બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/સત્યાગ્રહનો જયજયકાર

← જેને રામ રાખે બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
સત્યાગ્રહનો જયજયકાર
મહાદેવભાઈ દેસાઈ
અભિનંદન →




૩૧
સત્યાગ્રહનો જયજયકાર

“મારે સરકારનું ખોટું દેખાય એવું કરવું નથી. એવું કરવામાં રાજી થનારો હું નથી. પણ એ જ રીતે પ્રજાનું નીચું દેખાડવાનો સરકારનો ઇરાદો હોય તો તે પણ હું નથી થવા દેવાનો.”

ગાંધીજી બારડોલીમાં ડેરો નાંખી બેઠા હતા ત્યારે શ્રી. વલ્લભભાઈને રાવ સાહેબ દાદુભાઈનું પૂનાથી તેડું આવ્યું, ગુજરાતના સભ્ય તરફથી એ તેડાનો તાર હતો; અને તેમાં સર ચુનીલાલ મહેતાના અતિથિ થવાનો પણ વલ્લભભાઈને આગ્રહ હતો, એટલે સર ચુનીલાલની સૂચનાથી નહિ તો તેમની સંમતિથી એ તેડું આવ્યું હતું એમ કહેવામાં વાંધો નથી. શ્રી. વલ્લભભાઈને મુંબઈપૂનાના ‘ધરમધક્કા’ એટલા બધા થયા હતા કે તેમને જવાનું જરાયે મન નહોતું, પણ સમાધાની થતી જ હોય તો તે તેમની અશ્રદ્ધાથી અથવા તેમના ન જવાથી અટકે નહિ એટલા ખાતર તેઓ ગયા. સાથે સાથે તારથી રા. સા. દાદુભાઈને જણાવ્યું : ‘છાપાં વગેરેમાંથી તો કોઈની કંઈ કરવાની દાનત હોય એવું દેખતો નથી, છતાં ગુજરાતના સભ્યોના બોલાવ્યા આવવું જોઈએ એટલે આવું છું.’

૩ જી અને ૪ થી ઑગસ્ટે સર ચુનીલાલ મહેતાને ત્યાં શું બન્યું તે બધું આપવું શક્ય નથી, શક્ય હોય તોપણ આપવું શોભે એમ નથી. પણ મુખ્ય હકીકત સંક્ષેપમાં સૌના ન્યાયની ખાતર અને સત્યની ખાતર આપવી જોઈએ. સરકારને ખબર પડી ગઈ હતી કે અલ્ટિમેટમ તો તેણે સૂરતના સભ્યને આપ્યું હતું, પણ છેવટે સુલેહ કરવાની હતી તો શ્રી. વલ્લભભાઈ સાથે. સૂરતના સભ્યો અને  સાથે કામ કરી રહેલા બીજા સભ્યોએ આખર સુધી કશું વચન આપવાની અથવા શ્રી. વલ્લભભાઈને કશા વચનથી બાંધવાની ના જ પાડી, એ વસ્તુ એમને શોભાવનારી હતી. સર ચુનીલાલને. ત્યાં વાટાઘાટો ચાલ્યા કરતી હતી ત્યારે જ સૌને લાગી ગયું હતું કે સમાધાન કરવાની ઉત્કંઠા સૂરતના સભ્ય કરતાં સરકારની એાછી નહોતી, પણ સરકારનો હાથ ઊંચો રહે એવી કંઈક શબ્દજાળ શોધવાની ભાંજગડ જરા જબરી હતી. એક સીધો સાદો ખરડો શ્રી. વલ્લભભાઈએ તૈયાર કર્યો, પણ તે સર ચુનીલાલને પસંદ ન પડ્યો. તેઓ સરકારના બીજા સભ્યોની સાથે ચર્ચા કરી રહ્યા હતા. રાત્રે તેઓ એક કાગળનો ખરડો લઈને આવ્યા, જે સૂરતના સભ્યો સરકારને લખે એવી તેમની સૂચના હતી :

“અમને કહેવાને આનંદ થાય છે કે અમે સરકારને ખબર આપવાની સ્થિતિમાં છીએ કે નામદાર ગવર્નરે તેમના ૨૪ મી જુલાઈના ભાષણમાં કહેલી શરતો પૂરી કરવામાં આવશે.”

