રકરણમાં આપવાનો પ્રયત્ન કરશું. એમાં ઘણી વાતનું પુનરાવર્તન થશે, પણ સરદારની લોકશિક્ષણની કલાના આવી રીતે અલગ પ્રકરણમાં ઉલ્લેખ કરવાના દેખીતા લાભો છે.

૧. ભડક ભાંગી — સરદારનો પ્રથમ પાઠ તો લોકોની ભડક ભાંગવાનો હતો એ સૌ કોઈ જાણે છે. ગુજરાતના અને ખાસ કરીને બારડોલીના લોકો પોચા, ઢીલાં ધોતિયાં પહેરનારા, માલ વિનાના મનાતા આવતા હતા. તેમને શૂરવીર બનાવવાની આ લડત હતી. એટલે પહેલવહેલું કામ સરદારે લોકોની ભડક ભાંગવાનું લીધું. અનેક ભાષણોમાં તેમણે લોકોને સમજાવ્યું કે સરકારનો ભય એ મિથ્યા છે, ભૂતના ભડકાના જેવો ભય છે: “ આ મહેસૂલની લડત લડતાં આપણને માલૂમ પડી જવાનું છે કે આ રાજ્ય તદ્દન પોલું ફૂંકમાં ઉડી જાય એવું છે.’ લોકશિક્ષક તરીકે સરદારની તુલના સહેજે લોકમાન્ય તિલકની સાથે કરવાનું મન થાય છે. તેમનાં સુપ્રસિદ્ધ અહમદનગર અને બેલગામનાં ભાષણો જેમણે વાંચ્યાં હશે તેમને સરદારનાં આ ભાષાણોનું તે ભાષણો સાથે અજબ સામ્ય જણાશે.

“સરકાર શી ચીજ છે ? કોઈએ તેને દેખી હોય તો બતાવોની ? ” હું તો દેખતો નથી, કારણ તે ભૂત જેવી છે. સરકાર એટલે કે શું ? સરકાર એટલે મામલતદાર ? ફોજદાર કે તલાટી ? કે પટેલ ? કે વેઠિયો ? આ બધાની મળીને સરકાર બનેલી છે એટલે એને ક્યાં પત્તો લાવો ? કોઈ એક વ્યક્તિ નથી એટલે આપણે કોને સરકાર માનીએ ? આપણે પોતે જ ભ્રમથી અમુક એક જણને સરકાર માનીએ છીએ અને પછી તેનાથી ડરીએ છીએ. તેથી હું તમને કહું છું કે તમારો ભ્રમમૂલક ડર કાઢી નાંખો. તમારે ડરવાનું શા માટે હોય ? તમે કોઈની ચોરી કરી નથી, તમે લૂંટફાટ કરી નથી, મારામારી કરી નથી.”

આ શબ્દો લોકમાન્યના કોઈ પણ ભાષણમાં મૂકી દીધા હોય તો ખબર ન પડે કે એ બીજા કોઈના ઉદ્‌ગારો છે. અમલદારો વિષેના તેમના બીજા ઉદ્‌ગારો તો ‘દુ:ખની વખતે રૈયતની પડખે ઊભા રહે તે અમલદાર, બાકી બધા હવાલદાર ?’ એવી અમલદારની સૂત્રરૂપ વ્યાખ્યાની ઉપર ભાષ્યરૂપ હતા.

