બીરબલ અને બાદશાહ/બગડી એ કેમ સુધરે ?

← ફુલમાં કયું ફુલ મ્હોટું ? બીરબલ અને બાદશાહ
બગડી એ કેમ સુધરે ?
પી. પી. કુન્તનપુરી
ચાર ગુણવાળી સ્ત્રી →


વારતા ૫૫ મી.
-૦:૦-
બગડી એ કેમ સુધરે?
-૦:૦-

સુધરી બીગરે બેગહી, બીગરી ફીર સુધરે ન,

દુધ ફટે કાંજી પરે, સો ફીર દુધ બને ન.

એક સમે શાહે રંગ ભુવનમાં દરબાર ભરી, રંગ રાગમાં ગુલતાન બની આનંદ લુટી રહ્યા હતા. દરબારીઓને વધારે આનંદીત બનાવવા માટે શાહે એક ઉત્તમ અત્તરની શીશી કાઢી જેવો તે બધાને છાંટવા જાય છે તેવુંજ તે શીશીમાંનું થોડુંક અત્તર ગાલીચા પર ઢોળાઇ ગયું. તે કોઈ જાણી ન શકે તેમ ગાલીચા પરથી આંગળી વતે લેવાને જરા વાંકો વળ્યો, પણ અત્તર પડતાજ ગાલીચો ચુસી જવાથી શાહના હાથમાં ન આવ્યું તેથી શાહનો ચહેરો ફીકો પડી ગયો.

આ સમે બીરબલ પણ શાહની બાજુમાં બેઠો હતો. તે કોઇ જોઇ શકે નહીં તેમ બીરબલ બારીક નજરથી શાહના હાથમાંની શીશીમાંથી ઢોરાઇ ગયેલા અત્તર ઉપર હતી. તેથી શાહ મનમાં વીચાર કરવા લાગ્યો કે, મારા સરખા પણ આવી નજીવી વસ્તુ માટે કેટલો બધો લોભ રાખે છે. એમ જો બીરબલના જાણવામાં આવે તો તે વખત સાધીને મારી હાંસી કર્યા વગર કદી પણ રહેનાર નથી ?' આવો વીચાર કરી બીજે દીવસે પોતાની ઉદારતા બતાવવા માટે, તરત એક પાણીનો હોજ ખાલી કરાવી, તે અત્તરથી ભરપુર ભરાવી, શહેરના તમામ લોકોને બોલાવીને કહ્યું કે, 'જેમ તમારી મોજ આવે તેમ આ અત્તરથી ભરેલા હોજમાંથી અત્તર લો.' આ સાંભળી લોકો મહોટી હોંશથી અત્તર લેવા લાગ્યા. આ વખતે બીરબલ પણ હાજર જતો. બીરબલને જોઇ શાહે કહ્યું કે, 'કેમ બીરબલ ! કેવી મજાહ ઊડી રહી છે ? કેવો આનંદ મચી રહ્યો છે ? આ સાંભળી બીરબલે તરત મોં મલકાવીને કહ્યું કે, હજુર ? મારા બોલવા પર રીસ ન ચઢાવશો ? પણ જે બુંદથી ગઇ તે હોજથી કદી પણ સુધરતી હશે ? તેનો આપેજ વીચાર કરી લેવો.'

બીરબલના આવા માનભંગ શબ્દો સાંભળીને શાહ બહુ ચીડાઇ જઇને મનમાં બોલ્યો કે, 'બીરબલે ચહાસન મારી હલકાઈ બતાવીને મારૂં માન ઉતરાવી નાખ્યું. અફસોસ ? આને માટે એનો જાહેરમાં તીરસ્કાર કરવો એતો મારા પદને વધારે લાંચ્છનરૂપ સમજું છું. માટે સર્વની સમક્ષ ન બોલતાં પછી એની વાત ?' આવો વીચાર કરી બે ચાર દીવસ જવા દીધા પછી શાહે નીત્યના નીયમ પ્રમાણે બીરબલની લેવાતી સલામ બંધ કરીને અનુચરને હુકમ આપ્યો કે, 'મારો હુકમ થાય નહીં ત્યાં સુધી બીરબલને કચેરીમાં આવવા દેવા નહીં.' આ વાત બીરબલના જાણવામાં આવતાંજ બીરબલે મનમાં વીચાર કર્યો કે, 'ખરેખર મારા બોલવાથી શાહને માઠું લાગ્યું છે ! ખેર ! બગડેલી બાજીને સુધારીશું. આ બનેલા બનાવ કોઇના જાણવામાં ન આવે તેટલા માટે અહીંઆ ન રહેતાં બહાર ગામ જઇ વસવામાં હું વધારે લાભકારક સમજું છું.' આવો વીચાર કરી તરત બીરબલ કોઇને જણાવ્યા વગર ગુપચુપ દીલ્લી છોડીને એક ન્હાના ગામડામાં એક રહેતા પાટીદારને ત્યાં જઇ, પોતાનું ખરૂં નામ ઠામ ન બતાવતાં અન્ય નામ ધારણ કરી રહ્યો.

