બીરબલ અને બાદશાહ/વનો વેરિને વશ કરે છે

←  બગડેલી બાજી સુધારી બીરબલ અને બાદશાહ
વનો વેરિને વશ કરે છે
પી. પી. કુન્તનપુરી
કંકણ અને કેસની ગણત્રી →



વારતા પચીસમી.
-૦:૦-
વનો વેરિને વશ કરે છે.
-૦:૦-

વખત વીચારી વાત કર, તો સહુ સુખ અનુકુળ,

વણ સમજાવે જો વદીશ તો, તો સહું સુખ પ્રતીકુળ.

એક સમે એક ઉમરાવે પોતાના બાગમાંથી સરસમાં સરસ અને મીઠી સાકર જેવી પાકેલી કેરીઓ ઝાડ પરથી ઉતરાવી બાદશાહને નજરાણા દાખલ મોકલી. તે કેરીઓ અમૃત સમાન હોવાથી શાહ અને હુરમ બંને જણ એકાંત ભુવનમાં બેસી ખાતાં હતાં, અને રાજા પોતાની ખાધેલી કેરીની છાલ અને ગોઠલા હુરમની આગળ ફેંકતો હતો. એટલામાં બીરબલ ત્યાં આવી લાગો. તે જોઇ રમુજની ખાતર શાહ બોલ્યો કે, અહો, વીનોદી બીરબલ ! મારી ઓરત કેવી ખાઉકણી છે ! પોતાનું પેટ ભરવા સરજેલી છે, જો કે હું અત્યાર સુધી માત્ર એક જ કેરી ખાઇ રહ્યો નથી તેટલામાં એણે કેટલી બધી કેરીઓ ખાધી છે ! તે આ ગોટલા છોતરાનો ઢગલા જોતાજ અનુમાન થઇ શકેછે ! ' બાદશાહના આવા શબ્દો સાંભળતાંજ રાણી ઘણીજ શરમાઇ ઓશીયાળી બની ગઇ. જે વખતે બાદશાહે અકબર ભારથ રચાવવાનું કહ્યું હતું તે વખતે હુરમને પાંચ પતી માટેનો પ્રશ્ન પુછવાથી હુરમને માઠું લાગ્યું હતું, તે ખડક હુરમના દીલમાંથી દુર કરી મહેરબાની મેળવવાનો સમય આવેલો જોઇ બીરબલે કહ્યું કે, હુરમ સાહેબે બધી કેરીઓ ખાધી એ વાત તો સાચી છે. પરંતુ તેમના ખાવીંદની તારીફ તો કોઇ ઓરજ પ્રકારની છે, કેમકે હુરમ સાહેબ તો માત્ર કેરીઓનો રસ ચુસી લીધો છે, પણ આપેતો કેરીઓની છાલ ગોટલા અને અંદરના ગોટલી પણ છોડી નથી. અર્થાત કેરીમાંથી કોઇ પણ ભાગ જવા દીધો નથી એ ખરેખરી ખુબી છે ? એટલે એ શબ્દોમાં એવો મારમીક ભાવ સુચવ્યો છે કે હુરમ સાહેબે તો જે કેરીઓ ખાધી છે તેના છોતરા ગોટલાં જણાય છે તેથી વધારે ખાધી એમ આપ કહો છો. પણ આપે તો એમના કરતાં એટલી બધી વધારે ખાઇ ગયા છો પણ તેની ગણત્રી ન કરી શકાય તેટલા માટે તેના છોતરા ગોટલા પણ બચાવ્યા નથી ! આ સાંભળી હુરમ બહુ ખુશી થઇ અને બીરબલ પ્રત્યે જે ખડક ધરાવતી હતી તે આ યુક્તીના કારણથી દીલમાંથી કાઢી નાખી પ્રેમથી ચહાવા લાગી.

સાર - જો પોતામાં વનો હોય તો વેરી વશ થઈ શકે છે.

-૦-