બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/વધારે તાવણી

← પ્રચંડ ભઠ્ઠી બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
વધારે તાવણી
મહાદેવભાઈ દેસાઈ
દાઝ્યા ઉપર ડામ →


૧૭

વધારે તાવણી

“સરકારને બીજું કંઈ સૂઝતું ન હોવાથી તે અત્યારે હવાતિયાં મારી રહી છે. એ તમને ગૂંચવવા માગે છે. તમે જરા તોફાન કરશો કે તરત એ ચડી બેસશે.”

જી ત્રાસનીતિના તાપ તો વૈશાખજેઠની જેમ તપે છે. કાયદાને નામે બારડોલીમાં લૂંટ, ઢોરચોરી, ઘર ફોડવાનું ચાલી રહ્યું છે. માત્ર અન્યાયના નાટકથી હસવું આવે છે, કારણ જેલમાં જવાનું વધાવી લેનારને ખોટા પુરાવાથી ચીડ શા સારું થાય ? પણ આ પાપચિત્રો ચીડ ઉત્પન્ન કરે એવાં છે. દિવસના જપ્તી કરવાનું ન બને એટલે રાત્રે ધાડો પાડવી, લોકોની વાડો તોડવી અને પાછલે બારણેથી પેસવું, પાછલે બારણેથી પેસીને ઘરનાં પતરાં ઉખેડી ઘરમાં પેસી વાસણકૂસણ ઉઠાવવાં, એ કયું શાહુકારીનું કામ છે ? અને એ પણ કોનાં ? શેઠ વીરચંદ ચેનાજી જેવા પ્રતિષ્ઠિત ગૃહસ્થ, જેમની હજારોની જમીન સરકારદફતરે દાખલ થયાનું જાહેર કરવામાં આવ્યું હતું, જેમની બે ઘોડીઓ જપ્ત કરવામાં આવી હતી તેમને ઘેર આ બધાં તોફાન કરવામાં આવ્યાં ! એક પારસી વીરને પોચા જાણી ખુવાર કર્યા, છતાં તેમને ન નમાવી શક્યા. હવે આ વણિક વીરને નમાવવાને માટે આ નામોશીભરેલાં કૃત્યો કરવા માંડ્યાં !

બધા કિસ્સાઓ નોંધવાનું આ સ્થળ નથી. લડત ચાલતી હતી તે વેળા બધાની વીગતો વર્ણવવાની આવશ્યકતા રહેતી હતી. ઇતિહાસમાં માત્ર થોડા નમૂનાને જ સ્થાન હોય.

એક ઠેકાણે એક બાપડી ડોસીને ઘેર પાછલે બારણેથી ખ્રરતી જપ્તીદાર પેઠા. તે પોતાની જમીન તો પરબ માટે દાન કરી ચૂકેલી હતી ! પણ તલાટી કહે : ‘હજી દાન દફતરે નોંધાયું નથી, જમીન તમારે જ નામે છે. ચાર રૂપિયા ભરી દો, અથવા ભેંસ આપો.’ ડોસીએ ન માન્યું. એટલે ચાર રૂપિયા માટે તેની ભેંસ જપ્તીમાં લેવામાં આવી ! વાલોડમાં મસ્જિદની જમીનના જૂના ધારાના પૈસા તો ભરાઈ ગયા હતા, પણ નવા વધારાના રૂપિયા બાકી રહ્યા તે માટે મસ્જિદની પાક જમીન ખાલસા ! એક ગામે મધરાતે ચડાઈ કરી, લોકોને ખોટી ખબર આપવામાં આવી, પણ લોકો ચેતી ગયા ! એક ગાયકવાડી ગામના લોકો ભેંસ અને પાડાં ખરીદીને જતા હતા. તેમનાં નામઠામ જાણ્યા વિના, તેમણે પોતાનાં નામઠામ આપ્યાં તે સાંભળતાં કાને દાટા મારીને, ભેંસપાડાં જપ્ત કર્યાં, ગાભણી ભેંસને તાપમાં બારડોલી લઈ ગયા, અને તે માટે દાવો કર્યો, તો એક અમલદાર કહે બીજાની પાસે જાઓ, બીજો કહે ત્રીજાની પાસે જાઓ ! પેલા બાપડા ધક્કા ખાતા થાક્યા, હાર્યા, પણ ભેંસ શેની મળે ?

