બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/પ્રચંડ ભઠ્ઠી

← લોઢું અને હથોડો બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રચંડ ભઠ્ઠી
મહાદેવભાઈ દેસાઈ
વધારે તાવણી →




૧૬
પ્રચંડ ભઠ્ઠી


“બારડોલી તાલુકામાં આજે એક પ્રચંડ ભઠ્ઠી સળગાવવામાં આવી છે. તેમાં શુદ્ધ બલિદાન આપવાનું છે… ભલે ગોરું લશ્કર આવે અને ગામેગામ સોલ્જરો બેસે. તેથી એ ડરાવી નહિ શકે. આપણે એવું શાંત સ્વચ્છ વર્તન રાખો કે આ બધી પોલીસને ભમરડે રમવા સિવાય બીજું કંઈ કામ ન રહે.”

ખાલસાની નોટિસની સંખ્યા હવે લગભગ હજાર સુધી પહોંચી હતી. અને ખાલસા થનારી જમીનની કિંમત તો નવો સરકારધારો અનેક વખત તેનાંથી ભરાય એટલી હતી. આ જમીનને તો સરકાર કશું કરી શકે એમ નહોતું. પણ લોકોને જે રસ્તે જેટલા દબાવાય તેટલા દબાવવા અને તોડવા એટલો જ હેતુ હતો. લોકો આ ખાલસાની નોટિસને પણ પીળાં પતાકડાંની જેમ ગણવા લાગ્યા.

સરકાર નિર્લજ્જતામાં આગળ વધ્યે જતી હતી. ભેંસોને હરાજીમાં લેનાર તાલુકામાંથી કોઈ મળે નહિ એટલે બહારથી ખાટકીઓને સમજાવીને લાવવામાં આવતા હતા. લોકોને આથી વધારે ઉશ્કેરનારી વસ્તુ બીજી કઈ હોઈ શકે ? એક ભેંસનો તો બારડોલી થાણામાં ભોગ લેવાયો હતા એ આપણે જોઈ ગયા. તાપમાં ભેંસો પાણી વિના ટળવળતી હતી અને બરાડા પાડતી હતી, લિલામ થતાં જાય તેમ પાણીને મૂલે તે કસાઈ ને ઘેર જતી હતી. બારડોલીના નગરશેઠે માલતદારને કહ્યું, ‘આ બિચારી ભેંસોને બરાબર ઘાસચારો અને પાણી મળે તે માટે હું થોડું દાન આપવા માગું છું.’ મામલતદારે કહ્યું, ‘સરકારની પાસે તિજોરીમાં પૂરતાં નાણાં છે, તેમને તમારી મદદ નથી જોઈતી !’

 પોતાનાં પશુઓને બાળકોનાં જેટલાં પ્યારાં માનનારા ખેડૂતોથી આ બધું સાંખી શકાય એમ નહોતું. ગમે તેમ થાય તોપણ ભેંસોને આવી રીતે રિબાવા ન દેવી એ નિશ્ચયથી આખા તાલુકાએ કારાગ્રહ બનવાનો નિર્ણય કર્યો. રાતદિવસ બારણાં બંધ, ઘરમાં માણસો અને ઢોરો સદંતર કેદ, ઢોરને માટે પાણી પણ ઘેર લાવીને પાવામાં આવે. જેમનાં સગાંવહાલાં ગાયકવાડીમાં હતાં તેમણે ગાયકવાડીમાં પોતાનાં ઢોર મોકલ્યાં, છોકરાંને દૂધ છાશ પીતાં બંધ કર્યાં. પણ બધાં ઢોર કાંઈ એમ મોકલી શકાય ? એટલે સૌએ કારાગ્રહવાસ પસંદ કર્યો, જપ્તીદારોની જુહાકી આગળ ખાતેદાર બિનખાતેદાર સરખા હતા, માલિક બિનમાલિક સરખા હતા, ઘરમાં પુરુષ હોય કે ન હોય તે પણ તેમને સરખું હતું !

