બીરબલ અને બાદશાહ/રાતે સાડલે રાંડ, પાશેર લઈ ગઈ ખાંડ

← આ સ્વપ્નું કેવું ? બીરબલ અને બાદશાહ
રાતે સાડલે રાંડ, પાશેર લઈ ગઈ ખાંડ
પી. પી. કુન્તનપુરી
જેનું ખાવું તેનું ગાવું →


વારતા એકસો છવીસમી
-૦:૦-
રાતે સાડલે રાંડ, પાશેર લઈ ગઈ ખાંડ
-૦:૦-

એક સમે ઘોડાના વેપારીઓ જાતજાતના સરસ ઘોડાઓ લઇ શાહ સમીપ આવી ઉભા. શાહે આ ઘોડાઓમાંથી સરસમાં સરસ ઘોડાઓ વીણી લઇ ખરીદ કીધા. અને તેથી પણ સરસ બીજા ઘોડાઓ લાવવા માટે આગળથી એક લાખ રૂપીઆ આપી કહ્યું કે, 'આવતી મોસમમાં જરૂર લાવજો.'

સોદાગરનું નામ શું ? કઇ જાતનો છે ? કયા દેશનો રહીશ છે ? તેની કાંઇ પણ પુછપરછ કર્યા વગર રૂપીઆ દઇ દીધાથી તે સોદાગર પોતાને રસ્તે પડ્યો.

સોદાગર ન આવવાથી એક દીવસે શાહે બીરબલને પુછ્યું કે, 'બીરબલ ! મારા દેશમાં બેવકુફ કેટલા છે ? તેની ગણત્રી કરીને કહો કે જેથી હું તેની નોંધ રાખી શકું !' બીરબલે કહ્યું કે 'કીબલે આલી ! બેવકુફોની ગણત્રીની નોંધ મેં પહેલાની લખી રાખી છે અને તેમાં સઉથી પહેલું નામ આપનું લખવામાં આવેલું છે.'

શાહ--કેમ બીરબલ ! મગજ ઠેકાણે છે કે નહીં ? સઉના જેવો શું મને બેવકુફનો સરદાર ગણે છે ?

બીરબલ--સરકાર ! તાબેદારનું સાંભળ્યા પહેલા તાબેદારને ધમકાવશો નહીં ? સોદાગરનું ઠામ ઠેકાણું અને તેની જાત ભાત જાણ્યા વગર પ્રસન્ન થઇ જઇને તેને લાખ રૂપીઆ આપી દીધા એ બેવકુફી નહીં તો બીજું શું ?

શાહ--કદાચ તે સોદાગર ઘોડા લઇ આવ્યો તો તારી નોંધમાં મારૂં નામ લખેલું છે તેનું કેમ કરીશ ?

બીરબલ--આવનાર તો નથી ને કદાચ સોદાગર ઘોડા લઇ આવ્યો તો આપના નામને ઠેકાણે સોદાગરનું નામ દાખલ કરીશ.

શાહ--તેનું કાંઇ કારણ ?

બીરબલ--કોઇ પણ જાતની જામીનગીરી આપ્યા વગર એક લાખ રૂપીઆ હાથ લાગવા છતાં ગુપચુપ ગોથું મારી ઘરમાં બેસી ન રહેતાં ઘોડા ખરીદી લાવે તો એને બેવકુફનો રાજાજ જાણવો.

બીરબલનો આ ખુલાસો સાંભળી શાહ ઘણો ખુશી થયો.

-૦-