બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/જેને રામ રાખે

← વિકરાળ કાળિકા બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
જેને રામ રાખે
મહાદેવભાઈ દેસાઈ
સત્યાગ્રહનો જયજયકાર →




૩૦
જેને રામ રાખે

“રાક્ષસી પ્રયોગ કરનારને સત્યના પ્રયોગની સૂઝ ન પડે. એટલે સરકાર હવે મુંઝાય છે અને વિચાર કરે છે કે આ લોક તે કેવા ? મારામારી કરતા નથી કે લડતા નથી.”

સરકારે વિકરાળ કાળિકાનું રૂપ ધર્યું હતું. લશ્કરી અમલદારો બારડોલીમાં આવીને લશ્કરી રચના કેવી રીતે થાય તે જોઈ ગયા હતા. લશ્કરનો પડાવ આવે તેને ચોમાસામાં રહેવાને માટે સરસામાન, ટારપૉલિન વગેરે સૂરતથી બારડોલી ચડવાની વાટ જોવાની હતી. ગાંધીજીએ પણ લોકો આટલો બધો તાપ અસહ્ય થઈ પડે તો શું થાય એ પ્રશ્ન પોતાના મન સાથે પૂછીને પોતે જ જવાબ આપ્યો હતો : “જો ત્રાસ અસહ્ય થઈ પડે તો લોકોએ જેને પોતાની જમીન માની છે તેનો ત્યાગ કરી તેમણે હિજરત કરવી જોઈએ. જે ઘરો કે લત્તામાં પ્લેગના ઉંદર પડ્યા હોય કે કેસ થયા હોય છે, તેનો ત્યાગ કરવો એ ડહાપણ છે. જુલમ એક જાતનો પ્લેગ છે, એ જુલમ આપણને ક્રોધ કરાવે અથવા નબળા પાડે એવો સંભવ હોય તો જુલમનું સ્થાન છોડીને ભાગવું એ ડહાપણ છે.” પણ આપણે જોશું કે ખેડૂતો તો બારડોલીને માટે અભેદ્ય કિલ્લો બનાવીને તેમાં સુરક્ષિત બેઠા હતા.

બારડોલી બહાર સ્થિતિ જુદી હતી. ગવર્નરની અને અર્લ વિંટર્ટનની ધમકીઓ બારડોલી બહાર કેટલાક વર્ગોને ચીડવ્યા હતા તો કેટલાકને ડરાવી દીધા હતા. જે સભ્યોને પેલું અલ્ટિમેટમ આપવામાં આવ્યું તેઓ તેને માટે તૈયાર નહોતા જ. તેમને માટે સીધો અને સાચો રસ્તો એ હતો કે સર લેસ્લી વિલ્સનને જરાય લાંબીટૂંકી વાત કર્યા વિના કહી દેવું કે અમારાથી આ શરતો ન પૂરી થઈ શકે, કારણ અમે તો બારડોલીનાં લોકોની લાજ રાખશું એ વચને પાછા ધારાસભામાં આવ્યા છીએ, અને એ સત્યાગ્રહીઓનો નિશ્ચય ફેરવાવો એ અમારી મકદૂર નથી. પણ આવો જવાબ તત્કાળ આપી દેવાને બદલે તેમનામાંના એક પક્ષે એક નિવેદન તૈયાર કર્યું અને તેને ધારાસભાના ૫૦ સભ્યોની સહીથી પ્રસિદ્ધ કર્યું. એ નિવેદનમાં તેમણે ‘બારડોલી સત્યાગ્રહ જેવી શાંત અને બંધારણપૂર્વકની લડતને ગવર્નરસાહેબે બેકાયદા ચળવળ કહી છે તેની સામે સખત વિરોધ’ ઉઠાવ્યો, અને ખેદ દર્શાવ્યો કે ‘નામદાર ગવર્નરે આ ઘડીએ ધારાસભાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપર ખાસ કરીને સૂરતના પ્રતિનિધિઓ ઉપર અલ્ટિમેટમમાંથી ઊભી થતી જવાબદારી નાંખી છે, જ્યારે એ લોકોએ અગાઉ સમાધાનીના પ્રયત્ન કરેલા હતા તેની ઉપર સરકારે કશું ધ્યાન આપ્યું નહોતું.’ આ વિરોધની ભાષા સરસ હતી, પણ એથી વધારે સ્પષ્ટ ભાષાથી તેઓ લખી શકતા હતા. તેમણે સરકારને સાફ કહેવું જોઈતું હતું કે જો સત્યાગ્રહ, બંધ કરવો હોય તો આપ નામદારે સીધી સરદાર સાથે વાતચીત કરી લેવી જોઈએ. પણ આજની ધારાસભા જેવા મંડળ પાસેથી આવી આશા રાખવી એ કદાચ વધારે પડતું હોય.

