બીરબલ અને બાદશાહ/ચંદ્રાકાંતા અને બીલબલની ભેટ

←  બુધીશાળી કોને કેવો ? બીરબલ અને બાદશાહ
ચંદ્રાકાંતા અને બીલબલની ભેટ
પી. પી. કુન્તનપુરી
બગડેલી બાજી સુધારી →



વારતા ૨૩મી.
-૦:૦-
ચંદ્રકાંતા અને બીલબલની ભેટ.
-૦:૦-

ચાહે સુન અસુર નર નાગ વર ભુપ સીધ્ધ.

ચાતુરકી ચાહના તો બેદ ચારો કરેં હેં.

અકબરની દરબારને સકલ જગતમાં શોભાવનાર, અને અકબરના બદલ ન્યાયને દીપાવનાર બીરબલે ભારત ભુમીના ભુષણરૂપ દંપતીઓ અને તેની પ્રજાઓના મન પોતાની અથાગ શક્તિના પ્રબલથી પોતા તરફ હરી લીધાં હતાં.

એક વખત મણીપુરના રાજા ચંદ્રકાંતે બીરબલના પરાક્રમનો ચમત્કાર જોવા સારૂં કોઈને પણ પોતાની સાથે ન લેતા એકલો ઘોડેસ્વાર થઇ દીલ્લી શહેરની નજદીક આવી પહોંચ્યો.

એટલામાં એક રસ્તાના મધ્ય ભાગમાં બેઠેલા લંગડા ભીખારીએ કહ્યું કે, 'અહો ! સુભાગી ! આપ કોઇ કુલીન ઉદારવ્રતીવાળા અને પરોપકારી માણસ હો એમ જણાય છે, આવું ધારી આપને કરગરી કહું છું કે, આ પાસેના દીલ્લી શહેરમાં કાંઇ કારણસર જવું છે. પણ મારા પગ બહુ અશક્ત થઇ પડવાથી જઇ શકાતું નથી. માટે આપ જો મને આપના ધોડા ઉપર બેસાડી શહેર સુધી લઇ જશો તો મહોટી મહેરબાની ! ઇશ્વર આપનું ભલું કરશે.' આ દયાજનક વાણીના વચનો સાંભળતાજ રાજાને બહુ દયા આવવાથી આ લંગડાને પોતાના ઘોડા ઉપર બેસાડી ઘોડાની લગામ હાથમાં પકડી આગળ ચાલવા લાગ્યો. રંગ છે એવા પર ઉપકારી રાજાઓને ?