૨. સંગઠન — બે પ્રકારનાં સંગઠન તાલુકામાં જરૂરનાં હતાં. એક તો સાહુકારો અને ગરીબો, જમીન ગણોતે આપનારા અને જમીન ગણોતે લેનારા એ બે વર્ગની વચ્ચે, અને બીજું સંગઠન જમીન જાતે ખેડનારાઓ વચ્ચે, પછી તે ગમે તે જાતપાતના હોય. આરંભમાં પહેલું સંગઠન એ વધારે આવશ્યક હતું. જમીન ન ખેડનારા અને મુકાબલે સુખી એવાને ખેડૂતનો સ્વાર્થ એ જ તેમને સ્વાર્થ છે અને ખેડવાની એક પણ વીઘું ભોંય ન હોય અને કેવળ ગણોતે ખેડતા હોય તેવાને સાહુકારનો સ્વાર્થ એ પણ તેમનો સ્વાર્થ છે એ સમજાવવાનું કામ મોટું કામ હતું. સુભાગ્યે ઍંડર્સનના ઊંધા આંકડા છતાં બારડોલીમાં આવો વર્ગ બહુ ઓછો હતો, જાતે ખેતી કરનારાઓની જ સંખ્યા ૯૦ ટકા થવા જાય એટલી હતી. છતાં શ્રી. વલ્લભભાઈ એ લડતના આરંભના  દિવસોમાં વધારે મુલાકાત વાલોડ, બારડોલી, વાંકાનેર એવા મોટા મોટા કિલ્લાઓને જ આપી. જમીન ન ખેડી ગણોત આપનારાઓને ઠસાવ્યું કે તેમને વાંકે ગરીબો માર્યા ગયા છે અને તેમણે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ, ખાસ એ સમજાવ્યું કે સરકારની યારીના કરતાં ખેડૂતની યારી જ આખરે કારગત આવવાની છે.

“તમે ખેડૂતનો દ્રોહ કરીને સરકારના વફાદાર શા સારુ થવાને જાઓ ? સરકાર તો જાતજાતના વેરા નાંખનારી છે, પણ ખેડૂત તો તમને પરસેવો ઉતારી માલ પકવી આપશે, કે જેના ઉપર તમે તમારો દલાલીનો ધંધો ચલાવી કમાણી કરો છો. એ દૂઝણી ગાયને ભાંગશો તો ખેડૂત તો બિચારો તમને જતા કરશે પણ ગરીબનો બેલી ઈશ્વર તમને જતા નહિ કરે. જેની મહેનત અને ધન ઉપર તમે નભો છો તેને દગો ન દેશો.”

કોઈ સાક્ષર એમ કહે કે સરદારે તો ઉપમા અને દૃષ્ટાંતોથી બારડોલીની લડત જીતી છે તો તેનો બહુ દોષ ન કાઢી શકાય. પણ સરદારનાં દૃષ્ટાન્તો અને ઉપમાઓ ખેડૂતના અનાજની જેમ ધરતીમાંથી પાકેલાં હતાં, એટલે જ તે ખેડૂતોનાં હૈયાંમાં સોંસરાં પેસી જતાં. સાહુકારો અને ખેડૂતોનો સંબંધ વર્ણવતાં એક ઠેકાણે સરદારે કહ્યું : ‘ખેડૂતસાહુકાર વચ્ચે અત્યારે દૂધપાણીનો સંબંધ બંધાયો છે. દૂધપાણી ભળ્યાં એટલે બેઉ એકરંગ થાય છે ને કદી છૂટાં નથી પડતાં. દૂધ ઊકળે છે ત્યારે પાણી દૂધને બચાવવા નીચે જઈ પોતે પહેલું બળે છે અને દૂધને ઉપર કાઢી તેનો બચાવ કરે છે. દુધ પછી પાણીનો બચાવ કરવા પોતે ઊભરાઈ આગમાં પડી આગને હોલવવા મથે છે. એ જ પ્રમાણે આજે ખેડૂતસાહુકાર એક થયા છે.’

બીજું સંગઠન ખેડૂતખેડૂત વચ્ચેનું. બહિષ્કારની વાડનો આ સંગઠનને માટે સરસ ઉપયોગ છે એમ શ્રી. વલ્લભભાઈએ પ્રથમથી જ નિશ્ચય કરી લીધો, અને તેને ધીમેધીમે પ્રચાર કરતા ગયા. પાંચ હજાર ગાઉ દૂરથી આવેલા એકબીજાને વળગીને રહ્યા છે, એકે કર્યું બીજો ઉથાપતો નથી, ઊલટું એકે ખોટું કર્યું હોય તો તેને બીજો ટેકો આપે છે, તો આપણે આ ન્યાયની લડતમાં એના કરતાં કાચું મંડાણ શા માટે રાખીએ ?

