બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/‘બારડોલી દિન’

← લોકશિક્ષણ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
‘બારડોલી દિન’
મહાદેવભાઈ દેસાઈ
આરોપી ન્યાયાધીશ બન્યા →



૨૨
‘બારડોલી દિન’

“મોટું મહાભારત યુદ્ધ થઈ ગયું તે પણ ૧૮ દિવસમાં પતી ગયું હતું. પરંતુ બારડોલીના લોકો કે જેમણે હાથમાં લાકડી પણ કદી પકડી નથી, તેમણે ચારચાર મહિનાથી આટલી તોપબંદૂકવાળી સરકારને હંફાવી એ તમારી ઇજ્જતનો મોંઘો વારસો તમે ભવિષ્યની પ્રજા માટે રાખી જશો.”

ડતને ચાર મહિના થઈ ગયા હતા. ચાર માસમાં બારડોલીના લોકોએ સ્વપ્ને પણ ન ધાર્યું હતું એટલા તેઓ પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા. પણ એ પ્રસિદ્ધ થવાનું ભાન તેમને ન હતું એ જ તેમના સત્યાગ્રહને શોભાવનારી તેમજ સાચવી રાખનારી વસ્તુ હતી. પ્રસિદ્ધિને માટે કરતા હોત તો ક્યારના તેઓ પડી ચૂક્યા હોત.

‘બારડોલી દિન’ આખા દેશમાં ઊજવવામાં આવ્યો, ગુજરાતનાં તો સેંકડો ગામે એ દિવસ ઊજવ્યો, સ્ત્રીઓ અને પુરુષોએ ફાળા કરીને બારડોલી પહોંચાડ્યા. બારડોલીના સત્યાગ્રહીઓએ ૨૪ કલાકનો ઉપવાસ કર્યો અને પ્રાર્થના કરી. મુંબઈના યુવકોના ઉત્સાહનો તો પાર નહોતો. તેમણે ઘેર જઈ ને ઉઘરાણાં કર્યાં, અને સરદારને મુંબઈ આવે ત્યારે ભેટ ધરવાની આલેશાન તૈયારીઓ રાખી. નેતાઓની સહાનુભૂતિ તો હતી જ, અનેક સ્થાને ‘બારડોલી દિને’ અનેક નેતાઓએ સભાઓ ભરી હતી. પણ સ્વ. લાલાજીએ ‘બારડોલી દિન’ નિમિત્તે ચિરસ્મરણીય સહાનુભૂતિ મોકલી. ગાંધીજી કે સરદાર તેમને આવવા દે એમ તો હતું નહિ, એટલે તેમણે કાગળ લખ્યો :

“રૂ. ૫૦૦ની નજીવી ભેટ હું મારી ખાનગી આવકમાંથી મોકલું છું. બારડોલી આજે હિંદુસ્તાનની લડત લડી રહ્યું છે, અત્યારે એ એક જ રસ્તો રહેલો છે. હિંદ અખિલ ભારતીય સવિનયભંગ નથી કરી શકતું એટલે આવી છૂટી છૂટી લડતો લડવી એ જ આપણે માટે શક્ય છે. ઈશ્વર બારડોલીનું રક્ષણ કરો. મારા મિત્રોએ મારી રકમની સાથે રૂ. ૧,૫૦૦ પોતા તરફથી ભર્યાં છે.”

સત્યાગ્રહફંડનાં નાણાંનો ઇતિહાસ તો દેશના ઈતિહાસમાં રહી જાય એવો કહેવાય. બારડોલીમાં તો ચેક અને મનીઑર્ડર ચાલ્યા આવતા હતા જ, તેવી જ રીતે ‘નવજીવન’ અને ‘યંગ ઇંડિયા’ ઓફિસે પણ આવતા હતા. આ નાણાં ભારતના પ્રત્યેક પ્રાંતમાંથી જ નહિ, પણ દૂર દૂર દેશો — ફ્રાન્સ, બેલ્જિયમ, જાપાન, ચીન, ન્યુઝીલૅંડ, મલાયસ્ટેટ્સ અને ફીજીમાંથી આવતાં હતાં. દક્ષિણ આફ્રિકાનાં નાણાં તો જાણે બારડોલીનાં જ ગણાય. આ નાણાંમાં કેવાં કેવાં પવિત્ર દાનો હતાં એ તો માત્ર થોડા જ દાખલા આપીને બતાવી દઉં.