એક ગરીબ દરજીની ત્રણ ભેંસો પકડવામાં આવી હતી. તે ખાતેદાર નહોતો. સવારના પહોરમાં ઊઠીને જુએ તો ભેંસો ન મળે. બે દિવસ પછી તેને ખબર પડી કે વાલોડ થાણામાં એ ભેંસોને બીજી ભેંસો સાથે ગોંધવામાં આવી હતી. મહાલકરીની પાસે તે ભેંસો છોડાવવા ગયો. મહાલકરી કહે : ‘તમારી ભેંસોને બે દિવસ માટે રાખવી પડી છે, અને ઘાસચારો કરવો પડ્યો છે, એનો ખરચ આપો અને ભેંસો છોડાવી લઈ જાઓ.’

પેલો કહે : ‘આ તો ઊલટો ન્યાય, તમે મને નુકસાનીનો બદલો આપો કે ઊલટો મને દંડો ?’

પેલાએ ન સાંભળ્યું. દરજીએ કહ્યું : ‘વારુ સાહેબ, પેલા ધોળી ટોપીવાળા સ્વયંસેવકને પૂછીને આપને જણાવીશ કે શું કરવું.’ મહાલકરીસાહેબ પસ્તાયા; અને પેલાને ભેંસ છોડી જવા દીધી. આ તો ઘણામાંનો એક દાખલો.

આ રહ્યો બીજો નમૂનો. મોટાની સતામણી સહેજે થાય નહિ એટલે ગરીબો રંજાડવાનો રસ્તો કેટલેક ઠેકાણે પસંદ કરવામાં આવતો હતો. એક કુંભારનું ઘર ખુલ્લું જોઈ મહાલકરી એકદમ પેઠા, ઘરના રાચરચીલામાંથી કેટલીક ચીજો ઉપાડવાનો હુકમ આપ્યો. ઘરધણિયાણી પ્રેમીને આ લીલાનું રહસ્ય  ન સમજાયું : મારે ઘેર ખાતુંપોતું નહિ, અને આ શી બલા આવી છે !

તલાટી : કેમ તમારે ખાતું નથી ? તમારી પાસે રૂા. ૧પ-પ-૫ નીકળે છે તે લાવો.

પ્રેમી : અહીં કેવું લેણું ? અમારી પાસે પાંચ વરહ થિયાં ભોંયનું ઢેફું ની મલે ને તમે લેણું કાંથી કાઢો ?

તલાટી : ત્યારે કેશવું ઉકાનું ઘર કયું ?

પ્રેમી : તે ઉં હું જાણું ? હોધી લેવની.

મહાલકરી : ઘરવાળાનું નામ શું ?

પ્રેમી : નામ હું નથી કહેવાની, અમારું ખાતું નથી, બહાર જાઓ.

મહાલકરી ઘરને પાછલે બારણેથી જવાની તૈયારી કરતા હતા એટલે પ્રેમીબાઈએ તેમને રોક્યા. મારા ઘરમાં થઈને પાછલે બારણે નહિ જવાય એમ કહી તે રસ્તો રોકી ઊભાં રહ્યાં. તેની છોકરીએ બારણું બંધ કર્યું. સૌ નિરાશ થઈને પાછા વળ્યા.

આવી વીરાંગનાઓ અજાણી અણધારી જ્યાં ત્યાં નિર્ભયતાનો મંત્ર ઝીલીને વાતાવરણને શુદ્ધ અને વીરતાભર્યું બનાવી રહી હતી.