એક રસ્તાની નજદીકના વાડામાં એક ગાડું પડ્યું છે, તેની ઉપર જપ્તીદારની નજર પડી. એક પઠાણને કહ્યું, ‘તોડો વાડ ઔર નિકાલો ગાડી. પણ ગાડીને લઈ શી રીતે જવી ? ગામનો પટેલ હાજર ન મળે, કે ન મળે કોઈ વેઠિયો કે બીજું કોઈ માણસ જેને ગાડી સોંપી શકાય. એટલે જપ્તીદારે બૂમ પાડી : ‘પટેલે આ ગાડીનો કબજે લેવો. એ ગાડી જપ્ત થઈ છે એ સૌ કોઈને જાણ થાય,’ અને આગળ વધ્યા.

આ રહ્યા કેટલાક ઘર ફોડવાના દાખલા :

એક જપ્તીદાર અને તેની ફોજ દેલવાડા ગામના એક ઘરના પાછલા બારણાના વાડામાંથી પેઠી, બારણાનો નકૂચો ઉખેડ્યો, ઘરમાં પેઠા, ઘર બિનખાતેદારનું હતું એટલે ત્યાંથી ચાલ્યા ગયા.

એ જ સજ્જનોએ એક ઘરનાં બારણાં ઉતાર્યાં, ઘરમાં પેંઠા, એક બાંકડો, અને કેટલાંક વાસણકૂસણ માલિકની ગેરહાજરીમાં ઉપાડ્યાં અને ચાલ્યા ગયા.

આ લોકો એક કૂંચીનો ઝૂડો પોતાની સાથે ફેરવતા. એક ઠેકાણે એક કૂંચી એક ઘરને લાગી, તે ઘરમાં પેસીને ભેંસ ઉપાડી.

મઢીની પાસેના એક ગામમાં ત્રાસજનક દાખલો બન્યો. એક જપ્તીદાર અને તેના પઠાણો અજવાળું થતા પહેલાં પોતાના કામ ઉપર નીકળી પડથા. આમાંનો એક પઠાણ પાછલે બારણેથી એક ઘરમાં પેસવાનો પ્રયત્ન કરતો હતો ત્યાં ઘરની બાઈએ ઘરમાં દોડી જઈ બારણું બંધ કરવા માંડ્યું. ૫ઠાણ પાછળ પડ્યો, બારણાને ધક્કો માર્યો, અને પેલી બહેન પાછી બંધ કરવા જતી હતી ત્યાં પઠાણે તેનો હાથ પકડ્યો, તેને બહાર ખેંચી કાઢી અને પછી પાંચ જાનવરો જપ્ત કર્યા. ભાઈ મણિલાલ કોઠારી તે દિવસે ત્યાં જ હતા. તેમણે આ ખબર છાપામાં આપી એટલે દેશમાં ખળભળાટ મચ્યો.

જે રીતે ભેંસોની નામની કિંમતે કહેવાતી હરાજી થતી હતી, જે રીતે નાનાં નાનાં રાચરચીલાં અને બીજી મિલકતના કોઈ લેનાર ન મળે ત્યારે પઠાણો, સરકારી પટાવાળા, અને પોલીસને તે નામની કિંમતે આપી દેવામાં આવતી હતી, જે રીતે આ પટાવાળાઓને માટે લિલામ કરનારા જાતે આ વસ્તુ ખરીદતા તેના તે ઘણાયે દાખલાઓ છે. પઠાણના પેલા દાખલાથી તાલુકામાં હાહાકાર થઈ રહ્યો હતો ખરો, છતાં દોઢદોઢસો અને બસેં રૂપિયા પગાર ખાનારા અને મામલતદારની જગ્યાની લાયકાત ધરાવનારા અમલદારોને મવાલી પઠાણોની સાથે રાતદિવસ ભેંસની શોધમાં ભટકતા જોઈને આટઆટલા ત્રાસમાં અને ઉકળતા તાપમાં કારાગ્રહવાસ ભોગવતા લોકોને પણ રમૂજ આવતી હતી.

લગભગ આ જ અરસામાં વાંકાનેરના ૧૮ ખેડૂતોને ટંટાફિસાદ અને સરકારી નોકરીને કામમાં અટકાયત કરવાને માટે પકડવામાં આવ્યા. ખરા ખેડૂતોને જેલ જવાનો વારો આ પહેલીવાર આવ્યો એમ કહેવાય. આ પકડાપકડીઓ હર્ષથી વધાવી લેવામાં આવી. આ અઢારના ટોળામાં એક શ્રી. વલ્લભભાઈની મોટરનો ‘ક્લીનર’ હતો અને એક ગુજરાત મહાવિદ્યાલયનો વિદ્યાર્થી હતો. આ બે જણા અને બીજા આઠ જણાએ તો જામીન આપીને છૂટવાની ના પાડી; બાકીના આઠ જણે પોતાનાં ઘરકામકાજમાંથી પરવારી લેવા જામીન આપીને કેસ ચાલે ત્યાં સુધી છૂટી મેળવી.

