બીરબલ વિનોદ/તે તે પાંવ પસારીયે જેતી લાંબી સોડ
← બેટા રોતા થા | બીરબલ વિનોદ તે તે પાંવ પસારીયે જેતી લાંબી સોડ બદ્રનિઝામી–રાહતી |
હાથકે છુએ જો કોઈ બેરહુ ન ખાયગો → |
એક દિવસ બીરબલની ગેરહાઝરીમાં કેટલાક હાજીયા દરબારીયોએ બાદશાહ આગળ અરઝ કરી કે “હુઝૂર ! આપ સર્વ કામો માટે બીરબલનેજ કહો છો અને અમને કોઈ જાતની સેવા બજાવવાનો કેમ હુકમ કરતા નથી ?” બાદશાહે કહ્યું “તમે એના જેવા ચતુર નથી, માટે જ .”
આ ઉત્તર સાંભળી બધા દરબારીયો એક અવાઝે બોલી ઉઠયા “જહાંપનાહ ! એ તે કેમ કહેવાય ? આપ એકવાર અમારી પરિક્ષા કરી જુઓ.”
બાદશાહે એજ વખતે એક સવા ગજ લાંબી પહોળી ચાદર મંગાવી અને પેલા દરબારીયોને કહ્યું “હું બીછાના ઉપર સૂઈ રહું છું અને તમે આ ચાદર મ્હને, મ્હારું આખું શરિર ઢંકાય એવી રીતે ઓઢાડી દો.” આમ કહી બાદશાહ પલંગ ઉપર લાંબો થઈ સૂતો, પણ માત્ર સવાગજ લાંબી પહોળી ચાદર કોણ ઓઢાડી શકે ? પગની તરફ ખેંચવા જાય તે માથા ઉપર ન રહે અને જે માથા પર ઢાંકવા જાય તે પગ ઉઘડી જાય. બધાએ ઘણીએ હિકમત ચલાવી, પરંતુ ફોકટ. આવો પ્રકાર જોઈ બાદશાહે બીરબલને કચેરીમાંથી તાબડતોબ બોલાવ્યો. બીરબલે આવી ચાદર પોતાના હાથમાં લીધી અને જોવા લાગ્યો. બધા દરબારીયો એકી નઝરે તેના તરફ જોઈ રહ્યા હતા, કે જેઈયે એ શું યુક્તિ ચલાવે છે.
બીરબલે પલંગ પાસે જઈ બાદશાહના ૫ગ બેવડા વાળી દઈ, ચાદર ઓઢાવી દીધી. બાદશાહે કહ્યું “બીરબલ ! મારા પગ કેમ વાળી દીધા?”
બીરબલે તરતજ ઉત્તર આપ્યો “જહાંપનાહ ! કહેવત છે કે તે તે પાંવ પસારીયે જેતી લાંબી સોડ,”
આ ઉત્તર સાંભળી બાદશાહ ઘણો જ પ્રસન્ન થયો અને બધા દરબારીયો પણ ચુપ થઈ ગયા.