વાલોડવાળા દોરાબજી શેઠનો કિસ્સો હજી બંધ થયો નહોતો. આ એક પારસીને ઢીલો પાડી સરકારને બધા પારસીને વશ કરવા હતા. પણ જેમ વાણિયાઓને જપ્તીનોટિસ આપીને પસ્તાયા, જમીન ખાલસાની નોટિસ આપીને પસ્તાયા, તેમ આ પારસીના ઉપર સિતમ ગુજારીને પણ તેમના નસીબમાં પસ્તાવાનું રહ્યું. અને એક પારસીના ઉપર આટલો સિતમ શો ? એ કોમ તો દારૂતાડીની વેપારી હોઈ સરકારી રાજ્યના એક ટેકારૂપ. તેટલા ખાતર પણ સરકાર ઉદાર થઈને એક ટેકીલા પારસીને જવા દઈ શકતી હતી. પણ નહિ; તેણે તો જેણે વધારે બહાદુરી બતાવી તેને વધારે પજવ્યા. આ કિસ્સામાં એક બીજી વસ્તુ નોંધવા જેવી હતી. જે દારૂની દુકાનમાં જપ્તી થઈ તેના માલિક એકલા દોરાબજી જ નહિ પણ તેનાં સાસુ બાઈ નવાજબાઈ હતાં. આ બાઈની ધીરજ આટઆટલી સતામણીમાં કેમ રહી હશે ! કદાચ તે તેના  જમાઈની હિંમતને લીધે ટકી રહ્યાં હોય, કદાચ આસપાસનાં વીર દૃશ્યો જોઈને પણ તેમનામાં હિંમત આવી હોય. ગમે તેમ હોય બંને જણ આખી લડતમાં ઠેઠ સુધી અડગ રહ્યાં. મુંબઈના અને બીજા પારસીઓની સહાનુભૂતિ સત્યાગ્રહીઓ તરફ ખેંચાઈ તેના મૂળમાં આ બે પારસી સત્યાગ્રહીઓનું અડગ કષ્ટસહન હતું.

દોરાબજી શેઠના રૂા. ૩૧૪–૧૪-૫ ના ખાતા બદલ બે હજારની કિંમતનો માલ જપ્ત થયો, દુકાને તાળાં પડ્યાં, પછી સરકારી પ્યાદાંઓએ પોતાની બેવકૂફી ધોઈ નાંખવાને માટે પાછી દોડાદોડ કરી, તાળાં ખોલીને દોરાબજીને દુકાન ન ચલાવવાને માટે સજા કરવાની ધમકી આપી; વળી પાછી ચડાઈ થઈ, કાણાં પીપો જપ્ત કરવામાં આવ્યાં અને પરિણામે દારૂ ઢોળીને નુકસાન કરવામાં આવ્યું. અને વળી પાછી ચડાઈ થઈ, દારૂ બીજા પીપોમાં ભરવામાં આવ્યો, અને એક ભાડૂતી માણસને તે પાણીને મૂલે વેચવામાં આવ્યો. ઉપરાંત ચાર પીપો જપ્તીમાં લેવાયાં. પણ આ બધું થયાં છતાં હજી રૂા. ૧૪૪-૬-૮ ની રકમ બાકી કાઢવામાં આવી, અને તેને માટે રૂા. ૩૦,૦૦૦ થી ૩૫,૦૦૦ ની કિંમતની જમીનની ખાલસાનોટિસ આપવામાં આવી ! આ કિસ્સા પંજાબ માર્શલ લૉ વેળાનાં ઝેરવેરની નાનકડી યાદ આપતા હતા, પણ તોયે પેલા બહાદૂર પારસીએ પોતાની અને તાલુકાની લાજ રાખે એવો બહાદુર પત્ર લખીને અમલદારને કહ્યું : ‘હજી તારે વધારે જુલમ ગુજારવો હોય તો ગુજાર, તારું કાંઈ ન વળે.’

રેસિડંટ મૅજિસ્ટ્રેટની ખાસ કોર્ટ ખોલવામાં આવી હતી એટલે તેને માટે કામ ચાલુ રાખવામાં આવતું હતું. શ્રી. રવિશંકર પકડાયા પછી ભાઈ ચિનાઈને પકડવામાં આવ્યા. ભાઈ ચિનાઈ બારડોલીના પચરંગી કસ્બાને મક્કમ રાખવાનું મોટું કામ કરી રહ્યા હતા. રવિશંકરભાઈની જેમ તેમના ઉપર પણ મામલતદારને અટકાયત કરવા માટે અને વેઠિયાઓને ધમકી આપવાને માટે કામ ચલાવવામાં આવ્યું, અને તેમને બે મહિના અને ૨૦ દિવસની સખત કેદની સજા પહેલા ગુના માટે અને ૬ મહિનાની સખત કેદની સજા બીજા  ગુના માટે થઈ. આ કેસમાં અપાયેલા ચુકાદાનો બીજે ઠેકાણે વિચાર કરશું.

