બીરબલ અને બાદશાહ/બે ભેદ ભરેલા મુસાફરો

← બહુ તરનારો પાણીમાંજ ડુબે બીરબલ અને બાદશાહ
બે ભેદ ભરેલા મુસાફરો
પી. પી. કુન્તનપુરી
હથેલીમાં હાથી ડુબ્યો →


વારતા પંચાણુંમી
-૦:૦-
બે ભેદ ભરેલા મુસાફરો
-૦:૦-

એક દીવસે શાહ દરબાર ભરીને પોતાના મનોહર બાગમાં બેઠો હતો. તેવામાં ત્યાં બે મુસાફરો આવીને હાજર થયા. અને તેઓ કોણ હતા તે પારખી કાઢવા માટે શાહને અરજ કીધી. તેમની આ અરજ સાંભળી શાહ અને દરબારીઓ તેમની તરફ આશ્ચર્ય પામી જોવા લાગ્યા. તે એક મેકને મળતા આવતા હતા તેથી તેઓ કોણ છે તે ધારવું બહુજ કઠીણ હતું.

નીમીશવાર વિચાર કર્યા પછી શાહે તમામ દરબારીઓને કહ્યું કે, ' આ મુસાફરો કોણ છે તે પારખી કાઢો ?' હવે કેમ કરવું તેના વિચારમાં બધા પડ્યા. આખરે બીરબલે તેમ કરવાની હામ ભીડી. બીરબલે બંને મુસાફરોને આસન આપી બેસાડ્યા અને પછી એક મુસાફરને કહ્યું કે, ' હું પુછું તેના ખરા જવાબ આપશો ?'

પહેલા મુસાફરે હા પાડી.

બીરબલ - તમે ક્યાં રહો છો ?

પહેલો મુસાફર - હું દરેક ઠેકાણે રહું છું છતાં મારૂં એક ચોક્કસ સ્થાનક નથી.

બીરબલ - તમે શું કરો છો ?

મુસાફર - હું દોડનાર છું. અને આખી દુનીયાના દરેક ભાગમાં હું દોડું છું. જ્યાં બીજા કોઈનો પણ પ્રવેશ થઈ ન શકે એવા સઉથી ખાનગી ભાગમાં પણ વગર અટાકાવે હું દાખલ થઈ શકું છું.

બીરબલ - તમારી સત્તા કેટલી છે તથા બીજું પણ તમારે વિષે જેટલું જણાવી શકતા હો તેટલું મને કહી દો.

મુસાફર - મારી સત્તા ઘણી છે. હું માત્ર આ દુનીઆ ઉપરજ ફરતો નથી પણ આકાશમાં પણ ફરી શકું છું. મને જોતાંજ સાગર અને ભુમી કાંપવા મંડી જાય છે, અને જંગલના મોહોટા ઝાડો જડમુળથી ઉખડી જાય છે. હું જ્યારે ફરવા નીકળું છું, ત્યારે દરેક જણને મારતો જાઉં છું.' પણ મને પકડી રાખવાની કોઈ સત્તા ધરાવતો નથી. દરેક જણ મારૂં નામ જાણે છે, છતા કોઈએ મને દીઠો નથી. મારા વડેજ બધું છે. હું ન હઉં તો આ ભુમીમાં ઘણી ઉથલ પાથલ થઈ જાય.

બીરબલે વીચાર કરીને કહ્યું કે, 'ઠીક.'

મુસાફર - ત્યારે કહો હું કોણ છું? બીરબલ - જરાક ઉભા રહો. આ તમારા ગોઠીયાને સવાલ પુછવા છે તે પુછી લઉં. પછી બંનેને એક સામટો જવાબ આપું. પછી બીજા મુસાફરને પગથી તે માથા સુધી તપાસીને બીરબલે પુછ્યું કે, 'તમે ક્યાં રહો છો?'

બીજો મુસાફર - હું દરેક સ્થળે રહું છું. મારા વગરનું કોઈ પણ સ્થળ ખાલી નથી.

બીરબલ - તમારી સત્તા કેટલી છે?

બીજો મુસાફર - પહેલા મુસાફરની જેટલીજ મારી સત્તા છે.

બીરબલ - તેના જેટલા તમે નુકશાન કરતા છો કે નહીં?

બીજો મુસાફર - હું નુકશાન કરૂં છું, પણ લોકો મને પાપી તરીકે ગણતા નથી. તેમ શીક્ષા પણ કરતા નથી.