આમ એક તરફ ઉત્સવ ઊજવાઈ રહ્યા હતા ત્યાં બીજી તરફ દુશ્મન કિલ્લામાં ક્યાંક ક્યાંક ગાબડાં પાડતો હતો. મુસલમાન મામલતદારે કેટલાક મુસલમાન ખાતેદારોને આખરે ફસાવ્યા અને પૈસા ભરાવ્યા. આ મુસલમાનોએ તો સત્યાગ્રહપ્રતિજ્ઞા ઉપર સહી કરેલી નહોતી, પણ મોતામાં સત્યાગ્રહપ્રતિજ્ઞામાં પહેલી સહી કરનાર કેટલાક જણ પડ્યાના ખબર આવ્યા. આથી ન સરદારના પેટનું પાણી હાલ્યું કે ન લોકોના પેટનું પાણી હાલ્યું. સરદારે વાંકાનેરમાંના પોતાના જ ભાષણમાં આ બંને માઠા ખબરની ઉપર ચર્ચા કરતાં નવું જ અજવાળું પાડ્યું :

“મેં સાંભળ્યું છે કે તમારા ગામના મુસલમાન પૈકી કેટલાકોએ પૈસા ભરી દીધા. એમાં કાંઈ બૂરું થઈ નથી ગયું. એક રીતે તો એમાં આપણે રાજી થવાનું છે. ઈશ્વર જે કંઈ કરે તે સારાને માટે જ કરે છે. આ લડતને ત્રણ મહિના થઈ ગયા છતાં સરકારને કોઈએ પૈસા આપ્યા નહિ ત્યારે તેણે એવી વાત ફેલાવી કે લોકોને તો ભરવાની મરજી છે, પણ મારી નાંખવાના અને દેવતા મેલવાના ભયથી અથવા નાતજાતના બંધનને લીધે ભરવા જઈ નથી શકતા. આ મુસલમાન ભાઈઓએ હવે પૈસા ભર્યા છે તે પરથી હવે સરકારને ખાતરી થઈ જશે કે એવા ભયની વાત કેવળ બનાવટી જ હતી. એટલું સિદ્ધ કરવાનું સાધન આપોઆપ મળી ગયું એ આપણને ખુશી થવાનું કારણ છે. હવે આપણું એ કામ છે કે જેમણે પૈસા ભરી દીધા તેમને નિર્ભય કરવા. એ ભરનારાઓએ તો પ્રતિજ્ઞા પણ ક્યાં કરી હતી ? તેઓ મૂળથી જ નરમ હતા એ આપણે જાણતા જ હતા. ઇમામસાહેબ અને અબ્બાસસાહેબ તેમને બેત્રણવાર મળી ચૂકેલા જ હતા. એમને લડતમાં જોખમ લાગતું હતું. હવે મામલતદાર તેમની ન્યાતના આવ્યા, તેની સલાહ તેઓ માને, તેણે કંઈક કરી બતાવ્યું એવા જાતભાઈ તરીકે તેને જશ આપવાનું પણ મન સ્વાભાવિક રીતે થાય, એટલે એવાં કારણોથી કેટલાક પૈસા ભરે એમાં કંઈ જ નવાઈ નથી, કે તેમાં આપણે રોષ કરવાજેવું પણ નથી. ઈશ્વર જે કરે છે તે સારાને જ માટે કરે છે. તેની મરજી એવી હશે કે થોડા પાસે પૈસા ભરાવીને સિદ્ધ કરી આપવું કે જેને ભરવા જવું હોય તેમને કોઈ મારતું નથી કે તેમની સાથે કોઈ વેર બાંધતું નથી.”