બીરબલ વગરની દરબાર અંધકાર સમ શાહને ભાસવા લાગી, બીરબલ વગરનો દીવસ શાહને બીહામણો લાગ્યો, બીરબલ વીના સત્ય ન્યાય કોણ આપે ? બીરબલ વીના રાજ ખટપટનો નીવેડો કોણ લાવે ? આવા વીચારમાં ને વીચારમાં શાહ ઘણો ગભરાવા લાગ્યો. પોતાનો ગભરાટ ઓછો કરવા માટે શાહે બીરબલની બહુ તપાસ કરાવી, પણ બીરબલનો પત્તો લાગ્યો નહીં. બીરબલ એ મારા રાજનો ચળકતો તારો છે ? એ તારો ગુમ થઇ જવાથી મારા રાજ્યમાં અંધકાર ફેલાશે. આ ફેલાતા અંધકારને પ્રકાશમય કરનાર બીરબલ રૂપી તારાને શોધી કાઢવામાંજ મારૂં ભૂષણ છે ? આવો વીચાર કરી શાહે તરત બીરબલને શોધવા માટે ગામો ગામ માણસો મોકલ્યા પણ બીરબલનો પત્તો લાગ્યો નહીં. આથી શાહ ઘણો ઉદાસીન રહેવા લાગ્યો. બીરબલ શાહથી રીસાઇ ગામ છોડી ચાલી ગયો છે, એવી વાત ફેલાતાં ફેલાતાં છેક શાહની ઉપર વેરભાવ રાખનારાં, અને વખત આવે તો તેનું રાજ્ય છીનવી લેવાનો ઈરાદો રાખનાર રાજાઓના કાનપર ગઇ. આમાં સહુથી મ્હોટો દુશ્મન તુરકસ્તાનનો શાહ હતો. તેણે બીજા રાજાઓને બોલાવી કહ્યું કે, 'જ્યાં સુધી બુદ્ધિવાન બીરબલ હતો ત્યાં સુધી આપણે આપણા દુશ્મન ઉપર ફાવી શક્યા નહોતા. હવે બીરબલની ગેરહાજરીમાં જો આપણે એકત્ર થઇ, સામટા બળથી હુમલો લઇ જઇને દીલ્લી હાથ કરવાં કશો વાંધો જોતાં નથી. પણ આપણા પ્રયાસમાં જો આપણે માનભંગ થઇએ તેટલા માટે અકબરની દરબારમાં હવે કોઇ બીજો બુદ્ધિવાન પ્રધાન છે કે નહી ? જો કોઇ તેવોજ બુદ્ધિવાન પ્રધાન હોય અગર છુપી રીતે બીરબલ સલાહ આપતો હોય, તો 'લેનેકો ગઇ પુત, ને ખો આઇ ખસમ' જેવી વાત બને. માટે પ્રથમ તેની ખાત્રી કરી લેવા માટે શાહને આ પ્રમાણે કાગળ લખવો કે, 'અક્કલનો એક ઘડો ભરી ચાર માસની અંદર મોકલાવી દેજો, અને જો ન મોકલી શકો તો લડાઇ માટે તઈયાર થજો.' આમ લખવાથી ખરી બીના જાણવામાં આવશે એટલે પછી આગળ ચાલવામાં આપણને કોઇ જાતની હરકત પડનાર નથી.' આ વાતને બધા રાજાઓ કબુલ કરવાથી તુર્કસ્તાનના શાહે સૌની સમક્ષ પત્ર લખી, અનુચરને આપી, અકબરને પહોંચાડવા દીલ્લી તરફ રવાના કીધો.