વલ્લભભાઈએ કહ્યું : ‘જે સભ્યો આ કાગળ ઉપર સહી કરશે તે શી રીતે એમ કહી શકે કે શરતો પૂરી કરવામાં આવશે, જ્યારે તપાસસમિતિ નીમવામાં આવે એ પહેલાં એ શરતો તો પૂરી કરવાની છે ? એમણે તો એમ કહેવું જોઈએ ના કે શરતો પૂરી કરવામાં આવી છે ? અને એ એ લોકો શી રીતે કહી શકે, કારણ શરતો પૂરી કરવાની તો અમારે છે ? અને અમે તો આ તપાસસમિતિ ન મળે ત્યાં સુધી જૂનું મહેસૂલ પણ આપવાને તૈયાર નથી.’

‘એની તમારે શી ફિકર છે ?’ સર ચુનીલાલે કહ્યું. ‘એટલો કાગળ સહી કરીને મોકલવામાં આવે એટલે થયું. એ સભ્યોને એટલો કાગળ મોકલવાને વાંધો ન હોય તો પછી એ શરતો કેવી રીતે, કોણ, ક્યારે પૂરી કરશે તેની ભાંજગડમાં તમારે પડવાની જરૂર નથી. તમે તમારી મેળે તપાસસમિતિ જાહેર થાય પછી જ જૂનું મહેસૂલ ભરજો.’

 આ સફાઈ અમારી સમજ કે બુદ્ધિની બહાર હતી. શ્રી. મુનશી જે મસલતમાં ખૂબ રસ લઈ રહ્યા હતા અને મુંબઈથી સાબરમતી સુધી જઈ આવ્યા હતા તેમણે એક બીજો ખરડો ઘડ્યો, શ્રી. શિવદાસાનીએ પણ ઘડ્યો, પણ એકે ખરડો સર ચુનીલાલને પસંદ નહોતો. મોડી રાત સુધી શ્રી. વલ્લભભાઈ અને શ્રી. મુનશી સર ચુનીલાલ સાથે ચર્ચા કરતા બેઠા. ખરડાની વાત છોડીને બીજી શરતોની વાત ચાલી. જમીનો પાછી આપવાના સંબંધમાં, તલાટીઓને પાછા લેવા સંબંધમાં, સત્યાગ્રહીઓને છોડવા સંબંધમાં સંતોષકારક શરતો શ્રી વલ્લભભાઈ અને શ્રી. મુનશી કબૂલાવી શક્યા. મોડી રાતે શ્રી. મુનશી ઘેર ગયા. પણ પેલો ખરડો તો હજી ઊભો જ હતો.

શ્રી. વલ્લભભાઈની સાથે આ પ્રસંગે સ્વામી આનંદ હતા, હું હતો. રાત્રે સૂતા પહેલાં તો અમે સર ચુનીલાલને કહી દીધું કે આવું કંઈ લખી આપી શકાય નહિ. પણ કેમે ઊંઘ ન આવે. ખૂબ ચર્ચા કરી, પૂનાથી નીકળી આવતાં પહેલાં ગવર્નરસાહેબને લખવાના એકબે કાગળોના ખરડા કર્યા, ફાડ્યા. સવારે ચાર વાગ્યા પહેલાં હું ઊઠી નીકળ્યો, શ્રી. વલ્લભભાઈને પણ જગાડ્યા અને કહ્યું : ‘મને સર ચુનીલાલના પેલા ખરડામાં કશું જ લાગતું નથી. એમાં નથી આપણે બંધાતા, નથી સૂરતના સભ્યો બંધાતા. સરકારને નાકનો સવાલ થઈ પડ્યો છે અને સરકાર માને કે આથી એનું નાક રહે છે તો ભલે એનું નાક રહેતું.’