મોતાનો કિસ્સો શોચનીય હતો. જે માણસોએ પૈસા ભરી દીધા તેમણે જ ગામના તરફથી બાંહેધરી આપી હતી. પણ એ લોકો શ્રી. વલ્લભભાઈના શબ્દોમાં બે ઘોડે ચડનારા હતા, તેમને લોકોને પણ ખુશ રાખવા હતા અને સરકારી અમલદારોની પણ ખુશામદ કરવી હતી. મોતાના કિસ્સા વિષે બોલતાં શ્રી. વલ્લભભાઈ બોલ્યા :

“તમે આ અમલદારના ભમાવ્યા ચાળે ચડી ભરવા જશો તો એમની મહોબત તમને મુસીબતમાં નાંખશે, ને તમારા ઘરમાં ઝગડા જાગશે. ફોજદારસાહેબ મોતામાં બે દેશાઈઓએ એમની દોસ્તી કરેલી તેમની પાસેથી પૈસા ભરાવી આવ્યા. જેણે ઊભા થઈને ગામ વતી ખાતરી આપેલી ને પ્રતિજ્ઞા પર સહી કરેલી તે દેશાઈઓ આજે ભોંઠપથી ચોધારાં આંસુ પાડે છે. ઘરમાં દીકરાએ એને ત્રણ દિવસથી આની ગંધ આવવા લાગી ત્યારથી ઉપવાસ કર્યા છે. શરમના માર્યા બહાર નીકળાતું નથી, અને એણે માફીનો કાગળ મારા ઉપર મોકલ્યો છે. એમને ભય બતાવ્યો હશે કે દેશાઈગીરી જશે. દેશાઈગીરી રહી પણ આબરૂ તો ગઈ. ફોજદારસાહેબ શી ધાડ મારી આવ્યા ? કાનખજૂરાના બે પગ તૂટ્યા તોય શું ને રહ્યા તોય શું ? લશ્કર લડવા નીકળે છે તેમાં થોડાઘણાં કપાયા વિના રહે છે ? કોઈ વળી મૂઠી વાળીને નાસી જનાર ને મોં કાળું કરી લેનાર પણ નીકળે છે. તેથી શું ? મોતા ગામના આગેવાનોએ તો પેલાને કહ્યું, શું કામ રડો છો ? મને પણ આવીને કહી ગયા, ભલે એણે ભર્યા, કોઈ એમને નહિ કનડે, અમે એને રક્ષણ દેશું.”

પણ લોકોને આવા કાનખજૂરાના થોડા પગ તૂટે તેના ડર રહ્યો નહોતો. ભેંસોના ઉપર ગુજરતો ત્રાસ સાલતો હતો ખરો, અને ઉકળતા તાપમાં બારણાં ઢાંકીને ભરાઈ રહેવું તે કોને ગમે ? આ લોકોને રીઝવીને, હસાવીને, લડાઈમાં અડગ રાખનાર શ્રી. વલ્લભભાઈની તોલે આવે એવા લડવૈયા વિરલ છે. કોઈ ઠેકાણે કહે છે : ‘તમારા જપ્તીદાર બ્રાહ્મણ છે. ચાર વાગે ઊઠીને પ્રભુસ્મરણ કરવા કે પ્રભાતિયાં બોલવાને બદલે આજકાલ ભેંસોનું સ્મરણ કરે છે.’ આ જપ્તીદારથી કોણ ડરે, અને એને કોણ ગણકારે ? બીજે ઠેકાણે કહે છે : ‘વાલોડના થાણામાં એક જણ ભેંસનું પૂછડું પકડી રહ્યો છે, ને બીજો દોહે છે ! કોઈ એ આનો ફોટો પાડી લીધો છે. સરકારની નોકરી કરવા જતાં ગોવાળિયા અને ખાટકી થવાનું ! બળ્યા એ અવતાર ! સરકારી નોકરો કહે છે : ગામનાં છોકરાંનાં ડંકાનગારાં કરતાં આ ઢોરોની રાડોથી કાન ફૂટ્યા. કાઢોની જાહેરનામું એ ભેંસો ઉપર કે અવાજો ન કરવા ! તમારા જ થાણામાં એ બેઠેલી છે તમારી હકુમત હેઠળ.’ એક ગામમાં જઈને પૂછે છે : ‘તમારી ભેંસો વિષે બેપરવા છો ને ?’ લોકો કહે : ‘હા જી, અમે એને મરેલી સમજીએ છીએ.’ એટલે સરદાર પેલાને વધારે બેદરકાર બનાવવા માટે કહે છે : ‘જાણજો કે સરકારી કોગળિયું આવ્યું હતું. કોઈ એનો વિચાર ન કરજો. જાણજો કે એક નવી જાતનો સરકારી રોગચાળો આવ્યો હતો.’

