બીરબલ અને બાદશાહ/કરણી તેવી ભરણી

← તેરી ચુપ ઓર મેરી બી ચુપ બીરબલ અને બાદશાહ
કરણી તેવી ભરણી
પી. પી. કુન્તનપુરી
સમય સુચકતા →



વારતા ત્રીજી.
-૦:૦-


કરણી તેવી ભરણી.
-૦:૦-
દીલમાં કદી ડહાપણ જાય ડુલી, તકદીર આગળ તદબીર લુલી.

અકબરની દરબારમાં બીરબલ પણ એક બુધ્ધીવાન પુરૂષ હોવાથી બાદશાહ તેને બહુ ચાહતો હતો. બીરબલની સંમતીથી રાજકારોબારમાં ફેરફાર અને સુધારણા કરવામાં આવતી હોવાથી, તેથી મુસલમાન અમલદારો આગની પેઠે મનમાં બળી ખાક થઇ જતા હતા. બીરબલને તેને ઓદ્ધા પરથી હાંકી કાઢવા માટે અનેક પ્રપંચો રચ્યા પણ તે પાણીના પરપોટા જેવા લાગવાથી બહુ ખેદ પામ્યા. છતાં પણ હીંમત મુકી નહીં. 'હીંમતે મરદા તો મદદે ખુદા' એ કહેવતને અનુસરીને પોતાનો પ્રયાસ ચાલુ રાખી મુસલમાન કારભારીઓએ ઠરાવ કીધો કે દુશ્મન અને રોગને ઉગતાજ છેદાય તો ઠીક. વધારે વખત ગુમાવવાથી સર્વ ઉપાય ફોકટ જવાના, અને બીજી જાતનો માણસ પોતાનો પક્ષ સબળ કરવા પોતાની જાતનાઓને જ્યાં ત્યાં ગોઠવી દઇ આપણી જાતનું કાસલ કાઢી નંખાવશે માટે તે પહેલાં તેનું કાસલ કાઢવું એ સમાન બીજો એકે ઉપાય સરસ નથી. પરંતુ તે યુક્તી શી રીતે રચવી? બાદશાહ પાસે બીરબલ વગર બીજો કોઇ વાત કરી શકતું નથી. ફક્ત એક ઈમામ નામનો હજામ નામદારની હજામત કરવા જાય છે તે વાત કરી શકે તેમ ગોઠવણ થઇ શકે એમ છે. આવો વીચાર કરી તે હજામને પોતા પાસે બોલાવી લાલચમાં નાખી સમજાવી લીધો અને સરવે હકીકતથી માહીતગાર કીધો. હજામ લોભી હતો પછી પુછવું શું? લોભને કંઇ થોભ છે, અને લોભે લક્ષણ જાય ? પૈસો જોઇ મુનીવરનું મન પણ ચળે, તો પછી એક અકલહીણ હજામ જેવા માણસનું કાળજુ કેમ ઠેકાણે રહે? આ ખટપટીઓનું કામ કરવાની તે હજામે હામ ભીડી હા પાડી. એક વખતે તે હજામ બાદશાહની હજામત કરવા ગયો. તે વખતે બીરબલની ઘેર હાજર જોઇ, તે તકનો લાભ લઇ બાદશાહને હાસ્યયુકત વાતોથી રીઝવીને કહ્યું કે, 'ખુદાવીંદ ! આજે આપની હજામત કરતાં મને વીચાર થયો કે આપના વડીલોની ઘણીજ નાજુક પ્રકૃતી હતી, કેમકે આવો હલકો અસ્તરો ફેરાવતાં છતાં પણ સહન થઇ શકતો નહીં, મેં તેમની બહુ વરસ સુધી સેવા બજાવી છે, અને તે દરમ્યાન કોઇ વખતે પણ મારી પર રીસ કરી નહોતી. તેથી તે મને બહુ યાદ આવે છે, અને આપને પણ આવતા હશે. કેવી તાજુબીની વાત છે કે તેઓનો કશો સંદેશોજ નહીં. તેમ આપે પણ કશી ખબર મંગાવી નહીં.' બાદશાહે હસીને કહ્યું કે, 'અલ્યા અકલના બારદાન શું તું