 આને માટે સત્યાગ્રહપ્રતિજ્ઞા ઉપર સહી કરાવવાની યોજના હતી. પ્રતિજ્ઞા ઉપર સહી ન કરનાર આરંભથી જ શંકાની નજરથી જોવામાં આવતા, અને પ્રતિજ્ઞા ઉપર સહી ન કરનારાં ગામો ઉપર સરદારે પહેલા હુમલા કર્યા. પાછળથી પ્રતિજ્ઞા ઉપર સહી આપીશું એમ કહેનારાઓને તેઓ જવા દેતા નહોતા, ઊલટા તેમને સારી રીતે ઉઘાડા પાડતા હતા :

“તમારા મનમાં એમ હશે કે બેચારને પાડીને પછી આપણે એમની ઓથે રહીને ભરી આવશું, તો હું તમને ચેતવવા આવ્યો છું કે તમે ભયંકર કામ કરો છો, ને તેનું તમને ભોગવવું પડવાનું છે. જે નાવમાં આખો તાલુકો બેઠો છે એ જ નાવમાં તમે બેઠા છો. જો નાવમાં ગાબડું પાડશો તો નાવ ડૂબશે, તાલુકો ડૂબશે, પણ યાદ રાખજો તમે બચવાના નથી.”

જ્યારે પ્રતિજ્ઞાપત્રો ઉપર સહીઓ થઈ રહી અને ક્યાંક ક્યાંક સરકારી નોકરોની ફસાવણીથી ખેડૂતો પડવા લાગ્યા એટલે સરદારે ખેડૂતોને કહ્યું : ‘મારી અને મારા સાથીએાની ગરદન કાપીને પૈસા ભરવા હોય તો ભરજો.’

એ જ પ્રમાણે સંગઠનને માટે બહિષ્કારના શસ્ત્રનો કડક પ્રયોગ પણ તેઓ જ્યારે સરકારથી વધારે છંછેડાયા ત્યારે ઉપદેશવા લાગ્યા. કલેક્ટર કહે, લોકો બહિષ્કારથી ડરાવીને કોઈને ભરવા દેતા નથી; કમિશનર કહે, બહિષ્કાર જો બંધ થાય તો બધાં સારાં વાનાં થાય; સરકારના જાહેરનામામાં પણ બહિષ્કારની વાત આવી અને એમાં તો લોકોને છાના ભરી જવાની નફટ સૂચના પણ કરવામાં આવી. આની સામે સરદારે ઠેરઠેર પોકારી પોકારીને કહ્યું, વહાણમાં કાણું પાડનારને ધક્કો મારીને બહાર કાઢો, તેનું કોઈ મોઢું ન જુઓ, તેની સાથે કાંઈ કામ ન પાડો. આમ બહિષ્કાર પ્રતિજ્ઞા તોડનારનો જ નહિ, પણ ખેડૂતની જમીન લેનારનો પણ ઉપદેશાયો. ‘હું સંગઠન કરવાનું કહું છું પણ સરકારને ગમતું નથી. પાંચ હજાર માઈલ દૂરથી આવીને એ લોકો પોતે શું કરે છે ? સંગઠન કરીને આખા હિંદુસ્તાનને ગુલામ બનાવે છે… ગમે તેવા ચમરબંધી હોય પણ બારડોલીના ખેડૂતને દગો દેતા હોય તેને દૂર કરજો, તેના સંગ છોડજો; ગાર્ડાજી અને માનાજી  જેવાથી બચજો, તેની જમીન પડતર રહેવા દેજો. ખેડૂતના પેટ ઉપર પગ મૂકીને સરદારો થયા છે તેવાને જમીન શા સારુ ખેડી આપવી ? એની જમીનમાં ખેડૂતબચ્ચો કદી પગ ન મૂકે.’