બારડોલી બહારના ગરમ દળે તો ગવર્નરના ભાષણને હર્ષભેર વધાવી લીધું — એ કારણે કે હવે સત્યાગ્રહીઓની ઉત્તમોત્તમ કસોટી થવાનો અને સ્વરાજ્યની મોટી લડતનો અવસર આવશે. આ ઈચ્છા સરદાર શાર્દૂલસિંહ કવીશ્વરે ગાંધીજીને લખેલા એક ખુલ્લા પત્રમાં પ્રકટ પણ કરી દીધી. તેમણે ગાંધીજીને સલાહ આપી કે શ્રી. વલ્લભભાઈએ બોરડોલી સત્યાગ્રહને મર્યાદિત રાખ્યો તે વ્યવહારવિરુદ્ધ લાગે છે, માટે હવે તો આખા દેશમાં સવિનય ભંગની હિલચાલ શરૂ થવી જોઈએ.

બીજી બાજુએ પ્રજાનો મોટો વર્ગ ગભરાઈ ગયો હતો. તેમને થયું કે હવે તો કોણ જાણે કેવા ભયંકર હત્યાકાંડ આવી પડશે. એટલે અત્યારસુધી તેઓ લડતને ટેકો આપતા હતા અને લોકોની માગણીને વાજબી ગણતા હતા તોપણ ભાવી વાદળથી તેઓ ડરી ગયા. આ વર્ગનો મત આગ્રહપૂર્વક જાહેર કરનાર મુંબઈના એક પ્રસિદ્ધ વર્તમાનપત્રના તંત્રી હતા, જેમણે જણાવ્યું કે શ્રી. વલ્લભભાઈ પટેલ જણાવે છે કે બારડોલીમાં સવિનય ભંગની વાત જ નથી, છતાં સર લેસ્લી વિલ્સને જે ભય બતાવ્યો છે તે ભય સાચો છે એટલે શ્રી. વલ્લભભાઈ એ ગવર્નરે આપેલી શરત કબૂલ કરવી. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની લડતમાં બનેલા એક કિસ્સાની ખોટી સરખામણી કરીને તેમણે શ્રી. વલ્લભભાઈ ને સલાહ આપી કે ‘હાલતુરત માટે લડત મોકૂફ રાખવી, કારણ આજકાલ હડતાળોને લીધે અને મજૂરવર્ગમાં ચાલતી ઊથલપાથલને લીધે સરકાર બહુ અગવડમાં છે.’ આ તો તેમણે પોતાના દૈનિકમાં લખ્યું, પણ તેમના સાપ્તાહિકમાં લખેલા લેખથી જણાતું હતું કે તેમને સરકારની મૂંઝવણનું ઝાઝું દુ:ખ નહોતું, તેમને તો કદાચ ભવિષ્યમાં માર્શલ લૉ અને તેમાંથી નીપજતાં ભીષણ પરિણામો આવી પડે તેની ફિકર થતી હતી. એક દિવસ તેઓ શ્રી. વલ્લભભાઈની મર્યાદા અને વિવેકનાં વખાણ કરતા તો બીજા દિવસના લેખમાં તેઓ જણાવતા કે બહાદુરી અને આંધળિયાં એ બને એક વસ્તુ નથી, એટલે સત્યાગ્રહીઓ સરકારની શરત કબૂલ કરે તેમાં તેમને કશું ખોવાપણું છે જ નહિ, પણ મેળવવાપણું છે !