આ તો બે જૂના જોગીઓ — એમને એકવાર શું અને અનેકવાર શું, જેલજાત્રા એ બીજી જાત્રા જ હતી. પણ હવે આ ‘બહાર’ ના કાર્યકર્તાઓને પકડવા છોડી સ્થાનિક કાર્યકર્તાઓ ઉપર સરકારે હાથ ચલાવવા માંડ્ચો. વાલોડમાં ડાક્ટર ચંદુલાલના હાથ નીચે એક નાનકડી સેના હતી. આ સેનામાંના ત્રણ જણને સરકારનાં તેડાં આવ્યાં. આમાંના બે તો કાઠિયાવાડના વીરો હતા, — ભાઈ શિવાનંદ અને અમૃતલાલ. પણ ત્રીજા વાલોડના એક લોકપ્રિય અને ત્યાગી કાર્યકર્તા સન્મુખલાલ હતા. પહેલા બેને તો જેલ જવામાં વિશેષતા નહોતી, કારણ કેટલોયે સમય થયાં તેઓ આવાં કામોમાં પડેલા હતા, પણ ભાઈ સન્મુખલાલને માટે આ નવો લહાવો હતો. આઠ વર્ષ થયાં તે પણ આવાં કામોમાં રસ લેતા હતા, ૧૯૨૧ માં પણ તેમણે કમર કસેલી હતી, છતાં તેમણે લોકસેવાને ધંધો કરી મૂકેલો એમ ન કહેવાય. બારડોલીની લડત જાગી ત્યારથી તેમણે નથી જાણ્યો થાક કે નથી જાણ્યાં ભૂખતરસ; તાલુકાની સેવામાં ફના થવાને માટે તેઓ તૈયાર થઈ રહેલા હતા. એમના વિના ડા. ચંદુલાલ વાલોડને અજેય ગઢ બનાવી શકે એમ નહોતું. ૨૮ વર્ષની તેમની ઉંમર છે. ઘરમાં માત્ર વિધવા માતા. એ તેમને જેલ વળાવવાને માટે બારડોલી આવ્યાં હતાં, તેમને વિદાય દેવાને માટે મળેલી વાલોડની સભામાં હાજર હતાં. તે આનંદ અને ઉત્સાહથી ઊભરાતાં હતાં એમ તો નહિ કહું, પણ હિંદુ મહિલાને છાજે એવી મર્યાદાથી પોતાની હિંમત દાખવી રહ્યાં હતાં. એ માતાનું દર્શન કરીને કોણ પવિત્ર ન થાય ?

અને એ સભા પણ કેવી ! અગાઉ મોટી મોટી સભા મેં આ ગામમાં જોઈ હતી, પણ અગાઉની બધી સભાઓને ભુલાવે એવી આ. હજારોની મેદની હતી, પણ અપાર શાંતિ — જાણે કાઈ મહાગંભીર પુણ્યકૃત્યને માટે જ ભેગા થયા હોય ની ! શ્રી.વલ્લભભાઈની વાણીમાં પણ તે દિવસે મેં કોઈ અજબ  ધાર્મિકતાનો ધ્વનિ સાંભળ્યો, પણ ભાઈ સન્મુખલાલની પાસેથી તો કદી ન ધારેલી એટલી શાંતિ, નમ્રતા અને છતાં વીરતાથી ઊભરાતું ભાષણ સાંભળ્યું. ટૂંકું અને ટચ ભાષણ; એમાં છાલકાઈ નહોતી, એમાં બડાશ નહોતી, એમાં ઈશ્વરની પાસે નમ્ર માગણી હતી કે કસોટીમાંથી ઊતરવાની તે હિંમત આપે, અને તાલુકાને સરદારની લાજ રાખવાની શક્તિ આપે. ગામડામાં જ ઉછરેલા, ગ્રામ્ય કેળવણી પામેલા પુરુષમાં કેવો ઉદાત્ત સંસ્કાર રહેલો છે તે પણ તેના તત્કાળ કરવામાં આવેલા ભાષણમાં સરસ રીતે જણાઈ આવતું હતું :