અમદાવાદના મજૂરમંડળે આ લડતમાં ખૂબ રસ લીધો હતો. ગરીબ મજૂરોએ એક એક આનાની રસીદો કાઢી, અને એ મહામહેનતે બચાવેલા પોતાના પરસેવાના એકએક આનામાંથી દોઢ હજાર રૂપિયા તેમણે મોકલ્યા. સ્વામી શ્રદ્ધાનન્દજીના ગુરુકુળના બ્રહ્મચારીઓએ આશ્રમની મરામત વગેરે કરીને પચાસ રૂપિયા ભેગા કર્યા. ગુરુકુળના કાર્યકર્તાઓએ બસેં રૂપિયા આપ્યા. એ બસેંમાં ગુરુકુળના એક રસોઇયાએ આગ્રહપૂર્વક પોતાનો એક રૂપિયો નાંખ્યો. સૂપા ગુરુકુળના બ્રહ્મચારીઓએ કેટલાક દિવસ ઘીદૂધનો ત્યાગ કર્યો, મજૂરી કરી અને પાંસઠ રૂપિયા આપ્યા. ત્યાંના કાર્યકર્તાઓએ પંચાસી રૂપિયા આપ્યા. ઠેઠ બંગાળથી અભય આશ્રમના કાર્યકર્તાઓએ શાકભાજીનો ત્યાગ કરી પોતાની નાનકડી રકમ મોકલી. જે ચોર્યાસી તાલુકાના ખેડૂતોએ ખુશીથી વધારો આપી દીધો એમ કહીને તેમનું અપમાન થઈ રહ્યું છે તેમણે વાંઝ ખાતે ગંજાવર પરિષદ ભરી વલ્લભભાઈને લગભગ અઢી હજાર રૂપિયા આપ્યા, અને સાથે સાથે જાહેર કર્યું કે મહેસૂલ તો અમે પરાણે ભર્યું છે કારણ કે તે વેળા અમે સત્યાગ્રહ માટે તૈયાર નહોતા.

નાગરિકોનાં દાન પણ નોંધવાજેવાં હતાં. ઉપર કહ્યાં તે તો બધાં સ્વેચ્છાથી આવતાં દાનો હતાં, પણ કેટલાક દાતાઓને શ્રી. મણિલાલ કોઠારી જેવા ભિક્ષુના આગ્રહની જરૂર હતી. ભાઈ મણિલાલે મુંબઈના બૅરિસ્ટરો અને ઍડવોકેટો પાસે મોટી રકમો કઢાવી, શ્રી. ભૂલાભાઈ જેવાને રસ લેતા કર્યા. અને મણિલાલની ભીખ એટલે સર્વભક્ષી, તેમને બધું ખપે. ‘સારો ચેક ન આપી શકો તો તમારી મોટરકાર આપો. કાર ન જ આપી દઈ શકો તો લડત ચાલે ત્યાં સુધી વાપરવા આપો,’ એમ કહેતા જાય અને ચેક અને કાર બંને લેતા જાય. એમના પ્રતાપે બારડોલીના કાર્યકર્તાઓને આખા તાલુકાનાં ગામેગામમાં જોઈએ ત્યારે ફરી વળવાને માટે ચાર મોટરકાર મળી રહી હતી. સત્યાગ્રહફાળાની રકમ જે મે મહિનામાં અપીલ કરવામાં આવી ત્યારે રૂ. ૧૦,૦૦૦ હતી તે જૂન મહિનાની આખર સુધીમાં રૂ. ૨,૦૦,૦૦૦ થઈ ને ઊભી રહી હતી.

અને લોકોના ઉત્સાહની ભરતી દમનનીતિની ભરતી સાથે વધતી જતી હતી.