વલ્લભભાઈ કહે : ‘પણ એમાં જૂઠાણું છે તે ?’

મેં કહ્યું : ‘છેસ્તો , પણ તે સરકારના તરફથી છે.’

વલ્લભભાઈ : ‘આપણે સરકાર પાસે સત્યનો ત્યાગ કરાવીએ છીએ એમ નહિ ?’

મેં કહ્યું : ‘ના; સરકાર સત્યનો ત્યાગ કરે છે અને એમાં એને શ્રેય લાગે છે. એને લાગે તો લાગવા દો. આપણે એને કહીએ કે આમાં સત્યનો ત્યાગ થાય છે.’

વલ્લભભાઈ: ‘ત્યારે તું સર ચુનીલાલને સાફ સાફ કહેશે કે એ લોકો સત્યનો ત્યાગ કરે છે ?’

મેં કહ્યું : ‘હા.’

વલ્લભભાઈ : ‘પણ જો તું જાણે ! મને આ લોકોની બાજીમાં ખબર પડતી નથી. એવાં કુંડાળાં શા સારુ કરતા હશે? બાપુ શું કહેશે ? સ્વામી, તું શું ધારે છે ?’

સરદારની આ ઘડીની તત્ત્વનિષ્ઠા, અમારા જેવા નાનક્ડા સાથીઓનો પણ અભિપ્રાય જાણવાની ઈચ્છા, અને ‘આપણે જે કરીએ છીએ તે વિષે બાપુ શું ધારશે’ એ વિષેની અપાર ચિંતા જોઈને સરદાર મારે માટે જેટલા પૂજ્ય હતા તેથી અધિક પૂજ્ય બન્યા. લડત દરમ્યાન ઘણીવાર તેઓ કહેતા, આ મુત્સદ્દીઓનાં જૂથમાં હું સીધો ભોળો ખેડૂત ન શોભું; એમની કળા મને ન આવડે,’ એ શબ્દો મને બહુ યાદ આવ્યા. મેં કહ્યું : ‘બાપુ પણ સરકારને આટલો લૂખો લહાવો લેવો હોય તો જરૂર લેવા દે. સરકારને નામ સાથે કામ છે, આપણને કામ સાથે કામ છે.’

સ્વામી કહે : ‘મારો પણ એ જ મત છે.’

છેવટે વલ્લભભાઈ કહે : ‘પણ સૂરતના સભ્યો આના ઉપર સહી કરશે?’

મેં કહ્યું: ‘કરશે; સર ચુનીલાલ મહેતા કહેતા હતા કે તેમને એ વિષે શંકા નથી.’

શ્રી. વલ્લભભાઈ કહે : ‘ભલે ત્યારે; એ સહી કરે તો કરવા દો. પણ તારે તો સર ચુનીલાલને સાફ કહી દેવાનું કે આમાં સરકારને હાથે સત્યનો ત્યાગ થાય છે.’

હું ગયો, સર ચુનીલાલની સાથે વાતો કરી, તેમને કાંઈ એ વાત નવી નહોતી. તેમણે કહ્યું, ‘તમે તમારી સ્થિતિની ઓખવટ કરો એ બરાબર છે. સરકારને પણ હું એ જણાવીશ.’ એટલામાં શ્રી. વલ્લભભાઈ આવ્યા. તેમણે વળી પાછી એની એ જ વાત ફોડ પાડીને કહી અને જણાવ્યું : ‘સરકારને આવા અર્થહીન પત્રથી સંતોષ થશે એમ મને લાગતું નથી, પછી તો તમે જાણો.’

સર ચુનીલાલને કશી શંકા નહોતી જ. તેઓ રાજી થયા. ભગવાનની જેમ સરકારની ગતિ અગમ્ય છે. શ્રી. વલ્લભભાઈએ કહ્યું કે સૂરતના સભ્યો એ કાગળ લખવાને રાજી હોય તે મને વાંધો નથી એટલે તુરત જ સમાધાન નક્કી થયું !

