બીરબલ અને બાદશાહ/ઓરમાન ભાઈઓનો ઝઘડો
← દીકરાની વાત માએ કબુલ રાખી | બીરબલ અને બાદશાહ ઓરમાન ભાઈઓનો ઝઘડો પી. પી. કુન્તનપુરી |
રાજાના માથાનો મલ્યો → |
મનુષ્ય માત્રના અંગમાં, ગુણ અવગુણ કે નુર;
માતા તાતા મોશાળની અસર છે એજ જરૂર.
દીલ્લી શહેરમાં એક લક્ષ્મિચંદ નામનો સદગૃહસ્થ રહેતો હતો. તેની સદગુણ સંપન્ન સ્ત્રીનું મરણ થવાથી તેણે પુનઃલગ્ન કર્યું અને તે નવીન સ્ત્રીની સંગાથે સંસાર સુખ ભોગવતા એક સુંદર પુત્ર રત્ન પ્રાપ્ત કર્યું.
સદરહુ શેઠની ગત થઇ ગયેલી સ્ત્રીના પણ બે પુત્ર હતા તેઓ પોતાના ધંધા રોજગારમાં આનંદમાન વિહાર કરતા હતા જ્યારે આ નવીન પરણેલી સ્ત્રીથી એક પુત્ર ઉત્પન્ન થયો અને તે પાંચ વર્ષનો થયો ત્યારે દુર્દેવના પ્રતાપે સ્વર્ગવાસ થયો તેથી નવી સ્ત્રીને પોતાના અને પોતાના બાળકના પોષણ માટે મોટા ઓરમાન છોકરાની ઓશીયાળ કરવી પડી. ઓરમાન છોકરાઓના મનમાં તો રાત્રી દીવસ નવીન સ્ત્રીના પુત્ર માટેની ખટક રહેતી હતી કે ( આ ક્યાં નકામું શાલ થઇ પડ્યું. પીતાએ મરતાં મરતાં પણ પીડામાં નાંખી ગયા છે પણ હજુ કાંઇ વાજુ વંઠ્યું નથી. ધીમે ધીમે વચમાં નડતા કાશલને કાઢી નાખશું ? આ પ્રમાણેનો નીચ વીચાર તેઓ ચલાવતા હતા. આવા નીચ વીચારવાળા ભાઈઓએ પોતાની ઓરમાન મા, અને ઓરમાન ભાઇને ખાવા પીવા સંબંધી દુઃખ પાડવા લાગ્યા. આ દુઃખ સહન ન થઇ શકવાથી ઓરમાન માએ પોતાની આગલી શોકના બંને છોકરાઓને કહ્યું કે, "વારંવાર તમને ખરચ માટે મહેનત આપવી એ મને ઠીક લાગતું નથી. માટે મારો ત્રીજો ભાગ મને આપો એટલે આપણી હમેશની તકરારનો અંત આવી જાય.' આ સાંભળી આગલી શોકના બંને છોકરાઓએ પોતાની ઓરમાન માને ધમકાવીને કહ્યું કે, 'અમારી મીલકતમાંથી તમને એક દમડીનો પણ ભાગ મળનાર નથી. અમારા પીતાના વીર્યથી પેદા થયેલો તમારો છોકરો નથી. તો પછી ભાગ શા માટે આપીએ ? બાપની બાયડી ધારીને, બાપની આબરૂને ખાતર જે કાંઇ ખરચ આપીએ તે લઈ ગુપચુપ બેસી રહો. છતાં પણ એમ ન માનતા પારકાઓની ઉશ્કેરણીથી કાંઇપણ ગડબડ સડબડ કરશો તો નાહક આબરૂથી ફજેત થશો પણ કાંઇ લાભ થનાર નથી એ ખચીત જાણજો.' આ ચોખાચટ કલંક યુક્ત રોકડા શબ્દો સાંભળીને બાઇને બહુજ ખરાબ લાગ્યું ન્યાય વગર છુટકો થનાર નથી. ન્યાયની સોટી વગર આ છોકરાઓની આંખ ઉઘડનાર નથી. આ વીચાર કરીને તે બાઇએ અકબરની અદાલતમાં ફરીઆદ નોંધાવી. બ્રહ્માના સમયથી ચાલતું આવેલું અંધેર અકબરના અદલ રાજમાંથી કાંઇ તદન નાશ પામ્યું નહોતું. સામી પક્ષવાળાઓએ ધનની લાલચથી