ખાલસા નોટિસોની સંખ્યા ૫,૦૦૦થી વધી ગઈ હતી. હવે ખાલસા થયેલી જમીન ચોરીછૂપીથી વેચવાને બદલે જાહેર લિલામથી વેચવાના ઢોંગ થવા લાગ્યા. ઈસમાઈલ ગબા નામના મુસલમાન સત્યાગ્રહી જે અનેક સતામણીની સામે આજ સુધી અડગ ઉભા હતા તેમના ખાતાની ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતની અને રૂ. ૧,૨૦૦નું મહેસૂલ ભરતી જમીન વેચવાનાં જાહેરનામાં નીકળ્યાં. બીજી રૂ. ૨૫,૦૦૦ ની કિંમતની જમીન વેચવાનાં પણ જાહેરનામાં નીકળ્યાં. પણ તેથી કાંઈ કોઈ ડગે એમ નહોતું. ગામેગામના લોકાએ ઠરાવ કર્યા કે આવી રીતે જમીન રાખનારની જમીન કોઈ એ ખેડવી નહિ, તેમને મજૂરીની કે બીજી કોઈ પ્રકારની મદદ ન કરવી. એક ખરીદ કરનાર બારડોલી બહારના પારસી હતા. તેમની કોમના અને શહેરના માણસોએ તેમના કડક બહિષ્કારના ઠરાવ કર્યા. શ્રી. વલ્લભભાઈએ ‘બારડોલી દિન’ને દિવસે બારડોલીમાં ભાષણ કર્યું તેમાં વળી આ જમીન ખરીદનારાઓને આકરી ચેતવણી આપી : “કોઈ પણ ખેડૂતની કે સાહુકારની એક ચાસ પણ જમીન જ્યાં સુધી ખાલસા થયેલી હશે ત્યાં સુધી આ લડતનો અંત નથી અને હજારો ખેડૂતો તેના ઉપર પોતાનાં માથાં આપશે. એ કાંઈ ધર્મરાજાનો ગોળ લૂંટાતો નથી કે ભરૂચ જઈ એક ઘાસલેટવાળા પારસીને લાવ્યા કે જે જેમ ફાવે તેમ લૂંટ મારી શકે. આ જાહેર સભામાંથી ચેતવણી આપું છું કે આ જમીન રાખતા પહેલાં પૂરતો વિચાર કરજો. ખેડૂતનું લોહી પીવા આવવાનું છે, ને તેમ કરનારનો ઇન્સાફ પણ પ્રભુ આ જિંદગીમાં કેવો કરે તે ન ભૂલજો. આ મફતમાં જમીન લેવા આવનારાની પેલા નાળિયેરના લોભિયા બ્રાહ્મણની જેવી દશા થઈ હતી તેવી થવાની છે એ ખચીત માનજો.”

સરકારી અમલદારોનાં જૂઠાણાં તો સહજ થઈ પડ્યાં હતાં. સરકારી જાહેરનામાંમાં જૂઠાણાં હોય, કમિશનરના કાગળમાં હોય, કલેક્ટરના ‘શુભ વચન’માં હોય તો પછી ડે. કલેક્ટર જેને ભરોસે સરકાર આખી લડત ચલાવી રહી હતી તેના વર્તનમાં કેમ ન હોય ? બારડોલીના લોકોની ભલમનસાઈ અને નરમ સ્વભાવ તેમને ડગલે ડગલે નડે એવાં હતાં. સરકારી નોકરોની સાથેની મહોબત તેમને ઝેરરૂપ થઈ પડી હતી. મોતામાં એક સજ્જનને પેલા અમલદારે અનેકવાર સમજાવેલા : ‘તમારી વાડીનાં ફળ ખાધાં છે અને એ વાડીને હરાજ કરાવવી એ મારાથી નથી બનવાનું. મહેરબાની કરીને ભરી દોની ! કોઈ ને જરાય ખબર ન પડવા દઈએ.’ એ સજ્જન અડગ રહેલા. હવે એક વૃદ્ધ પેન્શનરને આ અમલદારે કહ્યું કે તમારા મિત્રે તેમના તરફથી પૈસા ભરી દેવાનું તમને કહ્યું છે. એમ પેલા પેન્શનર ભોળવાય એવા નહોતા તેમણે તપાસ કરી જોઈ તો ખબર પડી કે તેમના મિત્રે કશી વાત કરી નહોતી. આ ગામમાં જઈને શ્રી. વલ્લભભાઈએ પોતાની અનેક સચોટ ઉપમાઓમાંની એક વાપરીને એ ગામને ઉચિત સંદેશ આપ્યો :

“બે જાતની માખી હોય છે. એક માખી દૂર જંગલમાં જઈ ફૂલોમાંથી રસ લઈ મધ બનાવે છે. બીજી માખી ગંદા ઉપર જ બેસે છે, અને ગંદકી ફેલાવે છે. એક માખી જગતને મધ આપે છે, ત્યારે બીજી ચેપ ફેલાવે છે. આ ચેપી માખીઓ તમારે ત્યાં કામ કરી રહી છે એમ સાંભળ્યું છે. એ માખીને તમારી પાસે આવવા દેશો જ નહિં. ગંદકી અને મેલ જ તમારામાં ન રાખો કે તમારી પાસે એ માખીઓ આવે.”