તુર્કસ્તાનના શાહનો અનુચર પત્ર લઇ ભમતો ભમતો દીલ્લીમાં આવી અકબરને તે પત્ર આપ્યો. પત્ર વાંચી શાહ મનમાં વિચાર કરવા લાગ્યો કે, 'બીરબલના જવાની ખબર સાંભળી રાજ રીપુઓ મારૂં રાજ્ય લેવાને કેવા ઉન્મત બન્યા છે ? બીરબલ વગર આનો ઉત્તર આપી રાજ્ય રીપુઓનું સમાધાન કરી શકે એવો કોઇ બીજો બીરબલ નથી ! હવે આનો શો ઉપાય કરવો ? ખચીત ! મારા કર્યા કર્મનો મારે ભોગ આપવો પડશે ? મારી કરણીનાં ફળ મારે ચાખવાં પડશે ? આતો હાથનાં કર્યાં હૈયે વાગ્યાં. એમાં બીજાનો શો દોષ ? પાણી પીને ઘર પુછવા જેવો મેં ઘાટ ઘડ્યો છે ! અપમાન કરી દરબારમાં આવતો બંધ કીધો અને હવે તેને સમજાવી લાવવામાં કેટલી બધી નામોશી ? પણ તેમ કર્યા વગર છુટકોજ નથી ? માટે મારા ઉપર ડોળા ઘુરકાવી રહેલાઓની શુદ્ધ ઠેકાણે લાવવા એક યુક્તી રચી બિરબલને શોધી કહાડું.' આવો વીચાર કરીને શાહે તરત દરેક ગામોના મુખીઓ ઉપર હુકમ લખી મોકલ્યો કે, 'જે અમારા માણસ સાથે બકરો મોકલ્યો છે, તેને દરરોજ પાંચશેર દાણો તથા ઘાસ વગેરેનો ખોરાક આપવો. જેટલા વજનનો બકરો તમારી તરફ રવાના કરવામાં આવ્યો છે તેટલાજ વજનવાળો એક માસથી વધારે રહેવો જોઇએ. જો વધારે ઓછો વજનમાં થશે તો સખ્ત શીક્ષા કરવામાં આવશે.' આવી યુક્તીવાળો હુકમ, અને તેની સાથે અકેક બકરો અને તેનું રક્ષણ કરવા માટે અકેક નોકર દરેક ગામના મુખીઓ પર મોકલી આપ્યા.

જે ગામમાં બીરબલ હતો તે ગામના મુખી પર આ હુકમ જતાં જ તે બહુ ચીંતામાં પડ્યો, એના દુઃખનો પાર રહ્યો નહીં. આ બકરો વજનમાં વધવો કે ઘટવો જોઇએ નહીં. એવી યુક્તી કયા ભંડારમાંથી શોધી કહાડવી. આવી રીતે તે દીનપર દીન ગળતો ગયો. આ ખબર બીરબલને થતાંજ બીરબલે કહ્યું કે, તમારે જરા પણ નીરાશ થવું નહીં. તમારી ઉપર આવી પડેલા સંકટ દુર કરવામાં હું મારો ધર્મ સમજું છું. તમે મને આશરો આપી રાખ્યો છે તેનો બદલો વાળી આપવાને મને આ એક સારી તક મળી છે.માટે હું તમને જેમ બતાવું તેમ તમે જો કરશો તો તમારૂં કષ્ટ દુર થશે, બીરબલે મનમાં વીચાર કરી કહ્યું કે, શાહે મને સોધી કાઢવા માટેજ આ યુક્તી રચી છે.'

બીરબલનાં વાક્યો સાંભળી મુખીએ કહ્યું કે, 'જો તમે મને આ આફતમાંથી બચાવશો તો તમારો ઉપકાર કદી પણ ભુલીશ નહીં. બીરબલે કહ્યું કે, 'તમારા ગામને નાકે આવેલા બાગમાં જે વાધ બાંધ્યો છે , તે વાધની પાસે આવેલા બકરાને થોડી વાર લઇ બાંધવો. વાઘના ભયથી તે રોજ દાણોચારો ખાતાં છતાં આખર સુધી જરા પણ વજનમાં ઓછો વધતો થશેજ નહીં. પણ આ યુક્તી મેં બતાવી છે તે કોઇના જાણમાં આવવું ન જોઇએ. બીરબલના કહેવા મુજબ કરવાથી આખર તારીખ સુધી બકરો તેટલાજ વજનમાં રહ્યો. અને તે પાદશાહ પાસે પહોંચાડવા પટેલ પણ સાથે ગયો. શાહે દરેક ગામથી આવેલા બકરાઓને જોખી જોયા તો તે વજનમાં વધારે ઓછા થયા, પણ આ પટેલના ગામમાં રહેલો બકરો સરખા વજનનો થયો તે જાણી શાહને ખાત્રી થઇ કે તેજ ગામમાં બીરબલ ભરાઇ બેઠો છે, આ સંબંધી મુખીને પુછતાં મુખીએ કહ્યું કે, અમારે તાં એક મેમાન ફરતો ફરતો આવી ચડ્યો હતો તેણે આ ઉપાય બતાવ્યો હતો. તે જાણી શાહે મ્હોટા ઠાઠથી સ્વારી મોકલી બીરબલને મંગાવી પ્રથમ કરતાં વધારે માન આપી પ્રધાનપદનો પોશાક બક્ષ્યો.