પણ જે ખેડૂતો ઉપર બધા આફતના ડુંગર તૂટી પડવાનો ડર રાખવામાં આવતો હતો તે ખેડૂતો તો નિરાંતે પોતાની ખેતીમાં લાગ્યા હતા, તેમને નહોતી સરકારની ધમકીની દરકાર કે ઉપર જણાવેલી ડાહી શિખામણની કદર. ‘યંગ ઇંડિયા’માં ગાંધીજીએ આકળા બનેલા ગરમ વર્ગને અને ડરી ગયેલા નરમ વર્ગને બંનેને ઉદ્દેશીને નીચે પ્રમાણે ચેતવણી આપી હતી: -

“સરદાર શાર્દૂલસિંહ કવીશ્વરની સૂચના વિષે વલ્લભભાઈ શું કહેશે તેની મને ખબર નથી, પણ બારડોલીની સહાનુભૂતિની ખાતર મર્યાદિત સત્યાગ્રહ કરવાનો પણ સમય આવ્યો નથી. બારડોલીએ હજી તાવણીમાંથી પસાર થવાનું છે. જો છેવટની તાવણીમાંથી એ નીકળશે અને સરકાર છેલ્લી હદ સુધી જશે તો સત્યાગ્રહને હિંદુસ્તાનમાં ફેલાતો અટકાવવાની અથવા બારડોલી સત્યાગ્રહનો હેતુ સંકુચિત છે તેને બદલે વિસ્તૃત થતો અટકાવવાની વલ્લભભાઈની કે મારી મકદુર નથી. પછી તો સત્યાગ્રહની મર્યાદા એ કેવળ આખા દેશની આત્મબલિદાન અને કષ્ટસહનની શક્તિથી બંધાશે. જો એ મહાપ્રયોગ આવવાનો જ હશે તો તે સ્વાભાવિક રીતે જ આવશે, અને તેને ભલો ભૂપ પણ અટકાવી શકવાનો નથી. પણ સત્યાગ્રહનું રહસ્ય હું જે રીતે સમજું છું તે રીતે તો શ્રી. વલ્લભભાઈ અને હું સરકારની ગમે તેટલી ઉશ્કેરણી છતાં બારડોલી સત્યાગ્રહને તેની મૂળ મર્યાદામાં જ રાખવાને બંધાયેલા છીએ — પછી ભલેને એ ઉશ્કેરણી એ મર્યાદા ઓળંગવાનું વાજબી ઠરાવે એટલી બધી હોય. સાચી વાત એ છે કે સત્યાગ્રહી સદાયે માને છે ઈશ્વર તેનો સાથી છે. ઈશ્વર તેને દોરી રહ્યો છે. સત્યાગ્રહીઓનો નેતા પોતાના બળ ઉપર નથી ઝૂઝતો, પણ પ્રભુના બળ ઉપર ઝૂઝે છે. તે અંતરાત્માને વશ વર્તે છે. એટલે ઘણીવાર બીજાને જે શુદ્ધ વ્યવહાર લાગે છે તે તેને ઇંદ્રજલ લાગે છે. હિંદુસ્તાન ઉપર, આજે તુમુલમાં તુમુલ લડત ઝઝૂમી રહી છે તે ઘડીએ આવું લખવું મૂર્ખાઇભરેલું અને સ્વપ્નદર્શી લાગે. પણ મને જે ઊંડામાં ઊંડું સત્ય લાગે છે તે જો હું પ્રગટ ન કરું તો દેશના અને મારા આત્માનો હું દ્રોહી બનું. જો બારડોલીના લોકો વલ્લભભાઈ માને છે એવા સાચા સત્યાગ્રહી હોચ તો સરકાર ગમે તેટલાં શસ્ત્ર ધરાવતી હોય તોપણ બધું કુશળ જ છે. જોઈએ છીએ શું થાય છે. માત્ર સમાધાનીમાં રસ લેનારા ધારાસભાના સભ્યોને અને બીજાઓને મારી વિનંતિ છે કે બારડોલીના લોકોને બચાવવાની આશામાં તેમણે એકે ભૂલભરેલું પગલું ન ભરવું. જેને રામ રાખે તેનો કોઈ વાંકો વાળ કરી શકવાનું નથી.”

