← ચોબાની હાઝરજવાબી બીરબલ વિનોદ
છતી આંખે આંધળા
બદ્રનિઝામી–રાહતી
આરસીમાં મોહરો →


વાર્તા ૧૦૨.

છતી આંખે આંધળા.

એક દિવસે બાદશાહે બીરબલને પૂછ્યું “અરે, બીરબલ ! આ જગતમાં આંધળા વધારે કે દેખતા ?”

બીરબલે જવાબ આપ્યો કે “ખુદાવિંદ ! ! વિચાર કરી જોઈયે તો દેખતા કરતાં આંધળાઓની સંખ્યા અધિક જણાઈ આવશે.”

બાદશાહ બોલ્યા “એનો પ્રત્યક્ષ પુરાવો બતાવી શકીશ ? ”

બીરબલે કહ્યું “જી હા, નામદાર ! કાલે બતાવીશ.”

બીજે દિવસે બીરબલ વગર ભરેલો ખાટલો અને તેને ભરવાની દોરી લઈ બાદશાહ પાસે હાઝર થયો અને કહેવા લાગ્યો “ખુદાવિંદ ! આંધળાનો પુરાવો જોવો હોય તો ચાલો, મારી સાથે આવો.”

બાદશાહ તેની સાથે જવા તૈયાર થાયો એટલે બીરબલે એક કારકુનને પણ સાથે લીધો. આ બધો સરંજામ લઈ બીરબલ નદી કિનારે આવ્યો અને ત્યાં બેસી જઈ ખાટલો ભરવા લાગ્યો. તે જોઈ બાદશાહે આશ્ચર્ય પામીને પૂછ્યું “અરે, બીરબલ ! આ તે શું કરવા માંડ્યું ?”

બાદશાહનો આ સવાલ સાંભળી બીરબલે પેલા કારકુનને કહ્યું “ચાલો, આંધળાઓના લીસ્ટની બાદશાહ સલામતના નામથી જ શરૂઆત કરો.”

પેલા કારકુને બીરબલના કહેવાનુસાર કર્યું. થોડીવારમાંજ ત્યાં અમીર, ઉમરાવો, મોટા મોટા સરદારો, વહેપારીયો વગેરે આવવા લાગ્યા. એમાંના કેટલાક બીરબલને જોતાંજ બોલી ઉઠતા “ અરે, આ શું ધંધો કરે છે ?” જે કોઈ એ પ્રકારનો સવાલ કરતો તેનું નામ પેલો કારકુન આંધળા તરીકે લખી લેતો. અને જેમણે એવો સવાલ કર્યો કે “આજે તો કાંઈ ખાટલો વણાવા બેઠા છો ? ” તેમના નામ દેખતાની યાદીમાં દાખલ કરી લેતો. આ પ્રકાર એક કલાક સુધી ચાલ્યો અને તે અરસામાં પાંચસો આંધળાની યાદીમાં અને એક સો દેખતાની યાદીમાં નામ લખાયાં.

જ્યારે જવાનો વખત થયો, ત્યારે બીરબલે પેલા કારકુન પાસેથી યાદી લઈને બાદશાહને દેખાડી. આંધળાની યાદીમાં પ્રથમ જ પોતાનું નામ જોઈ બાદશાહે આશ્ચર્ય પામીને પૂછ્યું “બીરબલ ! તેં આ આંધળાની યાદીમાં મ્હારૂં નામ કેમ લખાવ્યું? અને તે પણ વળી પહેલુંજ ?”

બીરબલે હાથ જોડી નમ્રતાપૂર્વક કહ્યું “જહાંપનાહ ! જે વખતે આપણે અત્રે આવ્યા અને હું ખાટલો ભરવા બેઠો, તે વખતે આપે પ્રત્યક્ષ નઝરે જોવા છતાં મ્હને પ્રશ્ન કર્યો કે “બીરબલ ! તે આ શું કરવા માંડ્યું ?” મને ખાટલો ભરતો જોઈ જેમણે એ સવાલ કર્યો, તેમનાં નામ આંધળાની યાદીમાં દાખલ કર્યા અને જેમણે મને પૂછ્યું કે “ આજે તો તમે કાંઈ ખાટલો ભરવા મંડી ગયા છો !” તેમનાં નામ દેખતાની લીસ્ટમાં દાખલ કર્યા. તેઓ જ ખરેખરા દેખતા છે, એવા દેખનારાઓની સંખ્યા ઘણી જ ઓછી છે અને આંધળાઓની તેથી છ ગણી છે.

બાદશાહ બીરબલની આવી ચતુરાઈ જોઈ ઘણોજ આનંદ અને આશ્ચર્ય પામ્યો અને તેને મહેલમાં લઈ ગયો.