પછી શાહે તરત તુર્કસ્તાનના શાહનો આવેલો પત્ર બીરબલના હાથમાં આપી શાહે કહ્યું કે, આ પત્રમાં જેમ લખ્યું છે તે મુજબ જવાબ આપવાની તજવીજ કરો, બીરબલ તરત તે કાગળ વાંચીને એક માટીનો ઘડો મંગાવી તેમાં એક તુંબડાના વેલાને વળગેલું નાનું તુંબડું ગોઠવી દીધું, રોજે રોજ તે તુંબડું વધતું ગયું. તેથી ઘડો તુંબડાના વધવાથી ભરાઇ ગયો તે જોઇ તેને ડીટડેથી કાપી જુદું કરયું. પછી શાહને કહ્યું કે, 'સરકાર અકલનો ઘડો ભરાઇ ગયો છે માટે તુર્કસ્તાનના શાહની પાસે મોકલાવો અને સાથે પત્ર લખી કહેવરાવો કે આપના લેખ મુજબ ઘડો ભરીને અક્કલ મોકલાવી છે, માટે ઘડાને ન ભાંગતાં, અક્કલને કાઢી લઇને અમારો ઘડો જેવો છે તેવોજ તરત મોકલાવી દેશો, જો એમ ન કરતાં અક્કલ અને ઘડાનો નાશ કરશો તો અક્કલની કીંમત બે કરોડ રૂપીયાની છે તે તમારી પાસેથી, લડાઇ કરી વસુલ કરવામાં આવશે.

આ પ્રમાણે લેખ લખી શાહે અકલનો ભરેલો ઘડો તુર્કસ્થાનના શાહની હઝુર એક સ્વાર સાથે મોકલી આપ્યો. કેટલી મુદ્દતે તે સ્વાર તુરકસ્થાનના શાહ હજુર જ‌ઇ ઘડો અને લેખ રજુ કીધાં. શાહે આ લેખ વાંચી તમામ દરબારીઓને તેની હકીકત કહી સંભળાવી. તેથી સહુએ પોતપોતાની અકલ મુજબ ઘડાને ખાલી કરવા બહુ મહેનત કરી પણ તે ફોક ગઇ. આ જાણી શાહે કહ્યું કે, આ ઉપરથી સાબીત થાય છે કે, અકબરની દરબારમાં હજી દાનેશમંદ બીરબલ મોજુદ છે માટે લડાઇ કરવામાં લાભ નથી, તેમ અકલને કાઢી લઇ ઘડાને પાછો મોકલવાને પણ બની શકનાર નથી. માટે બે કરોડ રૂપીઆ આપી ગુપચુપ બેસી રહેવામાંજ આબરૂ છે.' આમ કરવા માટે તમામ દરબાર એકમત થવાથી બે કરોડ રૂપીઆ શાહને મોકલાવી આપ્યા. તે અકબરે લઇ બીરબલને શાબાશી આપી, તીજોરી તરતી કીધી.

સાર - બુદ્ધિવાન પુરૂષોથી બળવાન રાજાઓ પણ ડરે છે. કારણ કે બુદ્ધિવાન પુરૂષ ધારે તે કરી શકે ? અને તેથીજ તેઓ બુદ્ધિવાનોને ચહાય છે. માટે દરેકે બુદ્ધીવાનનો સંગ કરવો. તેને માટે કહ્યું છે કે, 'પંડીતકી લાતાં ભલા, ક્યા મુરખકી બાતા, વોહ લાતે સુખ ઉપજે વોહ બાતે ઘર જાત.'

-૦-