વાલોડની સભા સરકારી થાણાની સામે જ ભરાતી હતી. ભાષણ પૂરું થવા આવ્યું ત્યાં ભેંસોના બરાડા સંભળાવા લાગ્યા. એટલે સરદારને વળી તક મળી : ‘સાંભળો, ભેંસોની રાડો. રિપોર્ટરો લખી લ્યો, રિપોર્ટ કરજો ભેંસો ભાષણ કરે છે. નગારાંના અવાજોથી રાજ ઊંધું વળતું હતું, હવે આ ભેંસોની રાડ સાંભળો (ફરી ભેંસોના બરાડા). આ રાજ કેવું છે એ હજુ તમે ન સમજતા હો તો આ ભેંસો રાડો પાડીને તમને કહે છે : આ રાજમાંથી ઇનસાફ મોં સંતાડી નાસી ગયો છે.’

હાસ્ય અને કરુણાની એ મેળવણી કેટલી સાદી અને કેટલી અસરકારક છે ! પણ ઘણીવાર અતિશય ગંભીર થઈ જતા સરદારના હૃદયમાં કેવી જ્વાળા સળગી રહી હતી તેનું પણ લોકોને માપ મળી રહેતું હતું :

“હું જાણું છું કે આખો દિવસ તમારે બારણાં અડકાવીને માણસ ને ઢોર બધાંએ પુરાઈ રહેવું તમને વસમું લાગે છે, ને તમે તમારાં ઢોર ને ઘરની મિલકત સરકારને લૂંટી જવા દેવા તૈયાર છો. પણ મારે તમને સમજપૂર્વક દુઃખ સહન કરતાં શીખવવું છે ને તમને ઘડવા છે. તે સિવાય આ બાહોશ અને ચાલાક સરકાર સામે આપણે ન ફાવીએ. મારે તમને દેખાડવું છે કે સો રૂપિયાની નોકરી માટે જનોઈ પહેરેલો બ્રાહ્મણ હાથમાં દોરડાં ઝાલીને ખાટકીને દેવાનાં ઢોર પકડવા ફરે છે. આપણા જ માણસોને, ઊંચ વરણના લોકોને આ રાજતંત્ર કેવા રાક્ષસો બનાવે છે તે તમને મારે દેખાડવું છે.”

અથવા આ :

“આપણી તો એક નાનીસરખી લડત હતી. પણ સરકાર હઠે ભરાઈને તેને મોટું રૂપ આપે છે. જો આજે પ્રજા પોતાની હઠ બરાબર ન પકડે તો સરકાર તેને છૂંદી નાંખશે. પણ પ્રશ્ન જો ખરી હઠ પકડશે તો સરકાર હારી જશે. કદાચ આ તાલુકાના બધા માણસો ખુવાર થાય કે મરી જાય તોયે શું ? ૮૦ હજાર મર્યા કે જીવ્યા તેનો ઈશ્વરની સૃષ્ટિમાં શો હિસાબ છે ? એક મણ ઘઉંનું બી જમીનમાં દટાઈ કોહીને નાશ પામે છે, પણ તેના બદલામાં ખાંડીબંધ ઘઉં પેદા થાય છે; તેમ તમે બારડોલી તાલુકાના ખેડૂતો બી બની ભલે ખુવાર થાઓ, અને ગુજરાતની ખેડૂતઆલમનું કલ્યાણ કરો. આજે તમને લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે એમ સમજો. ફરીફરીને આવો સમય કોઈના ભાગ્યમાં નથી આવતો. તમારે ખેડૂતને ડરવાનું હોય જ નહિ. ડર તો સરકારને હોય — જેને પોતાનું રાજ્ય રાખવું છે; સરકારી અમલદારને હોય — જેને નોકરી ખોઈ બેસવાનો ડર છે.”

અથવા તો અપ્રમત્ત આઠે પહોર જાગૃત સરદારના આ ઉદ્‌ગાર લો :

“તમે મને આરામ લેવા કહો છો, પણ મારે કોઈ આરામ નથી લેવો. છૂટો છું ત્યાં સુધી રાતદિવસ તમારી વચ્ચે રહેવું એ મારો ધર્મ છે. તમને ખબર નહિ હોય પણ મને ખબર છે કે તમારી પાછળ કેટલાં કેટલાં ભૂત ભમી રહ્યાં છે. કઈ વખતે તેઓ તમને વળગી ગાંડા કરશે, કઈ વખતે પાડશે એનું રખવાળું કરવાનો મારો ધર્મ છે. જેણે તાલુકાના રખો હોવાનો દાવો કર્યો છે તેનો ધર્મ સતત સર્વકાળ જાગૃત રહેવાનો છે. તમે મને તાલુકાનો રખો નીમ્યો તો હવે જ્યાં સુધી હું બહાર રહું ત્યાં સુધી મારે સૂવાનું હોય નહિ. મારો ધર્મ પોતે જાગૃત રહી તમને નિરંતર જાગૃત રાખવાનો છે.”