અમલદારને સમજાવી દાવો રદ કરાવ્યો. કહ્યું છે કે પૈસો શું કરી શકતો નથી ? જરકી મોહબત જરકે તાબે; જરકો જગમેં ખાર હૈ, જીસ જોયપે દેખો યારો, તો જરસે બેડા પાર હે ધન જોઇ મુનીવર ચળે, તરૂણી પસારે હાથ, કંથા વોહ ધન લાવજો, કો જીણરો નામ ગરથ. નાણાની તાનથી બાઇનો સાચો દાવો બરબાદ ગયો. અને ધનવાળા છોકરાઓનો ખોટો દાવો ખરો થયો. એક દમડી માટે હજારોનો ખરચ કરવા છતાં સ્વચ્છ ન્યાય મળતો નથી. નહાના તે મહોટા સુધી ખાઉં ખાઉં કરે છે. ખાધા વગર આગળ પગલું ભરવા દેજ નહીં. તો પછી ગરીબ બીચારાની શી તાકાત કે પોતાના દાવાની દાદ મેળવવાને ભાગશાળી બને. ગ્રંથ વગરનો નર નીમાણો કહેવાય છે. માટે જેની પાસે ટકા તેના સૌ સગા, પણ જેની પાસે નહીં ટકા, તો બેઠા જુવે ટગ ટગા ? ધન બીન બાપ કહે પુતતો કપુત ભયો, ધન બીન ભાઈ કહે બંધુ દુઃખદાઇ, ધન બીન નારી કહે નકટેસે કામ પડ્યો, ધન બીન સુશર કહે કીનકા જમાઇ હે, ધન બીન યાર દોસ્તદાર કહુ ન તજીએ, ધન બીન દુનિયામાં મુહકુ છીપાઇએ. કહે કવી બીકટરામ સુનહો દીન દયાળ ધન બીન મુડદેકું લકડી ન પાઇએ.
જ્યારે આ પ્રમાણેના સ્થીતિવાળી બાઇ નીરાશ થઇ, કાંઇ પણ દાદ ન લાગી ત્યારે ખુદ અકબર હજુર જઇ સઘળી બાબતો રજુ કરી તેથી શાહે ન્યાયધીશને બોલાવીને પુછ્યું કે, ' આ બાઇના કેશનો ફેસલો કેવા પ્રકારે આપ્યો છે. ખરા કેસને શા આધારથી રદ કર્યો છે. તે સાંભળી ન્યાયાધીશે બંને પક્ષના પુરાવા રજુ કરી કેશનું રૂપ અને તેનું નીરાકરણ કરી બતાવ્યું. આ હકીકત જાણી શાહ વીચારમાં પડ્યો. અને આ ભેદ ભરેલા કેશમાં શું સત્યતા હશે ? તે શોધી કાઢવા માટે શાહે ફરીઆદ કરનાર બાઇને એકાંતમાં લઈ જઇને પુછ્યું કે, 'જ્યારે તમારો સ્વામી તમોને પરણી લાવ્યો ત્યારે બુઢાવસ્થા હતી છતાં પુત્ર પ્રાપ્ત કરવા જેટલી શક્તી શી રીતે આવી ? શું કાંઇ તેણે વાજીકરણ પ્રયોગો ઉપયોગમાં લીધા હતા ? તે તમે જાણતા હોતો ખુલાસાથી સમજાવો.'
શાહનાં આ વાક્યો સાંભળી પીતા રૂપ રાજા આગળ કહેવા લાગી કે, 'હે દયાવંત ! આપ તો પુજ્ય પીતા સમાન છો, એટલે આપ સમીપ સાચી બીના જણાવવામાં કશી અડચણ સમજતી નથી, આવા કટોકટીના પ્રસંગમાં શરમ રાખે કામ થાય એમ નથી, કહ્યું છે કે, 'લાજે વણસે કાજ.' માટે સાચે સાચે કહું છું કે, મારા સ્વામીનાથે મારી સાથે પરણ્યા તે વખતે તેનું જરાપણ ધડપણ હતું. તેના ઘડપણની વ્યાધીઓને મટાડનાર રસાયન રૂપ આમ્રપાક એક પ્રવીણ વૈદના હાથથી બનાવી તેનો વીધી યુક્ત સેવન કરાવવાથી મને ગર્ભ રહ્યો હતો.