ગાંડો બન્યો છે કે ? અરે ! મુવેલા તેના સમાચાર શા. આપણી સાથે એનો સંબંધ કેવો ? જે સ્વર્ગમાં જાય છે તેના સમાચાર ભું લોકના માનવીઓ લાવી સકે છે ? કદી પણ નહીં. તેમ હલકારા મારફતે ચીઠી કે ખબર મોકલી શકાતી નથી.' હજામે કહ્યું કે, 'જહાંપના, એમ તે હોય? સ્વર્ગવાસીઓના સમાચાર મળી શકે તેમ છે પણ એ કામ તો બીરબલ જેવો જ બજાવી શકે એમ હું માનું છું. કારણ કે એક સમે આપનાજ વડીલોએ બીરબલને સ્વર્ગમાં પોતાના વડીલો અને મીત્રમંડળની ખબર કાઢવા મોકલ્યો હતો. તે વખતે ખરચ તો વધારે થયું હતું, પણ આપના વડીલોના ખબર લાવ્યો હતો. બીરબલને જ્યારે સ્વર્ગમાં મોકલ્યો ત્યારે સુગંધી તેલોથી સ્નાન કરાવી સ્મશાનમાં ચીતા ખડકી મોટી ધામધુમથી અને વાજાના મધુર અવાજ સાથે ચીતામાં સુવાડી સળગાવી દીધો હતો, અને તે ધુમાડાની મારફતે આકાશે ચઢી ગયો હતો. અહા ! શું એની પુણ્યાઇ અને ચાતુરીની વાત કહું ? એવું કામ તો તેનાથીજ થઇ શકે ? માટે ગરીબ પરવર ! ધર્મના કામમાં ઢીલ કેવી માટે ઉતાવળેથી બીરબલને મોકલી સમાચાર મંગાવ્યા.' હજામનું આવું ચમત્કૃતિ ભરેલું બોલવું સાંભળી બાદશાહે સત્ય માન્યું, મોટા લોકોને કાન હોય છે પણ શાન હોતી નથી તે મુજબ કશો વીચાર ન કરતાં બીરબલને બોલાવી વડીલોની ખબર લાવવાનો બાદશાહે હુકમ કીધો. આ હકીકત જાણી બીરબલ મનમાં સમજી જઇ મનમાંને મનમાં વીચાર કરવા લાગ્યો કે, 'મારૂં કાશલ કાઢવા માટે આ ઘાટ સામા પક્ષવાળાએ ઘડ્યો છે. પણ ચીંતા નહીં, હું ખરો કે તેઓનો ઘાટ ઘડી દુશ્મનોની છાતી એ શુળ સમાન થઇ મળપતો ફરૂં ? પણ આવી રીતે આ વાત ઠસાવનાર કોણ હશે ? તેને ઓળખવો જોઇએ. એવું ધારી રાજાને કહ્યું કે, 'નામવર, હું એક વખત તમારા વડીલોના હુકમને માન આપી સ્વર્ગમાં ગયો હતો, પણ આ છાની વાત કોઇની આગળ કોઈએ કરવી નહીં એવી તમારા વડીલોએ ધમકી આપી હતી. તેથી તેની આજ્ઞાનો ભંગ ન થાય તેવા હેતુથી આ વાત આપને મેં જણાવી નહોતી. તો પછી આ વાત આજે આપને કાને કેમ આવવા પામી ? તેથી મને મહા ખેદ થાય છે. જો આ વાત તમારા વડીલોની જાણમાં આવશે તો તમને શ્રાપ દેશે. બાદશાહે બનેલી હકીકતથી વાકેફ કરીને બીરબલને કહ્યું કે, બની તે બની હવે તેનો શોચ કરવો નકામો છે. માટે તું એકવાર જઇ ખબર લાવીશ ત્યારે સહુ ઠીક થઇ જશે ? બીરબલે કહ્યું કે, સ્વર્ગ લોકમાં જવું એ વાત માનવીને ખરેખરી દુઃખરૂપ છે પણ મંત્ર બળવડે કરીને તે કામ સફળ થાય છે. તે મંત્રની વીધી હું જાણું