બીરબલ વિનોદ/કા કારણ ડોલેમેં હાલત પાની?

← સત્ય આને અસત્ય વચ્ચે કેટલું અંતર? બીરબલ વિનોદ
કા કારણ ડોલેમેં હાલત પાની?
બદ્રનિઝામી–રાહતી
એક ગુરૂના બે ચેલા →


વાર્તા ૧૬.

કા કારણ ડોલમેં હાલત પાની?

એક દિવસે બપોર ગાળ્યા પછી બાદશાહ મહેલના ઝરોખામાં બેઠો બેઠો લોકોની આવજા નિહાળતો હતો. એવામાં એક પરમ લાવણ્ય સંપન્ન સુંદરી પાણી ભરીને ત્યાંથી જતી દેખાઈ. માથે બેડું મૂક્યું હતું અને હાથમાં ડોલ ઝાલી હતી, જેમાંનું પાણી હાલતું હતું. તે જોઈ બાદશાહ વિચારવા લાગ્યો કે ‘એ ડોલમાંનું પાણી કેમ હાલે છે ? કદાચ એ સુંદરી તેને ઉંચકીને ચાલે છે તેથી તો નહીં હાલતું હોય?’ આવો વિચાર આવતાં તેના મનમાં એક લીટી આવી કેઃ–

કા કારણ ડોલમેં હાલત પાની ?

(અર્થાત્ શા કારણે ડોલમાં પાણી હાલતું હશે ?)

પછી થોડીવારે બાદશાહ દરબારમાં ગયો, પણ તે લીટી તેને યાદજ રહી ગઈ હતી એટલે જ્યારે દરબારનું કાર્ય ખલાસ થતાં બીજી વાતો થવા લાગી ત્યારે બાદ શાહે કહ્યું “હું એક વાક્ય બોલું છું એનો અર્થ કરી બતાવો.” એમ કહી તેણે ઉપલી લીટી કહી. સૌ કોઈ વિચારમાં પડી ગયા અને જ્યારે કોઈ ઉત્તર ન આપી શક્યું ત્યારે બીરબલે ઉભા થઈ કહ્યું “જહાંપનાહ ! એના અર્થનું મ્હેં એક કવિત જોડ્યું છે તે ઉપરથી એનો સાર સમજી શકાશે. સાંભળો:–

એક સમય જલ આનન ઘરસે,
નિકસી અબલા બ્રજકી રાની,
જાત સંકોચમેં ડોલ ભરન,
જલ ખેંચતથી અંગીયા મસકાની;
દેખ સભી છતીયાં ઉઘરી,
કવિ સત્ય કહે મન લલચાની;
હાથ બિના પછિ તાત રહોં,
યેહ કારણ ડોલમેં હાલત પાની.

બાદશાહ એ કવિત સાંભળી સહર્ષ બોલી ઉઠ્યો “શાબાશ, બીરબલ ! શાબાશ, તને જેટલું આપું એટલું ઓછું જ છે.” એમ કહી એક કીમતી શાલ અને મંદીલ તેમ બેટ આપ્યાં.