જરા વધારે ધીરજ રાખત અને જરા વધારે હિંમત બતાવત તો ધારાસભાના સભ્યો ચૂપ બેસી રહી જે થવાનું હોત તે થવા દેત. ઉપર અમે જણાવ્યો છે તે ઉપરાંત તેમણે કશો જ જવાબ ગવર્નરને ન આપ્યો હોત તો આકાશ તૂટી પડવાનું નહોતું. ખરી વાત તો એ છે કે સરકાર જ સમાધાનીને માટે આતુર હતી અને પગલાં લઈ રહી હતી. ગવર્નરના ભાષણ પછી તુરત જ શ્રી. રામચંદ્ર ભટ્ટ નામના મોતાના રહીશ અને મુંબઈના વેપારીએ સરકારને નવા મહેસૂલ અને જૂના મહેસૂલના તફાવત જેટલી રકમ ભરી દેવાની માગણી કરી. જોકે પ્રથમ તો ‘તમારી માગણી સૂરતના સભ્યો દ્વારા આવવી જોઈએ ’ એમ તેમને સરકાર તરફથી કહેવામાં આવ્યું તોપણ પાછળથી જે બન્યું તે ઉપરથી સમજી શકાય છે કે એ ભાઈને ઊભા કરનાર પણ સરકારના કોઈ આડતિયા હતા, અને એમની પાસેથી પૈસા આવ્યા ત્યારે તે કોના તરફથી આવ્યા તેના પ્રપંચમાં પડવાની સરકારને કશી પડી નહોતી.

ગમે તેમ હોય, ધારાસભાના સભ્યની ભડક ભાંગી નહિ. તેઓ ગવર્નરને મળ્યા, સરકારના કારભારીમંડળને મળ્યા. આ લોકોએ એની એ જ વાત તેમની આગળ કરી. શ્રી. કનૈયાલાલ મુનશી, જે સર ચુનીલાલ મહેતાની સાથે મસલત ચલાવી રહ્યા હતા તેમને લાગ્યું કે ગાંધીજી અને વલ્લભભાઈ પાસેથી જાણી લેવું કે કેટલાથી તેઓ સતોષાય એમ છે. એટલે શ્રી. મુનશી ગાંધીજી અને શ્રી. વલ્લભભાઈની મુલાકાતે ગયા, અને તેમની પાસેથી નીચેનો ખરડો મેળવ્યો :

૧. તપાસ જાહેર થાય કે જૂનું મહેસૂલ ભરવું.

૨. સત્યાગ્રહીઓએ તપાસ જાહેર થાય કે તરત જ જૂનું મહેસૂલ ભરી સત્યાગ્રહ બંધ કરવો.

૩. તપાસ સ્વતંત્ર ન્યાયપુરઃસર થવી જોઈ એ, અને તે કરનાર કાં તો ન્યાયખાતાનો અમલદાર કે તેની સાથે કોઈ રેવન્યુ ખાતાનો અમલદાર હોય, અને તે તપાસના મુદ્દા નીચે પ્રમાણે હોય, અને લોકોને વકીલ મારફત પુરાવો આપવાની અને સરકારના સાક્ષીઓની ઊલટતપાસ કરવાની જરૂર લાગે તો તેમ કરવાનો તેમને અધિકાર હોય :

બારડોલી અને વાલેડના લોકોની નીચેની બે ફરિયાદો તપાસીને તેની ઉપર રિપોર્ટ કરવો :

(૧) તાલુકામાં થયેલો મહેસૂલનો વધારો જમીનમહેસૂલના કાયદાને અનુસાર નથી;

(૨) એ મહેસૂલ વધારા વિશે જે રિપોર્ટ અને જાહેરનામાં બહાર પડ્યાં છે તેમાં વધારાને વાજબી ઠરાવવાને લાયક સામગ્રી નથી અને કેટલીક હકીકત અને આંકડા ખોટા છે;

અને જો લોકોની ફરિયાદ સાચી હોય તો જૂના મહેસૂલ ઉપર કેટલા ટકા વધારવા કે ઓછા કરવા તેની ભલામણ કરવી;

અને સરકારે વધારેલું મહેસૂલ વસૂલ કરવાને લીધેલાં બળજોરીનાં પગલાં વિષે લોકોએ કરેલી ફરિયાદની તપાસ કરી તેનો રિપોર્ટ કરવો.

૪. બધી જમીન પાછી આપવામાં આવે.

૫. બધા સત્યાગ્રહી કેદીઓને છોડી મૂકવામાં આવે.

૬. બધા પટેલતલાટીઓને પાછા નોકરીએ ચડાવવામાં આવે.

૭. વાલોડના દારૂવાળાને નુકસાન થયેલું ભરપાઈ કરી આપવું.