સર ચુનીલાલ મહેતાને વિષે બે શબ્દ અસ્થાને ન ગણાય. સર ચુનીલાલને બીજા કોઈ પણ જણ કરતાં સરકારના મનની વિશેષ ખબર હતી, એટલે તેઓ બધું જોઈ વિચારીને અને સમજીને જ કરતા હતા. આ અણીને વખતે તેમની દેશભક્તિ તરી આવી હતી, અને સરકાર પ્રતિષ્ઠાના ભૂતને વળગતી ઉઘાડી પડે એ ભોગે પણ આ પ્રકરણનો અંત આણી બારડોલીના ખેડૂતને ન્યાય મળે એ વિષે તેઓ આતુર હતા. સરકાર કાંઈ થોડી જ આ પહેલીવાર ઉધાડી પડવાની હતી !

પણ જો સરકાર પ્રતિષ્ઠાની માયાને વળગીને સંતોષ માનવાને તૈયાર હતી, તો શ્રી વલ્લભભાઈ તત્ત્વના સત્ય વિના સંતોષ માને એમ નહોતું. તેમને તો સંપૂર્ણ, સ્વતંત્ર, ન્યાયપુર:સર તપાસ જોઈતી હતી, અને લડાઈ પહેલાં જે સ્થિતિ હતી તે સ્થિતિ જોઈતી હતી. આટલું કરવાને તો સરકાર તૈયાર હતી જ, પણ ત્યાં પ્રતિષ્ઠાની માયા વળગેલી હતી જ. પેલો કાગળ લખવામાં આવે કે તરત જ તપાસ તો જે શબ્દોમાં શ્રી વલ્લભભાઈ એ માગી હતી તે જ શબ્દોમાં — બળજોરીનાં કૃત્યની તપાસ બાદ કરીને તેના તે જ શબ્દોમાં — જાહેર થશે એમ નક્કી થયું, અને તલાટીઓને પાછા લેવા બાબત, જમીન પાછી આપવા બાબત, અને કેદીઓને છોડવા બાબત સૂરતના સભ્યો રેવન્યુ મેમ્બરને એક શિરસ્તા મુજબ કાગળ લખે એટલે તુરત ઘટતું કરવામાં આવશે એમ ઠર્યું. છેવટનો નુકસાનીના બદલા વિષેનો ભાગ કાગળમાં લખવાનો નહોતો, પણ સરકારી રાહે ઘટતું કરવામાં આવશે એમ થર્યું. શ્રી. વલ્લભભાઈ ને આથી વધારે કશું જોઈતું નહોતું. તેમને તો કામની સાથે વાત હતી, નામની સાથે વાત નહોતી.

