← શીપાઈ રૂપ શીશી બીરબલ અને બાદશાહ
સોનીની ચાલાકી
પી. પી. કુન્તનપુરી
કયો દેશ બેશરમી હશે ? →


વારતા એકસોવીસમી
-૦:૦-
સોનીની ચાલાકી
-૦:૦-

એક સમે શાહે બીરબલને પુછ્યું કે, 'એ બીરબલ ! કારીગરો માટે લોક વાયકા એવી ચાલે છે કે ગમે તેટલી ચોકસી રાખો તોપણ કારીગરને હાથ થાપ ખાઇ જવાય એ વાત ખરી છે કે ખોટી ?

બીરબલ--સરકાર ! પોત પોતાના હુન્નરમાં સ‌ઉ કોઇ ચાલાક હોય છે.

શાહ--શું દરજી સોની વગેરે દરેક જાતના કારીગરો કસબ ચોર હોય છે ?

બીરબલ--હજુર ! હું એમ નથી કહેતો કે દરેક કસબી ચોર હોય છે. સોની સોનું ચોરવાના કસબ માટે એવી વાતો કહેવાય છે કે બરોબર ધ્યાન દ‌ઇને પાસે બેઠેલા ઘરાકના સોનામાંથી ઘરાકની આંખમાં ધૂળ નાખીને તે સોનું ચોરે છે. જે પોતાની બેન છોકરીનાં દાગીનામાંથી પણ થોડું ઘણું સોનું ચોર્યા વગર બનાવતાં નથી. અને તેવી એક વાત મારા સાંભળવામાં આવેલ છે.

શાહ--તું જે કહે છે તે ખરી વાત હશે. પણ મારે પોતાને સોનીઓની ચતુરાઈનું પારખું જોવું છે.

બીરબલ--ઠીક છે. આપને નજરોનજર બતાવીશ.

થોડા દહાડા વીત્યા બાદ બીરબલે ગામમાંથી ચાલાક સોનીઓમાંથી દશને તેડાવી મંગાવી એ બધાઓને શાહ સામે હુકમ દીધો કે, 'સોની મહાજન ! નામધાર બાદશાહ માટે પચીશ મણ સોનાના વજનનો એક હાથી બનાવવો છે. એકજ જાતનું પચીશ મણ સોનું તમને આપવામાં આવશે. હાથી વીસ દહાડામાં તૈયાર કરી આપવો પડશે. આ હાથીના સોનામાંથી થોડું સોનું તમે ચોરજો. પણ જો સોનું ચોરતાં પકડાયા તો મોતની સજા કરવામાં આવશે અને હાથી બનાવી રહેતાં સોનું નહીં ચોરો તોપણ તમને સજા કરવામાં આવશે. આ કામની મજુરી તમને પુરેપુરી આપવામાં આવશે. આ કામ કરતી વખતે તમારી ઉપર સખત ચોકી પેહેરો પણ રાખવામાં આવશે.

બીરબલનો હુકમ સાંભળતાંજ સોનીઓના હોંસ કોસ ઉડી ગયા. થોડીવાર પછી તેઓના બે મુખી આગેવાનોએ હાથ જોડીને કહ્યું કે, 'ખલકે ખાવીંદ ! હાથી બનાવવાનો હુકમ કરો છો તે માથે ચઢાવીએ છીએ, પણ ચોરીતો અમારાથી બનવાની નથી. જોઇએ તો બાપજી, બીજા કોઇને બોલાવીને એ કામ સોંપો.'

બીરબલ--નહીં, પ્રથમ કહેવા મુજબ એ કામ તમારેજ કરવું જ પડશે. સોનીઓએ બીરબલને બહુ સમજાવ્યો, પણ બીરબલ ન સમજતા સોનીઓને તે કામ કરવાની ફરજ પાડવાથી બીજે દહાડે હથીયારો લઈ કામે આવવાનો વાયદો કરી સોનીઓ ત્યાંથી જતા રહ્યા. એજ દહાડે બધા 'હવે કેમ કરવું ' એ મસલત કરવા એકઠા મળ્યા. શાહે બરાબર જોખાવી કસ કઢાવી આપેલું સોનું, તેમાં વળી ઉપર હથીઆરબંધ શાહના ભરોસાદાર સીપાઇઓની ચોકી. આવી રીતનો મામલો છતાં સોનું કેમ ચોરવું તે માટે તેઓને મ્હોટો વીચાર થ‌ઇ પડ્યો. ઘણી ઘણી યુક્તિઓ કરતાં આખરે એક યુક્તી બધાને પસંદ પડી અને તે પ્રમાણે કરવા બધા એકમત થયા.