બીરબલ - હજી તમારે કાંઈ વધારે કહેવું હોય તે કહી દો.

બીજો મુસાફર - મારે માટે કહેવું થોડું જ છે. આ મારા ગોઠીયા મુસાફર વગર હું જીવીજ શકું. જેટલી તેની ગતી છે તેટલી મારી પણ ગતી છે. મારા વગર મનુષ્ય પ્રાણી કોઈ પણ ખાલી નથી, તેમજ જીવી ન શકે. મને પાંજરા જેવી વસ્તુમાં પોપટની પેઠે બંધ કરી રાખવામાં આવે છે. આ મારો ગોઠીયો મુસાફર મને દરેક રીતની મદદ કરે છે. હું એનો આભારી છું.

બીરબલ - ઠીક. સમજ્યો. આ સીવાય બીજું કાંઈ જણાવવા જેવું છે?

બીજો મુસાફર - ના, હવે કાંઈ વધારે જણાવવા જેવું રહ્યું નથી. માટે કહો જોઈએ હું કોણ છું?

હવે આ બંનેને બીરબલ શો જવાબ આપે છે જાણવાને દરેક દરબારીઓ આતુર થઈ રહ્યા. બીરબલે શાહ તરફ જોઈને કહ્યું કે, 'હજુર ! હવે આપ હુકમ કરો તો બંને મુસાફરો કોણ છે તે હું જાહેર કરૂં.'

શાહ - બીરબલ ! ખુશીથી કહો.

બીરબલ - આ પહેલો મુસાફર તે પવન છે અને બીજો મુસાફર મન છે.

પોતાના સવાલનો જવાબ મળતાંજ બંને મુસાફરો, 'વાહ  ! વાહ !' કરતા ત્યાંથી ઉઠીને ચાલતા થયા. પણ શાહ તેઓને એમને એમ જવા દે એવો ન હતો. શાહે સીપાઈઓને આજ્ઞા કરી કે, ' આ બંને મુસાફરોને પાછા અહીં લાવો.' પહેલા મુસાફરો, જેઓ હજી દરવાજા સુધી ગયા હતા તેમને બાદશાહના હુકમથી પાછા લાવવામાં આવ્યા. શાહે તેમને સત્કાર પુર્વક બેસવા કહ્યાથી તેઓ બેઠા. પછી શાહે કહ્યું કે, 'તમે મારી દરબારમાં આવી એમને એમ ચાલ્યા જાઓ તે ઠીક નહીં. તમે હવે અહીં જ રહો.' એક મુસાફરે કહ્યું કે, 'અમે ઘણા શહેરોમાં ફર્યા, પણ અમારા સવાલનો જવાબ કોઈએ ન આપ્યો તે આપની દરબારમાં મળ્યો. આ ભુમીમાં પણ બીરબલ જેવા રત્નો પડ્યાં છે એવી અમારી ખાત્રી થઈ તેથી અમે અમારે સ્થાને જઈએ છીએ.'

શાહે પુછ્યું કે, ' તમે કોણ છો ? અને ક્યાંના રહીશ છો ?'

એકે કહ્યું કે સરકાર ! દક્ષિણના રહીશ છીએ. પણ બાલપણમાંથીજ અમારે કાશીમાં રહેવું થયું હતું અને ત્યાંજ રહી ભણ્યા છઈયે. અમે બંને ભાઈઓ છઈએ, અમારા પીતા અમારે માટે થોડીક પુંજી મુકી ગયા હતા. પીતાના મરણ બાદ અમે સ્વદેશ તરફ ગયા. ત્યાં અમારા સંબંધીઓ વીષે શોધ કીધી પણ કોઈ ન જણાયાથી અમે પવન તથા મનના નામ ધારણ કરી મુસાફરીએ નીકળ્યા અને ગામોગામ અને નગરે નગરે અમે કોણ છઈએ તે વીષે સવાલ પુછતા બે વરસ ફર્યા, પણ કોઈએ અમારા સવાલનો જવાબ ન આપ્યો. પણ આજ રોજ આપના દરબારમાં આ પુરૂષ રત્નથી અમે જવાબ મેળવ્યો. હવે અમે કાશીમાં જઈને રહેશું.'

શાહે તેમને બીજા કેટલાક સવાલ પુછી તેઓ પંડિત છે એવી ખાત્રી કરી પોતાની પાસે રાખ્યા.


-૦-