લોકોએ ખાતરી આપી કે માખીની અસર કશી નથી થવાની. એક વિધવા બહેને સભામાં ઉભા થઈ કહ્યું : ‘અમે નહિ ડરીએ, અમે તો તમારા આશ્રમમાં આવી રેંટિયો કાંતશું.’ ગામના યુવકસંઘે અનેક ઉઘરાણાં કરેલાં હતાં. ૪પ૦ રૂપિયા આપવામાં આવ્યા. એ જ ગામે અગાઉ રૂપિયા ૨૦૦ તો આપ્યા જ હતા.

પેલા રેસિડંટ મૅજિસ્ટ્રેટ પણ આળસુ બેઠા નહોતા. તેમની આગળ લઈ જવાને નાના મોટા ભોગો પોલીસની પાસે હતા જ હતા. જૂન માસમાં ત્રણ સ્વયંસેવકો એવા સંજોગોમાં આ મૅજિસ્ટ્રેટની સામે ઊભા કરવામાં આવ્યા કે સૌ કોઈને હસવું આવ્યા વિના ન રહે. કલેક્ટર સાહેબ બારડોલી આવ્યા હતા, સરકારી બંગલામાં મુકામ કરેલો. બારડોલી થાણાના એક સ્વયંસેવકને કલેક્ટર સાહેબની હિલચાલની દેખરેખ રાખવાની હતી, એટલે આ બંગલાથી થોડે છેટે આવેલા રસ્તાની સામી બાજુએ તે બેઠો હતો. કલેક્ટરને આ ન ગમ્યું. તેને ત્યાંથી ખસેડવાનો પોલીસને હુકમ કર્યો. પોલીસની પાસે પેલાએ લેખી હુકમ માગ્યો. પોલીસે કલેક્ટરને ખબર આપી, તેણે પેલાને બોલાવી મંગાવ્યો અને ફોજદારને સોંપ્યો. તેને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો. દરમ્યાન તેની જગ્યા વિદ્યાપીઠના એક વિદ્યાર્થી દિનકરરાવે લીધી હતી, અને બીજો સ્વયંસેવક પ્રભુભાઈ સૂચના લેવા ત્યાં ઊભો હતો. આ બન્નેને પકડવામાં આવ્યા. એટલે પહેલા છગનલાલ જેમને ચેતવણી આપીને રજા આપવામાં આવી હતી તેમણે દિનકરરાવની જગ્યા લીધી, એટલે તેને પણ પકડવામાં આવ્યો. આ લોકોને પોલીસ કાયદાની એક કલમ પ્રમાણે પકડવામાં આવ્યા હતા. જે કલમ પ્રમાણે એમને પકડવામાં આવ્યા હતા તે કલમ તો સાર્વજનિક સ્થળોએ રખડતા રઝળતા બદમાશોને માટેની હતી. પણ આ જુવાનોની ખુમારી કલેક્ટર જેવો અમલદાર કેમ ખમી શકે ?

તેમનો કેસ ચાલ્યો, એ વળી વધારે હાસ્યજનક હતો.

કોર્ટ રાત્રે ભરાઈ હતી — બદમાશોને કેમ એક દિવસ પણ છૂટા રાખી શકાય ? ફોજદારને બિચારાને જેમતેમ સાહેદો શેાધવા પડ્યા. આમાંનો એક તો પીધેલો હતો. તેણે કેવી જુબાની આપી હતી તેની કલ્પના સહેજે થઈ શકશે. તેને દારૂના ઘેનમાં બિચારાને નહોતું તારીખનું ભાન, નહોતું બોલે તેનું ભાન, નહોતું તેની સામે કોણ ઊભેલા તેનું ભાન. તેની જુબાની સુધારીને લખી લેવી પડતી હતી. ત્રણે જુવાનોને ૫૦ રૂપિયા દંડ નહિ તો બે માસની સજા થઈ. તેમના ગુના મૅજિસ્ટ્રેટના શબ્દોમાં આ હતા : ‘આ આરોપી બારડોલીમાં કલેક્ટરના બંગલા આગળ કલેક્ટરનો મુકામ હતો ત્યારે રઝળતો અને જતા આવતાને અટકાવ કરતો માલમ પડ્યો હતો.’ કોનો અટકાવ થયો હતો ? કેવો અટકાવ થયો હતો ? તેના પુરાવાની કશી જરૂર નહોતી. ત્રણે જણાએ જેલમાં જવાનું પસંદ કર્યું. બીજે દિવસે સંખ્યાબંધ સ્વયંસેવકો જેલ જવાની આ અનાયાસે લાધેલી તક લેવાને ભેગા થયા, પણ તેમને કોઈએ પકડ્યા નહિ !