બીજે દહાડે સમય થતાં બધા સોનીઓ પોતાને ઉપયોગનાં હથીઆરો લ‌ઇ દરબારી મહેલમાં હાજર થયા. સોનું જોખી અને તેનો કસ કહાડીને તેમને સોંપવામાં આવ્યું. શાહના ખાસ ભરોસાદાર અમલદારોની તેમના ઉપર ચોકી રાખવામાં આવી. અમલદારોને ખાસ હુકમ હતો કે, જો કોઇ પણ સોની સોનું ચોરતાં પકડાય એટલે તેને તરતજ કેદ કરવો. પણ સોનીઓ કાંઇ કાચા ન હતા. તેઓ આવી રીતે સોનું ચોરે શા માટે ? આખો દહાડો બધાએ કામ કીધું. સાંજ પડતાંજ બધા રજા લ‌ઇ પોતાને ઘેર ગયા. પોતાને ઘેર આવીને જમ્યા અને રાતના પોતાને કામે વળગ્યા. દીવસના જેટલો ભાગ બધાએ મળીને સોનાના હાથીને બનાવ્યો હતો તેટલોજ ભાગ પીતળના હાથીનો બધાએ થોડાક કલાકમાં બનાવ્યો. આ પ્રમાણે શાહના મહેલમાં દીવસે જેટલું કામ કરતાં તેટલુંજ કામ રાતના એક મહોટા સોનીના ઘરમાં કરતાં આ પ્રમાણે બંને હાથી ઓગણીસમેં દહાડે બનાવી ત‌ઈયાર કીધા. પીતલના હાથીને પાલીસ કરી ચલકદાર કરવામાં જરાપણ કચાસ રાખી ન હતી. હવે પીતળના હાથીને રાતના ગુપચુપ ઉચકીને જમના નદીમાં એક ઠેકાણે દાટી આવ્યા. બીજે દહાડે સવારના પહોરમાં દરબારમાં હાજર થઇ શાહ અને બીરબલને બોલાવી પેલો સોનાનો હાથી ત‌ઇયાર કરેલો દેખાડ્યો. રાજાએ તરત પોતાના સોનીને બોલાવી કસ કઢાવ્યો તો બરોબર નીકળ્યો. તેમજ વજન કરતાં હાથી તેમજ વધેલું સોનું પણ બરોબર નીકળ્યું. આવી રીતે વજન તથા કસની ખાત્રી કર્યા પછી એક બુધ્ધા સોનીએ કહ્યું કે, 'સરકાર ! હવે આ હાથીને પાલીસ કરવો છે માટે એક ગાડામાં ભરી જમના નદીને કાંઠે લ‌ઇ જવા હુકમ કરો. ત્યાં પાણી અને રેતીથી પાલીસ સારી થશે.'

રાજાએ તે વાત કબુલ કરી અમલદારોની દેખરેખ નીચે સોનાના હાથીને ગાડામાં ઘાલી નદીએ લ‌ઇ જવા કુકમ કીધો. નદી ઉપર આવતા ગાડામાંથી સોનાનો હાથી ઉતારી જ્યાં પીતલનો હાથી દાટ્યો હતો તેને બહાર કાઢી તેને ઠેકાણે સોનાનો હાથી દાટી દીધો. પીતલના હાથીને ખુબ ચલકતો કરી સાંજના ગાડામાં ઘાલી દરબારમાં લાવી રજુ કીધો. તમામ દરબાર એકઠી થ‌ઇ આ બનાવટી હાથીની કારીગરી જોઇ આનંદ પામ્યા. બાદશાહે સોનીઓના મુખીને કહ્યું કે, 'સોની મહાજન ! હવે ખરૂં કહો કે કેટલા સોનાની ચોરી કીધી.' સોની--શું અમે ચોર છ‌ઇયે કે ચોરી કરીએ ? આપે કરી આપેલા વજન અને કસ બરોબર માલ મળી રહ્યો. મહેનતના પ્રમાણમાં મઝુરી મળે એટલે બસ.

શાહ--તમો જે કહો છો તે ખરૂં છે. પણ આપણી શરત શી છે તે તો તમને યાદ હશેજ.

સોની--હજુર ! તમારા ચાલાક અમલદારોની હાજરીમાં અમારાથી ચોરી કેમ કરી શકાય ?

શાહ--તે હું કાંઇ જાણતો નથી. હું તો મારી સરત મુજબ વરતનાર છું. જો સોનાની ચોરી કરી નહીં હોય તો તમને મોતની સજા કરવામાં આવશે. માટે તમે કહો કે કેટલા સોનાની ચોરી કરી છે. તમારો અપરાધ માફ છે.

બીરબલ સોનીઓની કાંઇક ચતુરાઇ જાણી ગયો હતો તેથી તે એટલી વાર સુધી ગુપચુપ ઉભો હતો તેણે કહ્યું કે, 'મહાજન ! માલીક ક્યાં કહે છે કે, તમે થોડા સોનાની ચોરી કરી છે ? તમે તો વધારે સોનાની ચોરી કરી હોય એમ લાગે છે.'

સોની--અમને ક્ષમા કરો. અમે વધારે ચોરી કરી નથી.

શાહ--તમારા અપરાધની ક્ષમા કરવા છતાં તમે તમારો અપરાધ કબુલ નહીં કરો તો પછી તમને વધારે સજા ખમવી પડશે. કારણ કે મેં પહેલાજ કહેલું છે ચોરી કરતાં પકડાશો અને નહીં કરશો તોપણ સજા થશે. માટે તમારા બોલવા ઉપરથી બધુએ બરાબર છે તેથી એમ લાગે છે કે તમે શીક્ષાને પાત્ર થયા છો. માટે સજા ભોગવવા તત્પર થાઓ.

હવે વધારે રીકઝીક કરવામાં સાર નથી એમ જાણી પેલા બુધ્ધા સોનીએ કહ્યું કે, 'તમારા ચંચલ અમલદારોએ અમારી ચોરી પકડી શક્યા નથી પણ અમેતો આખા હાથીની ચોરી કરી છે. ખાત્રી કરવી હોય તો તપાસો કે એ સોનાનો છે કે પીત્તળનો ?

સોનીના આવા શબ્દો સાંભળી શાહ ચમક્યો, તેણે પોતાના સોનીને બોલાવી મંગાવી તેનો કસ કઢાવ્યો તો હાથી તો પીતળનો માલમ પડ્યો. શાહે આ કેમ બન્યું તે માટે સોનીઓને ખુલાશો પુછ્યો. સોનીઓએ બનેલી બધી વાત કહી સંભળાવી, નદીમાંથી હાથી લાવી શાહને સ્વાધીન કીધો. શાહે સોનીઓને તેમની ચાલાકી માટે શાબાશી તથા ઇનામ આપી વીદાય કીધા.

-૦-