જ્યારે આ બંને જણ નગરના મધ ભાગમાં આવ્યા ત્યારે રાજાએ તે લંગડા ભીખારીને કહ્યું કે, હવે તમે ઘોડા પરથી ઉતરી તમારૂં કામ સિધ્ધ કરો.' આ સાંભળી ભીખારીએ કહ્યું કે,'ઘોડા પરથી નીચે ઉતર એવું મને તું કહેનારજ કોણ ? શું આ તારો ઘોડો છે ? ગુપ ચુપ દોરી પકડી આગળ ચાલ્યો જાત. ગળે પડવાની વાત નહીં કર.' આવું લંગડાનું સાંભળીને તે પરગજુ રાજા ખેદ પામી મન સાથે વિચાર કરવા લાગ્યો કે, 'અરે પ્રભુ ! ધર્મ કરતાં ધાડ ! દયાનો આ બદલો ? ઉપકારને બદલે અપકાર ? આને નીતી કહેવી કે અનીતી ! શું દુનીઆ આવી ઠગારી હશે ! કેવો નીચ માણસ ! એને જરા પણ શરમ આવતી નથી ! શું આવી રીતે ગળે પડી મારો ઘોડો પચાવી પાડશે ! ઠીક છે. એ પણ હું જોઇશ ! એ એની કપટજાળ ક્યાં સુધી પાથરે છે ! એના કરેલાં કર્મનો બદલો એને મળશે ! ખોડવાલો માણસ દગલબાજ અને પાપી હોય છે. અને એવા અપ્રમાણીક ખોટી નીષ્ઠાવાળા માણસનો કોઇએ પણ વીશ્વાસ કરવો નહીં. આમ આ દાખલા પરથી સીદ્ધ થઇ ચુક્યું છે.' આ પ્રમાણે ખેદ પામતાં રાજાએ તે લંગડાને કહ્યું કે, અરે ઓ હરામખોર ? આવી ઠગાઇ કરતાં ક્યાંથી શીખ્યો ? તારા દુઃખી દીલની દયા ખાધી તેનો આવી રીતે બદલો વાળવા તત્પર થયો છે ? આવી રીતે કેટલાકોને ગળે પડીને હરામનો માલ પચાવી પાડ્યો છે ? સમજ, નહીંતો પાછળથી પસ્તાઇશ ? તારી ઠગાઇથી ઠગાઇ જઇને મારો ઘોડો તને પચવા દેનાર નથી.' માટે એક શબ્દનો ઉચ્ચાર કર્યા વગર ઓ અધમ ? મારા ઘોડા પરથી ઉતરી તારા અપરાધની ક્ષમા માગી ચાલતી પકડ. રાજાના આ કઠોર વચનો સાંભળતાંજ તે લંગડો રાતો પીળો થઇ જઈને આંખ ચઢાવીને રાજાને કહ્યું કે, ભાઇ બહુ થયુ લવારી કરવી મુકી દે ! બલતામાં ઘી શા માટે હોમે છે ? રંક જાણી જરા વાર ઘોડાપર બેસવા દીધો તેથી તારા બાપનો ઘોડો થઇ ગયો. આમ રસ્તે ચાલતાને ગળે પડીશ તો હાડકા રંગાઈ જશે. મારા જેવા ભીખારીને ગળે પડવાથી તારા ભવની ભુખ ભાંગનાર નથી ! જો ભવની ભુખ ભાંગવી હોય તો આ શહેરમાં શ્રીમંતોની કંઇ ખોટ નથી. આમ બંને જણ તકરાર કરતાં કરતાં બીરબલની સમક્ષ જઇ પોતાની હકીકત જણાવી ન્યાય માગ્યો. આ વખતે એક ખાટકી અને ઘાંચીનો કેસ ચાલતો હતો, તેથી બીરબલે બંનેને એક બાજુ બેસવાનો હુકમ કરી ખાટકી અને ઘાંચીને પુછ્યું કે, તમારી ખરી હકીકત શું છે તે કહો એટલે તમારી તકરારનો અંત આવશે ? તે સાંભળી ઘાંચીએ કહ્યું કે, ન્યાયાધીશ સાહેબ હું મારી રોકડની થેલીની પેટીની પાસે મુકી નામું લખતો હતો, એટલામાં આ ખાટકીએ આવી એક રૂપીઆનું તેલ લીધું. હું તેને તેલ આપી પાછો નીચું માથું કરી મારૂં નામું લખવા બેઠો. આ તકનો લાભ લઇને આ ખાટકી મારી થેલી ઉપાડી ચાલતી પકડી. મારી નજર તેની ઉપર પડતાં હું તરત તેની પાછળ દોડ્યો અને તેને થેલી સાથે રસ્તામાં પકડીને મારી ખુંચવી લીધી. આ થેલી ખુંચવી લીધા પછી આ ખાટકીએ મને દમ ભરાવીને કહ્યું કે, અલ્યા ચોર ! આ થેલી તારા બાપની નથી ! એ તો તારા બનેવીની છે માટે પાછી આપી દે. નહીં તો જમીન ભેગો કરી નાંખીશ. આમ રીકઝીક કરતાં કરતાં હું તેને આપની પાસે પકડી લાવ્યો છું, માટે આ પારકી દોલતનો ધણી થનાર ખાટકી ચોરને સખ્તમાં સખ્ત શીક્ષા કરી દાખલો બેસાડી મારી ખરી કમાણીથી એકઠી કરેલી નાણાની થેલી મને પાછી અપાવશો ! હું ઇશ્વરની પ્રતીજ્ઞા લઇને કહું છું કે આ મારી કહેલી હકીકત તદ્દન ખરી જ છે.'