બીજે દિવસે પેલા ટંટાફિસાદને માટે પકડેલા વાંકાનેરના ખેડૂતભાઈઓના કેસનો ચુકાદો હતો. આરોપ એવો હતો કે, ૧૯ જણાએ ડેપ્યુટી કલેક્ટરનો સામાન લઈને જતાં ત્રણ ગાડાં અટકાવેલાં, અને ગાડાંવાળાને આગળ જતાં રોક્યા હતા. મુખ્ય પુરાવો એક એવા માણસનો હતો કે જેની પાસે ઝાંખું બળતું એક ફાનસ હતું જેથી તે બધા આરોપીને એાળખી શક્યો હતો. પુરાવો એટલો તો નબળો, અથવા નહિ જેવો હતો કે પાંચને ઓળખાવી ન શકવાને લીધે આરોપ મેલ્યા વિના છોડી દેવા પડ્યા હતા અને ત્રણને પાકા પુરાવા ન હોવાથી નિર્દોષ ઠરાવી છોડી  મૂકવામાં આવ્યા. બાકીના અગિયારને બે ગુના ઉપર થઈ છછ મહિનાની સખત કેદની સજા થઈ અને સાપરાધ બળ વાપરવાને માટે એક મહિનાની સાદી કેદની સજા થઈ. આ વીરોનાં નામ તો આપવાં જ જોઈએ : રામભાઈ મોરારજી, કુંવરજી ગલાલભાઈ. ડાહ્યાભાઈ માવજી, ગોંસાઈભાઈ ગોવિંદ, નારણભાઈ ઉકાભાઈ, કાનજીભાઈ મોરારભાઈ, નાથાભાઈ કાળાભાઈ, છીતાભાઈ પ્રેમાભાઈ, જીવણભાઈ દયાળભાઈ, ચુનીલાલ રામજી, અને હીરજી ડુંગરજી ચૌધરી.

આ નાટક જાણે પૂરતું ન હોય તેમ આ ભાઈઓને જેલમાં લઈ જતાં જંગલીપણાની કમાલ કરવામાં આવી. સાદી કેદના પેલા ત્રણ યુવકો સુદ્ધાં સૌને બબ્બેના જોડકામાં દોરડે બાંધ્યા હતા અને હાથમાં બેડી પહેરાવી હતી. આવી રીતે તેમને સરિયામ રસ્તેથી સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યા, જાણે તેમને જોઈને લોકોને ભારે ધાક બેસી જશે. પણ કેદીઓ તો હસતા હતા, જે લોકોને તેમની બેડીઓ જોઈને ચીડ ચડતી હતી તેમને કહેતા હતા : ‘અરે એમાં શું ? પહોંચીની ઘડિયાળ કરતાં આ બેડી સારી નહિ ?’ લોકો પણ હસવા લાગ્યા અને તેમની ગાડી ચાલી એટલે ‘વંદે માતરમ’ ના ધ્વનિથી સ્ટેશન ગાજી રહ્યું. થોડા જ દિવસ પછી વાંકાનેરના તલાટીએ આ શાહુકાર ખેડૂતના છોકરાઓને દોરડે બાંધીને જેલમાં લઈ ગયા તે બદલ પેાતાની ૨૫ વર્ષની નોકરીનું રાજીનામું આપ્યું.

આ બધું ‘બારડોલી દિન’ના ત્રણ દિવસ આગમચ બન્યું, અને એણે ‘બારડોલી દિન’ની ઉજવણી વધારે ગંભીર કરી મૂકી.

