← સાકરનો હીરો બીરબલ વિનોદ
ચંપક અને ભ્રમર
બદ્રનિઝામી–રાહતી
સૌથી નરમ શું ?  →


વાર્તા ૬૭.

ચંપક અને ભ્રમર.

ગ્રીષ્મહ્રુતુમાં એક દિવસે સંધ્યા સમયે બાદશાહ બીરબલને સાથે લઈ બાગમાં ફરવા નીકળ્યો. બાગમાં રંગ બેરંગી પુષ્પોના ઝાડ શોભી રહ્યા હતા, વચ્ચે વચ્ચે ફળ ઝાડો પણ ફળોથી ભરચક થઈ રહેલા હતા. જ્યાં ત્યાં પાણીના હોઝ ભરેલા હતા અને તેમાં ફુવારા ઉડતા હતા. ફરતાં ફરતાં બાદશાહની નઝર ત્યાં ગુંજાવર કરતા ભ્રમરો પર પડી. તેણે જોયું કે ભ્રમરો બધા ફુલો ઉપર બેસી રસ ચુંસે છે, પરંતુ ચંપાના ફુલ ઉપર બેસતા નથી. એટલે તેણે બીરબલને કહ્યું “બીરબલ ! આ ભમરાઓ બીજા બધા ફુલો ઉપર બેસે છે, પણ ચંપાના ફુલ ઉપર બેસતા કેમ નથી ? એ તું બતાવી શકીશ?”

બીરબલ બોલ્યો “જહાંપનાહ ! એનું કારણ અમારા શાસ્ત્રમાંનું છે. એક કવિએ તે ઉપર કવિતા પણ રચી છે કે:-

ચંપા તુજમેં તીન ગુન, રૂપ, રંગ ઓર બાસ
એક અવગુન એસો ભયો, ભ્રમર ન આવે પાસ.

વળી ચંપક ઉપર ન બેસવાનું કારણ આ બીજી કવિતમાં આપેલું છે કે :-

ચંપકવર્ણી રાધિકા, ઓર ભ્રમર હરિકો દાસ
ઇસ કારણ આવત નહીં, ભ્રમર ચંપા પાસ.

જહાંપનાહ ! કવિની કલ્પના-શક્તિએ આ કારણ તો સારૂં શોધી કાઢ્યું છે, પરંતુ ખરી બીના એ છે કે ચંપાની વાસ એટલી બધી તે તીવ્ર છે કે તે ભ્રમર સહન કરી શકતો નથી અને એજ કારણે તે તેનાથી દૂર રહે છે."

આ સાંભળી બાદશાહ ઘણોજ પ્રસન્ન થયો.