બાઈના બોલવા પર તર્ક શક્તી દોડાવીને શાહ મન સાથે વીચારવા લાગ્યો કે જો આમ્રપાકના પ્રતાપથી આ બાઇને ગર્ભ રહ્યો હશે તો ખચીત તેના ધણીના વીર્યમાં આમ્રરસની કાંઈકપણ અસર રહેવીજ જોઇએ. અને તેના તે વીર્યથી પાકેલો જો આ છોકરો હશે તો તેની પરસેવામાં પણ તેની વાસ જરૂર હોવીજ જોઇએ. આ માટે વાગભટાદિક વીગેરે મુનીઓએ વેદ અને પુરાણના દાખલા દલીલો આપી સાબીત કરેલ છે કે બાપના વીર્યમાં અને માતાના રૂધીરમાં જે ગુણ દોષ પ્રકૃતિ રહેલી હોય છે તેજ તેનાથી પાકેલાં સંતાનોમાં જરૂર દાખલ થાય છે. આ તો સીદ્ધાંત છે કે આમ્રપાકથી ઉત્પન્ન થયેલ વીર્ય અને તે વીર્યથી પાકેલા સંતાનમાં તેની અસર કેમ ન થાય ?' આવો વિચાર કરી એક ચાકરને બોલાવીને કહ્યું કે, ' આ બાઈના છોકરાને સ્વચ્છ જળવડે નવરાવી સરસમાં સરસ ગરમ કપડાં પહેરાવી પરસેવો વળે તેવી રીતે ખુબ દોડાવી એકદમ મારી આગળ લાવો.' શાહનો આ હુકમ થતાંજ તરત દરબારી નોકરે તેજ પ્રમાણે હુકમ બજાવી પરસેવાથી તરબોલ થયેલા છોકરાને લાવી શાહ સન્મુખ ઊભો કીધો. તે જોઇ શાહે ખુદ પોતાને હાથે નવા રૂમાલવડે તેનો પરસેવો લુછી નાખીને તે રૂમાલ કચેરીમાં બીરાજમાન થએલા અમલદારોના હાથમાં આપી કહ્યું કે; 'આ રૂમાલમાં શાની સુગંધ આવે છે ? તે બરાબર તપાસીને કહો.' દરબારીઓએ બહુ બારીકીથી તે રૂમાલને તપાસી કહ્યું કે, ' હજુર ! આ રૂમાલમાં કેરીની સુગંધ આવે છે ?' દરબારીઓની આ વાત સાંભળીને શાહને ખાત્રી થઇ કે ખરેખર કેરી પાકના પ્રતાપથી, તેના પતીના સંગથીજ આ છોકરો જન્મેલો છે, એમાં જરા પણ અસત નથી. માટે બાઈ સાચી છે. પ્રતીવાદીઓ નાહક બીચારી બાઇને દોષીત ઠેરવી તેનો હીસ્સો હોયાં કરી જવા માટે આટલી બધી ખટપટ ઉઠાવી છે એમાં જરા પણ શક ?' આમ નકી કરી બાઇની માગણી પ્રમાણે ત્રીજો હીસ્સો તેજ વખતે આપવાનો હુકમ કીધો અને પ્રતીવાદીઓના અપરાધ બદલ શીક્ષા કરી.
સાર--ધર્મ નીતી, શાસ્ત્ર નીતી અને વહેવાર તર્ક શક્તીનો અનુભવ ધરાવનારજ ન્યાયાધીશ સત્યાસત્યનો તોલ કરી ન્યાય મેળવનારને સાચો ન્યાય આપી શકે છે ? પણ અગડમ બગડમ કરનાર અને કાળા અક્ષરને કુટી મારનારો શું આપશે ? કાંઈ નહીં. માટે ન્યાય મેળવનારે વીચાર કરીનેજ ન્યાયાધીશોની અદાલતમાં ન્યાય મેળવાવ જવું.