ગાંધીજીએ શ્રી. મુનશીને મોઢે એટલું કહ્યું હતું કે જો સમાધાનીમાં પેલી બળજોરીનાં પગલાં વિષેની તપાસ એ વિઘ્નરૂપ થઈ પડે તો સત્યાગ્રહીઓ તે ખુશીથી છોડી દેશે.

આ શરત લઈને શ્રી. મુનશી ગવર્નરની પાસે ગયા પણ એ મુલાકાતથી તેમને કશો સંતોષ ન થયો. આ પછી તરત ધારાસભાના બે સભ્યો, શ્રી, હરિભાઈ અમીન અને નરીમાન, ગાંધીજીને સાબરમતી મળ્યા. તેમની પાસે નવો જવાબ આપવાનો હતો નહિ, જે શ્રી. મુનશીને કહ્યું હતું તે તેમને કહ્યું. તેમની આગળ પણ કહ્યું કે બળજોરીનાં પગલાં વિષેની તપાસની માગણી છોડી દેવી પડે તો છોડી દેવી. ગાંધીજીએ તેમને એવી પણ ખાતરી આપી કે ઉપલી શરતો મુજબ સમાધાની કરવા માટે પૂનામાં વલ્લભભાઈની જરૂર લાગે તો તેઓ ત્યાં ખુશીથી જશે.

આવી સ્થિતિ હતી. બારડોલીમાં તો હું કહી ગયો તેમ અખંડ શાંતિ હતી. સરદાર પકડાશે જ એમ હવે સૌ કાઈ માનતું હતું, અને તેઓ પકડાય પછી તેમની ગાદી લેવાને બદલે તેઓ પકડાય તે પહેલાં ત્યાં પહોંચી જઈ તેમની પાસે હુકમ લેવાનું ગાંધીજીએ બહેતર માન્યું. તા. ૨ જી ઑગસ્ટે ગાંધીજી બારડોલી પહોંચ્યા. ત્યાં જઈને તેમણે જોયું કે બારડોલી વિષે બારડોલી બહાર જેટલી વાત થઈ રહી છે તેના સોમા ભાગની બારડોલીમાં થતી નથી. બે દિવસ તેમની વચ્ચે રહેવાથી તેમની ખાતરી થઈ કે ‘બારડોલીના લોકો ભગવાનને ભરોસે કુશળ છે’ એમ કહેવામાં તેમણે કશી ભૂલ કરી નહોતી.

બપોર પછી ત્રણચાર મોટાંમોટાં ગામના ખેડૂતો કાદવપાણી ખૂંદીને ગાંધીજીને મળવા આવ્યા હતા. એક પટેલની ઓળખાણ કરાવતાં એક મિત્રે કહ્યું: ‘ આ પટેલ તો વલ્લભભાઈને કહેવા આવ્યા છે કે અમારું માથું તમને આપ્યું છે, નાક નથી આપ્યું.’ ગાંધીજી હસ્યા, અને બોલ્યા : ‘વલ્લભભાઈને પણ નાક હશેને ! પણ તમારું નાક જાળવવામાં જ વલ્લભભાઈની અને દેશની શેભા છે.’

આ પછી ગાંધીજી કહે : ‘ઠીક; પણ હજી તમારી પરીક્ષા તો આવે છે.’

ખેડૂતો સાનમાં સમજી ગયા. તેમાંના એકે જવાબ આપ્યો : ‘તૈયાર છીએ.’

કસોટીની અનેક વાતો તેમની પાસે ગાંધીજીએ મૂકી, એટલે તેઓ કહે: ‘સાચી વાત છે. હજી અમારી શી કસોટી થઈ ? પંદરવીશ હજારનાં ભેંસડાં ગુમાવ્યાં, જમીન ગુમાવી, પણ જેને કસોટી કહીએ તેવી કસોટી હજી નથી થઈ. એ થવાની હોય તો ભલે થાય.’

‘પણ ધારો કે વલ્લભભાઈને સરકાર ઉઠાવી લે તો તમે દબાઈ ન જાઓ ?’

‘શું કરવા ? અમે તો લોઢું હતા, તેને વલ્લભભાઈએ પાણી પાઈને ખરું (પોલાદ) બનાવ્યા છે. એટલે અમે એક વાત સમજીએ છીએ કે મરણ થાય પણ ટેકને વળગી રહેવું.’