બહિષ્કારને ક્યાંક ક્યાંક વધારે પડતી હદ સુધી લઈ જવાના દાખલા પણ બનતા હતા. એવું જલદ હથિયાર હાથમાં આવે અને એનો કદી દુરુપયેાગ થાય જ નહિ એવું તો નહોતું જ. પણ જ્યાં જ્યાં એનો દુરુપયેાગ થવાની ખબર આવતી ત્યાં શ્રી. વલ્લભભાઈ પહોંચી જતા અને ઘટતું કરતા. આકરું યુદ્ધ ચાલતું હોય ત્યારે આથી વિશેષ તો શું બની શકે ? બહિષ્કારમાં કઈ વસ્તુ આવે અને કઈ વસ્તુ ન આવે એ વિષે શ્રી, વલ્લભભાઈ જેટલી ચોખવટ થઈ શકે તેટલી કર્યા જ કરતા. તેમનાં અનેક ભાષણોમાંના બહિષ્કાર વિષેના ઉદ્‌ગારનો સાર મારી ભાષામાં આપું તો આ છે :

‘બહિષ્કાર કેમ ન કરીએ ? સરકાર બહિષ્કાર નથી કરતી ? સરકારની અનીતિમાં શામેલ ન થાય એ અમલદારને સરકાર પાણીચું આપે છે. જે મામલતદાર એમના કહ્યા પ્રમાણે નિર્લજ્જ કામો ન કરે તેને પાણીચું આપે છે, અથવા બદલે છે. તો તમે શા સારૂ બહિષ્કાર ન કરો ? તમે કાંઈ કોઈની રોજી નથી છીનવી લેતા; તમે તો માત્ર એની સાથે સંબંધ છોડો છો, એની સેવા લેવી બંધ કરો છો. એ બહિષ્કાર કરવાનો પ્રત્યેક સમાજનો જન્મસિદ્ધ હક છે. કોઈની કનડગત કરવાનું એમાં આવતું નથી. આપણે કોઈનું પાણી, દુધ, ખાવાપીવાનાં સાધનો, મંદિર, માંદગી વેળાની સેવા, સ્મશાને પહોંચાડવાની સેવા બંધ નથી કરી શકતા; એવું કરીએ તો માણસજાતમાંથી મટી જઈએ. આપણે બહિષ્કાર કરીને માણસ મટવું નથી, સામાને માણસ બનાવવો છે. બહિષ્કાર કેવળ આત્મરક્ષણાર્થે છે. જેમ નાના ઊગતા છેાડને વાડની જરૂર છે, ઊધઈ ન લાગે તે ખાતર ગેરુ અથવા ડામરની જરૂર છે તેમ સ્વતંત્રતાનો સ્વાદ ચાખી સ્વતંત્ર રીતે પગ ઉપર ઊભા રહેતાં હમણાં જ શીખેલા સમાજને સમાજદ્રોહીઓમાંથી બચવા માટે બહિષ્કારની જરૂર છે.’

આ જ વિચારોનો અમલ પણ સંજોગો પરત્વે, વ્યક્તિ પરત્વે કેટલો લાંબોટૂંકો કરી શકાય તે પણ સરદાર સમજાવતા. બહારના માણસો જે સરકારની સૂઝે આ તાલુકામાં ફૂટ પડાવવા આવતા હતા, જમીનો ખરીદવા આવતા હતા તેમની સામે આકરો બહિષ્કાર તે ઉપદેશતા, પણ તાલુકામાં જ વસતા નબળાપોચા સામે એ બહિષ્કારને સૌમ્ય કરવાની સલાહ આપતા. આનો એક દાખલો આપું.