“મારા પર ફોજદારી કાયદાની કલમ ૧૮૮ અન્વયે જેલયાત્રાનું તેડું આવ્યું છે. આવાં માન માટે હું મગરૂર છું. મારો અત્યારનો આનંદ શબ્દોમાં વર્ણવવાની મારામાં શક્તિ નથી, એ તો હું નાચું કે એવું કંઈક કરું ત્યારે જ બતાવી શકું. હું પ્રામાણિકપણે માનું છું કે મેં કશો જ ગુનો નથી કર્યો. મેં કોઈ ઉપર અણઘટતું દબાણ કર્યું નથી કે ધમકી આપી નથી. એ વસ્તુ મારા સ્વભાવમાં જ નથી. છતાં તમે જોશો કે કાલે બારડોલી કોર્ટમાં એવું નાટક રજૂ થશે. મારા મુરબ્બીઓ અને સ્નેહીઓ મને આગ્રહ કરી રહ્યા છે કે મારે અદાલતમાં બચાવ કરવો. હું માનું છું કે સો વકીલોને લાવીને ઊભા રાખીશ તોપણ મૅજિસ્ટ્રેટને જે કરવું છે તે જ કરશે. માટે હું એવો બચાવ કરવા હરગિજ તૈયાર નથી, ને મને જે સજા થાય તે વધાવી લેવા માગું છું. હું તાલુકાને અને સરકારને અહીં ઊભા રહીને ખાતરી આપવા માગું છું કે આ વાણિયો બારડોલીનું નામ ડુબાવનારો નથી. જો મને અત્યારે કંઈક સહેજ ગ્લાનિ થતી હોય તો તે એટલી જ કે આવી સરસ લડત જોવાનો મોકો હવે મારી પાસેથી જવાનો. પણ મને તેનો શોચ નથી; હું જેલમહેલમાં બેસી પ્રભુનું સ્મરણ કરીશ, અને તમારી જીતને માટે પ્રાર્થના કરીશ.

સ્નેહી સબંધીઓને હું વીનવી રહ્યો છું કે મારા શરીરને માટે તમે લેશ ચિંતા ન કરશો કે મને આદત નથી ને, જેલમાં મજૂરી કેમ કરીશ. હું તમને ખાતરી આપું છું કે પ્રભુનું સ્મરણ કરીને હું બધી વાતની તાકાત મેળવીશ ને કોઈ જાતની નામોશી માથે લીધા વગર છાતી કાઢીને પાછો તમારી વચ્ચે આવીશ.

આજે જે સાચની લડત ચાલી રહી છે તેમાં વાલોડને મોખરે જોઈ ને મારું હૈયું ફુલાય છે. મારું વાલોડ ! વાલોડને માટે આજે હું  ગર્વ ન કરૂં તો બીજું કોણ કરશે ? આટલી ખાલસાનોટિસો પોચા ગણાતા મારા વણિક ભાઈઓ ઉપર ! જેલજાત્રાનાં આમંત્રણની શરૂઆત પણ વાલોડથી ! લાગણીવાળા નૌજુવાન ભાઈઓને કહું છું કે આ વાલોડ જે આજે તાલુકાનું નાક બન્યું છે તેને દીપાવજો. તમને ડરાવવા, ફોડવા, ભાંગવા ગમે તેટલી ધાંધલ કરવામાં આવે — ને કરવામાં આવશે જ; પણ કોઈ ડરશો નહિ, જપ્તીખાલસાનાં નાટકો થયાં તેવાં જેલોનાં થશે. સરકારે જેલના મહેમાનો માગવા માંડ્યા છે, તે તમે એને મોંમાગ્યા દેજો. બહારના દેવા ન પડે તે પહેલાં તમે તાલુકાના પૂરતી સંખ્યામાં દેજો. એ સંખ્યામાં પણ વાલોડ તરફથી મને ઘણી ઉમેદ છે તે પૂરી કરજો. હિન્દુમુસલમાનના ટંટા કરાવવાના પ્રયત્નો કરવામાં આવશે. એવાં ધતિંગોને કોઈ કાને ધરશો નહિ, એમાં ફસાશો નહિ ને તમારા નિશ્ચયથી ડગશો નહિ. પ્રભુ તમારા બધામાં બારડોલીની અને વાલોડની ઇજ્જતને માટે દુઃખ સહન કરવાની તાકાત લાવે. આપણા સરદાર જેમને આપણે બોલાવીને આણ્યા છે તેમને તમે તમારી મક્કમતાની ખાતરી આપો; ફના થઈ જજો પણ તેમનું નાક ન કપાવા દેજો, ને જે ફતેહ મળે તે માનથી મળે એવું કરજો. પ્રભુ તમને એટલી તાકાત આપો.”

