બીરબલ અને બાદશાહ/ફાંસીને બદલે માન

← સમય સુચકતા બીરબલ અને બાદશાહ
ફાંસીને બદલે માન
પી. પી. કુન્તનપુરી
હાજર જવાબ  →



વારતા પાંચમી
-૦:૦-
ફાંસીને બદલે માન
-૦:૦-

દુરિજન દાગ લગાડવા કાર્ય કરે પ્રતિકૂળ,
પણ ભગવાન પાધરો, મહાજન પણ અનુકૂળ

દીલ્લી શહેરમાં એક હીરાચંદ નામનો દાભિંક સઠ અને બીજાનું અકલ્યાણ કરનાર માણસ રહેતો હતો. તેની સાથે તેને માધુ નામનો એક મહાપાપી મીત્ર રહેતો હતો. તેના તે પાપી મીત્રના પાપના શિક્ષણ તેને વધારે પાપી બનાવનાર હીરાચંદને વધારે ધીકારતા હતા, આનો કાટ કાઢવા માટે નગરવાસીઓએ એવી અફવા ઉડાડી કે જો સહવારમાં કોઇ માણસ હીરાચંદનું મોં જોય તો તેને તે દીવસે ખાવાને મળતું નથી ? આ અફવા ફેલાતી ફેલતી એકદમ રાજાના કાને અથડાઇ, તેની સચાઇ શોધવા માટે બાદશાહે હીરાચંદને પકડી મંગાવી એકાંત સ્થળમાં બેસાડી રાખ્યો. બીજે દીવસે સવારમાં બાદશાહે ઉઠતાં વારજ તેનું મોં જોઇ બોલ્યો કે, હવે મને ખાવાનું મળે છે કે નહીં તેની ખાત્રી કરૂં. બાદશાહને જમવાનો વખત થયો. રાજા જમવા બેઠો. જેવો રાજા કનક થાલમાંથી અન્‍નનો કોળીઓ ઉપાડી મુખમાં મેલવા જાય છે તેવોજ ઉપરથી ભોજન થાળમાં ઘરોળો પડ્યો તેથી બાદશાહને સુગ ચઢી અને ખાધા વગરજ ભોજન ઉપરથી ઉઠી નીકળ્યો, અને બીજી રસોઇ બનાવવાનો હુકમ આપ્યો. આ બનાવથી બાદશાહને ખાત્રી થઇ કે હીરાચંદનું મોં જોયું તેનો આ ચમત્કાર છે ? માટે તેવા પાપીનો નાશ કરવો એજ ઉત્તમ માર્ગ છે ! એવો ઠેરાવ કરી ચંડાલોને બોલાવી હુકમ આપ્યો કે, આ પાપીને એકદમ ફાંસીએ લટકાવી દો. રાજાનો હુકમ થતાંજ ચંડાલો તેને લઇ ચાલ્યા. પણ રામ રાખે તેને કોણ ચાખે ? પુરો નસીબવાન ! હજી કંઇક પાપ કરવાનાં બાકી રહ્યાં હશે તેથી રસ્તામાં બીરબલ મળ્યો. બીરબલે આવી દશાએ પહોંચેલા હીરાચંદની ભયાનક કથા સાંભળી દીલગીર થયો અને તેથી બીરબલને દયા આવવાથી તેને એકાંતમાં લઇ જઇને કહ્યું કે, અલ્યા હવે તું જરા પણ ડરીશ નહીં, જે વખતે તને ફાંસીએ લટકાવતી વખતે પુછશે કે તારી ઇચ્છા શી છે ? એમ પુછે ત્યારે તું એટલુંજ કહેજે કે, મારૂં મોઢું જોવાથી માણસોને ખાવાનું મળતું નથી, પણ રાજાનું મોં જોતાં આજે મને ફાંસીની શીક્ષા થઇ છે, માટે મારે એટલુંજ લોકોના પરોપકાર માટે જાહેર કરવા માગું છું કે કોઈ પણ બાદશાહનું મોં સહવારમાં જોશો નહીં, નહીં તો મારા જેવી દશાએ પહોંચશો ! એટલું કહી બીરબલ ચાલી ગયો. હીરાચંદને ફાંસીના માચડા પર લઇ જઇ ચંડાલોએ પુછ્યું કે, બોલ હવે તારી શી ઇચ્છા છે. હીરાચંદે બીરબલનું કહેલું કહેવાથી ચંડાલો વીસ્મય થઇ બાદશાહ પાસે જઈ સઘળી બીના વીદીત કીધી. આ વાત સાંભળતાંજ બાદશાહ ઉલટો અકળાયો અને પોતાની ફજેતી થશે એમ માની ચંડાલોને કહ્યું કે, જાઓ તેને મારી પાસે લાવો. રાજાનો હુકમ થાતાજ ચંડાલોએ હીરાચંદને લાવી રાજાની હજુરમાં ઉભો કીધો. રાજાએ તેને ઈનામ આપી કહ્યું કે, જા તારા અપરાધની તને ક્ષમા કરવામાં આવે છે. માટે આ વાત કોઇની આગળ કરતો નહીં. હીરાચંદને વીદાય થયેલો જોઇ, બાદશાહે ચંડાલોને પુછ્યું કે, તમને રસ્તામાં કોઇની ભેટ થઇ હતી ? ચંડાલોએ કહ્યું કે, હા સીરતાજ ! બીરબલજી. બાદશાહ તરત સમજી ગયો કે આ સઘળી ખુબી બીરબલનીજ છે, શાબાસ છે એની વીશાલ બુધ્ધિને ! એમ વખાણ કરતો ને મનમાં ને મનમાં આનંદમયી બન્યો.

સાર-અકલની કેવી બલીહારી છે ? અકલવાન મોતમાંથી પણ બચાવી શકે છે. માટે અકલ એજ કીરતારની કરામત છે.

-૦-