બીરબલ અને બાદશાહ/દાંત આપ્યા છે તે ચાવણું આપશેજ

← હથેલીમાં હાથી ડુબ્યો બીરબલ અને બાદશાહ
દાંત આપ્યા છે તે ચાવણું આપશેજ
પી. પી. કુન્તનપુરી
ભાટનો દીકરો જન્મથીજ ભાટ →


ભાગ અગીયારમો


વારતા સતાણુંમી
-૦:૦-
દાંત આપ્યા છે તે ચાવણું આપશેજ
-૦:૦-

એક દીવસે સાંજના શાહ અને બીરબલ છુપે વેશે ફરવા નીકળ્યા. તેમને સાદા વેશમાં ગંગ સામો મળ્યો. ગંગે શાહ બીરબલને ન ઓળખ્યા, પણ શાહનું ધ્યાન તેની તરફ ખેંચાયું. તેને બીરબલને કહ્યું કે, 'સામેથી ગંગ આવે છે તેને આપણી સાથે લઈએતો વધારે આનંદ થશે.'

બીરબલે શાહની મરજી જોઈ ગંગને બોલાવી તેને પણ પોતાની સાથે આવવા કહ્યું. ગંગે તે નોતરૂં ઘણી ખુશીથી કબુલ કર્યું. આ ત્રણે જણા ત્યાંથી આગળ ચાલ્યા. તેઓ એક સાંકડી ગલીમાં પેઠા. આ ગલી બહુજ સાંકડી હતી અને ત્યાં ગરીબ હાલતના લોકો વસતા હતા. તેમાંનો એક માણસ એક ખુણામાં બેસીને હાય અફસોસ કરતો હતો. તેને રડતો જોઈ ગંગે પુછ્યું કે, કેમ ભાઈ, તું શા માટે અફસોસ કરે છે ? તને શું દુઃખ છે ?'

પેલા દુઃખી માણસે કહ્યું કે, ' હું બે દહાડાનો ભુખ્યો છું, તેથી મારા નશીબ ઉપર અફસોસ કરતો બેઠો છું. હું આ શહેરમાં થોડાં વખત પહેલાં આવ્યો છું. મારી પાસે થોડાક પૈસા હતા તેમાંથી આટલા દીવસ કાઢ્યા. મેં નોકરી અને ધંધો કરવાનાં બહુ ફાંફા માર્યા પણ હું તેમાં ફાવ્યો નહીં. આજ બે દહાડા થયા મારી પાસેના બધા પૈસા પુરા થઈ રહ્યા છે. હવે આ અંગ ઉપરના કપડા સિવાય બીજું કાંઇ પણ મારી પાસે રહ્યું નથી. ભીખ માગીને જીવવા કરતાં હું મરવું વધારે પસંદ કરૂં છું.'

તેની દયાજનક વાત સાંભળી ગંગે કહ્યું કે, 'જો ભાઈ સાંભળ,


મોર મેરૂ પર ચુંગે, ચુંગે હંસા જલ સરવર,
શેર જંગલમેં ચુંગે, ચુંગે પંછી જલ સરવર:
ગજ કદલીબન ચુંગે, ચુંગે પાતાળ ભુજંગમ,
મછ કછ સબહિં ચુંગે, ચુંગે ઘર બધે તુરંગમ;
જીવ જંત સબહિં ચુંગે, વાકી ગાંઠ ક્યાં ગર્થ હે,
ચિંતા મત કર નિશ્ચિંત રહે, પુરનહાર સમર્થ હે.

હે માનવી ! ધીરજ રાખ. જેણે દાંત આપ્યા છે તે ચાવણું આપશેજ. એ વાતની તારે ખાત્રી રાખવી.' તેણે કહ્યું કે, 'ધીરજ રાખે રહેતી નથી ? હવે તો મારાથી ઉઠીને ચલાય તેમ નથી. આજ છ છ રોજ થયા ભુખ કરતાં અરધુંએ ખાવાનું મળતું નથી. કટકો રોટલો મળે તો હું આખો મલ્યો સમજી સબુરી રાખું છું, પણ હવે તો મારી સબુરી રહે તેમ નથી. આજ રાતમાં મારો દેહ પાડીશ.'

આ વાત થતી હતી તેથી આ કોઈ ખરેખરોજ દયાને પાત્ર છે એવી શાહ અને બીરબલની ખાત્રી થઈ. તેથી શાહ બીરબલને ઇસારત કીધી એટલે બીરબલે પોતાની પાસેના પૈસા કાઢી એક કપડામાં લપેટી પેલાના હાથમાં આપીને કહ્યું કે, 'આ લે, એમાં થોડાક પૈસા છે, એનાથી તું તારૂં જોઈ લેજે. જીવ આપ્યાથી કાંઈ જોવાનો નથી. જીવતો નર ભદ્રા પામશે.'

આટલું કહી આ ત્રણે જણ ત્યાંથી ચાલતા થયા. પછી પેલા માણસે કપડું છોડી જોયું તો અંદરથી સોનાની વીસ અસરફી નીકળી. આટલા પૈસા તો તેને મન એક મોટી પુંજી જેટલા હતા. તેણે મરવાનો વીચાર છોડી દીધો. અને પોતાને આવી એનની વખતે મદદને કરનારને હજારો આશીર્વાદ આપતો તે પોતાને ઠેકાણે ગયો અને બીજા દીવસથી થોડો થોડો માલ ખરીદી આબરૂ અદબથી પોતાનું પુરૂં થાય એટલું કમાવા લાગ્યો.

આવી રીતે ગુપ્ત ધર્માદા કરી શાહ અને બીરબલ હજારો ગરીબ માણસોના ખરા અંત:કરણના આશીર્વાદ મેળવતા હતા.

-૦-