સવારે વાલોડથી એ ત્રણ વીરો નીકળ્યા તેમને વળાવવા આખું ગામ ઊભરાયું. લોકોએ હર્ષાશ્રુથી તેમને વળાવ્યા. એક મુસલમાન ભાઈ તો આવેશમાં સ્તબ્ધ થઈને પડ્યા.

ક્યાં એ ગંભીર દૃશ્ય અને ક્યાં એ જ વીરોના ઉપર જ્યાં કામ ચાલ્યું તે અદાલતનાં હાસ્યજનક દૃશ્ય !

ભાઈ સન્મુખલાલ ઉપર આરોપ એવો હતો કે પ્રાણજીવનદાસ નામના શખ્સના ઘરમાંથી તલાટી, રેવન્યુ પટાવાળો તથા જપ્તીઅમલદાર જુવારની ત્રણ ગૂણો જપ્તીમાં લેતા હતા તે વખતે જપ્તીનું કામ નહિ કરવાનું સમજાવવાના હેતુથી આરોપીએ તલાટીને અને સરકારી પટાવાળાઓને સામાજિક બહિષ્કારથી નુકસાન પહોંચાડવાની ધમકી આપી. સરકાર તરફથી સાક્ષીમાં તલાટી અને પટાવાળા. પટાવાળામાં એક દૂબળો અને એક રજપૂત. ત્રણેને બિચારાને શીખવેલી જુબાની આપતાં મુશ્કેલી પડતી હતી. ઘણીવાર સરકારી વકીલ તેમનાં મોંમાં શબ્દો અને વાક્યો મૂકવાનો પ્રયત્ન કરતો હતો, ઘણીવાર મૅજિસ્ટ્રેટને સરકારી વકીલને ધમકાવવો પડતો હતો : ‘ભાઈ, એ માણસને જવાબ આપવા દો, તમે શા સારુ એના વતી બોલો છો ?’

તલાટીએ પહેલીવાર ફરિયાદ કરેલી તેમાં તો સન્મુખલાલની ધમકીનાં ઘણાં વાક્યો હતાં. અદાલતમાં આવીને તેની હિંમત ક્યાં ચાલી ગઈ તે તો કોણ જાણે? સન્મુખલાલની સામે હડહડતું જૂઠાણું બોલતાં કદાચ તેની છાતી હેબતાઈ ગઈ હોય તો રામ જાણે !

ઘડીઘડીએ મૂછ પર હાથ ફેરવતા ફોજદારસાહેબને પણ અર્ધાં વાક્યો સરકારી વકીલ પાસે પૂરાં કરાવવાં પડતાં હતાં !

ત્રીજા સાક્ષી પટાવાળાને તો બિચારાને સન્મુખલાલની ખબર નહોતી. ‘ગાંધીવાળા હતા ખરા. કોણે શું કહ્યું તે કોણ જાણે ?’ એની ગ્રામ્ય ભાષામાં, ‘ઉં હું જાણું ?’ એ જ વાક્ય બધા સવાલોનો એનો એક જવાબ કહી શકાય. આ પુરાવા (?) ઉપર સન્મુખલાલને છ માસની સખ્ત કેદની સજા મૅજિસ્ટ્રેટે ફરમાવી. જેનો પુરાવો કાંઈ કામમાં આવી શકે એવા જપ્તીઅમલદારને સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા જ નહોતા.

