બીરબલ અને બાદશાહ/ચપટીમાં ઉરાડવું
← આંધળો અને શાહ | બીરબલ અને બાદશાહ ચપટીમાં ઉરાડવું પી. પી. કુન્તનપુરી |
પૃથ્વીનો મધ્ય ભાગ કયો ? → |
એક સમે શાહ દરબાર ભરી બેઠો હતો. બધા દરબારીઓ પણ મોજુદ હતા. દરબારનું કામ ખતમ થયા પછી આડી અવળી વાતો ચાલતી હતી. લહુઓ વચ્ચે વચ્ચે રમુજી વાક્યો બોલી તમામ દરબારને હસાવતો હતો, એટલામાં શાહને બગાસું આવ્યું. તે વખતે રીવાજ મુજબ કેટલાક લોકોએ ચપટી વગાડી.
આપણામાં રીવાજ છે કે, કોઇને બગાસું આવતાં તે પોતે અથવા બીજો કોઇ પાસે બેસનાર વચલી આંગળીને અંગુઠાથી ચપટી વગાડે છે. તો અહીં તો રાજવંશી ખાતું, તેમાં વળી શાહ જેવાએ બગાસું ખાધું એટલે ચપટી વગર ચાલેજ કેમ ?
આ વખતે બીજા તો કોઈ કાંઇ ના બોલ્યા પણ લહુઆથી રહી શકાયું નહીં, તેણે તરત પોતાના એક હાથની મુઠી વાળીને તે ચપટી વગાડનારાઓને બતાવી.
તે જોતાંજ શાહે લહુઆને પુછ્યું કે, ' એ બે લહુઆ, તેં આ લોકોને મુઠી શા માટે બતાવી ?
પછી લહુઆને પુછવું પડે ? તે જવાબ આપવાની રાહજ જોઇ રહ્યો હતો. તેણે કહ્યું કે, ' માલીક ! આ તમામ લોકો ચપટી વગાડી એમ જણાવે છે કે, અમે બધા ખુદાવીંદ શાહને ચપટીમાં ઉડાવી છઇએ પણ હું મુઠી બતાવીને કહું છું કે, તમે બાદશાહની મુઠીમાં છો, તમે તે ચપટીમાં શું ઉડાવશો !'
આ સાંભળી બધા હાજીઆ દાસો શરમાઇ ગયા.