બીરબલ અને બાદશાહ/રાઘુ તો મહા તપશ્વિ છે !

←  ચાર ગુણવાળી સ્ત્રી બીરબલ અને બાદશાહ
રાઘુ તો મહા તપશ્વિ છે !
પી. પી. કુન્તનપુરી
અકલ શું નથી કરી શકતી ? →


વારતા સતાવનમી.
-૦:૦-
રાઘુ તો મહા તપશ્વિ છે !
-૦:૦-

ચતુર ન સમજ્યા હોત તો, ચતુરાનની ચુક,

કહો કોણ કહાડત ? અરે ! સકળ ગણાત ઉલુક.

એક સમય બાદશાહ અને બીરબલ આનંદભુવનમાં બેસી આનંદ વારતાઓ ચલાવી રહ્યા હતા તેવામાં એક ફકીરે આવીને કહ્યું કે, 'જહાંપનાહ ! આ મારી પાસેનો પોપટ કે જેનું નામ રાઘુ પાડેલું છે તેને મેં ઘણી મહેનત લઇ સારૂં બોલતાં શિખવ્યો છે અને તે એવી આશાથી ભણાવ્યો છે કે આપને તે નજરાણામાં આપી ઉમેદ બર લાવીશ ! માટે રાઘુને લ્યો. અને તેનું પ્રતિપાલન કરો.' આ પ્રમાણે ફકીરનું બોલવું તથા રાધુના મુખથી મધુર ભાષણ અને કુરાનના પાઠ સાંભળી શાહે ફકીરને ઘટતું ઇનામ આપી વીદાય કીધો. અને રાઘુની દેખરેખ માટે નોકર નીમી કીધો કે, જો જરા પણ રાઘુની તબીયત નાદુરસ્ત જણાય તો તુરત મને ખબર આપવી. જો, તેની ખબર ન આપી અને બીમાર પડી રાઘુ મરી ગયો છે એવી જો ખબર આપી તો તે વખત તારૂં માથું કપાવી નાખીશ.' પછી નોકરો રાઘુની તબીયત સાચવવા માટે ઘણીજ કાળજી રાખવા લાગ્યા. તેમ રાઘુ કુરાનના પાઠ ભણતો તે સાંભળી શાહ અત્યંત ખુસી થઇ તેના ઉપર અતીશે પ્યાર રાખવા લાગ્યો. એક વખત રાઘુ અચાનક મરણને શરણ થયો તે જોઇ તેનું રક્ષણ કરનાર ચાકરો ઘણાજ ગભરાયા અને 'શાહને શું જવાબ દેશું ? તેમજ મરી ગયો છે એ વ્રતાંત જો જણાવીએ તો શીરચ્છેદનો હુકમ થાય ! માટે બંને તરફની પીડામાં આવી ફસાયા ! હવે તો બીરબલજી આગળ જઇ આ હકીકત જાહેર કરીએ તો કાંઇ પણ રસ્તો હાથ લાગે !' એમ વીચારી બીરબલ પાસે ગયા, અને પોતાનું દુઃખ પ્રકાશ્યું. બીરબલને તેઓની દયા આવવાથી કહ્યું કે. 'તમે નીશ્ચીંત રહો, જરા પણ તમોને ઇજા આવવા દઇશ નહીં.' એમ કહી બીરબલ શાહહજુરમાં ગયો. શાહને જોઇ બોલ્યો કે, 'આપણો રાઘુ ! આપણો રાઘુ !' એ સાંભળી શાહ એકદમ બોલી ઉઠ્યો કે, 'શું રાઘુ મરી ગયો ?' બીરબલે કહ્યું કે, 'નહીં નહીં ખુદાવીંદ એમ તે કેમ બને ? એ તો મ્હોટો તપસ્વી બન્યો છે ! આકાશ તરફ મ્હોં કરી તપસ્યા કરે છે ! પગ, પાંખ, આંખ અને ચાંચ જરા પણ હલાવ્યા વગર યોગ સાધન કરી ઇંદ્રીઓનું દમન કરી રહ્યો છે ! આ પ્રમાણે બીરબલનું બોલવું સાંભળી શાહે કહ્યું કે, 'શું રાઘુ મરણ પામ્યો ?' બીરબલે કહ્યું કે, 'આપ જોશો ત્યારેજ કહેશો કે આ કેવી તપશ્યા કરી રહ્યો છે ? હું તો એમ જાણું છું કે તેણે તપશ્યા આદરી છે અને આપ મરી ગયાનું કહો છો ! માટે તેને જોવાથી નિસ્સંદેહ થશો.' શાહને તેડી રાઘુના પાંજરા પાસે જઇ તપશ્યા કરતો બતાવ્યો તે જોઈ શાહ બોલ્યો કે, 'બીરબલ ! તારી મશ્કરી કરવાની ટેવ ગઇજ નહી ! રાઘુ તપશ્યા કરે છે એમ ન કહેતાં એમજ કહ્યું હોત કે રાઘુ મરી ગયો ! તો નાહક ધકો ખાવો પડત નહીં ? શું રાઘુ મરી ગયો એવી તને ખબર નહોતી ?' બીરબલે હાથ જોડીને ધીમેથી બોલ્યો કે, ' નેક નામદાર ! શું કરવું ? જો સરકાર અગાડી રાઘુ મરી ગયાના સમાચાર કહેત તો આપના હુકમ પ્રમાણે નોકરોનો શીરચ્છેદ થવાનો વખત આવત. માટે કાંઇ પણ ઉપાય શોધવો કે નહીં ?' તે સાંભળી શાહ રાઘુનો શોક ભુલી જઇ બીરબલની બુદ્ધીનો ખ્યાલ કરી બહુ ખુશી થયો અને તે બદલ ઇનામ આપી પોતે ગેરવ્યાજબી હુકમ કરેલો તે માટેનો પસ્તાવો કરવા લાગ્યો.

સાર - બુદ્ધિવાનો કેવી યુક્તીથી રાજાના બોલ રાજાના મ્હોંમાં પાછા આપે છે, માટે બુદ્ધીવાનનીજ બલીહારી છે, બુદ્ધિ વગરના માણસો જગતને ભાર રૂપ છે. કહ્યું છે કે, 'માણસ ગાતમેં એક બાબત કરામત હે.'


-૦-