હસીને દુઃખ ભૂલવાની કળા સરદાર રોજ પત્રિકાઓ દ્વારા અને પોતાના ભાષણમાંના કટુમધુર કટાક્ષો દ્વારા લોકોને શીખવ્યા જ કરતા હતા, એક ઠેકાણે તેમણે એકાદ કલાક ભાષણ કર્યું અને બેઠા એટલે એક માણસે આવીને ફરિયાદ કરી, ‘ફલાણા પટેલે મામલતદાર અને તેના કારકુનને ચા પાઈ.’ ‘અરે, એ શી રીતે બન્યું ?’ સરદારે હસતાં હસતાં પૂછ્યું. વૃદ્ધ પટેલે આગળ આવીને ખુલાસો કર્યો : ‘અમે તો બારણાં બંધ કરી બેઠા  હતા. પણ પેલાઓએ બારી આગળ આવીને કાલાવાલા કર્યા કે બારણાં ઉઘાડો, ચા પીને ચાલ્યા જશું. મેં કહ્યું, તમારો વિશ્વાસ કેમ પડે ? પેલાઓએ ફરીફરીને ખાતરી આપી કે અમે કશું જપ્ત ન કરીએ, અમારે માત્ર ચા પીવી છે ! પછી શું થાય ? બારણાં ઉઘાડ્યાં, ચા પાઈ અને એમને વિદાય કર્યા.’ આ માણસ વાત કરી રહે ત્યાં તો બીજો એક માણસ આવ્યો અને આવેશથી કહેવા લાગ્યો : ‘ ના, વલ્લભભાઈસાહેબ, આવું ન થવા દેવું જોઈએ. એણે પેલાને ચા પાઈ તે કારકુનોએ ખાતરી આપી તેથી નહોતી પાઈ, પણ મામલતદારથી ડરીને પાઈ અને અમારે તો ભલભલાના ડર કાઢી નાંખતાં શીખવાનું છે.’ વલ્લભભાઈ બધું સમજી ગયા, ખડખડાટ હસી પડ્યા અને પછી આ પ્રમાણે સમાધાન કર્યું : ‘જુઓ ભાઈ, કાલાવાલા કરે તો તો ચા પાયા વિના ન ચાલે. પણ જોજો; એ લોકોથી સાવધ રહીને ચાલવું સારું. ધારો કે તમે ચા પીઓ અને દૂધમાં માખી કે એવું કાંઈક હોય, અને ભૂલમાં તમારાથી ચામાં એવું દૂધ રેડાઈ જાય અને પેલાઓને કંઈક થઈ જાય તો તો દોષ તમારા ઉપર જ આવે ને ? એટલે ચેતીને ચાલવું સારું.’ સૌ ખડખડાટ હસી પડ્યા, અને ઘડીકમાં આ કિસ્સો ભુલાઈ ગયો. સરદારની પકડાવાની વાતો તો સંભળાતી જ હતી. કોકે પૂછ્યું: ‘સાહેબ, તમારી પકડાવાની વાત સંભળાય છે, સાચું ?’ સરદાર બોલ્યા : ‘નારે, સાંભળ્યાં કરોની ! મને શા સારુ પકડે ? બિચારી ભેંસનું લિલામ કરે તો તેના પાંચ રૂપિયા ઊપજે, મારું લિલામ કરે તો કશુંયે ના ઊપજે.’

‘બારડોલી દિન’ આવ્યો ત્યારે લડતનું રહસ્ય તે લોકાની રગેરગમાં ઊતરી ગયું હતું, અને સૌ આકરી તાવણીને માટે તૈયાર થઈ રહ્યા હતા. સરદારે ‘બારડોલી દિન’ને પ્રસંગે કહ્યું : ‘આજે હવે કુદરતમાં હવા બદલાતી ચાલી છે. આ પહેલાં ચિત્રવૈશાખનો સખત તાપ હતો, ખૂબ ઉકળાટ હતો, છેવટે ગાજવીજ થઈ કડાકા થયા, અને પરિણામે અમૃતવૃષ્ટિ થવા લાગી છે. સરકારે પણ ખૂબ તાપ કર્યો, પ્રજાને અત્યંત ઉકળાટ કરાવ્યો. પણ કુદરતની પેઠે તેમાંથી અમૃતને બદલે ઝેર વરસે તોયે એ ઝેરને અમૃત ગણી  ગળી જવાની આપણને ઈશ્વર તાકાત આપે એવી પ્રાર્થના કરવાને આપણે ભેગા થયા છીએ.’