બાકીની કથા તો ઝટ ઝટ કહી જવાય એવી છે. પેલા એક વાક્યના કાગળ ઉપર સૂરતના અને બીજા ત્રણચાર સભ્યોએ સહી કરી — એ ત્રણચાર શા સારુ અંદર ભળ્યા એ ભગવાન જાણે. એ જ વખતે સર ચુનીલાલ મહેતાની વિનંતિથી રા. બ. ભીમભાઈ નાયક, શ્રી. કનૈયાલાલ મુનશી, અને બીજા કેટલાક સૂરત કલેક્ટરને મળી સત્યાગ્રહીઓની વેચેલી જમીન પાછી મૂળ માલિકાને નામે ચડાવી દેવડાવવા માટે સુરત ગયા. આ ખરીદનાર તો ઈનમીન અને સાડાતીન હતા. તેમને કલેક્ટરે ઢૂંઢાવી મંગાવ્યા, અને તેમને સમજાવી, દબાવીને તેમણે બધાએ મળી ૧૨,૦૦૦ રૂપિયાની જમીન ખરીદેલી તેટલા ૧૨,૦૦૦ રૂપિયા પાછા આપી તેમની પાસે જમીન છોડાવવામાં આવી. આ લોકોને જૂના કલેક્ટર અને કમિશનરે પોતાની ગાંઠનાં વચનો આપ્યાં હશે, એટલે એ જમીન તેમની પાસે છોડાવવી કેટલી મુશ્કેલ પડી હતી તેનું રમૂજી વર્ણન આ પ્રકરણમાં અગ્રગણ્ય ભાગ લેનાર શ્રી. મુનશીએ શ્રી. વલ્લભભાઈને મોકલ્યું હતું. જૂના કલેક્ટરે બિચારાએ ઘણીવાર પોતાનાં ‘શુભ વચનો’માં કહેલું કે વેચેલી અને ખાલસા થયેલી જમીન કદી પાછી આપવામાં ન આવે, તેમને તો આ ટાંકણે જ સરકારે બીજા જિલ્લામાં મોકલી દીધા હતા, અને નવા કલેક્ટર મિ. ગૅરેટને આ કામ કરવામાં કાંઈ નાનમ લાગે એમ નહોતું. જે દિવસે સૂરતના સભ્યોએ પેલો કાગળ લખ્યો તે જ દિવસે ગાંધીજીએ અને શ્રી. વલ્લભભાઈએ જે શબ્દોમાં માગેલી હતી તે જ શબ્દોમાં તપાસસમિતિ નિમાવાનું જાહેર થયું. અને પેલા બીજા કાગળના જવાબમાં રેવન્યુ મેમ્બરે લખ્યું કે બધી જમીન પાછી આપી દેવામાં આવશે, કેદીઓ બધા છૂટી જશે, અને તલાટીઓ ઘટતા શબ્દોમાં અરજી કરે એટલે તેમને પાછા નોકરી ઉપર ચડાવવામાં આવશે. શ્રી. વલ્લભભાઈએ આટલું થયું એટલે પોતાનો સંતોષ જાહેર કર્યો, અને જાહેર રીતે તેમણે સરકાર સુદ્ધાં સૌનો આભાર માન્યો, અને ખેડૂતોને ઉદ્દેશીને પત્રિકા કાઢી તેમાંનો મુખ્ય ભાગ આ હતો : “આપણી ટેક જાળવવાને સારુ આપણે ઈશ્વરનો પાડ માનીએ. આપણે હવે જૂનું મહેસૂલ ભરવાનું છે, વધારો ભરવાનો નથી. જૂનું મહેસૂલ ભરવાની તૈયારી સૌ કરી મૂકશો એવી આશા રાખું છું. ભરવાનો સમય મુકરર થયે જાણ કરીશ.”

કેદીઓ છૂટશે એવી આશા રાખીને એમણે આ વાક્ય લખ્યું હતું. પણ સરકારને હજી ખબર નહોતી કે શ્રી વલ્લભભાઈને સમાધાની પસંદ પડી કે નહિ એટલે કલેક્ટરને બારડોલી જઈને શ્રી. વલ્લભભાઈ પાસે એ જાણી લેવાના હુકમ મળ્યા. શ્રી. વલ્લભભાઈ એ જણાવ્યું કે મારો સંતોષ અને ધન્યવાદ તો હું મારી ગુજરાતી પત્રિકામાં દર્શાવી ચુક્યો છું. એટલે તુરત જ કલેક્ટરે સરકારને તાર કર્યો, અને બીજે જ દિવસે બધા કેદીઓને છોડી દેવામાં આવ્યા, તલાટીઓને પાછા લેવા વિષેની અરજી શ્રી. વલ્લભભાઈએ જ ઘડી હતી અને તે કલેક્ટરને ગમી, એટલે તુરત જ તેમણે તેમની નિમણુકના હુકમ કાઢ્યા. આ થયું એટલે લોકોનો ધર્મ હવે જૂનું મહેસૂલ ભરવાનું પોતાનું કર્તવ્ય કરવાનો હતો. એક મહિનાની અંદર તો લોકોએ બધું મહેસૂલ ભરી દીધું.