……………
પચાસ ફટકાનો બાંધી માર.

બીરબલના પુછવાથી આ ખાટકીએ પોતાની સ્પષ્ટ બુદ્ધીથી બીરબલને કહ્યું કે, એ થેલી મારી છે, એની નથી, તેલ આપી તેના બદલામાં આ આખી થેલી પચાવી જવા માગે છે. તે કેમ પચવા દઊ ? એન કપાલમાં ઉન્હા ડામ આપો એટલે પારકાની દોલત પચાવી પાડવાની ખોડ ભુલી જાય ? એ એવો ધંધો કરીને ધનવાન બન્યો છે. કંઇક્ને ચુનો ચોપડાવી માલેતુજાર બન્યો છે, બહુ દીવસે ચોર સપાટામાં આવ્યો છે, માટે તેને એના પાપની શીક્ષા કરી મારી થેલી મને અપાવશો.

આ પ્રમાણે આ બંનેની વીચીત્ર પ્રકારની દલીલો સાંભળી લઇને બીરબલે તેઓને જણાવ્યું કે, તમે તે થેલી મારી પાસે મુકી જાઓ, કાલે આવજો, એટલે તમારા કેસનો ફેસલો આપીશ.'

……………
કાજીને શીક્ષા.

આ કેસનો ચુકાદો બીજા દીવસ પર મુલતવી રાખવા પછી એક નારીએ એક કાજી ઉપર ફરીયાદ નોંધાવી હતી, તે બદલ તે નારીને બીરબલે પુછ્યું કે, તારી ખરી હકીકત શું છે તે પ્રતિજ્ઞા ઉપર રહી સાચું કહે ? તે નારીએ પ્રતિજ્ઞા લઇને કહ્યું કે, મારા ગામનો કાજી એક ઇનસાફૂ, નિપક્ષપાતી અને પ્રમાણીક છે એમ ધારી હું પાંચસો મોહરો અને કીમતી સામાનની એક પેટી ભરી કાજીને ઘેર લઈ જઇને કાજીને કહ્યું કે, 'મને કાંઇ કારણસર બહાર ગામ જવું છે, અને મારૂં કામ કરી એ માસમાં પાછી આવું ત્યાં સુધી આ મારા માલની પેટી રાખશો તો આપની સેવા બજાવી આપના હકમાં કુદાની બંદગી કરતી વખતે સારી દુવા ચાહીશ, તેના ઉત્તરમાં કાજીએ મને કહ્યું કે, બાઇ તું મારો ભરૂશો રાખી તારા કીમતી માલની પેટી મારે ઘેર મુકવા આવી છે તો તે ખુશીની સાથે મારે પેટી સાચવવી જોઇએ ! માટે ખુશીથી મુકી જા, એમાંથી એક કોડીનો પણ માલ આડો અવળો થાય તેની જરા પણ બીક રાખીશ નહીં. જ્યારે જોઇએ ત્યારે પાછી લઇ જજે. આ પ્રમાણે કાજીના બોલવા ઉપર ઇતબાર રાખી મારી પેટી તેને સોંપી હું બહાર ગામ ગઇ. મારૂં કામ કરી થોડા દહાડામાં પાછી આવીને તે અનામત તરીકે સોંપેલી મારી કીંમતી પેટી પાછી માગી ત્યારે કાજીએ કહ્યું કે, બાઇ ! તારી અકલ ઠેકાણે છે કે ગુમ થઇ ગઇ છે ? આ તું શું બોલે છે ? પેટી શી અને વાત શી ? તું કયે દીવસે, કોની સામે તારી પેટી મને સોંપી ગઇ હતી ? આવું અધમ બોલતાં તને કોણે શીખવી છે ? તું જાણતી નથી કે જુઠું બોલનારનું ઘરબાર સરકાર લુંટી લે છે ? માટે જેમ આવી તેમ ચાલીજા, નહીતો બેઇજત કરી બહાર કઢાવીશ. આ પ્રમાણે કાજીએ મારો અનામત માલ ન આપતાં, મારૂં અપમાન કરી મને કાઢી મુકી, તેથી તેની દાદ મેળવવાને આપની હજુરમાં આવી છું. માટે ક્રુપા કરી મારો ગયેલો માલ મને અપાવશો. આ બાઇની મુખ જુબાની સાંભળી લઇને બીરબલે કેટલીકવાર સ્વસ્થ ચિત્તથી વિચાર કરીને કહ્યું કે, 'તું સહવારે કાજી પાસે જઇ મુકેલી અનામત પેટીનો ફરીથી એકવાર ઊઘરાણી કરજે અને તે શું કહે છે તે હકીકત મને પાછી કાલે આ વખતે જણાવજે એટલે તેનો તરત ફેંસલો આપીશ.' એમ કહી તેણીને ઘેર જવાબની રજા આપી.