એક ગામના એક પારસીએ બહારના મોટા મોટા પારસી નેતાઓને છેતર્યાં, તેમની આંખમાં ધૂળ નાંખી, અને સત્યાગ્રહી હોવાનો દાવો કર્યો. લોકોને ખબર પડતાં તેમણે તેનો બહિષ્કાર કર્યો. બહિષ્કારની વિચિત્ર વાતો છાપામાં આવી; સદરહુ પારસીને નોકર નથી મળતા, તેને ત્યાં દાક્તરને આવવા દેવામાં નથી આવતા એવી ખબર આવી. શ્રી. વલ્લભભાઈ પોતે તે ગામે તપાસ કરવા ગયા. પારસીને બોલાવ્યા, ગામના લોકોને એકઠા કર્યા. દાક્તર ન જવા દેવાની, નોકર ન મળવાની ફરિયાદ ખોટી છે એમ પારસી ભાઈએ એકરાર કર્યો; પણ મજૂરો નથી મળતા, હજામ નથી મળતો, દારૂ પીનારા દુકાને નથી આવતા, એ ફરિયાદો કરી. શ્રી. વલ્લભભાઈએ બંને પક્ષને સમજાવ્યા અને બહિષ્કારશાસ્ત્રનો નવો નિયમ સમજાવ્યો :

“બહિષ્કાર કરવાનો આપણને હક છે, પણ તે આપણા માણસોની સામે. આપણી મોટી કોમોમાં જે ઊધઈ પાકે તેની સામે બહિષ્કાર કરો, પણ પારસી જેવડી નાનકડી કોમનો કોઈ માણસ પડે તો તેને દરગુજર કરો. દારૂ એને ત્યાં કોઈ ન પીવા આવે એમાં તમે કશું ન કરી શકો, પણ એને ત્યાં ન જઈને બીજાની દુકાને પીવા જાય એવું કોઈને ન સમજાવો. એને મજૂરો મળવા જોઈએ, હજામ મળવો જોઈએ. પારસી સજ્જને પણ તમારી સાથે રહેવું હોય તો પોતાની અગવડોનો તમારી આગળ ખુલાસો કરી દાદ મેળવવી જોઈએ. પણ તમારામાંના જે તમારી સામે દ્રોહ કરે તેનો તો પાકો બહિષ્કાર જરૂર કરજો. બહિષ્કારમાં પણ મનુષ્યને જે સેવાનો હક છે તે સેવાનો તો ત્યાગ ન જ થાય; પણ એ માણસની સેવા લેવાનું, તેની સાથે ભેગા થવાનું, તેની સાથે રોટીબેટી વ્યવહારનું બંધ કરજો.”

 ૩. પરિસ્થિતિને પહોંચી વળવાની કળા — જપ્તી કરવાનું જ્યારે શરૂ થયું ત્યારે તો ખાતેદારો પોતાની દુકાન અથવા ઘર બંધ કરી રાખે એટલું જ કહેવામાં આવતું હતું. તેમને ‘આપણાં નળિયાં ભંગાવી પડોશીનું ઘર બચાવવાનો’ પાઠ શીખવવામાં આવતો હતો, પણ જ્યારે પ્રચંડ ભઠ્ઠી સળગી ત્યારે આખા તાલુકાને કારાગૃહમાં પુરાવાની સરદારે સલાહ આપી.

જબરદસ્ત બંદોબસ્ત છતાં પણ જ્યારે પઠાણો વાડો તોડવા લાગ્યા, બારણાના નકૂચા ઉખેડવા લાગ્યા, ગાડાં ખેંચી જવા લાગ્યા, ત્યારે સરદારે તેમને કહ્યું :

“ગાડાંના સાલપાંસરાં જુદાં કરી નાંખો, પૈડાં એક ઠેકાણે રાખો, સાટો બીજી જગ્યાએ રાખો, ઘર ત્રીજી જગ્યાએ રાખો; વાડાની વાડ એવી મજબૂત કરો કે એ વાડો કૂદીને એ ન પેસી શકે, એમાં છીંડું ન પાડી શકે; બારણાં એવાં તો મજબૂત કરો કે કુહાડો લાવીને ચીરે તો જ એ બારણાં તૂટી શકે, એ લોકોને બરાબર થકવી નાંખો.”