છું. આ મંત્રનો પ્રયોગ કરવા માટે માત્ર લાખો રૂપીઆની જરૂરછે તે મળ્યા બાદ અનુષ્ઠાન કરી આજથી છમાસની અંદર તમારા વડીલોના સમાચાર લઈ તમારી પાસે પાછો આવીશ. બાદશાહે બીરબલની સઘળી વાત કબુલ કરી. બીરબલ રૂપીઆ લઇ પોતાને ઘેર આવીને એવી યુક્તી રચી કે સ્મશાનથી તે અરધા કલાક સુધી કોઇના જાણવા કે જોવામાં ન આવી શકે તેવી રીતે એક ભોંયરૂં બનાવ્યું અને તેની અંદર એવી જાતનું યંત્ર ગોઠવ્યું કે જેની ઉપર પગ મુકતાં નીચે ઉતરી જઇ બીજે રસ્તે ચાલ્યું જવાય, તેવી પ્રકારની ગોઠવણ કરી બાદશાહને વીદીત કરાયું કે કાલ રાતના મારૂં અનુષ્ઠાન પુરૂં થાય છે માટે ચીતા ખડકાવી જે તૈયારી કરવી છે તે કરી લેવી. બીરબલનું કહેવું સાંભળી બાદશાહે હજામના કહેવા મુજબ, ચીતા અને સર્વ સામગ્રી સજ કરાવી એટલે બીરબલ તેમાં બેઠો. અને જોવાને ઉલટેલી મેદનીની સમક્ષ સળગાવી દેવાનું કહ્યું તેથી આગ ચીતાની ચોમેર મુકી, ગુલાલ અબીલ ધુપ તથા ચીતાના ધુમાડામાં બીરબલે કરી રાખેલા સંકેત મુજબ પસાર થઇ કોઇ ન જાણી શકે તેવી જગામાં જઈ નીવાસ કીધો. આથી સર્વ કોઇએ જાણ્યું કે બીરબલ પરલોકમાં ગયો. બાદશાહ પોતાના વડીલોના સરવે સમાચાર મળશે, અને બીરબલના દુશ્મનો પોતાના વચમાંથી સદાનું નડતું કાસલ ગયું એમ જાણી બહુજ ખુશી થયા. અને આવી યુક્તી રચનાર હજામને બક્ષીસો આપી તેની તારીફ કરવા લાગ્યા. છ માસ પુરા થતાં ઇમામની કપટ પટુતાનો બદલો લેવા માટે બીરબલે અદભુત રૂપ ધારણ કરી બાદશાની સમક્ષ જઇ ઉભો અને કહ્યું કે, તમારો બીરબલ તમારા વડીલોના સમાચાર લાવ્યો છે. આવા વેષધારી બીરબલનું શ્‍વરૂપ જોઇ રાજા સહીત દરબાર ચકીત બની ગઈ. રાજાએ આદર સત્કાર કરી તમામ હકીકત પુછી ત્યારે બીરબલે જણાવ્યું કે, મારી ચેહને અગનીનો સ્પર્શ થતાંજ અંતરીક્ષથી દેવલોક આવી મારો હાથપકડી પુષ્પોનો હાર પહેરાવી વેમાનમાં બેસાડી સ્વર્ગ લોકમાં લઇ ગયા. સ્વર્ગની અલૌકીક લીલા નિહાલતાંજ મારા આનંદનો પાર રહ્યો નહીં. આંખને આંજી મનનું આકર્ષણ કરી રહેલી અપ્સરાઓ ? તેના મધુર સ્વરો ? તેની દિવ્ય ચક્ષુઓ ? તેનાં અદભુત આભુસણો ! તેનો નવલ નાટ્યારંભ ! અવણીય અમ્રુતનો સ્વાદ ? મનોહર કીન્નરોનાં ગીત ? આંખ સમીપ ચમત્કારીક બનાવો ખડા થયા ? અહા ! રાજા યોગીઓ યજ્ઞ યાગાદી સુકર્મો કરનારા સ્વર્ગ સુખ સંપાદન કરી શકતા નથી, તો પછી અધમ પ્રાણી કેમ સંપાદન કરી શકશે ? પુર્વના સંસ્કારીજ તે સુખને સંપાદન કરી શકે છે ? નામદાર ? સત્ય