ખાટલી ઘાંચી અને આ સ્ત્રીના કેસનો ચુકાદો બીજે દીવસે આપવાનો મુલતવી રાખી રાજા અને લંગડા ભીખારીનો કેશ હાથમાં લઇ બીરબલે બંનેને પુછ્યું કે, 'આ અદલ દરબારમાં જે સાચું હોય તે કહેજો.જરા પણ જુઠું જાણવામાં આવશે તો તે ગુન્હા બદલ યોગ્ય શીક્ષા કરવામાં આવશે.' આ બંનેએ તરત દરબાર સામે સોગન ખાઇને પોતાની હકીકત કહી સંભળાવી. આ બંનેની હકીકત સાંભળીને બીરબલે તેઓને કહ્યું કે, 'આ ઘોડાને અહીં મુકી જાઓ; અને કાલે આવજો. એટલે જેનો ઘોડો હશે તેને સોંપવામાં આવશે.

……………
લોકોનો ઉમંગ

આ ત્રણે કેસના ચુકાદા માટે બીજે દીવસે શહેરમાં તેની ચમત્કારીક ચરચા ફેલાવાથી પુષ્કળ લોકો તે જોવાને આતુર બની કચેરીમાં એકઠાં થયાં.

બીજે દીવસે કચેરી ભરાતાં જ બીરબલે પ્રેક્ષકોની સમક્ષ ખાટકી અને ઘાંચીને પીંજરામાં રાખી એકના હાથમાં ગીતા અને બીજાના હાથમાં કુરાન આપી કહ્યું કે, 'કહો કે આ થેલી મારી છે.' આ સાંબળી બંને જણ પોત પોતાના ધર્મના સોંગન ખાઇને કહ્યું કે, આ થેલી અમારી છે.' આ જોઇ બીરબલે તુરત તે થેલી ખાટકીને આપી ઘાંચીને પછાસ ફટકા બાંધી મારવાનો હુકમ આપ્યો.