જમીન ખાલસા થવાની વાત આવી ત્યારે પ્રથમ સરદારે વસ્તુમાત્રના નાશવંતપણાની ફિલસૂફી સમજાવી : આપણને કેટલી જમીન જોઈએ ? મુસલમાનને પાંચ હાથ અને હિંદુને તો ઘડીકવાર માટે ત્રણ ચાર હાથ જોઈએ, તેયે બળી ગયો એટલે પાછી બીજાને કામ લાગે; રેલમાં ઘરો તણાઈ ગયાં, માણસ તણાઈ ગયાં તો જમીનનું શું ? આખરે જ્યારે જમીન ખાલસા થવા માંડી ત્યારે જમીન ખાલસા કરવાની કોઈની મકદૂર નથી, સરકાર જમીનને માથે મૂકીને વિલાયત નહિ લઈ જાય, અને પોલીસો આવીને નહિ ખેડે એમ કહીને સમજાવવા લાગ્યા. અને જ્યારે પૂરેપૂરું સંગઠન થઈ રહ્યું ત્યારે લોકોને કહ્યું, ‘શરૂ કરો વાવણી, જોઈ લેશું સરકાર શું કરે છે,’ અને સરકારને પડકાર કરીને કહ્યું : ચાસેચાસ પાછા મેળવ્યા વિના આ લડાઈ બંધ થનાર નથી.

પણ સૈાથી મહત્ત્વનું શિક્ષણ અહિંસાનું હતું. જ્યારથી કલેક્ટરે ‘આગ અને અત્યાચાર’નો બાહુ ઊભો કર્યો ત્યારથી શ્રી. વલ્લભભાઈ પ્રથમ કરતાં વધારે ચેત્યા કે સરકાર તોફાન કરાવતાં ચૂકે એમ નથી, અને લડતને માટે તોફાન જેવી ઘાતક વસ્તુ એકે નથી, એ તેમણે લોકોને સમજાવવા માંડ્યું. સરદારની અહિંસા ઉપર એક અણધારી દિશામાંથી ટીકા આવી છે કે સરદારનાં તીખાં અને ધગધગતાં ભાષણોમાં અહિંસા નહોતી. સરદારે તો સ્પષ્ટ કહ્યું છે કે ‘આધ્યાત્મિક’ અહિંસાને આ જન્મે પહોંચીશ કે નહિ તેની મને ખબર નથી, મને તો વ્યાવહારિક અહિંસા આવડે છે, અને મારા જેવા જાડી બુદ્ધિના ખેડૂતો આગળ એવી જાડી અહિંસા જ મૂકું છું, સૂક્ષ્મ અહિંસા તેમનું ભાગ્ય હશે તો તેઓ આગળ ઉપર સમજશે. ભાષણોની ટીકા કરનારાને એટલું જ કહી શકાય કે એમનાં આકરાંમાં આકરાં ભાષણ પણ લોકોને શાંત રાખવાના હેતુથી પ્રેરાયેલાં હતાં. પણ આની ચર્ચા આ સ્થાને ન કરું. ‘વીર વલ્લભભાઈ’ નામના મારા પુસ્તકમાં આની જરા વિસ્તારથી મેં ચર્ચા કરી છે.

સરદાર લડતની કળામાં નિપુણ હતા એટલું જ નહિ પોતાના સૈનિકોનું જોર જાણતા હતા, અને તેના જોરનું માપ કાઢી કાઢીને આગળ પગલાં લેતા જતા હતા.