કહું છું કે અન્યાસે સંપાદન થયેલા તે પરમ સુખ, અમોલ વૈભવો તજી આ દાભીંક દુનિયાના આપ સ્વારથી લોકોના સમાગમમાં આવ્યો છું તે તમારા વડીલોએ દીધેલા સમાચાર તમને આપવાને ખાતર આવ્યો છું જો તમારા વડીલોએ તેમ કરવાની ફરજ ન પાડી હોત તો હું દગલબાજ દુનીયામાં કદી પણ પાછો પગ મુકત નહીં ? શું કહું ? સઘળી વાતે સુખી છતાં દુઃખી છે. એ દુઃખનો ડાક્ટર ત્યાં નથી. તેઓ મહા દુઃખ ભોગવે છે. તેઓએ કહ્યું છે કે તું જઇને કહેજે કે અમારા માથા પર બાલનો બોજો વધી જવાથી અમારા શરીરને કદરૂપી બનાવી કાંટા પેઠે ડંખ મારે છે. તમારા ઇમામ હજામનો બાપ અહીં છે પણ ઇમામ જેવો હલકા હાથવાલો નથી, માટે તરત ઇમામને મોકલાવજે. જલદીથી મોકલાવજે. જો નહી મોકલાવીશ તો તને અને તારા બાદશાહને શ્રાપ દઇશું. માટે તમારા વડીલો પ્રત્યે વહાલ રાખવો હોય અને આશીરવાદ લેવો હોયતો આપણા ઇમામને તરત મોકલી આપો. આ પ્રમાણે બીરબલની કથા સાંભળી રાજાએ તરત ઇમામને બોલાવી સ્વર્ગમાં જવાનો હુકમ કીધો. આ હુકમ થતાંજ ઇમામના ગાત્ર ગળી ગયાં. અને મનમાં કહેવા લાગ્યો કે લેનેકુ ગઇ પુત તો ખો આઇ ખસમ. કરણી તેવી ભરણી. આ કારસ્તાન બીરબલનું છે ? કીયા ન હોય તો કર દેખ ? પણ એ સજીવન શી રીતે થયો ? ઘાટ ઘડવા જતાં મારોજ ઘાટ ઘડાઇ ગયો. ચોરને કહીયે ચણા ઉપાડ્યા તેનું આ ફળ પારકાનું કાપવા જતાં મારૂંજ કપાઈ ગયું ? મારા જેવો બીજો બેવકુફ કોણ હશે કે સારા નરસાનો વીચાર કરયા વગર લાલચમાં આપમતલબીઆ, અદેખા અને બીજાનું બુરૂં કરનારાઓની જાળમાં સપડાઈ હોળીનું નાળીયર બની મેં જે આગ સળગાવી છે તેનો ભોગ મારે આપવો પડશે. હવે સમજાવ્યો સમજે એવો રાજા નથી તે પોતાની હઠ પુરી કરશે. નસીબ ? એમાં કોને દોષ દેવો ! એતો હાથનાં કર્યાં હૈયે વાગ્યાં આ પ્રમાણે વીચાર કરે છે તેટલામાં રાજાનો હુકમ થતાંજ સીપાઇઓએ તરત ઇમામ હજામને પકડી સ્મશાનમાં લઇ ગયા અને ચીતા ખડકી અંદર સુવાડી આગ લગાડી દીધી.

સાર - દરેક કાર્ય આરંભતા પહેલાં વીચાર કરવાની જરૂર છે. જે ઉધ્ધ્ત બની અનીષ્ઠ કાર્ય કરવાને તત્પર થાય છે. તેની દશા ઇમામ હજામ જેવી થાય છે. જો બીરબલે પોતાના દુશ્મનોને હરાવવા માટે આ તર્કશક્તીઓનો ઉપયોગ કર્યો ન હોત તો શું તે લાખો રૂપીઆ મેળવી કાલના પંજામાંથી છુટવા પામત ? કદી નહીં ? માટે દરેક માણસે પ્રપંચીઓના સહવાસમાં આવતા બીરબલની પેઠે બુધ્ધિને દોડાવી દુનીઆના દગલબાજ લોકોને નાશ કરી પોતાનો જય મેળવવો.


-૦-