પછી તે બાઇને બોલાવી પુછ્યું કે, કેમ બાઇ ! કાજીએ તારો અવેજ દીધો કે નહીં !' આ સાંભળી બાઇએ કહ્યું કે, 'મને મારો અવેજ મળી ચુક્યો છે. તે બાઇના આ વેણ સાંભળતાંજ બીરબલે તરતજ કાજીને બોલાવીને સર્વની સમક્ષ કહ્યું કે, 'તમે ન્યાયધીશનું કામ કરવા લાયક છો ? તમને આબરૂદાર ગણી અનામત રાખવા પેટી સોંપી અને તે પાછી માગે ત્યારે તેને જુઠી પાડી ઉલટી ધમકી આપવી કે ખોટુ બોલનારના ઘરબાર લુંટી લેવામાં આવે છે ? કે વાહ ! કાજીજી વાહ ! આપ કાજી ખરા ! આમજ લોકોને લુંટતા હશો ? આમ લુંટી લુંટી કેટલુંક ધન સંપાદન કીધું છે ? તમે રાજનો મ્હોટો અપરાધ કીધો છે તે અપરાધને બદલે તમને આજથી તમારા ઓદ્ધાપરથી દુર કરવામાં આવે છે. બસ, એટલીજ શીક્ષા આપી એક વખત જતાં કરવામાં આવે છે. ફરીથી આવું કામ કરશો નહીં.' બીરબલના આવા કટાક્ષ કથન સાંભળતાંજ કાજી જંખવાણો પડી નીચું ઘાલી સભા સ્થાન છોડી ગયો.

ખાટકી, ધાંચી, સ્ત્રી અને કાજીના કેશનો ચુકાદો આપ્યા પછી બીરબલે તરત ચંદ્રકાંત અને તે લંગડા ભીખારીને બોલાવી પોતાની અશ્વશાળામાં લઇ જઇ કહ્યું કે, આ ઘોડાઓ બાંધ્યા છે તેમાંથી તમારો ઘોડો ઓળખી કાઢી લીઓ.' લંગડાએ બહુ ફાંફાં માર્યા પણ તે ઘોડાને ઓળખી ન શકવાથી શરમીંદો બની ગયો. આ જોઇ રાજાએ તરત પોતાનો ઘોડો ઓળખી કાઢ્યો. બીરબલે ચોર અને શાહુકારની પરીક્ષા કરી કચેરીમાં આવ્યો અને લંગડાને કહ્યું કે, 'પારકો માલ હજમ કરી જવાનો તેં અપરાધ કીધો છે તે અપરાધની બદલ તને પચાસ ફડકા બાંધી મારવાનો અને આ ઘોડો આ મુસાફરને આપી દેવાનો હુકમ કરૂં છું.'

આ હુકમને અમલમાં મુકતાજ કચેરી બરખાશ્ત થઇ. તે જોઇ ચંદ્રકાંત રાજાએ બીરબલ આગળ જઇ પુછ્યું કે, હું મણીપુર નગરીનો ચંદ્રકાંત નામે રાજા છું. તમારી ચતુરાઇ પરાકમ અને બુધ્ધિની લોકો મારફતે ઘણીજ પ્રશંસા સાંભળીને આપના દર્શન કરવા માટે આપની ભેટ લેવાની ઇચ્છાથી આવ્યો છું. રસ્તામાં આવતાં આ લંગડાએ છેતરીને મને ફસાવ્યો. પરંતુ તમારી બુદ્ધિબળ માટે જેવા વખાણ સાંભળતો હતો તેવાજ નજરે જોઈ આનંદ પામ્યો છું. હું પુછું છું કે તમોએ આજે જે ત્રણે કેસનો ચુકાદો આપ્યો છે, તે કયા ન્યાયના આધારે આપ્યો છે ! તે કૃપા કરીને કહેશો ?'

