← વાણી વીનોદ-૨ બીરબલ અને બાદશાહ
વાણી વીનોદ-૩
પી. પી. કુન્તનપુરી
બહુ તરનારો પાણીમાંજ ડુબે →


વારતા ત્રાણુંમી
-૦:૦-
વાણી વીનોદ-૩
-૦:૦-

એક વખતે મંગળ બાગમાં દરબાર ભરાઈ હતી. ખુબ ગાન તાન ચાલી રહ્યું હતું. તે વખતે એક પરદેશી પંડીત જે કેટલાક દહાડા થયા દીલ્લીમાં આવી રહ્યો હતો તે રજા મેળવીને દરબારમાં દાખલ થયો. કેટલીકવાર સુધી દરબારની ગમત જોયા પછી તેણે કહ્યું કે, 'સરકાર ! કેટલાક સવાલો મારે આપના દરબારીઓને પુછવા છે. જો રજા આપો તો પુછું.'

બાદશાહે કહ્યું કે,' ખુશીથી પુછો.'

પંડીતે કહ્યું કે, 'આપના દરબારીઓમાંથી એકેક જણે જવાબ આપવો. એક પણ સવાલનો જે જવાબ આપી ન શકે તેણે બીજા સવાલનો જવાબ આપવો નહીં.'

શાહે કહ્યું, 'ભલે, તેમ કરશે.'

પંડીતે સવાલ પુછ્યો, 'જુવાનીમાં માણસે શું કરવું ?'

કેટલાક દરબારીઓએ વીચાર કર્યો કે, કદી આપણે જવાબ આપવા જઈશું અને ખોટા પડશે તો આબરૂ જશે. માટે ગુપચુપ બેસી રહેવામાંજ શોભા છે. એના બધા જવાબો કાં તો જગન્નાથ પંડીત કે કાંતો બીરબલ આપી શકશે. તેમના વગર બધા સવાલોના જવાબો મળનાર નથી. જ્યારે કોઈ બોલતું નથી, અને જગન્નાથ પંડિત ત્યાં હાજર નથી જાણી બીરબલે જવાબ આપવાની પોતાની ફરજ વીચારી. તેણે તુરત જવાબ આપ્યો કે, 'વૃદ્ધાવસ્થામાં સુખથી રહેવાનો ઉપાય.'

પંડીત - એવું શું છે જે, પાછળથી આવે છે અને પહેલાંથી જાય છે ?

બીરબલ - દાંત, માણસનો જન્મ થયા પછી આવે છે અને મરણ પામ્યા પહેલાં જતા રહે છે.

પંડીત - નાશ ન થાય એવું શું ?

બીરબલ - અચલ કીર્તી.

પંડીત - એવી કઈ બે વસ્તુઓ છે કે જે એક બીજાની પાસે છે છતાં તે મળી શકતી નથી.

બીરબલ - આંખો. બંને એકબીજાની પાસે છે છતાં વચ્ચે નાક રહેલું છે તેથી તેમનો મીલાપ થતો નથી.

પંડીત - સુખી રહેવાનો રસ્તો કયો ?

બીરબલ -સંતોષી રહેવું. સંતોષી સદા સુખી અને અસંતોષી સદા દુઃખી.

પંડીત - કંઇ ચીજ વધારે કીંમતી અને વખાણવા લાયક હોય છે ? બીરબલ - કારીગરી.

પંડીત - મુર્ખ કોને કહેવો ?

બીરબલ - જે પોતાનો સ્વાર્થ સમજતો નથી તેને.

પંડીત - એવું શું છે જે પોતાના પાડોસીઓને કરી મુકે છે ?

બીરબલ -એતો સુખડ.

પંડીત - કામ સંતોષકારક ક્યારે થાય ?

બીરબલ - જ્યારે પોતાને હાથે કર્યું હોય ત્યારે.

એક પછી એક પોતાના સવાલોના બીરબલે જવાબ આપ્યા તેથી તે પંડીત ઘણોજ ખુશી થયો. શાહ પણ બીરબલની જીત થયેલી જાણી બહુજ આનંદ પામ્યો. તેથી તેણે બંનેને સારો શીરપાવ આપ્યો.

પંડીતે પણ બીરબલના બહુ વખાણ કર્યા અને પોતે જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં તેની સ્તુતી કીધી.


-૦-