ગાંધીજી કહે: ‘એ તો લડતની તૈયારી, પણ સમાધાન થઈ જાય તો તેને માટે પણ તૈયાર છોના ? કેમકે સમાધાન પછી પણ ઘણું મોટું કામ કરવાનું છે, ઘણું મુશ્કેલ કામ કરવાનું રહે છે, — જૂનું મહેસૂલ વલ્લભભાઈ કહે છે તેમ તુરત ભરી દેવાનું, અને મહેસૂલ વધારી શકાય એવી બિલકુલ સ્થિતિ નથી એમ સિદ્ધ કરી આપવાનું.’ ગાંધીજી જે સમતાની સ્થિતિની આશા રાખતા હતા તે જ સ્થિતિ આ લોકોની હતી.

મેં તો તેમને ગોળીબારની પણ વાતો કરી. હસતાં હસતાં પેલા બોલ્યા: ‘એ તો અત્યારથી શું કહેવાય ? પણ ગોળીબાર કેટલાકને મારશે ? પલેગમાં મૂઆંતા તેના કરતાં તો વધારે નહિ મરે. મારા ગામમાંથી જ ૪૦૦ માણસ મૂઆંતાં !’

એક મિત્રે માગણી કરી કે અમારા ગામમાં આવી તો જાઓ. ‘વલ્લભભાઈ કહે નહિ ત્યાં સુધી નહિ,’ એમ ગાંધીજીએ જવાબ આપ્યો. આખરે વલ્લભભાઈએ કહ્યું કે ‘જઈ આવો’ ત્યારે તેઓ સરભોણ અને રાયમ જઈ આવ્યા. રાયમમાં હજારો માણસો આસપાસનાં ગામોમાંથી આવ્યાં હતાં, તેમને ખબર નહોતી કે દેશ આખો તેમની ચર્ચા કરી રહ્યો છે. સેંકડો સ્ત્રીઓ હતી, અને એક ઠેકાણે કાંતવાનું પ્રદર્શન ગોઠવ્યું હતું. બધાં ગોઠવાઈ ગયાં એટલે એક પછી એક બહેને પોતાના અર્ધ્ય આપ્યા, ગાંધીજીને ભાષણ કરવું નહોતું, પણ આભારની ખાતર પણ ભાષણ કરવું પડ્યું. તેમણે કહ્યું:

“સરદારના હુકમ છે કે તેમના સિવાય કોઈએ બોલવું નહિ એટલે મારાથી કશું ન બોલાય. સરદાર હોત અને હુકમ કરત તો બોલત. આજે તો તમારી બહાદુરી અને તમારા સંગઠનને માટે તમને ધન્યવાદ આપું છું. રેંટિયાનું પ્રદર્શન જોઈને મને આનંદ થયો, પણ આજે રેંટિયા વિષે પણ ન બોલું. આપણે જેમને સરદાર બનાવ્યા તેમના હુકમ અક્ષરશ: પાળવા એ આપણો ધર્મ છે. હું સરદારનો મોટો ભાઈ થાઉં એ વાત સાચી છે, પણ જાહેર જીવનમાં જેની નીચે આપણે કામ કરતા હોઈએ તે આપણો પુત્ર હોય કે નાનો ભાઈ હોય તો પણ તેના હુકમ માન્ય રાખવા જ જોઈએ. એ કાંઈ નવો કાયદો નથી. એ આપણો પ્રાચીન ધર્મ છે. એ ધર્મનું પાલન કરવા માટે જ શ્રીકૃષ્ણે અર્જુનનું સારથિપણું કર્યું અને યુધિષ્ઠિર રાજાએ રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે તેમણે પતરાળાં ઉઠાવેલાં. એટલે આજે તો માત્ર તમને ધન્યવાદ જ આપું છું. વલ્લભભાઈએ તમને દેશમાં પ્રસિદ્ધ કર્યા. સરકારે તમને જગપ્રસિદ્ધ કર્યા છે. ભવિષ્યમાં તમને હજીયે મોટી ફતેહ મળો.”

આ બધા ભાઈઓ અને બહેનો રામભરોસે બેઠાં હતાં અને સરદારનું પડ્યું વચન ઉપાડવાને માટે તૈયાર હતાં. ગાંધીજીએ આવીને તેમને ઊલટા વધારે વલ્લભભક્ત બનાવ્યા.