બીરબલે સભ્યતાથી કહ્યું કે, અહો, રાજેંદ્ર ! ઘાંચી અને ખાટકીની થેલી ઘેર લાવીને ખાલી કરીને રૂપીઆ કાઢી લઇને ઉના પાણીમાં નાંખી ખુબ ધોવરાવી પાછા થેલીમાં ભરી દીધા. અને તે ધોએલ રુપીઆનું પાણી બારીકીથી તપાસતાં લાલ રંગ અને વાસ મારતા જણાયું. આ ઉપરથી વીચાર કરી મન સાથે ઠરાવ કીધો કે, આ થેલી ઘાંચીની નહીં, પણ ખાટકીની છે, જો ઘાંચીની હોત તો તે પાણીમાં તેલની વાસ વગર આવી દુરગંધની વાસ મારત નહીં, અને ઉપર તેલની છારી તરી નીકલત. આવી તપાસ ઉપરથી એમ સિદ્ધ કરાયું કે, લોહી માંસથી વાસ મારતા રૂપીઆ ખાટકીનાજ છે ? એને તેજ આધારે તેની તકરારનો ફેસલો આપ્યો.

હવે જો સ્ત્રીની મતા કાજી પચાવી ગયો હતો, તે કેમ કઢાવવી તે માટે હું કાજીને ઘેર જઇ કાજીને કહ્યું કે, મારે અગતના કામ માટે પ્રદેશ જવાનું છે. માટે આપ સહવારે કચેરીમાં આવજો એટલે સભાસદોની સમક્ષ આપને મારી જગાએ નીમીશ. અને મારી તમામ દોલત તમને સોંપીશ. આમ કહીને મારે ઘેર આવ્યો, અને પછી તે ફરીયાદણ બાઇને મુકેલી અનામત લેવા મોકલાવી. કાજીએ સંકલ્પ વિકલ્પ કર્યા પછી એવા ઠરાવ પર આવીઓ કે, 'જો હું બાઇનો અનામત માલ નહીં આપીશ તો તે બાઇ ફરીયાદ કરવા બીરબલ પાશે જશે તો મારા બુરા કામનો કાળો પડદો ઉઘડી જશે તો બીરબલ પોતાનો ઓધો અને ખજાનો ન સોપતાં મને બે આબરૂ કરી કાઢી મુકશે. માટે આમ ન બને, અને મારી ઠગાઇ કોઇના જાણમાં ન આવે, એટલા સારૂ અનામત પાછી આપી બાઇને વીદાય કરવામાંજ લાભ છે. એમ ધારી અનામત પાછી આપી દીધી.

જ્યારે તમને બંનેને અશ્વશાળામાં લઇ જઇ ઘોડાઓ પાસે ઉભા રાખ્યા ત્યાર તે લંગડાએ તે ઘોડાને ઓળખી તેની પાસે ગયો કે તરત ધોડો ચમકીને જરા દુર હઠી ગયો. તેથી લંગડો ગભરાઇ લજીત બની નીચું ઘાલી ઊભો રહ્યો. અને આપ જ્યારે ઘોડા પાસે ગયા ત્યારે ઘોડો આનંદથી આગળ આવીઓ તેથી મેં માની લીધું કે એ ઘોડાનો ખરો માલીક આજ છે ! તેમજ તે ન્યાયથી પણ સંતોષકારક પરીણામ ભાસતાં હતાં. ખરો ન્યાય મળવાથી માણસને કંઇ બોલવાનું રહેતું નથી.'

આ પ્રમાણેની બીરબલની ખુબીનો ખેલ જોઇ રાજા આનંદમયી બની બીરબલની બુધ્ધિના વખાણ કરતો પોતાના વતનનો માર્ગ લીધો.

શાર - વીવેકી સદાચરણી અને બુધ્ધિશાળી જનમંડળ ખરા અંતકરણથી ચહાય છે, ભેટે છે, અને માને છે. બુધ્ધિશાળી સત અને અસતનો ભેદ જુદો પાડી શકે છે, પણ જુગારી, રંડીબાજ, જુઠો, ચાડીઓ, અદેખો અને પારકી મતા ખઇ જનારો આ જગતમાં ધીકારને પાત્ર ઠરે છે અને તેવા પાપીઓને કોઇ પણ સદગુણી બારણે ન બાંધતાં તેનાથી નવ ગજના નમસ્કાર કરે છે. માટે દરેક માણસે સત્યને ચાહવું.


-૦-