આ પછી દૃશ્ય બીજું ખડું થયું. ભાઈ શિવાનંદ અને અમૃતલાલને રજૂ કરવામાં આવ્યા. જાણે હમણાં જ સૌને ચપટીમાં મસળી નાંખશે એવા રૂઆબથી એક ઉત્તર હિન્દુસ્તાનનો મુસલમાન આવીને ઊભો. એણે પોતાનો પાઠ સરસ ગોખેલો હતો. પોતાના જવાબથી જાણે કોર્ટને પણ ધમકાવવા માગતા હોય એવા આ વીરે ફરિયાદ નોંધાવી કે શિવાનંદે (તેની આગળ બાળક જેવા લાગતા શિવાનંદે) તેની ઉપર ધસારો કર્યો, અને અમૃતલાલે હાથ ઉગામ્યા ! મોટર હાંકનાર અને ક્લીનરે તેના કહેવામાં જેમતેમ ટાપસી પૂરી ! જપ્તીઅમલદાર સાહેબ તો તેમને કોથળા ઉપાડવાનો હુકમ આપીને ચાલ્યા ગયા હતા, એવો સૌનો પુરાવો હતો !

આવા માણસોની ઊલટતપાસ કરવી એ પણ નામોશી પામવા જેવું હતું. મૅજિસ્ટ્રેટ ચાહે તો પગલે પગલે આ સાક્ષીઓની ઊલટતપાસ કરીને તેમને તોડી શકે એવું હતું. પણ એટલી તકલીફ તેઓ શા સારુ લે ?

છતાં શ્રી. વલ્લભભાઈની સલાહથી ભાઈ શિવાનંદે, મૅજિસ્ટ્રેટની આંખ ઉઘાડવા, બીજા કેસો આવા ને આવા ઘણા આવશે એ બદલ ચેતવણી આપવા, એ કોથળા ચડાવવાના દૃશ્યના ફોટોગ્રાફો મૅજિસ્ટ્રેટ સામે રજૂ કર્યા. સાક્ષીઓએ કહ્યું હતું કે જપ્તીઅમલદાર તો ચાલ્યા ગયા હતા; પણ ફોટોગ્રાફમાં હૅટ ચડાવીને સાહેબ ઊભેલા મોજૂદ હતા ! અમૃતલાલ તો હતા જ નહિ !

પણ ‘ગુના વખતનો આબેહૂબ ચિતાર રજૂ કરનારા’ ભાઈ શિવાનંદના ફોટોગ્રાફો મૅજીસ્ટ્રેટ શેનો માને ? એમાં થોડો જ શિવાનંદ અને અમૃતલાલની ભાષાનો ફોટોગ્રાફ આવી શકતો હતો ? અને ફોટોગ્રાફ પાડતાં અમૃતલાલને ત્યાંથી ખસી જવાનું કહેવામાં આવ્યું હોય તો ! પણ પેલા જપ્તીઅમલદારને ફોટોગ્રાફર ત્યાં ઊભા રહેવાનો હુકમ ન જ કરી શક્યા હોય ! તેની જુબાની શા સારુ ન લેવામાં આવી ?

મૅજિસ્ટ્રેટે શ્રી. સન્મુખલાલને છ મહિનાની સખ્ત કેદની સજા કરી અને શિવાનંદ અને અમૃતલાલને નવ મહિનાની સખ્ત (બે એક જ ગુનામાંથી ઉત્પન્ન થતા આરોપો ઉપર બે એક પછી એક) સજા કરી ! ભાઈ શિવાનંદ અને અમૃતલાલ કાઠિયાવાડનાં બલિદાન હતાં. તેઓ ગયા એટલે તેમનું સ્થાન લેવાને તેમના કરતા સવાયા શ્રી. અમૃતલાલ શેઠ (એમ. એલ. સી.) અને શ્રી. બળવંતરાય મહેતા, સ્વયંસેવક તરીકે આવીને ઊભા. શ્રી. ચિનાઈના જવા પછી ડા. ચંપકલાલ ઘિયા તેમનાં પત્ની સાથે આવ્યા અને મોતામાં પડાવ નાખ્યો. આમ એક સૈનિક પોતાની જગ્યા પોતાનાથી અદકાવડે પુરાવ્યા વિના જેલમાં જતો નહોતો.

સરકારની બદનામીને માટે આ દૃશ્યો કરતાં વધારે શું જોઈએ ?

આ બધું ૧૫ મી મેએ બન્યું.