ખેડૂતોની સામાન્ય મનોદશા તે વેળા કેવી હતી તે કહેવું મુશ્કેલ છે. ખેડૂતને પેાતાનો ઇતિહાસ લખતાં આવડે તો તે લડતને જુદે જુદે અવસરે પોતાની બદલાતી મનોદશાનાં ચિત્રો આપે. પણ કેટલાક ખેડૂત તો સિરસાટાની લડતને માટે તૈયાર થઈ રહ્યા હતા એ સ્પષ્ટ છે. સરકારી જાહેરનામું બહાર પડ્યું એ જ અરસામાં, એટલે ‘બારડોલી દિન’ના થોડા જ દિવસ આગળ, હું એક ખેડૂતને મળ્યો હતો. એની સાથે વાત કરતાં ઉમંગ ચડે એવી એણે વાત કરી.

‘સરકારનું જાહેરનામું વાંચ્યું ?’

‘હા ! સરકાર હજી વધારે આકરાં પગલાં લેશે.’

‘ક્યાં સુધી આ લડત ચલાવશો ?’

‘ગમે ત્યાં સુધી. મારા ગામમાં તો પાકો બંદોબસ્ત છે. મારા ગામમાં એકે ભેંસ જ રહી નથી, શેની જપ્તી લાવશે ? અરે થોડા વખતમાં ઘર જ એવાં કરી મૂકશું કે તેમાં ઊભો વાંસ ફરે ! અમે તો લડત બરાબર જામી ત્યારથી અમારાં તાંબાપિત્તળનાં વાસણ પણ કાઢી નાંખ્યાં છે. અમે માટીનાં હાંલ્લાંમાં રાંધીએ છીએ, અને માટીનાં વાસણમાં જમીએ છીએ. લઈ જાય જોઈએ તો એ વાસણ. બહાર સાદડી ઉપર સૂઈ રહીએ છીએ; પલંગનો પણ નિકાલ કરી દીધો છે, કારણ પલંગ પણ ઉઠાવી જવા લાગ્યા છે. અને હવે અમે બીજો વિચાર કીધો છે. શા સારું ઘરમાં ભરાઈ રહેવું ? એક ધર્મશાળા રાખીશું, એક બિનખાતેદાર એનો કબજો લેશે, સૌ ત્યાં રાંધી ખાશું અને ફાળે પડતો ખર્ચ વહેંચી નાંખશું.’

‘પણ સરદાર તમને કહે કે ગામ છોડીને ચાલ્યા જાઓ તો ?’

‘તો તો સત્તર આના. અમારાં બૈરાંછોકરાં તો ગાયકવાડીમાં અમારાં સગાંવહાલાંને ત્યાં ગયાં છે, ઢોર પણ ગયાં છે. ઘણાં તો માત્ર અહીં સૂવાને માટે જ આવીએ છીએ.’

 ‘અને જમીન ખેડશો કે પડતર રહેવા દેશો ? ખેડશો તો સરકાર ખેડવા દેશે અને પછી પાક ઉઠાવી લેશે.’

‘પાક કરીએ શા સારું ? શણ બી નહિ નાંખીએ ? શણ થઈ એટલે એને ખેતરમાં જ સુવાડી દેવાની એટલે એના જેવું ખાતર થશે.’

અંતે અમે છુટા પડ્યા. છુટા પડતાં પેલાએ ઉપસંહાર કરતાં કહ્યું: ‘લડત તો ભગવાને મોકલી છે. અમારામાંના ઘણા ચાના બંધાણી હતા. ભેંસો ગઈ એટલે હવે ચાને માટે દૂધ ક્યાંથી લાવે ? છતાં કેટલાક બકરીના દૂધે ચલાવે છે, અને એકબે ઘેર ગાય છે. પણ એ ચા જાય એ જ સારી. ધારો કે આ લડતમાં હાર્યા તોયે ખોવાનું નથી. એ કાંઈ છેલ્લી લડત થોડી છે ? આવતી લડત વધારે બંદોબસ્ત કરીને વધારે સાવચેતીથી લડશું. આ લડતમાં શીખેલા પાઠ થોડા ભુલાવાના છે ?’

‘બારડોલી દિન’ આવ્યો ત્યારે લોકો આ શ્રદ્ધાથી, આ અચળ વિશ્વાસથી સરદાર જેમ આગળ ધપાવે તેમ ધપ્યા જતા હતા. તેમને નહોતી પડી સરકારી જાહેરાતની, ખાલસા નોટિસોની કે જેલની. સરદાર કહે કે હળ મૂકો જમીનમાં તો હળ મૂકવાં; સરદાર કહે, છોડો તાલુકો તો તાલુકો છોડવો !