આમ ‘નિર્બલ કે બલ રામનો’ આધાર રાખી પોતાની ટેક ઉપર ઝૂઝનારા અને સંકટસહન જ મોટું શસ્ત્ર માની છ મહિના સુધી બળિયાની સાથે બાથ ભીડનારા બારડોલીના ભલાભોળા ખેડૂતોનો વિજય થયો. સત્ય અને અને અહિંસાનો આ વિજય કેટલાંક વર્ષ થયાં હિંદુસ્તાને જાણ્યો નહોતો. સરદારની ત્રણ સફળ લડતોમાંની ભારેમાં ભારે આ લડત હતી; સ્વરાજ્યને પંથે તેમણે નાંખેલા મજલ દાખવનારા સ્તભોમાંનો આ ત્રીજો સ્તંભ. નાગપુર સત્યાગ્રહમાં માત્ર એક હક સાબિત કરવાનો હતો તે સાબિત થયો. બોરસદની લડતના જેવી શીઘ્ર ફલદાયી અને સંપૂર્ણ સફળતાભરી તો એકે લડત થઈ નથી, પણ એ સ્થાનિક પ્રકારની હતી અને દોઢ જ માસમાં પૂરી થઈ એટલે દેશમાં ઘણાએ એને વિષે કશું જાણ્યું નહોતું. પણ બારડોલી સત્યાગ્રહ અપૂર્વ કહેવાય. કારણ તેણે દેશનું નહિ પણ સામ્રાજ્યનું ધ્યાન ખેંચ્યું હતું, અને લોકોની માગણીના ન્યાયીપણા અને મર્યાદાને લીધે એણે આખા દેશની સહાનુભૂતિ મેળવી હતી, આ સત્યાગ્રહનો વિજય ઇતિહાસમાં અનેક કારણોને લીધે અપૂર્વ હતો: મુખ્ય એ કારણે કે બારડોલી સત્યાગ્રહના પ્રથમ ક્ષેત્ર તરીકે ગાંધીજીએ પસંદ કરવામાં ભૂલ કરી નહોતી એ સિદ્ધ થયું; બીજું, હિંદુસ્તાનમાં રાંકમાં રાંક ગણાતા લોકોએ વિજય મેળવ્યો; ત્રીજું એ કે લડતને છુંદી નાંખવાને પ્રતિજ્ઞાબદ્ધ થયેલી સરકારને પ્રતિજ્ઞાના પંદર દિવસની અંદર એ લોકોએ નમાવી; ચોથું એ કે રેવન્યુ ખાતામાં મોટો માન્ધાતા પણ માથું ન મારી શકે એવા નોકરશાહીના સિદ્ધાન્ત છતાં સરકારને નમવું પડ્યું; પાંચમું એ કે ત્રણત્રણ ચારચાર વર્ષની રાષ્ટ્રીય નિરાશા અને યાદવીઓ પછી આ મોટો વિજય પ્રાપ્ત થયો; છઠ્ઠું એ કે સત્યાગ્રહના નાયકે પ્રતિષ્ઠાના ભૂતનો ત્યાગ કરી તત્ત્વ તરફ જ તાણ્યું હતું; અને છેવટે એ કે જે ગવર્નર કેટલોક સમય પોતાના હાથ નીચેના માણસોનું જ સંભળાવ્યું સાંભળતા હતા અને હિંદી પ્રધાનનું કહ્યું કરતા જણાતા હતા તેમણે સમાધાન કરવામાં પોતાથી થાય તેટલું કર્યું. પેલા અર્થહીન કાગળથી એમણે સંતોષ માન્યો તે પણ કદાચ શાંતિપ્રીત્યર્થે જ હોય. આ કારણે ગાંધીજી અને વલ્લભભાઈ એ પોતાના લેખોમાં અને ભાષામાં સત્યાગ્રહીઓને તેમજ ગવર્નરને ધન્યવાદ આપવાનું ઉચિત ધાર્યું હતું.