← કાલી કે તેઅમત બીરબલ વિનોદ
કબુતરનું કૌતુક
બદ્રનિઝામી–રાહતી
ચાર પ્રશ્નો(૨) →


વાર્તા ૮૦.

કબુતરનું કૌતુક.

એક દિવસે બાદશાહે બીરબલને કહ્યું “બીરબલ ! તું ખેતરમાં ગયો હતો, ત્યાં જે કૌતુક જોવામાં આવ્યું તેનું વર્ણન કહી સંભળાવ.” બીરબલ બોલ્યો “જહાંપનાહ ! મેં કોઈ મોટું કૌતુક જોયું નથી, પરંતુ બધા માણસો એમ કહે છે. મેં જે કૌતુક જોયું તે આપને સંભળાવું છું. પેલા ખેતરમાં એક કુવો હતો જેમાં કેટલાક કબુતરો આવી ભરાયા હતા એટલે ખેડુતે તેની ઉપર એક ચાદર ઢાંકી દીધી. ત્યારપછી ખેડુતે ચાદર ઉઠાવી એટલે એક કબુતર ઉડી ગયું. જેથી ખેડુતે ચાદર પાછી ઢાંકી દીધી અને ફરી જોવા માટે ઉઠાવી એટલે એક કબુતર ઉડી ગયો.”

બાદશાહ બોલ્યો “વારૂ, એ પછી શું થયું ?”

બીરબલ બોલ્યો “પાછો ખેડુતે ચાદરનો એક છેડો ઉપાડ્યો એટલે એક કબુતર ઉડી ગયું.”

બાદશાહ વારંવાર પૂછતો કે “એ પછી શું થયું ?'

અને બીરબલ ઉપલોજ જવાબ આપતો, જેથી કંટાળી જઈ બાદશાહે કહ્યું “અરે બીરબલ ! “ એક કબુતર ઉડી ગયું” ? એ તારો લવારો કયારે બંધ થશે ?”

બીરબલે તરતજ જવાબ આપ્યો "હુઝૂર આપ “પછી શું થયું" નહીં બોલો એટલે મારો લવારો પણ બંધ થઈ જશે.

આ જવાબ સાંભળી બાદશાહ ઘણોજ પ્રસન્ન થયો અને સરપાવ આપ્યો.